જનસંઘના એ બલરાજ મધોક જેઓ વાજપેયીને કૉંગ્રેસી ગણાવતા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક જમાનામાં બલરાજ મધોકની ગણતરી દેશના ટોચના જમણેરી નેતાઓમાં થતી હતી.

તેઓ 1966-67માં ભારતીય જનસંઘના અધ્યક્ષ બન્યા હતા, પણ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પક્ષમાં આગળ આવી જતાં તેઓ ધીમેધીમે પક્ષમાં પાછળ ધકેલાઈ ગયા હતા.

1920ની 25 ફેબ્રુઆરીએ જન્મેલા બલરાજ 2016ની બીજી મેએ મૃત્યુ પામ્યા હતા.

1961ની વાત છે. નવી દિલ્હીથી લોકસભાની પેટાચૂંટણી જીત્યા બાદ સંસદના સૅન્ટ્રલ હૉલમાં બેસીને બલરાજ મધોક જવાહરલાલ નહેરુની ચીન નીતિની ઝાટકણી કાઢી રહ્યા હતા.

એ સમયે અટલ બિહારી વાજપેયી તેમના પક્ષ જનસંઘની યુવા નેતા હતા. વાજપેયીને નહેરુની નજીક હોવાનું માનવામાં આવતું હતું અને નહેરુને વાજપેયીમાં અપાર સંભાવના દેખાતી હતી.

મધોક નેહરુની ચીન નીતિની ઝાટકણી કાઢી રહ્યા હતા ત્યારે વાજપેયીએ તેમની પાસે જઈને જણાવ્યું હતું કે તમે આ રીતે નહેરુની ટીકા કર્યા કરશો તો ક્યારેય એકેય ચૂંટણી જીતી નહીં શકો.

એ સમયે આચાર્ય કૃપલાની (જેઓ એક જમાનામાં નહેરુની બહુ નજીક હતી, પણ પછી તેમનાથી દૂર થઈ ગયેલા)એ કહ્યું હતું, "અટલની વાતોને ધ્યાનમાં લેશો નહીં, કારણ કે તેઓ નહેરુના ચમચા છે અને તેમની કૃપા પર આશ્રિત છે. તમે તમારી વાત કહેવાનું ચાલુ રાખો."

બલરાજ મધોક અને અટલ બિહારી વાજપેયી વચ્ચેની પ્રતિસ્પર્ધાની શરૂઆત કદાચ ત્યારથી થઈ હતી.

તેમણે વાજપેયી વિશે એકથી વધુ વાર કહ્યું હતું, "વાજપેયી વાસ્તવમાં કૉંગ્રેસી છે."

સૌથી પહેલાં કરેલી બાબરી મસ્જિદ હિંદુઓને હવાલે કરવાની માગ

બહુ ઓછા લોકો જાણે છે કે બલરાજ મધોક દલિત નેતા ભીમરાવ આંબેડકરની બહુ નજીક હતા અને તેમના અંતિમ દિવસોમાં તેમના 26, અલીપુર રોડ ખાતેના નિવાસસ્થાને તેમને મળવા જતા હતા.

ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધની માગણી કરનાર પહેલી વ્યક્તિ પણ બલરાજ મધોક હતી. તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કરીને ગૌહત્યાવિરોધી વાતાવરણ સર્જવાના પ્રયાસ કર્યા હતા.

તેઓ પહેલા નેતા હતા, જેમણે અયોધ્યાસ્થિત બાબરી મસ્જિદ હિંદુઓને હવાલે કરવાની માગ 1968માં કરી હતી.

બાબરી મસ્જિદના બદલામાં હિંદુઓ મુસ્લિમોને તેનાથી પણ ભવ્ય મસ્જિદ બનાવી આપે તેવી દરખાસ્ત તેમણે મૂકી હતી.

જનસંઘનો પહેલો ચૂંટણીઢંઢેરો લખ્યો હતો મધોકે

નવી પેઢીના લોકોએ બલરાજ મધોકનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે, પણ એ વર્ષોમાં તેઓ ભારતના જમણેરી રાજકારણના ટોચના નેતાઓ પૈકીના એક હતા.

તેઓ ભારતીય જનતા પાર્ટીના જૂના સ્થાપકો પૈકીના એક હતા.

બલરાજ મધોક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રચારક હતા અને ભારતીય જનસંઘનો પહેલો ચૂંટણીઢંઢેરો તેમણે જાતે લખ્યો હતો.

બલરાજ મધોકને નજીકથી ઓળખતા અને 'સન્ડે ગાર્ડિયન' અખબારના કાર્યકારી તંત્રી પંકજ વોહરા કહે છે, "બલરાજ મધોક હિંદુત્વના રાજકારણના અસલી સ્થાપક હતા.

"તેમણે ઑક્ટોબર-1951માં શ્યામાપ્રસાદ મુખરજી સાથે મળીને ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી, પણ શ્યામાપ્રસાદનું ટૂંક સમયમાં અવસાન થયું હતું."

પંકજ વોહરાના જણાવ્યા મુજબ, "બલરાજ મધોકે દેશના વિભાજન પહેલાં હિંદુત્વના રાજકારણની ઘણી બાબતો લખી નાખી હતી."

"હિંદુત્વ વિશેનો તેમનો આગવો વૈશ્વિક દૃષ્ટિકોણ હતો અને તેમણે અડવાણી, સુબ્રમણ્યમ સ્વામી અને નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ જેમાં સામેલ છે એવી ઘણી પેઢીઓ પર આગવી છાપ છોડી હતી. આ લોકો ભલે એ હકીકતને સ્વીકારે કે અસ્વીકાર કરે."

મધોકના નેતૃત્વમાં 35 બેઠકો જીત્યો હતો જનસંઘ

1967માં બલરાજ મધોકના અધ્યક્ષપદ હેઠળ ભારતીય જનસંઘે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં લોકસભામાં 35 બેઠકો જીતી હતી.

એટલું જ નહીં, પંજાબમાં જનસંઘની સંયુક્ત સરકાર બની હતી અને ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાન સહિતનાં આઠ મોખરાનાં રાજ્યોમાં મુખ્ય વિરોધપક્ષ બનવામાં જનસંઘ સફળ થયો હતો.

પંકજ વોહરા કહે છે, "ભારતીય જનસંઘ કે ભારતીય જનતા પાર્ટીની ગ્રૉથ પેટર્ન જોઈએ તો દિલ્હી તેમની રાજકારણનું કેન્દ્રબિન્દુ હતું."

"દિલ્હીમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ બહુ મોટી સંખ્યામાં હતા અને તેમનો ઝુકાવ સ્વાભાવિક રીતે જનસંઘ તરફ વધી ગયો હતો."

"બલરાજ મધોકના સમયમાં જનસંઘ દિલ્હીની સાતમાંથી છ બેઠક જીત્યો હતો. જ્યાં કોઈને આશા ન હોય એવી બેઠકો જનસંઘ જીત્યો હતો. એ સમય મધોકની કારકિર્દીનો ચરમકાળ હતો."

અડવાણીને જનસંઘમાં લાવવામાં મધોકની ભૂમિકા

મધોક 1961માં નવી દિલ્હીથી અને 1967માં દક્ષિણ દિલ્હીથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.

તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંસ્થાપક સચિવ પણ હતા.

તેમણે અરધા ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં હતાં અને 1947-48માં ઑર્ગેનાઈઝર સામયિકનું તથા 1948માં વીર અર્જુન સામયિકનું સંપાદન કર્યું હતું.

લાલકૃષ્ણ અડવાણીને જનસંઘમાં લાવવામાં બલરાજ મધોકે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

સારું અંગ્રેજી લખી શકે અને અખબારી નિવેદનોનો અંગ્રેજીમાં અનુવાદ કરી શકે એવા યુવકને એ સમયે દીનદયાળ ઉપાધ્યાય શોધતા હતા.

મધોકે અડવાણીનો પરિચય દીનદયાળ ઉપાધ્યાય સાથે કરાવ્યો હતો અને એ પછી અડવાણીએ પાછું વાળીને જોયું ન હતું.

બલરાજ મધોકને અનેક વાર મળી ચૂકેલા ઇદિંરા ગાંધી સેન્ટર ઑફ આર્ટ્સના પ્રમુખ રામબહાદુર રાય કહે છે, "બલરાજ મધોકને પ્રતિભાસંપન્ન રાજનેતા તરીકે યાદ રાખવામાં આવશે, પણ તેઓ ખુદનું મહત્ત્વ જાતે ઘટાડતા ગયા હતા."

"તેમણે પહેલાં તેમના દોસ્તો તથા પછી સાથીઓને નારાજ કર્યા. એ નારાજગીનું વર્તુળ વિકસતું ગયું અને આખરે તેઓ એકલા પડી ગયા. હું માનું છું કે દીનદયાળ ઉપાધ્યાયની હત્યા પછી તેઓ માનતા હતા કે જનસંઘનું નેતૃત્વ કરવાની ક્ષમતા તેમના સિવાય બીજા કોઈમાં નથી."

"તેમની આ ધારણાને તેમના સાથીઓ કે આરએસએસે સ્વીકારી ન હતી. તેમનામાં અસંતોષ અને નિરાશા વધવાનું કારણ આ જ હતું."

"તેઓ તેમના સાથીઓ વિશે મનફાવે તેમ બોલવા લાગ્યા હતા તેનું કારણ પણ આ જ હતું. તેઓ સંગઠનનું કૌશલ્ય અને લોકોને જોડાયેલા રાખવાની કળા શીખી શક્યા નહીં અને એ જ તેમના પતનનું કારણ બન્યું."

જુનિયર હોવા છતાં પક્ષ તથા આરએસએસે વાજપેયીને મહત્ત્વ આપ્યું

જનસંઘના અધ્યક્ષ દીનદયાળ ઉપાધ્યાયની 1968માં મુગલસરાઈમાં હત્યા કરવામાં આવી પછી ભારતીય જનસંઘે તેમના સ્થાને અટલ બિહારી વાજપેયીને અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢ્યા હતા. એ વખતથી જ બલરાજ મધોકનું રાજકારણમાં હાંસિયા પર ધકેલાવાનું શરૂ થઈ ગયું હતું.

ઓપન સામયિકના તંત્રી બનેલા એન. પી. ઉલ્લેખે અટલ બિહારી વાજપેયીની જીવનકથા 'ધ અનટોલ્ડ વાજપેયી-પોલિટિશ્યન ઍન્ડ પેરાડોક્સ'માં લખ્યું છે, "બલરાજ મધોક વાજપેયીના સિનિયર હતા અને દિલ્હીમાં આરએસએસની શાખાઓ ઊભી કરવામાં તથા ભારતીય જનસંઘને એક રાજકીય શક્તિ બનાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."

"પણ વરિષ્ઠ પદ આપવાની વાત આવી ત્યારે પક્ષે તેમના બદલે વાજપેયીને પસંદ કર્યા હતા. વાજપેયી પ્રભાવશાળી ભાષણ આપી શકતા હોવાથી તેમને પસંદ કરવામાં આવ્યા હોવાનો તર્ક આપવામાં આવે છે, પણ ગોવિંદાચાર્યે મને જણાવ્યું હતું કે વાજપેયીને મહત્ત્વ આપવાનું આ એક જ કારણ ન હોઈ શકે."

"મધોક વાજપેયી કરતાં ચાર વર્ષ મોટા હતા અને જનસંઘમાં અંગ્રેજીમાં ભાષણ આપી શકે તેવી સૌથી સક્ષમ વ્યક્તિ હતી."

"જેમણે દિલ્હી તથા ઉત્તર ભારતમાં જનસંઘનો પાયો કઈ રીતે મજબૂત કર્યો અને સાઠના દાયકામાં ગૌહત્યાવિરોધી આંદોલનનું નેતૃત્વ કેવી રીતે કર્યું એ વિશે બહુ લખવામાં આવ્યું છે. તેમનો દોષ એ હતો કે તેઓ જૂના વિચારોવાળા, જલદી ગુસ્સે થઈ જતા ભડભડિયા વ્યક્તિ હતી."

ગુરુ ગોલવલકરને કરી વાજપેયીની ફરિયાદ

મધોક અને વાજપેયી વચ્ચેની પ્રતિસ્પર્ધા એટલી હદે વધી ગઈ હતી કે મધોકે આરએસએસના પ્રમુખ ગુરૂ ગોલવલકરને અટલ બિહારી વાજપેયીની રહેણીકરણી વિશે ફરિયાદ કરી હતી.

પોતાની આત્મકથા 'જિંદગી કા સફર'માં બલરાજ મધોકે લખ્યું છે, "આ વિશે મેં ગોલવલકરને જણાવ્યું ત્યારે તેઓ થોડી વાર ચૂપ રહ્યા હતા અને પછી બોલ્યા હતા કે મને બધાની નિર્બળતાની ખબર છે, પણ મારે સંગઠન ચલાવવાનું હોવાથી શિવની માફક ઝેરના ઘૂંટડા રોજ પીવા પડશે."

વાજપેયી સાથેની લડાઈમાં આરએસએસ બલરાજ મધોકથી એકદમ દૂર રહ્યો હતો.

લવચીકતાનો અભાવ

એ સમયના ભારતીય જનસંઘના ટોચના નેતાઓ નાનાજી દેશમુખ, લાલકૃષ્ણ અડવાણી અને કે. આર. મલકાણી માનતા હતા કે પક્ષની હિંદુત્વની વિચારધારાને વધારે લવચીક બનાવીને જ પક્ષને વ્યાપક તથા મજબૂત બનાવી શકાય.

આ સંબંધે પ્રોફેસર મધોક વાજપેયીથી બિલકુલ અલગ વિચારો ધરાવતા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રેસિડેન્ટ એડિટર અને 'ધ સૅફ્રોન ટાઇડ- ધ રાઇઝ ઑફ બીજેપી' પુસ્તકના લેખક કિંગ્શુક નાગ કહે છે, "વાજપેયી અને મધોક બન્ને મહત્ત્વાકાંક્ષી હતા તથા બન્ને આગળ વધવા ઇચ્છતા હતા."

"મધોકની સરખામણીએ વાજપેયી વધારે ઉદાર હતા. તેથી બીજા લોકોમાં વધુ સ્વીકાર્ય હતા. ઘણા લોકોનું કહેવું છે કે એ તો ઉત્તર પ્રદેશ અને પંજાબ વચ્ચેની લડાઈ હતી. મધોક પંજાબી હતી."

"ઘણા લોકો કહે છે કે એ સમયે ઉત્તર પ્રદેશની લોબીનો દબદબો હતો. તેથી વાજપેયી આગળ નીકળી ગયા હતા, પણ હું માનું છું કે મધોકની સરખામણીએ વાજપેયી વધારે ડિપ્લૉમેટિક હતા. મધોકની વિચારધારા મજબૂત હતી, પણ તેઓ બહુ સારા રાજનીતિજ્ઞ ન હતા. તેથી પાછળ રહી ગયા."

મુસલમાનોના ભારતીયકરણની તરફેણ

બલરાજ મધોકે ભારતીય લઘુમતીઓના કથિત ભારતીયકરણનો વિચાર રજૂ કર્યો હતો, જેનો અનેક

વર્ગોએ જોરદાર વિરોધ કર્યો હતો. મધોકને તેમના પોતાના પક્ષમાં પણ બહુ ટેકો મળ્યો ન હતો.

1998માં મારી સાથેની વાતચીતમાં બલરાજ મધોકે કહ્યું હતું, "મુસલમાનોને ભારતની મુખ્યધારામાં લાવવાની જરૂર છે. એ માટે બે પગલાં લેવાં જોઈએ.

પહેલી વાતઃ તેમના દિમાગમાંથી એ વાત કાઢી નાખવી જોઈએ કે મુસલમાન બનવાથી તમારી સંસ્કૃતિ બદલાઈ ગઈ છે. તેમની સંસ્કૃતિ એ જ છે, જે ભારતની છે. તમારી ભાષા એ જ છે, જે તમારા માતા-પિતાની હતી. હિંદીની એક શૈલી છે ઉર્દૂ. એ મને પણ પસંદ છે, કારણ કે મારું ભણતર ઉર્દૂમાં થયું છે, પણ ઉર્દૂ મારી ભાષા નથી. મારી ભાષા પંજાબી છે."

"બીજી વાતઃ મુસ્લિમોને એ જણાવો કે દેશ મા જેવો હોય છે. તમામ જાપાની બૌદ્ધ છે. તેઓ ભારત આવે છે. તેને પુણ્યભૂમિ માને છે, પણ તેઓ પ્રેમ જાપાનને કરે છે. હિંદુસ્તાનમાં ઇસ્લામ ઘર્મ પર પૂજાના સ્વરૂપમાં કોઈ જોખમ નથી, પણ મોહમ્મદને માને એ ભાઈ છે અને બાકીના બધા કાફિર છે એવું અહીં ન ચાલી શકે."

ભારતના વિભાજનના વિરોધી

1947માં કરવામાં આવેલા ભારતના વિભાજનને મધોકે ક્યારેય સ્વીકાર્યું ન હતું અને તેનો દરેક મંચ પરથી આજીવન વિરોધ કરતા રહ્યા હતા.

મધોક કહેતા હતા, "એ સમયે આપણે વિભાજન તો કમનસીબે સ્વીકારી લીધું, પણ તેના પરિણામને ધ્યાનમાં લીધું નહીં."

"વિભાજને બે વાત સ્પષ્ટ કરી. સહિયારી સંસ્કૃતિના વિચાર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. દરેક દેશની સહિયારી સંસ્કૃતિ હોય છે, પણ કોઈ તેને સહિયારી કહેતું નથી."

"વિશ્વમાં સૌથી વધુ સહિયારી સંસ્કૃતિ અમેરિકાની છે, પરંતુ તેઓ આજે પણ તેને સહિયારી કહેતા નથી. તેઓ તેને અમેરિકન કલ્ચર કહે છે."

"ગંગામાં અનેક નદી ભળી જાય છે, પણ મિલન બાદ તેમનું પાણી ગંગાજળ થઈ જાય છે. આ ગંગા-જમુનાની સંસ્કૃતિની વાત ખોટી છે. યમુના નદી ગંગામાં ભળી જાય છે ત્યારે ગંગાના પાણીને કોઈ ગંગા-જમુની પાણી નથી કહેતું, ગંગાજળ જ કહે છે."

કાનપુર અધિવેશન પછી જનસંઘમાંથી કાઢી મુકાયા

પોતાની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હોવા છતાં બલરાજ મધોકની ઇમેજ એક અવ્યવહારુ રાજનેતાની રહી હતી.

એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે એક જમાનામાં ભારતીય જનસંઘના અઘ્યક્ષ રહેલા બલરાજ મધોકને તેમના જ પક્ષે 1973ના કાનપુર અધિવેશન પછી પક્ષમાંથી કાઢી મૂક્યા હતા.

પંકજ વોહરા કહે છે, "બલરાજ મધોક જનસંઘની રાજકારણમાં અવાંચ્છિત વ્યક્તિ બની ચૂકી હતી. પક્ષના નેતૃત્વે તેમને એક રિપોર્ટ બનાવવાનું કહ્યું હતું."

"તેમણે એ રિપોર્ટ પક્ષના અધ્યક્ષને સોંપી દીધો હતા. એ રિપોર્ટ વિશે ચર્ચા કરવામાં આવે એ પહેલાં અડવાણીએ કેટલાક પત્રકારોને ભોજન માટે નોતરીને તેમને એ રિપોર્ટની કોપીઓ આપી દીધી હોવાનું બલરાજ મધોકે કહ્યું હતું."

"બીજા દિવસે અખબારોમાં એ વિશેનો અહેવાલ છપાયો ત્યારે બલરાજને સવાલ કરવામાં આવ્યો હતો કે એ રિપોર્ટ અખબારો સુધી કઈ રીતે પહોંચ્યો?"

"તે આક્ષેપથી મધોક એટલા નારાજ થયા હતા કે તેમણે એ જ સમયે અધિવેશનમાંથી ચાલ્યા જવાનો નિર્ણય કર્યો હતો. તેઓ પહેલાં રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને પછી રેલવેના પાટા પર ચાલતાંચાલતાં આગલા સ્ટેશને પહોંચીને દિલ્હીની ટ્રેન પકડી હતી."

"મધોકને લાગતું હતું કે તેમના જીવ પર જોખમ છે. તેઓ માનતા હતા કે દીનદયાલ ઉપાધ્યાયની હત્યા કરવામાં આવી હતી."

"તેથી તેમને કાનપુરથી ટ્રેન પકડવાને બદલે આગલા સ્ટેશનથી ટ્રેન પકડવાનું યોગ્ય જણાયું હતું. એ પછી તેમને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને જનસંઘ સાથેનો તેમનો સંબંધ તૂટી ગયો હતો."

રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવા ઇચ્છતા હતા મધોક

એ પછી તેમણે રાજનારાયણ સાથે મળીને ચૌધરી ચરણસિંહના નેતૃત્વમાં ભારતીય લોકદળની રચના કરાવી હતી, પરંતુ ત્યારે જ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી અને મધોકની ધરપકડ કરવામાં આવી હતી.

કટોકટી પછી જનતા પાર્ટીની સરકાર બની ત્યારે ચરણસિંહ, રાજનારાયણ અને ભારતીય જનસંઘ ત્રણેયે મળીને નક્કી કરી લીધું હતું કે બલરાજ મધોકને જનતા પાર્ટીની મુખ્યધારાથી દૂર રાખવાના છે.

તેના પરિણામે એવું થયું કે મધોક રાજકીય અરણ્યવાસમાં ચાલ્યા ગયા હતા.

રામબહાદુર રાય કહે છે, "મને યાદ છે, 2002માં કે. આર. નારાયણનનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો અને નવા રાષ્ટ્રપતિની પસંદગીની વાતો ચાલતી હતી ત્યારે પ્રોફેસર મધોકે ઝંડેવાલાનમાં આરએસએસના અનેક લોકો સાથે વાત કરી હતી."

"પણ આરએસએસ સાથેના તેમના જૂના સંબંધને ધ્યાનમાં રાખીને કોઈએ તેમને ખાસ મહત્ત્વ આપ્યું ન હતું. તેમના નામ પર મહોર લાગી શકી નહીં અને એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા."

વિચારધારામાં નરેન્દ્ર મોદીની નજીક

96 વર્ષનું દીર્ઘાયુષ્ય મળવા છતાં પ્રોફેસર મધોકે તેમના જીવનના છેલ્લા ચાર દાયકા રાજકીય વનવાસમાં ગાળ્યા હતા.

તેમના પછી જ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો યુગ શરુ થયો હતો અને મધોક તેમના સમય પહેલાં ઇતિહાસનો હિસ્સો બની ગયા હતા.

કિંગ્શુક નાગ કહે છે, "અમે દિલ્હીમાં અભ્યાસ કરતા હતા ત્યારે મધોકની ત્યાં ઘણી પ્રતિષ્ઠા હતી, પરંતુ તેમની ઇમેજ એક ચીડિયા શખ્સની રહી હતી."

"1971માં ચૂંટણી હારી ગયા ત્યારે તેઓ ચાર દિવસ સુધી એક ઓરડામાં પુરાઈ રહ્યા હતા. તેઓ હારને આસાનીથી સ્વીકારી શકતા ન હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ બહુ લાગણીશીલ હતા, જેને લીધી તેમને બહુ રાજકીય નુકસાન થયું હતું."

"બીજી બાજુ વાજપેયી ઘણા વ્યવહારુ હતા. તેથી તેઓ આગળ વધતા રહ્યા હતા. મધોક દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં રહેતા હતા."

"તેમના પ્રશંસકોમાં નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. મેં નરેન્દ્ર મોદીને તેમને મળવા જતા ઘણી વાર જોયા છે. મોદીની વિચારધારા, મધોકની વિચારધારાથી બહુ અલગ નથી."

"કહેવાય છે કે 2014ની ચૂંટણી દરમિયાન મધોકે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળશે અને તમે ભારતના વડા પ્રધાન બનશો. મોદી માટે તેમના છેલ્લા શબ્દો હતાઃ ઝૂઝતા રહો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો