You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IIM-A: દેશની પ્રખ્યાત અમદાવાદની IIMનો લોગો બદલવા સામે કેમ વિરોધ થઈ રહ્યો છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વિશ્વભરમાં નામાંકિત અને ગુજરાતની પ્રતિષ્ઠિત બિઝનેસ મૅનેજમૅન્ટ ઇન્સ્ટિટયૂટ અમદાવાદની IIM ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી IIMAનો લોગો બદલવાનો વિવાદ ચાલી રહ્યો છે.
IIM અમદાવાદના બોર્ડ દ્વારા લોગો બદલી દેવાની કવાયત હાથ ધરી હતી પણ તેની સામે વર્તમાન ફૅકલ્ટી, ભૂતપૂર્વ પ્રોફેસરો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને નિવૃત પ્રોફેસરોના વિરોધને પગલે આજદિન સુધી વિવાદનો સુખદ ઉકેલ આવ્યો નથી.
આઈઆઈએમ અમદાવાદના બોર્ડ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફૅકલ્ટીને જાણ કર્યા વિના લોગોની ડિઝાઇન બદલવામાં આવી રહી હોવાનું ચર્ચાય છે.
આ સમગ્ર બાબતની જાણ થતાં આઈઆઈએમ અમદાવાદના 48 ફૅકલ્ટી દ્વારા અમદાવાદ આઈઆઈએમના ડાયરેક્ટરને પત્ર લખીને નવા લોગો અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તો બીજી તરફ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ઑનલાઇન પિટિશનમાં અત્યાર સુધી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત કુલ 1471 વ્યક્તિઓએ સમર્થન જાહેર કરી દીધું છે.
આઈઆઈએમ અમદાવાદની સ્થાપના અને લોગો
આજથી 61 વર્ષ પહેલાં આઈઆઈએમ અમદાવાદનો પાયો નંખાયો હતો તે વેળાએ તેનો લોગો નક્કી કરવામાં આવ્યો હતો. સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ, એક સંસ્કૃત શ્લોક સાથેનો લોગો હાલમાં અમદાવાદ આઈઆઈએમની ઓળખ બની ચૂક્યો છે.
જાણીતા વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદ આઈઆઈએમનો લોગો નક્કી કર્યો હતો.
લોગોનો વિવાદ તારીખ ચાર માર્ચના રોજ યોજાયેલી એકૅડેમિક કાઉન્સિલની બેઠક બાદ ચર્ચામાં આવ્યો હતો, કેમ કે આઈઆઈએમ અમદાવાદના ફૅકલ્ટી સભ્યોએ આઈઆઈએમના વર્તમાન ચૅરમૅનને પત્ર લખીને લોગો નહીં બદલવાની રજૂઆત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફૅકલ્ટી દ્વારા લખાયેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેઓને ગત તા. ચાર માર્ચના રોજ યોજાયેલી એકૅડેમિક કાઉન્સિલની મીટિંગમાં આઈઆઈએમ અમદાવાદના લોગો ચેન્જ કરવાની પ્રપોઝલ અંગે જાણ કરવામાં આવી હતી. લોગો બદલવાની સમગ્ર પ્રક્રિયામાં ફૅકલ્ટી સભ્યોને જાણ કરવામાં આવી નહોતી. તેઓને વિશ્વાસમાં લેવાયા ન હતા, સાથે લોગો બદલાવાનો નિર્ણય કેમ કરવામાં આવ્યો તથા લોગો બદલવાની પ્રક્રિયાથી તેમને કેમ દૂર રાખવામાં આવ્યા તે અંગે સવાલ ઉઠાવતાં તેમણે ચૅરમૅનને ઉગ્ર રજૂઆત કરી હતી.
આઈઆઈએમ અમદાવાદ દ્વારા પોતાની સત્તાવાર વેબસાઇટ પર એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આઈઆઈએમ અમદાવાદની વેબસાઇટ અપડેશન માટે લોગોમાં બદલાવની જરૂરિયાત ઊભી થઈ છે. ભલામણ કરેલી લોગોની અંતિમ ડિઝાઇન રજૂ કરતી વખતે મૂલ્યાંકન, સંશોધન વર્ડમાર્કનો વિકાસ, બ્રાન્ડમાર્કનો વિકાસ વગેરે બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી.
સૂચિત લોગો મૂળ લોગોનો વારસો જાળવે છે. મૂળ સંસ્કૃતની લાઇન "विद्या विनियोगात् विकासः" જાળવી રાખી છે. કલરના પ્રેઝન્ટેશનમાં સુધારો કરવામાં આવ્યો છે. ફૉન્ટ્સનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. જાળી બ્રાન્ડ માર્કને ડિજિટલ મીડિયાના કૉમ્યુનિકેશન માટે વધુ અનુકૂળ બનાવામાં આવી છે. બ્રાન્ડ નામ વધુ અલગ બનાવે છે. સૂચિત લોગો વાર્ષિક વેકેશન બાદ જૂન મહિનામાં રિલીઝ થશે.
લોગો બદલવા સામે વિરોધ કેમ?
આઈઆઈએમ અમદાવાદના બોર્ડ દ્વારા લોગો બદલવાની કવાયત સામે જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ પ્રોફેસર અને વર્તમાન ફૅકલ્ટી સભ્યો વિરોધ નોંધાવી રહ્યા છે, જોકે તેમના તર્કની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આઈઆઈએમ અમદાવાદના પૂર્વ ડાયરેક્ટર બકુલ ધોળકિયાએ પણ અમદાવાદ આઈઆઈએમનો લોગો બદલવાના પ્રકરણમાં વિરોધ નોંધવ્યો છે.
તેમણે આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આઈઆઈએમ અમદાવાદનો લોગો બદલવા અંગેનો વર્તમાન ડાયરેક્ટરનો નિર્ણય સાવ ખોટો છે. આ મનસ્વી નિર્ણય છે."
"વર્ષ 1961માં આઈઆઈએમ અમદાવાદની સ્થાપના સમયે ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા વિચારવિમર્શ કર્યા બાદ આ લોગો નક્કી કરવામાં આવ્યો હતો. વર્ષ 1961થી આ લોગોમાં સંસ્કૃત શબ્દ છે. આ શબ્દો સાથે આઈઆઈએમ અમદાવાદે દેશ તેમજ વિદેશમાં અનેક ખ્યાતિ હાંસલ કરી છે."
તેમના મતે, "ડાયરેક્ટર દ્વારા ફૅકલ્ટી સાથે વિચારવિમર્શ કર્યા વગર જ બોર્ડ સમક્ષ પ્રપોઝલ મૂકવામાં આવી હતી. બોર્ડે આ નિર્ણય પરત ખેંચવો જોઈએ. આઈઆઈએમનો લોગો યથાવત્ રાખવો જોઈએ. અગામી તા. 13 એપ્રિલના રોજ બોર્ડ મીટિંગ રાખવામાં આવી છે અને બોર્ડ મીટિંગમાં આ લોગો બદલવા અંગે ચર્ચા થશે."
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, "નવા લોગોથી કોઈ પણ સ્ટેક હોલ્ડર રાજી નથી. હાલના આઈઆઈએમ અમદાવાદના ફૅકલ્ટીઝ દ્વારા લોગો ન બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમજ સંસ્થાના નિવૃત્ત પ્રોફેસરોએ પણ લોગો ન બદલવા અંગે ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ લોગો બદલવાની સામે વિરોધ દર્શાવીને ઑનલાઇન પિટિશન સાઇન કરવામાં આવી રહી છે."
આઈઆઈએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આઈઆઈએમ હૈદરાબાદ ચેપ્ટરના સેક્રેટરી સોવજન્ય બોંડાએ ગુજરાતી બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, "આઈઆઈએમ-અમદાવાદમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં બ્રાન્ડિંગ તેમજ માર્કેટિંગ ક્ષેત્રે જોડાયેલા છે, તેમજ કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તો મોટી-મોટી કંપનીઓમાં કામ કરી રહ્યા છે. તેઓ પણ કામના ભાગરૂપે વિવિધ પ્રકારના લોગો બદલવા જેવી પ્રક્રિયામાં જોડાયેલા હોય છે. તેવા સંજોગોમાં આઈઆઈએમ અમદાવાદ જેવી સંસ્થાએ લોગો બદલવાના મામલે આમાંથી કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શ કરવો જોઈતો હતો."
તેઓ કહે છે, "બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શ ન કરી શકાય તેવું બને, પણ કેટલાક સાથે તો વિચારવિમર્શ કરી શકાય તેમ હતું. આ લોગો બદલવાની જરૂર કેમ જણાઈ તે અંગે પણ વિચારવિમર્શ કરવો જોઈતો હતો. આ અંગે અમે ઑનલાઇન પિટિશન સાઈન કરી છે, જેમાં અત્યાર સુધીમાં 1400 કરતાં વધુ લોકોએ પિટિશન સાઈન કરી છે. આ પિટિશન દ્વારા અમારું રિપ્રેઝન્ટેશન અમે આ અઠવાડિયામાં રજૂ કરીશું."
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઑનલાઇન પિટિશનમાં શું લાગણી વ્યક્ત કરી રહ્યા છે?
આ સમગ્ર પ્રકરણમાં આઈઆઈએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એલ્યુમની ઍૅસોસિયેશન દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઑનલાઇન પિટિશન પણ ચાલુ કરાઈ રહી છે.
ઑનલાઇન પિટિશનમાં તા. 7 એપ્રિલ 2022 સુધીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત અન્ય વ્યક્તિઓ દ્વારા આઈઆઈએમ અમદાવાદના લોગો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આઈઆઈએમ અમદાવાદના 30 નિવૃત્ત પ્રોફેસરોએ પણ લોગોની ડિઝાઇન બદલવાના વિરોધમાં ડાયરેક્ટરને પત્ર લખીને વાંધો લીધો છે.
ઑનલાઇન પિટિશનમાં અમદાવાદ આઈઆઈએમ અને તેના લોગો સાથેનો તેમનો ભાવનાત્મક સંબંધની છણાવટ કરવામાં આવી છે.
ઑનલાઇન પિટિશનમાં લખવામાં આવ્યું છે કે, 'અમારા માટે આઈઆઈએમના કૅમ્પસનો અર્થ છે તેનો મહત્ત્વનો ભાગ લોગો. અમે મૅનેજમૅન્ટને અપીલ કરી રહ્યા છીએ કે લોગો બદલવામાં ન આવે. આઈઆઈએમ અમદાવાદ બ્રાન્ડ અને તેનો લોગો ટ્રી ઑફ લાઇફ તરીકે અમારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. આ લોગોમાં દર્શાવેલી ઐતિહાસિક સીદી સૈયદની જાળી દેશની એકતા અને વારસાનો અનુભવ કરાવે છે. "विद्या विनियोगात् विकासः"નું સૂત્ર અમને જ્ઞાનના ઉપયોગ દ્વારા વિકાસ સાધવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. આ સંસ્કૃતની એક લાઇન અસરકારક સંદેશ આપે છે જે જીવનનો સિદ્ધાંત પૂરો પાડે છે.'
આ ઉપરાંત તેમણે પિટિશનમાં અન્ય જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ અને તેની સાથે જોડાયેલા સંસ્કૃત શ્લોકની યાદી પણ જોડી છે.
લોગોનો આખો વિવાદ શું છે?
હવે લોગો બદલવા સામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેને વ્યક્તિગત લાગણીનો મુદ્દો ગણીને તેમાં કોઈ પણ પરિવર્તન નહીં કરવાનો અવાજ બુલંદ કરી રહ્યા છે.
આઈઆઈએમ અમદાવાદ દ્વારા એક ડૉમેસ્ટિક તેમજ એક આંતરરાષ્ટ્રીય એમ બે લોગો ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય લોગોમાં સંસ્કૃત લાઇન રાખવામાં આવી નથી.
ડૉમેસ્ટિક લોગોમાં સંસ્કૃત લાઈનના ફોન્ટ નાના કરી દેવામાં આવ્યા છે. તેમજ આઈઆઈએમ અમદાવાદને બદલે આઈઆઈએમ 'એ' કરી દેવામાં આવ્યું છે. તેમજ સીદી સૈયદની જાળીની પણ ડિઝાઇન બદલી દીધી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
અમદાવાદ આઈઆઈએમના વર્તમાન લોગોમાં અમદાવાદની ઐતિહાસિક વારસાની ઓળખ સમી સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ છે, સાથે તેની નીચે એક विद्या विनियोगात् विकासः સંસ્કૃત શ્વોકની લાઇન મૂકવામાં આવેલી છે.
નવા લોગોની ડિઝાઇનમાં સીદી સૈયદની જાળી મૂકવામાં આવી છે તે ઓળખાય તેમ નથી એટલે કે તે મૂળ પ્રતિકૃતિ જેવી લાગતી નથી, સાથે સંસ્કૃતની લાઇન કાઢી નાખવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
આ પ્રક્રિયામાં વર્તમાન ફેકલ્ટી કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેવાયા નથી તેવા આરોપ પણ લાગી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો