You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી હિંસા : શું મુસ્લિમોને હિંસા ભડકાવવા માટે પૈસા આપવામાં આવ્યા? - ફૅક્ટ ચેક
- લેેખક, કીર્તિ દુબે
- પદ, ફૅક્ટ ચેક ટીમ, બીબીસી
પૂર્વોત્તર દિલ્હીમાં હિંસા સંદર્ભે અનેક પ્રકારના વીડિયો શૅર થઈ રહ્યાં છે.
આવા જ એક વીડિયોમાં એવો દાવો થઈ રહ્યો છે કે હુલ્લડ ફેલાવવા માટે મુસ્લિમોને પૈસા વહેંચવામાં આવ્યા હતા.
લગભગ 30 સેકન્ડનો આ વીડિયો પાસેના કોઈ ઘરની છત ઉપરથી શૂટ કરવામાં આવ્યો હોય તેમ જણાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે લાઇનબંધ ઊભેલી મહિલાઓને નોટ જેવું કંઇક આપવામાં આવી રહ્યું છે.
મહિલાઓ ઉપરાંત બાળકોને પણ એક-એક નોટ અપાય રહી છે.
મનદીપ ટોક્સ નામના યૂઝરે આ વીડિયો શૅર કર્યો છે અને દાવો કર્યો છે કે આ વીડિયો ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પહેલાંનો વીડિયો છે અને હુલ્લડ ફેલાવા માટે મુસલમાનોને પૈસા ચૂકવાયા હતા.
આ વીડિયો 32 હજારથી વધુ વખત શૅર થયો છે, જ્યારે પાંચ લાખથી વધુ વખત જોવાયો છે.
સમાન પ્રકારના દાવા સાથે અન્ય યૂઝર્સે પણ ફેસબુક ઉપર આ વીડિયો શૅર કર્યો છે, જે ચાર હજાર કરતાં વધુ વખત શૅર થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું ખરેખર હિંસા ફેલાવવા માટે પૈસા આપવામાં આવ્યા હતા કે કેમ તેની ખરાઈ માટે બી.બી.સી.એ વીડિયોની તપાસ હાથ ધરી હતી.
અમે વીડિયોને ધ્યાનથી સાંભળ્યો તો અવાજ સંભળાયો, "અલ્લાહ એમને ખૂબ જ આપશે, અન્યોને ખૂબ જ મદદ કરી રહ્યા છે."
પ્રથમ નજરે જોતા આ વીડિયો ઉત્તર-પૂર્વ દિલ્હીનો હોવાનું જણાયું. આથી બી.બી.સી. હિંસકવિસ્તારની મુલાકાત લીધી. અમે ન્યૂ મુસ્તફાબાદના બાબુનગર વિસ્તારમાં પહોંચ્યા.
જ્યારે અમે ચાર નંબર ગલીમાં વીડિયો દેખાડ્યો, ત્યારે તેમણે સ્વીકાર્યું કે આ વીડિયો તેમની જ ગલીનો છે.
બાબુનગરના શિવવિહારમાં અનેક મુસલમાન પરિવારોએ આશરો લીધો છે. કેટલાક ઈદગાહ તથા ઘરોમાં રાહત છાવણીઓ ઊભી કરવામાં આવી છે.
હાશિમ નામના સ્થાનિકના કહેવા પ્રમાણે, "મદદ માટે રૂ. 100 અને રૂ. 50 આપવામાં આવ્યા હતા."
"આ ગલી ઉપરાંત આજુબાજુની ગલીઓમાં પણ ભોજન ઉપરાંત નાણાં જરૂરિયાતમંદોને આપવામાં આવ્યા હતા. કેટલાક લોકો બહારથી આવીને મદદ કરી રહ્યા છે."
"કેટલાક સરદાર પણ આવ્યા હતા. શનિવાર અને રવિવાર ઉપરાં ત્રણ-ચાર દિવસથી પૈસા વહેંચી રહ્યાં છે. સવાર કે સાંજનો સમય નક્કી નથી હોતો, પરંતુ જ્યારે આવે છે, ત્યારે મહિલાઓ અને બાળકો લાઇન લગાવીને ઊભાં રહી જાય છે."
"લોકો અહીં ભોજન માટેનું રૅશન પણ વહેંચી રહ્યા છે. જીવનજરૂરિયાતનો સામાન તથા પૈસા બાળકો તથા મહિલાઓને અપાઈ રહ્યાં છે. દરેકથી શક્ય એટલી મદદ કરે છે."
આ ગલીમાં આગળ વધ્યા તો નિરાશ્રિત બનેલાંઓ માટે ભોજન બની રહ્યું હતું. મોહમ્મદ રફીક મંસૂરી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરે છે.
મંસૂરી કહે છે, "લોકો મદદ માટે અનાજ આપી જાય છે. કેટલાક લોકો તુઘલઘાબાદ કે દિલ્હીના અન્ય વિસ્તારોથી અહીં આવીને અનાજ આપી જાય છે. અન્ય સ્થળોએથી 10-20 કિલો અનાજની મદદ કરી રહ્યા છીએ."
"જેથી કરીને જે લોકોએ ઘરબાર છોડવા પડ્યા છે, તેમને ભોજન મળી રહે. અનેક લોકો બાળબચ્ચાંવાળા છે."
બી. બી. સી. તપાસમાં બહાર આવ્યું છે કે વીડિયોમાં જે રીતે દાવો થઈ રહ્યો છે, તે મુજબ દિલ્હીમાં હિંસા ફેલાવવા માટે પૈસા વિતરીત નથી થયા, પરંતુ હુલ્લડ પીડિતોને મદદ માટે આપવામાં આવ્યા હતા.
આ વીડિયોમાં શિવપુરથી નાસીને બાબુનગરમાં શરણ લેનાર પરિવારો જોવા મળે છે, જેમને ભોજન, દૂધ તથા કપડાંની પણ રાહત આપવામાં આવી રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો