ભારતમાં કોરોના વાઇરસની પ્રથમ દર્દી કેવી રીતે મળી?

    • લેેખક, સ્વામીનાથન નટરાજન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

''મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. મેં ડૉક્ટરને પૂછ્યું તો મને કહ્યું કે બધું બરાબર છે.''

કેરળમાં મેડિકલનું ભણતી 20 વર્ષની આ યુવતી ભારતમાં કોરોના વાઇરસનો ચેપ ધરાવતી પ્રથમ પૉઝિટિવ દર્દી બની હતી.

રાફિયાએ (નામ બદલ્યું છે) પોતે કઈ રીતે બચી શકી તેની વાત બીબીસીને જણાવી હતી.

ચાર અન્ય લોકો સાથે તેમને એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, બાદમાં ચારેયને ડિસ્ચાર્જ કરી દેવાયા હતા.

રાફિયા કહે છે, ''પરંતુ મારા ટેસ્ટનું પરિણામ આવવામાં મોડું થઈ રહ્યું હતું અને મને કોઈ કશું જણાવી પણ રહ્યું નહોતું.''

યુવતીને સૌથી અલગ એકાંતમાં રાખવામાં આવી હતી અને તે ધીરજપૂર્વક ટેસ્ટની રાહ જોતી રહી. તેમના ફોન પર આખરે એક મૅસેજ આવ્યો.

''એક મિત્રે ટીવી ન્યૂઝની એક ક્લિપ રેકર્ડ કરીને મને વૉટ્સઍપ પર મોકલી હતી.''

આ સમાચારમાં એવું જણાવાયું હતું કે વુહાનથી આવેલી એક મેડિકલ સ્ટુડન્ટની તપાસ થઈ હતી અને તેનો કોરોના વાઇરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.

રાફિયાને સમજાઈ ગયું કે આ સમાચાર તેમનાં વિશેના જ હતા.

તે કહે છે, ''મને ટીવી ન્યૂઝથી ખબર પડી કે કોરોના વાઇરસનો ચેપ મને લાગી ગયો છે.''

30 જાન્યુઆરીએ ભારતમાં તેમને કોરોના વાઇરસના પ્રથમ દર્દી જાહેર કરવામાં આવ્યા હતા.

તંત્ર દ્વારા પગલાં

એક કલાકમાં જ ડૉક્ટર પણ અંદર આવ્યા અને તેને જણાવ્યું કે તમારો કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.

તમારે સારવાર માટે વધુ સમય હૉસ્પિટલમાં રહેવું પડશે એમ જણાવાયું.

આ વાતથી તે ગભરાઈ નહોતી. તે કહે છે, ''હું ઠીક હતી. ત્યાં સુધીમાં ઘણા લોકોનો ઇલાજ સારી રીતે થઈ ચૂક્યો હતો.''

''મને ખબર હતી કે આ વાઇરસ વૃદ્ધો માટે અને શ્વાસની બીમારી ધરાવનારા લોકો માટે વધારે ખતરનાક હતો. હું શાંત રહી હતી અને પૉઝિટિવ રીતે વિચારતી રહી.''

સરકારી તંત્ર પણ તરત કામે લાગ્યું હતું અને 25 જાન્યુઆરીએ ભારત પહોંચ્યા પછી કોની-કોની સાથે મુલાકાત કરી હતી તે બધાની માહિતી મેળવવામાં આવી હતી.

અલગ સારવાર

રાફિયાના પરિવારને આના કારણે ઘણી બધી કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું.

તેમનાં માતાને પણ ત્રિસ્સૂરની મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં એક અલગ વૉર્ડમાં અલગ રાખવામાં આવ્યાં હતાં. એ જ હૉસ્પિટલમાં રાફિયાની પણ સારવાર ચાલી રહી હતી.

એક જ હૉસ્પિટલમાં હોવા છતાં બંને એકબીજાને મળી શકે તેમ નહોતા.

તેમના પિતા અને ભાઈને પણ તેમના ઘરમાં અલગ અને એકાંતમાં રાખવામાં આવ્યા હતા.

રાફિયા કહે છે, ''વાઇરસ લઈને ફરવું તેના કરતાં તમે એકાંતમાં રહો તે જ વધારે સારું છે.'' રાફિયા નહોતાં ઇચ્છતાં કે તેમના કારણે બીજા કોઈને ચેપ લાગે.

તેને સામાન્ય પ્રકારનું ભોજન આપવામાં આવતું હતું અને તેના રૂમમાં બે વાર સફાઈ કરવામાં આવતી હતી. ડૉક્ટર અને નર્સ તેમની સાથે અચકાયા વિના વાતચીત કરતાં હતાં એમ તેમનું કહેવું છે.

''તે લોકો ટેસ્ટ માટે આવતા હતા અને ત્યારે પ્રૉટેક્ટિવ ગિયર પહેરીને આવતા હતા. તેઓ બહુ સારા લોકો હતા.''

ચીનમાં કોરોના વાઇરસનો પ્રકોપ ફેલાયો હતો એટલે તેના કારણે કેવી મેડિકલ પ્રક્રિયા હોય તેનાથી રાફિયા સારી રીતે વાકેફ હતાં.

વુહાનથી મુસાફરી

રાફિયા ત્રણ વર્ષથી વુહાનમાં મેડિકલનું ભણી રહ્યાં હતાં.

રાફિયા કહે છે, ''9 જાન્યુઆરી સુધી અમારા ક્લાસ ચાલતા હતા અને સેમેસ્ટર ઍક્ઝામ પણ ચાલી રહી હતી. તે પછી અમે ચાર અઠવાડિયાં માટે રજા પર જવાના હતા.''

અડધો મહિનો એમ જ વીત્યો અને મૃત્યુનો આંક વધવા લાગ્યો હતો. અફવા પણ બહુ ઝડપથી ફેલાવા લાગી હતી.

''20 જાન્યુઆરીએ અમને ખબર પડી કે આ બીમારી બહુ ઝડપથી ફેલાઈ રહી છે. તેથી અમે ત્યાંથી બહાર નીકળી જવાનું નક્કી કર્યું હતું. મેં મારી ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી લીધી હતી.''

ભારત સરકારે સહાય પહોંચાડવા અને ભારતીયોને પરત લાવવા માટે વિમાન ચીન મોકલ્યું તે પહેલાંની આ વાત છે.

વુહાન શહેર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે તે પહેલાં જ રાફિયા ત્યાંથી કોઈક રીતે બહાર નીકળી શક્યાં હતાં.

વુહાનથી નીકળીને તે કોલકાતા ઍરપૉર્ટ પહોંચ્યાં હતાં અને ત્યાંથી બીજી ફ્લાઇટ પકડીને તે કોચી પહોંચી હતી.

સ્ક્રિનિંગમાં વાઇરસના લક્ષણો દેખાયા નહીં

રાફિયા કહે છે, ''કોલકાતા ઍરપૉર્ટ અને કોચી ઍરપૉર્ટ પર મારું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તેમાં મારામાં વાઇરસના કોઈ લક્ષણ દેખાયા નહોતા.''

બીજા દિવસે બીજિંગસ્થિત ભારતીય દૂતાવાસ તરફથી તેને મૅસેજ મળ્યો હતો કે ચીનથી બહાર ગયેલા લોકોએ પોતાનું મેડિકલ ચેકઅપ અચૂક કરાવી લેવું.

રાફિયાએ જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીની મુલાકાત લીધી અને ચેકઅપ કરાવ્યું, પણ તેમાંય કોઈ ચિંતાજનક બાબત જોવા મળી નહોતી.

પરંતુ બે દિવસ પછી 27 જાન્યુઆરીએ તે સવારે ઊઠી ત્યારે તેમનું ગળું ખરાબ થઈ ગયું હતું અને રાફિયાને લાગ્યું કે તેમની તબિયત બરાબર નથી.

રાફિયાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં અને તેમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો.

પોતાના પર હતો વિશ્વાસ

લગભગ 20 દિવસ સુધી રાફિયાને એક નાનાકડા કમરામાં જ રહેવું પડ્યું. એક નાનકડી બારીમાંથી તેણે બહારની દુનિયાને જોતી રહેવાની હતી.

''મને ખાતરી હતી કે મારી ઇમ્યુન સિસ્ટમ કોરોના વાઇરસ સામે લડી લેશે.''

રાફિયા અને તેમના પરિવારને હજી પણ તેમના ઘરમાં સૌથી અલગ રખાયા છે અને હજી કેટલાક દિવસ તેમણે આવી રીતે જ સૌથી અલગ રહેવું પડશે.

રાફિયા કહે છે, ''મારી જિંદગીમાં આ એક નવો અનુભવ હતો. મને પોતાની ચિંતા નહોતી, પણ મારા કુટુંબ અને મિત્રોની ચિંતા હતી.''

આજ સુધી દુનિયાના 50 દેશોમાં કોરોના વાઇરસના કેસ દેખાયા છે. દુનિયાભરમાં લગભગ 3000 લોકોનાં મૃત્યુ થયા છે. તેમાંથી સૌથી વધુ મૃત્યુ ચીનમાં થયા છે.

રાફિયા કહે છે, ''સ્થિતિ સામાન્ય થઈ જાય તે પછી હું ફરીથી વુહાન જઈશ અને મારો છ વર્ષનો કોર્સ પૂરો કરીશ.''

રાફિયાનું કહેવું છે કે મેડિકલ સ્ટુડન્ટ તરીકે વુહાનમાં તેને સૌથી મોટો બોધપાઠ મળ્યો હતો.

તે કહે છે, ''હું ડૉક્ટર બની જઈશ ત્યારે સૌ પ્રથમ મારા દર્દીને તેની સ્થિતિ વિશે સાચી વાત જણાવીશ.''

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો