ભાજપની 42 વર્ષની રાજકીય સફરમાં મોદી-શાહના શાસનનાં આઠ વર્ષ કેટલાં મહત્ત્વપૂર્ણ?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

"અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા." ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીએ 42 વર્ષ પહેલાં 1980માં ભાજપની સ્થાપના સમયે આ વાત કહી હતી.

કદાચ તેમણે આ વાત પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે કહી હશે, પરંતુ એ સમયે પાર્ટીના કાર્યકર્તાઓ અને પછી વિપક્ષી દળોમાં કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે આવનારા દિવસોમાં વાજપેયીની વાત સાચી સાબિત થશે.

આજે 42 વર્ષ બાદ પાર્ટી કેન્દ્ર સિવાય 20 કરતાં વધુ રાજ્યોમાં સત્તામાં છે અને પાર્ટીના નેતા કહે છે કે હજુ તો તેનો પ્રસાર થવાનો બાકી છે.

પાછલાં આઠ વર્ષમાં નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીએ પાર્ટીને શિખર સુધી પહોંચાડી દીધી છે.

પાર્ટી માટે હવે ચૂંટણી 'એક યુદ્ધ છે'

આજે ભાજપ સૌથી પૈસાદાર, સૌથી મોટી અને સૌથી પ્રભાવસાળી રાજકીય પાર્ટી છે. પાર્ટી જાતે ગૌરવપૂર્વક દાવો કરે છે કે તેઓ સભ્યસંખ્યા હિસાબે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

ચૂંટણી એક યુદ્ધ છે, તે માત્ર ચૂંટણી પુરતી વાત નથી. આ યુદ્ધના બે સૌથી મોટા યોદ્ધા નરેન્દ્ર મોદી અન અમિત શાહ આ વાત પર અમલ પણ કરે છે.

વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી માત્ર હિંદુત્વના ભરોસે ન રહીને, ઉમેદવારોની પસંદગી કરતી વખતે, ઉપજ્ઞાતિ, સામાજિક સંરચના અને ચૂંટણી ક્ષેત્રોની બીજી બારીકાઈઓ પર ઊંડાણપૂર્વક ભાર મૂકીને વ્યૂહરચના તૈયાર કરે છે.

ભાજપ પર નજીકથી નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર પ્રદીપસિંહ કહે છે કે આ બંને નેતાઓએ એ સાબિત કરી દીધો છે કે રાજકારણ એક ફુલ ટાઇમ જૉબ છે. તેઓ કહે છે કે, "અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ એ બતાવી દીધું ચે કે જો તમે ચૂંટણીના છ મહિના પહેલા પોતાના એસી રૂમમાંથી બહાર નીકળશો, લોકો પાસે જશો તો તમે ચૂંટણી નહીં જીતી શકો. જો આપ ચૂંટણી જીતવા માગો છો તો તમારે સતત કામ કરતા રહેવું પડશે."

પાર્ટીની ચમકમાં મોદી ફૅક્ટર

આ સ્થિતિ સુધી પહોંચવા માટે વર્ષ 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવાની કાર્યવાહીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જો મોદીને વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર ન બનાવવામાં આવ્યા હોય તો શું થયું હોત?

પ્રદીપસિંહ કહે છે કે, "વર્ષ 2013માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે એક વૉટરશેડ મૉમેન્ટ હતી. જો એ સમયે આવું ન થયું હોત તો શું થયું હોત તેની મને ખબર નથી."

1984ની લોકસભાની ચૂંટણીમાં માત્ર બે બેઠક હાંસલ કરવાથી માંડીને 2019ની ચૂંટણીમાં 303 બેઠકો જીતનાર ભાજપે આ શાનદાર સફરમાં ઘણાં ઉતારચઢાવ પણ જોયાં, મોટા ફટકા પણ સહન કર્યા અને હતાશા પણ વેઠી. 1984ની ચૂંટણીમાં ભારે પરાજય બાદ પાર્ટી અને તેમના વૈચારિક અભિભાવક સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં ગંભીર આત્મનિરીક્ષણ કરાયું.

ચૂંટણીની અસફળતાને એ વાતના પુરાવા સ્વરૂપે જોવામાં આવી કે એ સમયના પાર્ટીના અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીની ઉદારવાદી નીતિ કામ નહીં કરે. વાજપેયીના સ્થાને લાલ કૃષ્ણ આડવાણીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આડવાણીએ પાર્ટીની મૂળ વિચારધારાના સ્વરૂપમાં જનસંઘના કટ્ટર હિંદુત્વને તરત પુનર્જીવિત કર્યું.

આડવાણીએ "છદ્મ ધર્મનિરપેક્ષપણું" અને "મુસ્લિમ તુષ્ટિકરણ"ની વાતો કરી અને જેનાથી હિંદુઓમાં પાર્ટીનું સમર્થન વધ્યું.

વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીએ ભાજપ, વાજપેયી અન યોગી પર ચર્ચિત પુસ્તકો લખ્યાં છે. તેમનું કહેવું છે કે, 1980માં પાર્ટીની સ્થાપના સમયે તેની ટૅગલાઇન હતી "ગાંધીવાદી સમાજવાદ." પાર્ટી પર જયપ્રકાશ નારાયણની અસર હતી. તેમના અનુસાર 1984ની જોરદાર હારે પાર્ટીને જનસંઘની હિંદુત્વની વિચારધારા તરફ ધકેલી દીધી. ઇંદિરા ગાંધીની હત્યા બાદ આ ચૂંટણી વિશે આડવાણીનું કહેવું હતું કે, "આ લોકસભાની નહીં, શોકસભાની ચૂંટણી હતી."

અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ આડવાણી અત્યંત નજીક રહી ચૂકેલા નેતા અને લેખક સુધીન્ધ્ર કુલકર્ણી વાજપેયીના સ્પીચ રાઇટર પણ રહી ચૂક્યા છે. તેમના અનુસાર ભાજપ શરૂઆતના દિવસોમાં હાંસિયામાં હતી.

તેઓ કહે છે કે, "ભાજપનો જન્મ વર્ષ 1980માં થયો હતો. પ્રથમ 15 વર્ષ તે હાંસિયા પર હતો પરંતુ ધીરે ધીરે કૉંગ્રેસના પતનની સાથે બીજો વિકલ્પ ન હોવાના કારણે એક રાષ્ટ્રીય પક્ષ હોવાના કારણે ભાજપને એક ગતિ મળતી ગઈ અને ગઠબંધન સરકાર બનાવવામાં તેમને સફળતા મળી."

ગઠબંધન સરકાર બનાવતા પહેલાં આડવાણીની વધતી જતી લોકપ્રિયતાએ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકી દીધા. આડવાણી અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર બનાવવાને લઈને એક દેશવ્યાપી અભિયાનના ચહેરા બની ચૂક્યા હતા. કટ્ટર હિંદુત્વના રાજકારણે 1989ની લોકસભાની ચૂંટણીમાં ભરપૂર ચૂંટણી સંબંધિત લાભ ભાજને મળ્યો. આ ચૂંટણીમાં ભાજપને 85 લોકસભાની બેઠકો મળી. આ બાદ 1991ની લોકસબાની ચૂંટણીમાં, તેમની તાકત વધીને 120 બેઠકો થઈ ગઈ. 1989માં તેમનો વોટ શૅર 11.4 ટકાથી વધીને 1991માં 20.1 ટકા થઈ ગયો.

1996ની સામાન્ય ચૂંટણીમાં, લોકસભામાં ભાજપની બેઠકો 161 થઈ ગઈ અને તેમણે સૌથી મોટી પાર્ટીના સ્વરૂપે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, જે સ્વીકારી લેવાયો. એ પ્રકારે, વાજપેયીના નેતૃત્વમાં પ્રથમ વખત ભાજપના નેતૃત્વવાલી સરકાર બની, પરંતુ તે કેવળ 13 દિવસ ચાલી કારણ કે તે અન્ય બિનકૉંગ્રેસી, બિનડાબેરી રાજકીય દળોનું બહુમત હાંસલ કરવામાં નાકામ રહી.

વાજપેયીએ સંસદમાં વિશ્વાસ મતનો સામનો કરવાના સ્થાને રાજીનામું આપી દીધું. 1998માં થયેલી લોકસભાની ચૂંટણીમાં, ભાજપે લોકસભામાં 182 બેઠકો હાંસલ કરી અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) નામના એક ગઠબંધનની સરકાર બનાવી, જે 9 માર્ચ 1998થી 17 એપ્રિલ 1999 સુધી 13 મહિના ચાલી. જ્યારે તેઓ માત્ર એક મતના કારણે વિશ્વાસમત હારી ગઈ.

સપ્ટેમ્બર-ઑક્ટોબર 1999માં, ભાજપના નેતૃત્વવાળા NDAએ સામાન્ય ચૂંટણીમાં 270 બેઠકો હાંસલ કરી. જેમાં ભાજપને 182 બેઠકો મળી હતી. વાજપેયી ત્રીજી વખત વડા પ્રધાન બન્યા અને તેમની સરકાર 2004માં આગામી લોકસભાની ચૂંટણી સુધી પૂર્ણ કાર્યકાળ સુધી ચાલી.

તે બાદ કૉંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારે ભાજપને આવનારાં દસ વર્ષ સુધી સત્તાથી દૂર રાખ્યો. તે બાદ 2014માં મોદીના નેતૃત્વમાં સત્તામાં તેમની ફરી વાર શાનદાર વાપસી થઈ અને 282 બેઠકો સાતે પ્રથમ વખત પાર્ટી પૂર્ણ બહુમતી હાંસલ કરી. 2019માં આ બેઠકોની સંખ્યા વધીને 303 થઈ ગઈ.

'મુસ્લિમ તુષ્ટિકરણ'નો કે 'મુસ્લિમોનો વિરોધ'

ભાજપના ટીકાકારોનું કહેવું છે કે મુસ્લિમો પ્રત્યે વૈમનસ્યને રાજકારણના કેન્દ્રમાં લાવવો પાર્ટીની પૉપ્યુલર અપીલમાં વધારોનું મહત્ત્વપૂર્ણ કારણ રહ્યું છે.

ભાજપ સ્પષ્ટપણે કહે છે કે તેઓ મુસ્લિમોના તુષ્ટિકરણના રાજકારણનો વિરોધ કરે છે, પરંતુ પાર્ટીના વિરોધીઓ 2002નાં ગુજરાત રમખાણથી માંડીને આજ સુધીના ઘણા બનાવોનો ઉલ્લેખ કરીને એવું સાબિત કરવાના પ્રયાસ કરે છે કે પાર્ટીની નીતિ તુષ્ટીકરણ વિરોધી નથી, પરંતુ 'મુસ્લિમવિરોધી' છે.

'શ્મશાન-કબ્રસ્તાન'થી માંડીને '80 ટકા વિરુદ્ધ 20 ટકા' અને 'અબ્બા જાન' જેવા નારા હોય કે સાંપ્રદાયિક આધારે ધ્રુવીકરણને વધારનારા અસંખ્ય નાના-મોટા મુદ્દા, આના કારણે ભાજપ પર સાંપ્રદાયિક ધ્રુવીકરણને રાજકીય મૂડી પ્રકારે ઉપયોગ કરવાનો આરોપ લગાડતો રહે છે.

જ્યારે પાર્ટીના બીજા સૌથી કદાવર નેતા અમિત શાહને પૂછવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશમાં દેશની સૌથી મોટીપાર્ટીએ આટલી મોટી મુસ્લિમ વસતિ હોવા છતાં રાજ્યમાં કોઈ મુસ્લિમને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કેમ ન ઊભા રાક્યા, તો તેના જવાબમાં તેમણે કહ્યું, "ચૂંટણીમાં ઉમેદવારની જીતવાની સંભાવના જોવાનું જરૂરી હોય છે."

અયોધ્યામાં મંદિરનિર્માણ, ટ્રિપલ તલાક પર પ્રતિબંધ, હજ સબસિડી બંધ કરવી અને કાશ્મીરમાં 370ની સમાપ્તિથી માંડીને મથુરા-કાશીના નારા, સહિતના ઘણા મામલાની સીધી અસર મુસ્લિમો પર પડે છે, અને તેની અસરને નકારાત્મક માનનારા મુસ્લિમો અને બિનમુસ્લિમો બંને છે, પરંતુ આ નિર્ણયો અને નીતિઓને દેશનો એક બહોળો વર્ગ 'મુસ્લિમ તુષ્ટીકરણ વિરુદ્ધ ઉઠાવાયેલાં પગલાં' તરીકે જુએ છે અને પાર્ટીને સમર્થન આપે છે.

સંગઠનની મજબૂતી પર જોર

ભાજપે પાછલાં દસ વર્ષોમાં પાર્ટી સંગઠનને સપાટીથી માંડીને શીર્ષ સુધી સતત મજબૂત કર્યું છે, સત્તામાં આવ્યા બાદ દેશના દરેક જિલ્લામાં પાર્ટીની શાનદાર ઑફિસો બની છે અને પાર્ટી સાથે જોડાનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

વિજય ત્રિવેદી કહે છે કે, "મોટા ભાગનો શ્રેય સંગઠનને જવો જોઈએ. તેની વર્કિંગ ટીમને મળવો જોઈએ, તેના વર્કિંગ સ્ટાઇલને પણ મળવો જોઈએ. હાલનાં દસ વર્ષોનો શ્રેય નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફાળે જાય છે. પરંતુ તેમાં પણ મોટો ફૅક્ટર સંગઠનનો છે. પાર્ટીના વર્કરોમાં પ્રતિબદ્ધતા જોવા મળે છે. પાર્ટીના જૂના લોકો પાર્ટી મૂકીને નથી જતા, ખાસ કરીને સરકાર બનાવવા માટે નથી જતા. જે લોકો છોડીને ગયા છે તેઓ પૈકી 80થી 90 ટકા લોકો પોતાનો પક્ષ મૂકીને ભાજપમાં આવ્યા હતા."

પ્રદીપસિંહ અનુસાર કમળ ખીલવાનાં ઘણાં કારણ છે પરંતુ તે અયોધ્યા આંદોલનને એક ખાસ કારણ માને છે. તેઓ કહે છે કે, "અયોધ્યા આંદોલનમાં ભાજપને છલાંગ મળી. વિચિત્રસ્વરૂપે ભાજપનો જનાધાર વધ્યો, ભાજપની સ્વીકૃતિ વધુ લોકો સુધી પહોંચી."

તેઓ આગળ કહે છે કે, "1996થી 2006 સુધી ઉત્તર પ્રદેશમાં અને અન્ય સ્થળોએ પણ પાર્ટીની હાલત ઠીક નહોતી. એવું લાગી રહ્યું હતું કે ભાજપ પાછળ જઈ રહ્યો છે. અને લીડરશિપ પણ નહોતી દેખાઈ રહી. વાજપેયી શારીરિક સ્વરૂપે સક્ષમ ન રહ્યા ને આડવાણી 2005માં ઝીણા વિવાદ બાદ ડિસ્ક્રેડિટ થઈ ચૂક્યા હતા. એ દરમિયાન ફરીથી RSSએ હસ્તક્ષેપ કર્યો અને નીતિન ગડકરીને અધ્યક્ષ બનાવાયા. ત્યાંથી પરિવર્તનની શરૂઆત થઈ, સંગઠનની વાત થવા લાગી. જે બાદ 2013માં મોદીનો ઉદય થયો."

પરંતુ સુધીન્દ્ર કુલકર્ણી અનુસાર ભાજપના વિકાસમાં કૉંગ્રેસ પાર્ટીની પણ ભૂમિકા છે, તેઓ કહે છે કે, "ભારતીય જનતા પાર્ટીની સફળતા પાછળ કૉંગ્રેસ ખૂબ જ કમજોર થઈ એ પણ કારણ જવાબદાર છે. તેમજ રાષ્ટ્રીય સ્તરે અન્ય કોઈ વિકલ્પ ન હોવું એ પણ વધુ એક કારણ હતું."

પ્રદીપસિંહ આ વિશ્લેષણ સાથે સંમત નથી.

"માત્ર વિપક્ષ કમજોર હોવાના કારણે ભાજપનો ઉદય થયો એ કહેવું યોગ્ય નહીં કહેવાય. વિપક્ષ કમજોર થયો એ એક મુદ્દો છે, પંરતુ ભાજપે પોતાની તાકત વધારવા માટે શું કર્યું, તે જુઓ. લોકો એ નથી જોતા કે 1984 બાદ ભાજપે શું કર્યું. લોકો એ નથી જોતા કે 1984 બાદ ભાજપે શું કર્યું. ભાજપે પોતાના સૌથી લોકપ્રિય નેતા અટલ બિહારી વાજપેયીને અધ્યક્ષપદેથી હઠાવી દીધા. સમગ્ર સંગઠનમાં પરિવર્તન લાવ્યા, કેન્દ્રથી માંડીને રાજ્યો સુધી. વર્ષ 2013માં ઉત્તર પ્રદેશમાં પાર્ટીનું પુનર્ગઠન શરૂ થયું અને તે બાદ વડા પ્રધાન મોદીની પોતાની વિશ્વસનીયતા. તેમની પાસે પૉલિકલ કૅપિટલ ખૂબ વધુ છે."

એ સાચું છે કે ભાજપનો ઉદય અને કૉંગ્રેસનું પતન એક સાથે થયું. ભાજપે વિખેરાતી જતી કૉંગ્રેસમાંથી ઘણા નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કર્યા. ભાજપના આજના ઘણા મોટા નેતાઓ એક સમયે કૉંગ્રેસમાં હતા. વિજય ત્રિવેદી કહે છે કે, "જે પાર્ટીએ 2014માં કૉંગ્રેસમુક્ત ભારતનો નારો આપ્યો હતો તે આજે કૉંગ્રેસયુક્ત પાર્ટી છે."

પાર્ટીની વિચારધારામાં કોઈ પરિવર્તન આવ્યું છે? આ પ્રશ્નના જવાબમાં ત્રિવેદી જણાવે છે કે, "આને બંને પ્રકારે જોવું જોઈએ. જે લોકોઆવ્યા છે તેઓ પણ બદલાયા છે. આ પાર્ટીનું પોતાનું એક અનુશાસન પણ છે. એટલું નક્કી છે કે જે નવા લોકો ભાજપમાં સામેલ થઈ રહ્યા છે તેઓ ભાજપની વિચારધારના કારણે નથી સામેલ થઈ રહ્યા. તેઓ ત્ર સત્તામાં આવવા માટે સામેલ થઈ રહ્યા છે."

ઘણા વિશેષજ્ઞો માને છે કે ભાજપના વિકાસમાં ગઠબંધન બનાવવાની વ્યૂહરચનાનો પણ હાથ છે. ભાજપે સત્તામાં આવવા માટે જુનિયર પાર્ટનર બનીને પણ ગઠબંધન કર્યું છે. જેમ કે જમ્મુ કાશ્મીરમાં મહબૂબા મુફ્તીની પીડીપી સરકારમાં ભાજપ એક જુનિયર પાર્ટનર હતી. જ્યારે ભાજપે 2014ની ચૂંટણીમાં જાતે પૂર્ણ બહુમતી હાંસલ કરી. તેમને NDAની સહાયની જરૂર નહોતી પરંતુ તેમણે તેમનો સાથ ન છોડ્યો.

આ સિવાય ભાજપના વિસ્તારમાં પ્રૉફેશનલ લોકોને સામેલ કરવા અને સમાજના તમામ વર્ગોનું સંગઠન બનાવી દવાની રણનીતિ જેમ કે, ભૂતપૂર્વ સૈનિકોનું સંગઠન, વકીલો, વેપારીઓ, શિક્ષકો, ખેલાડીઓ, તમામ પ્રકારના વર્ગોને સામેલ કરાયા છે. જો જાતિ સમક્ષ જોવામાં આવે તો, અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો, લઘુમતી મોરચો, મહિલા મોરચો, યુવા મોરચો બધા વર્ગોમાં ભાજપ છે.

શરૂઆતથી માંડીને અત્યાર સુધીના ફેરફાર

વિજય ત્રિવેદી અનુસાર બંને સમયગાળાના ભાજપમાં ઘણો ફરક છે. "મોટો ફરક એ છે કે પહેલાં તે એક સામાજિક-રાજકીય પાર્ટી તરીકે કામ કરી રહી હતી. જ્યારે પાર્ટી બની હતી તો આડવાણીજીએ કહ્યું હતું કે : ચાલ, ચરિત્ર અને ચહેરો. હાલ પણ એવું જ છે પરંતુ તેનો સિદ્ધાંત બદલાઈ ગયો છે. હવે તેનો ધ્યેય પાવર ને ચૂંટણીમાં કોઈ પણ પ્રકારે વિજય. હવે જીતવાની ક્ષમતા સૌથી મોટો ફૅક્ટર છે જેના માટે કંઈ પણ કરી છૂટી શકાય છે."

પ્રદીપસિંહ અનુસાર ભાજપની મુખ્ય વિચારધારામાં ફેરફાર નથી થયો. "કોઈ પણ પક્ષ ચૂંટણી હારવા માટે મેદાનમાં નથી ઊતરતો. સમય પ્રમાણે વ્યૂહરચના બને છે. કલ્પના કરો કે વાજપેયીજીને 300 બેઠકો મળી હોત તો શું તે પ્રકારે જ સરકાર ચાલી હોત જે પ્રકારે ચાલી હતી? ગઠબંધન પૉલિટિક્સ તેમની મજબૂરી હતી. મોદી સામે આવી કોઈ મજબૂરી નથી."

સુધીન્દ્ર કુલકર્ણી ભાજપમાં 1996માં સામેલ થયા હતા અને 2009માં તેનાથી અલગ થઈ ગયા હતા. તેમના પ્રમાણે પાર્ટીના ઇતિહાસને "આપણે બે ભાગમાં જોઈએ છીએ. એક હતો આડવાણી-અટલજીનો દોર જે 2009માં ખતમ થઈ ગયો. 2014થી મોદીયુગ શરૂ થયો. વાજપેયી-આડવાણી દોર બિલકુલ અલગ હતો. વાજપેયીજીને ભાજપને મુખ્યધારાવાળી પાર્ટી અને સર્વશાસક, બધાને સાથે લઈને ચાલનારા પક્ષ બનાવવાની ઇચ્છા હતી અને તેના પ્રામાણિક પ્રયાસ પણ કર્યા. તેઓ પાર્ટીને માત્ર હિંદુઓનો પક્ષ નહોતા બનાવવા માગતા તેથી વિરોધી દળોમાં પણ તેમની ઇજ્જત હતી."

"મોદી ભાજપને બિલકુલ અલગ દિશામાં લઈ જઈ રહ્યા છે. તેમણે હિંદુત્વના નામે ભાજપને માત્ર એક હિંદુ પાર્ટી બનાવી દીધી છે. તેઓ લઘુમતી વર્ગ અને મુસ્લિમોને બીજી શ્રેણીના નાગરિક બનાવી રહ્યા છે. સફળતા તો મળી છે પરંતુ તે હંમેશાં માટે નહીં જાળવી રાખી શકાય. તેમનો સૌથી મોટો ઉદ્દેશ છે સત્તામાં આવવું અને જળવાઈ રહેવું. સત્તાને મજબૂત કરવું."

પાર્ટી વધુ પ્રગતિ કરશે, નવું નેતૃત્વ આવશે?

સુધીન્દ્ર કુલકર્ણીના વિચારમાં એક બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થામાં ઉતાર-ચઢાવ આવતાં રહે છે. કોઈ પણ પક્ષ હંમેશાં શિખર પર નથી રહી શકતો. કે કોઈ પણ સારી પાર્ટી હંમેશાં નીચે નથી રહેતી, એક લાંબા ગાળા સુધી કૉંગ્રેસ ભારતનું સૌથી મોટું દળ રહ્યું. પરંતુ પોતાની કેટલીક ભૂલોના કારણે અને કેટલીક રાજકીય પરિસ્થિતિ બદલાવાના કારણે તેમની પડતી શરૂ થઈ. અને એક સમય એવો આવ્યો કે ઇમર્જન્સી બાદ જનતા પાર્ટી કૉંગ્રેસનો વિકલ્પ બનીને સામે આવી. પરંતુ જનતા પાર્ટી જલદી જ તૂટી ગઈ અને તેના કારણે સર્જાયેલા શૂન્યાવકાશને ભાજપ ભરવામાં સફળ નીવડ્યો. જોકે, આ સફળતા તરત જ નથી મળી. તેના માટે તેમણે ઘણું કામ કરવું પડ્યું, કષ્ટ સહન કરવું પડ્યું.

પ્રદીપસિંહના મતે હજુ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં અને ઓડિશા જેવાં રાજ્યોમાં ભાજપ સત્તાથી ઘણો દૂર છે.

"દક્ષિણ ભારતમાં ભાજપ માત્ર પૉન્ડિચેરી અને કર્ણાટકમાં સત્તામાં છે. તેલંગાણામાં પાર્ટી મજબૂત થઈ છે અને ત્યાં કૉંગ્રેસ કમજોર પડી છે. તેથી તે બીજા નંબરની પાર્ટી બની શકે છે."

લીડરશીપનો જ્યાં સુધી પ્રશ્ન છે હાલ તો મોદી-શાહની જોડીને કોઈ ખતરો નથી. ઉત્તર પ્રદેશમાં હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વાર જીત હાંસલ કર્યા બાદ યોગી આદિત્યનાથનો સિતારો બુલંદ નજર આવી રહ્યો છે. પરંતુ પ્રદીપસિંહના વિચારમાં હજુ તેમની ઉત્તર પ્રદેશમાં વધુ જરૂરિયાત છે. વિજય ત્રિવેદીના મતે લીડરશિપમાં પરિવર્તનની જરૂરિયાત ઊભી થશે તો તે સંઘ (આરએસએસ) નક્કી કરશે.

તેઓ કહે છે કે, "આ સંઘ નક્કી કરશે. જે સંઘની શરણમાં છે તે જ લીડર છે. દિલ્હીમાં બેસીને ન વિચારશો. ડૉક્ટર હેડગેવાર ભવન (RSS મુખ્યાલય)માં જઈને વિચારો."

તેઓ માને છે કે હાલ સંઘ યોગીના સાથે છે.

"લાઇનમાં સૌથી ઉપર યોગી છે પરંતુ તેમને પણ બદલવાની જરૂરિયાત છે."

હાલ મોદી-શાહની જોડીના નેતૃત્વમાં જ પાર્ટી આગળ વધશે. પરંતુ સુધીન્દ્ર કુલકર્ણીનું કહેવું છે કે "પાર્ટીના પ્રભાવનો હવે અંત થવાનો જ છે પરંતુ તેની શરત એ છે કે વિપક્ષ વચ્ચે તાલમેલ જળવાય અને લોકતંત્ર અન તેના સંવિધાનના નિયમોમાં પ્રતિબદ્ધતા સાથે એક થઈને ભાજપનો મુકાબલો કરે તો તેમને જરૂર હરાવી શકાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો