'અન્ય દેશ-રાજ્યમાં જ બાળકને ભણાવવું હોય તો સરકાર કર કેમ ઉઘરાવે છે?' વાઘાણીના નિવેદન મુદ્દે વાલીનો આક્રોશ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"સરકારે મોટા ભાગની ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરતાં લાખોના ખર્ચે બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનો વારો આવ્યો છે. છતાં નોકરીની ગૅરંટી નથી. આવી પરિસ્થિતિમાં સરકાર જો આવું કહે કે જેને શિક્ષણને લઈને ફરિયાદ હોય તેવા લોકોએ પોતાનાં બાળકોને અન્ય રાજ્ય કે દેશમાં ભણાવવું તો એ પ્રશ્ન થવો વાજબી છે કે સરકાર અમારી પાસેથી ટૅક્સ કઈ વાતનો ઉઘરાવે છે."

વાર્ષિક બે લાખ કરતાં વધુ ફી ભરીને ગુજરાતની ખાનગી શાળામાં પોતાના બાળકને ભણાવતાં ઇજનેર હેમલ શાહ ઉપરોક્ત નિવેદન થકી રાજ્યના શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીના ગુરુવારે રાજકોટની એક શાળાના લોકાર્પણ દરમિયાન આપેલા નિવેદન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે.

નોંધનીય છે કે જિતુભાઈ વાઘાણીએ ગુજરાત અને દિલ્હીની શિક્ષણવ્યવસ્થાની સરખામણી બાબતે એવું નિવેદન કર્યું હતું કે, "જેમને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેઓ સર્ટિફિકેટ લઈને બીજાં રાજયોમાં ચાલ્યા જાય."

આ નિવેદન રાજકીય પક્ષો, મીડિયા અને સામાન્ય લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આ નિવેદનની ઘણી ટીકા પણ થઈ હતી.

જોકે, શુક્રવારે જિતુ વાઘાણીએ પોતાના નિવેદન બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ નિવેદન દેશના વિરોધીઓ માટે હતું. તેમના નિવેદનને ખોટા સંદર્ભમાં રજૂ કરાયો છે.

હેમલ શાહનો દાવો છે કે તેમને પરદેશ જવાની અનેક તક મળી છતાં ભારત માટેના પ્રેમને કારણે તેમણે નોકરી માટે પરદેશ પર પસંદગી ઉતારી નથી.

શિક્ષણમંત્રીના વિવાદિત નિવેદનથી ન માત્ર વાલી પરંતુ શિક્ષણક્ષેત્રે ખંતથી કામ કરતા શિક્ષણવિદ્ પણ સામે આવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બીબીસી ગુજરાતીએ પણ આવા કેટલાક નિષ્ણાતો સાથે વાત કરીને વાઘાણીના નિવેદન અંગે તેમની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

સરકાર પ્રાથમિક શિક્ષણ બાબતે યોગ્ય જોગવાઈ અને કામગીરી કરવામાં ઊણી ઊતરી હોવાનો મત ઘણા શિક્ષણવિદ્ પણ વ્યક્ત કરે છે.

'શિક્ષણમંત્રી ઇચ્છે છે બાળકો ભણવા બહાર જાય?'

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે કામ કરતાં જાણકાર પ્રકાશ કરમચંદાની જણાવે છે કે, "સરકાર પ્રાથમિક શિક્ષણ અંગે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં યોગ્ય કામગીરી નથી કરી શકી. તે ઉપરાંત પ્રવાસી શિક્ષકો લાવવાની જોગવાઈ કરીને શિક્ષણના સ્તર અંગે વધુ ચિંતાજનક કામ કર્યું. હવે આ નિવેદનથી તો એવું લાગે છે કે કદાચ શિક્ષણમંત્રી જાતે જ એવું ઇચ્છે છે કે ગુજરાતનાં બાળકો પૈસા ખર્ચી બહાર ભણવા જાય."

તેઓ ગુજરાતની શિક્ષણવ્યવસ્થાની વિવિધ ખામીઓ અંગે વાત કરતાં કહે છે કે, "ગુજરાતમાં મોંઘાદાટ શિક્ષણને કારણે રાજ્યના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેન જેવા દેશોમાં સસ્તા શિક્ષણની તલાશમાં જાય છે. અધૂરામાં પૂરું સરકાર ખાલી પડેલી જગ્યાઓ પર પ્રમાણસર શિક્ષકોની ભરતી નથી કરતી. આમ સરવાળે શિક્ષણના સ્તર અંગે ચિંતાજનક પ્રશ્નો ઊભા થાય છે."

સરકારનાં વિવાદિત નીતિઓ અને નિર્ણયોને કારણે માતાપિતા પર શિક્ષણખર્ચનો બોજો વધતો હોવાની વાત જણાવતાં તેઓ કહે છે કે, "નબળા સરકારી શિક્ષણતંત્રને કારણે જ ખાનગી કંપનીઓને ઍપ બનાવી શિક્ષણ પૂરું પાડવા માટેની તક મળી જાય છે. જેના કારણે વાલીઓ માટે સમગ્ર શિક્ષણખર્ચ વધે છે."

અમદાવાદ ઍજ્યુકેશન ટ્રસ્ટના ચૅરમૅન વિજય મારુ બીબીસી સાથેની વાતચીતમાં આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, "ગુજરાતમાં પ્રાથમિકની સાથોસાથ ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા અંગેની સમસ્યા પણ મોટી છે. પહેલાંથી સારા એવા પ્રમાણમાં વિદ્યાર્થીઓ બહારનાં રાજ્યો અને દેશોમાં અભ્યાસ માટે જાય છે. આવી પરિસ્થિતિમાં શિક્ષણની વ્યવસ્થા સુધારવાના સ્થાને પોતાની જવાબદારીમાંથી છટકવાની વાતો કરી શિક્ષણમંત્રી ભાવિ પેઢીનો વિકાસ ન થવા દેવા માગતા હોય તેવી છબિ સર્જી રહ્યા છે."

તેઓ ગુજરાતમાં શિક્ષણ સાથે જોડાયેલી સમસ્યાઓ તરફ ધ્યાન દોરતાં કહે છે કે, "સરકાર કાયમી શિક્ષકોને સ્થાને પ્રવાસી શિક્ષકોની ભરતી કરે છે. સરકાર ફિક્સ પગારના નામે ન માત્ર આવા શિક્ષકોનું શોષણ કરે છે પરંતુ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે પણ ચેડાં કરે છે."

નોંધનીય છે કે બીબીસી ગુજરાતીના એક અહેવાલ પ્રમાણે ગુજરાતની સરકારી શાળાઓમાં 15 હજાર શિક્ષકોની ઘટ છે. તેમ છતાં સરકારે તેના વિકલ્પ સ્વરૂપે કાયમી શિક્ષકોને સ્થાને દસ હજાર પ્રવાસી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. જેની ખૂબ ટીકા થઈ હતી.

'ભાજપે કર્યું ગરીબ વિદ્યાર્થીનું અપમાન'

ગુજરાતના મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસના મીડિયા કો-ઑર્ડિનેટર હેમાંગ રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વાઘાણીના આ નિવેદનની આકરી ટીકા કરતાં શિક્ષણક્ષેત્રની ઘણી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું.

તેમણે કહ્યું કે, "ગુજરાતમાં 33 હજાર શાળાઓમાંથી 14 શાળાને એ પ્લસ ગ્રેડ મળ્યો છે. શિક્ષકોની ઘટ જગજાહેર છે. ત્યારે શિક્ષણમંત્રી લોકોને બાળકો બીજે ભણાવવાની સલાહ આપે તેનો અર્થ એ થયો કે ગુજરાતમાં બાળકો માટે કોઈ તક નથી. ગુજરાતની શાળાઓ શિક્ષણને લાયક નથી. જ્યારે શિક્ષણની ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને અન્ય રાજ્યો કે દેશમાં જઈને ભણવા માટે કહેવું એ તેમનું અપમાન છે."

જાણીતા શિક્ષણવિદ્ અને રાષ્ટ્રપતિના હાથે શ્રેષ્ઠ શિક્ષકનો ચંદ્રક મેળવનાર ડૉક્ટર કિરીટ જોશી આ નિવેદન અંગે પોતાના વિચાર રજૂ કરતાં કહે છે કે, "અન્ય રાજકીય પક્ષ સરકારના શિક્ષણવિભાગની ટીકા થાય ત્યારે ઉશ્કેરાટમાં આવાં નિવેદનો ના કરવાં જોઈએ. ગુજરાતમાં પહેલાં કરતાં શિક્ષણનું સુધર્યું છે. પણ એમાં વધુ સુધારાની જરૂર છે."

તેઓ શિક્ષણક્ષેત્રે જરૂરી સુધારા સૂચવતાં કહે છે કે, "તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી થવી જોઈએ , જયારે આપણે રાષ્ટ્રીય ધોરણે શિક્ષણ સુધારવા જઈ રહ્યા છીએ ત્યારે શરૂઆત પ્રાથમિક શિક્ષણથી કરવી જોઈએ. આ ઉપરાંત રાઇટ ટુ ઍજ્યુકેશનનો અમલ વ્યવસ્થિતપણે થાય તો શિક્ષણનું સ્તર ઘણું ઊંચું આવશે. આ ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓ અને મ્યુનિસિપલ શાળાઓમાં ખૂબ પૈસા ખર્ચાય છે પણ શિક્ષકો વધુ કાર્યક્ષમ થાય એવા પ્રયાસો કરવા જોઈએ તો દેશમાં ગુજરાત દેશમાં ઉત્તમ શિક્ષણ આપતું રાજ્ય બની શકે એમ છે. એના માટે શિક્ષકો ની ભરતી , શાળાઓના ઓરડાની પ્રમાણસર સંખ્યા વગેરે પર ધ્યાન આપવું જોઈએ."

આ સમગ્ર બાબત અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીનો મત જાણવા માટે સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

નોંધનીય છે કે ગુરુવારના આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ દાવો કર્યો હતો કે, ''રાજ્યમાં 40 હજાર શાળાઓ છે, પ્રાઇમરી અને ગ્રાન્ટેડ શાળાઓ સામેલ છે, 17 હજાર ગામો અને એક કરોડ વિદ્યાર્થીઓ. રાજ્યમાં શિક્ષણ માટે મોટા પાયે કામ થઈ રહ્યું છે. ત્રણ લાખથી વધારે શિક્ષકો અને અન્ય સ્ટાફ શિક્ષણકાર્યમાં લાગેલા છે.''

તેમણે વધુમાં કહ્યું કે, ''જેમને કંઈ ખબર નહોતી, જેમનાં માતાપિતા ભણેલાં નહોતાં, ગામ-શાળામાં શિક્ષણનું વાતાવરણ નહોતું, એમને સ્કૂલે લાવવાની શરૂઆત કોઈએ કરી તો એ નરેન્દ્ર મોદી હતા."

તેમજ આ નિવેદન અંગે મોટા પાયે વિવાદ થતાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પોતાનું નિવેદન અન્ય સંદર્ભમાં રજૂ કરાયો હોવાની વાત કરી પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો