શું અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે અમેરિકા ઝૂકી ગયું છે?

    • લેેખક, સિકંદર કિરમાની
    • પદ, બીબીસી ન્યૂઝ કાબુલ

અમેરિકા, અફઘાન અને તાલિબાનના અધિકારીઓ ગત શનિવારે કતાર દોહામાં થયેલી સમજૂતીને 'શાંતિસમજૂતી' કહેવાથી બચતા હતા.

પરંતુ અફઘાનિસ્તાનમાં સતર્કતા સાથે એ આશા સેવાઈ રહી છે કે સમજૂતીના અસ્તિત્વથી 'હિંસા ઓછી થશે' અથવા તો એક આંશિક યુદ્ધવિરામ લાગુ થશે.

આ સ્થિતિ આટલે સુધી કેવી રીતે પહોંચી? અને તેના થવા માટે આટલો સમય કેમ લાગ્યો?

બે દશકથી જારી અફઘાન યુદ્ધમાં ઘણું લોહી વહી ગયું છે. તાલિબાન હજુ પણ અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારો પર નિયંત્રણ રાખે છે, પરંતુ તે મુખ્ય શહેરીકેન્દ્રોને નિયંત્રિત કરવામાં અસમર્થ છે.

જોકે આ દરમિયાન તાલિબાન અને અમેરિકા બંનેના નેતૃત્વને એ અહેસાસ થઈ ગયો છે કે બંને સૈન્યતાકાતથી જીત મેળવવામાં અસમર્થ છે.

દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આ દેશમાંથી પોતાના સૈનિકોને પરત બોલાવશે.

અમેરિકાની છૂટ બાદ વાર્તા

છેવટે અમેરિકાએ મુખ્ય છૂટ આપી અને બાદમાં બંને વચ્ચે વાર્તા થઈ શકી.

2018માં અમેરિકાએ તાલિબાનને એ શરતમાં છૂટ આપી હતી જે અંતર્ગત તેણે સૌથી પહેલા અફઘાન સરકાર સાથે વાત કરવાની હતી. અફઘાન સરકાર તાલિબાનને હંમેશાં ફગાવતી રહી છે.

અમેરિકાએ તાલિબાનની સાથે સીધી વાતચીત કરી અને અફઘાનિસ્તાનમાં વિદેશ સૈનિકોની મોજૂદગીની મુખ્ય માગ સાંભળી.

આ વાતચીત બાદ શનિવારે થયેલી સમજૂતી અસ્તિત્વમાં આવી જેમાં એ પણ નક્કી થયું કે તાલિબાન 2001ના અમેરિકન હુમલાનાં કારણોમાંથી એક અલ-કાયદા સાથે પણ પોતાના સંબંધો અંગે ધ્યાન આપશે.

આ સમજૂતી બાદ હવે ચરમપંથી અને અન્ય અફઘાન રાજનીતિજ્ઞો વચ્ચે વાતચીત થશે, જેમાં સરકારના નેતાઓ પણ સામેલ છે.

અફઘાન સરકાર સાથેની વાતચીત પડકારજનક?

આ વાતચીત બહુ પડકારજનક રહેવાની છે, કેમ કે અહીં કોઈ પણ રીતે તાલિબાનના 'ઇસ્લામિક અમિરાત'નાં સપનાં અને 2001 બાદ બનેલા આધુનિક લોકતાંત્રિક અફઘાનિસ્તાન વચ્ચે એક સુલેહ કરવી પડશે.

મહિલાઓનું શું અધિકાર હશે? લોકતંત્ર પર તાલિબાનનું શું વલણ છે? આવા સવાલના જવાબ ત્યારે જ મળી શકશે જ્યારે 'અફઘાનવાર્તા' શરૂ થશે.

ત્યાં સુધી તાલિબાન કદાય જાણીજોઈને અસ્પષ્ટ રહેશે. આ વાતચીત શરૂ થતાં પહેલાં ઘણી અડચણો રહેશે. તાલિબાન ઇચ્છે છે કે આ વાતચીત શરૂ થાય એ પહેલાં તેમના 5,000 લડાકુને છોડવામાં આવે.

અફઘાન સરકાર પોતાના તાબામાં મોજૂદ આ લડાકુઓના માધ્યમથી તાલિબાન સાથે ભાવતાલ કરવા માગે છે, જેથી તાલિબાન યુદ્ધવિરામ માટે રાજી થઈ જાય.

તો, રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામને લઈને રાજકીય સંકટ યથાવત્ છે. અશરફ ઘનીના વિરોધી અબ્દુલ્લા અબ્દુલ્લાએ ગોટાળાનો આરોપ લગાવ્યો છે.

રાજનીતિક અસ્થિરતા વચ્ચે વાતચીત માટે એક 'સમાવેશી' વાતચીત ટીમ બની શકવામાં બહુ મુશ્કેલી થઈ શકે છે, કેમ કે એ સમયે આંતરરાષ્ટ્રીય પર્યવેક્ષક મોજૂદ રહેશે અને તેઓ તાલિબાનને વાતચીત માટે ટેબલ પર જોવા માગશે.

સમજૂતી નિષ્ફળ જતાં શું થશે?

એક અફઘાન અધિકારીએ મારી સાથે વાત કરતાં એ સ્વીકાર્યું કે જ્યારે 'અફઘાનવાર્તા' શરૂ થશે તો એ વર્ષો પણ લઈ શકે છે.

પરંતુ અમેરિકાએ સંકેત આપ્યા છે કે જો તાલિબાન સમજૂતી પર પોતાનું વચન નિભાવશે તો તે 14 મહિનામાં પોતાની સેનાને ખસેડી લેશે.

જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે જો વાતચીતથી કોઈ ઉકેલ ન આવ્યો તો અમેરિકા ત્યાં ક્યાં સુધી રોકાશે.

અફઘાન અધિકારીઓએ ભાર આપ્યો છે કે અમેરિકાનું જવું 'કરારબદ્ધ' છે, પરંતુ એક રાજદ્વારીએ મને જણાવ્યું કે સેનાએ 'અફઘાનવાર્તા' શરૂ થતાં જ જવુ પડશે, ન કે તેના પૂરા થયા બાદ.

તેઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો અમેરિકા પોતાનાં સુરક્ષાબળોને ખસેડી લે છે અને તાલિબાન યુદ્ધમેદાનમાં ઊતરી જાય તો અફઘાન સુરક્ષાબળ એકલા પડી જશે.

અન્ય વિશ્લેષકોએ ચેતવ્યા કે તાલિબાન છૂટ આપવાના મૂડમાં જોવા મળતું નથી. તેણે પોતાના સમર્થકો સામે આ સમજૂતીને એક 'જીત'ના રૂપમાં રજૂ કરી છે. તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા માગે છે.

દોહામાં ધામધૂમથી થયેલી આ સમજૂતીએ તેમણે આવી ઓળખ આપી છે અને તેઓ અનુભવે છે કે વાતચીત તેમના હેતુને પૂરો કરવાની સૌથી મોટી તક છે.

મોટા ભાગના સામાન્ય અફઘાની લોકોની પ્રાથમિકતા હિંસામાં કમી લાવવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો