ખંભાત : જેમના પર હિંસાનો આરોપ છે એ હિંદુ જાગરણમંચ શું છે?

    • લેેખક, હરિતા કંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

આણંદ જિલ્લાના ખંભાતમાં 24-25 ફેબ્રુઆરીએ થયેલી કોમી હિંસાના મામલામાં પોલીસે દાખલ કરેલી એફઆઇઆરમાં 'હિંદુ જાગરણમંચ'ના સભ્યોનાં નામ સામે આવ્યાં છે.

આ એ જ હિંદુ જાગરણમંચ છે જેના આક્રમક 'ઘરવાપસી' કાર્યક્રમે ગુજરાતના ડાંગમાં ચકચાર મચાવી હતી.

ખંભાતમાં કોમી તોફાન અંગે આણંદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર પ્રમાણે 25 ફેબ્રુઆરીએ હિંદુ સમાજના આગેવાનોએ ખંભાત શહેરમાં બંધનું એલાન આપ્યું હતું અને હિંદુ સમાજના લોકોને શહેરના ગ્વારા ટાવર પર સવારે દસ વાગ્યે હાજર રહેવાનું આહ્વાન આપ્યું હતું.

એફઆઇઆર પ્રમાણે શહેરમાં કોમી તણાવને પગલે કોઈ પણ સમાજના લોકોને રૅલી કે સભા કરવાની પરવાનગી નહોતી તેમ છતાં 25 ફેબ્રુઆરીએ સવારે હિંદુઓ ભેગા થયા અને ઉશ્કેરણીજનક ભાષણો કરાયાં.

આરોપીઓમાં આણંદના ભૂતપૂર્વ ધારાસભ્ય સંજય પટેલ તથા હિંદુ જાગરણમંચના કેતન પટેલ તથા નીરવ જૈનનાં નામો સામેલ છે.

આ લોકો વિરુદ્ધ જીપીસીની કલમ 135 હેઠળ પરવાનગી વગર ગ્વારા ટાવર પર જનમેદની ભેગી કરીને સભામાં ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો આરોપ છે.

જોકે, અખબારી અહેવાલ મુજબ હિંદુ જાગરણમંચે નીરજ જૈન અને કેતન પટેલ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાઈ હોવાનો દાવો કર્યો છે.

ખંભાતની હિંસામાં જે હિંદુ જાગરણમંચનું નામ સામે આવી રહ્યું છે તે એક સમયે ગુજરાતમાં ચાલેલા 'ઘરવાપસી' કાર્યક્રમમાં સામેલ હતો.

ધર્માંતરના વિરુદ્ધમાં સંઘ

રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ અને તેનાં સંગઠનોએ ગુજરાતમાં જે 'ઘરવાપસી' કાર્યક્રમ ચલાવ્યો, તેણે દેશ-વિદેશના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું.

ડાંગમાં ખ્રિસ્તી મિશનરી અને સંસ્થાનો વિરુદ્ધ હિંસા પછી હિંદુ જાગરણમંચ પ્રકાશમાં આવ્યો હતો.

1998નું વર્ષ હતું. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ. આદિવાસીની બહુમતી ધરાવતા આ વિસ્તારમાં નાતાલના દિવસે ચાલુ થયેલી હિંસા લગભગ એક મહિના સુધી ચાલી. આ વખતે ખ્રિસ્તી આદિવાસીઓ હિંસાનો શિકાર બન્યા હતા.

1998ની 25 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી 1999 વચ્ચે ડાંગ જિલ્લામાં શ્રેણીબદ્ધ હુમલામાં ખ્રિસ્તી સંસ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. 168 જેટલાં ખિસ્તી ચર્ચ અને પ્રાર્થનાસ્થળોને તોડી નખાયાં અથવા આગના હવાલે કરવામાં આવ્યાં હતાં.

આરએસએસ અને તેની સાથે જોડાયેલાં સંગઠનો કેટલાય દાયકાઓથી ધર્માંતર વિરુદ્ધ અભિયાન ચલાવતાં રહ્યાં છે.

'વનવાસી કલ્યાણ આશ્રમ' નામના સંઘનું સંગઠન આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મના અંગીકરણને અટકાવવાનું કામ કરતું હતું.

ડાંગને કેમ પસંદ કર્યું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વનવાસી કલ્યાણ આશ્રમ અને હિંદુ જાગરણમંચે વિશ્વ હિંદુ પરિષદ સાથે 1998-99માં ખ્રિસ્તી ધર્માંતર વિરુદ્ધ આક્રામક વલણ અપનાવ્યું હતું.

આમાં હિંદુ જાગરણમંચ અને સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટના આરોપી રહેલા અસીમાનંદની મોટી ભૂમિકા હતી.

ગુજરાતનો ડાંગ જિલ્લો મુખ્યતવે આદિવાસી વિસ્તાર છે.

311 ગામ ધરાવતા ડાંગમાં આશરે 90 ટકા વસતી આદિવાસી છે.

આશરે બે લાખની ડાંગની વસતીમાંથી 70 ટકાથી વધારે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે.

બ્રિટિશ રાજમાં 1830ના દાયકામાં, ડાંગના સાગનાં જંગલોમાં વેપાર અંગેના અધિકાર હસ્તગત કરાયા હતા.

બ્રિટિશ શાસને ખ્રિસ્તી મિશનરી સહિત સામાજિક કાર્યકરો અને રાજકીય કાર્યકરો પર આ વિસ્તારમાં કામ કરવાનો પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેને ભય હતો કે તેઓ આદિવાસીઓને જમીનની માલિકી વિશે જાગરૂક કરી શકે છે.

અહેવાલો મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં 1905માં પ્રથમ મિશનરી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી.

આરએસએસના વનવાસી કલ્યાણ આશ્રમ તરફથી દેશભ્રમણ પર નીકળેલા અસીમાનંદ પ્રથમ વખત 1996માં ડાંગ આવ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘે 'શ્રદ્ધા જાગરણ વિભાગ'ની સ્થાપના કરીને અસીમાનંદને તેના વડા બનાવ્યા હતા. અસીમાનંદે ડાંગના આદિવાસીઓ વચ્ચે રહીને કામ કરવાનું નક્કી કર્યું હતું.

અસીમાનંદ અને હિંદુ જાગરણમંચ

1998માં વઘઈમાં ડાંગના આદિવાસી સમુદાયમાં ધાર્મિક મતભેદ વધી રહ્યા હતા.

'કૅરાવાન' મૅગેઝિનના એક લેખમાં લીના ગીતા રઘુનાથે લખ્યું કે વસતિગણતરી પ્રમાણે 1970 સુધી આ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરી તરફથી ધર્માંતર સીમિત હતું, પરંતુ 1991થી ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી વસતિમાં દર વર્ષ નવ ટકાનો વધારો નોંધાયો હતો.

અસીમાનંદની આગેવાની હેઠળ વનવાસી કલ્યાણ આશ્રમ, હિંદુ જાગરણમંચ અને વિશ્વ હિંદુ પરિષદે ધર્માંતર વિરુદ્ધ ડાંગમાં સક્રિયતા વધારી હતી.

1998 સુધી ખ્રિસ્તી મિશનરીઓ પર હુમલા વધવા લાગ્યા હતા.

1998માં નાતાલના દિવસે હિંદુ જાગરણમંચે ત્રણ રૅલીઓ યોજી હતી. રૅલીઓની આગેવાની અસીમાનંદે લીધી હતી. આ રૅલીઓમાં અસીમાનંદની ખ્રિસ્તીવિરોધી વિચારધારાને પ્રતિબિંબિત કરતાં સૂત્રોચ્ચાર કરાયા હતા અને આહવાની રૅલીમાં જિલ્લા અધિકારી પણ સામેલ થયા હતા.

નાતાલના દિવસે આહવામાં દીપદર્શન હાઈસ્કૂલ પર હુમલો થયો હતો જેમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને હિંદુ જાગરણમંચનાં નામો સામે આવ્યાં હતાં.

આ ઉપરાંત સુબીરમાં એક શાળા પર હુમલો અને આગચંપીની ઘટના બની હતી. ગાડવી ગામમાં 200 જેટલા લોકોના એક ટોળાએ એક સ્થાનિક ચર્ચ પર હુમલો કર્યો હતો અને આગ ચાંપી દીધી હતી.

એની બાજુમાં પણ એક ચર્ચને સળગાવી દેવામાં આવ્યું હતું. વાકી ગામમાં એક ચર્ચ અને વનવિભાગની એક જીપ સળગાવી દેવામાં આવી હતી.

બીજા દિવસે ડાંગનાં ગામોમાં છ ચર્ચ સળગાવી દેવામાં આવ્યાં હતાં.

ખ્રિસ્તી આદિવાસીઓનાં ઘરો પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ખ્રિસ્તી તથા મુસ્લિમ લોકોના રોજગારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

એ વખતે વિદેશી મીડિયાનું ધ્યાન પણ ખ્રિસ્તીવિરોધી હિંસાની ઘટનાઓ તરફ ખેંચાયું હતું.

ન્યૂયૉર્ક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર 25 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી વચ્ચે ડાંગમાં પોલીસે ખ્રિસ્તીઓ પર હુમલાની 25 ફરિયાદો અને હિંદુઓ પર હુમલાની 3 ફરિયાદ નોંધી હતી.

તે સમયે 43 હિંદુઓ અને 125 ખ્રિસ્તીઓની ધરપકડ કરાઈ હતી.

અસીમાનંદનો દાવો હતો કે 1998ના ડિસેમ્બરના મધ્યથી લઈને 1999ના જાન્યુઆરીના મધ્ય સુધી ડાંગમાં 40 હજાર ખ્રિસ્તી લોકોએ હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો. અસીમાનંદે દાવો કર્યો હતો કે તેમણે 30 ચર્ચ તોડીને મંદિર બાંધ્યાં હતાં.

'હિંદુ જાગરણમંચ'

ચર્ચ તોડવાનો દાવો કરનાર અસીમાનંદે 'કૅરાવાન' મૅગેઝિનનાં લીના ગીતા રઘુનાથને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "હિંદુ જાગરણમંચની સ્થાપના વનવાસી કલ્યાણ આશ્રમે (વીકેએ) કરી હતી."

તેમણે કહ્યું હતું કે "ધર્માંતરને રોકવું મુશ્કેલ નથી, હિંદુઓને વધારે કટ્ટર બનાવો અને બધું કામ થઈ જશે."

તેઓ આગળ કહે છે, "હિંદુ જાગરણમંચની રચના એક આદિવાસી સંગઠનના રૂપમાં કરવામાં આવી હતી. આદિવાસીઓ સાથે શરૂ કરાયેલા સંગઠનના નિર્ણયો વીકેએ દ્વારા લેવામાં આવતા હતા. ચહેરો આદિવાસી હતો પરંતુ કામ સંઘનું હતું."

તેમણે જે કહ્યું તેને ડાંગમાં હિંદુ જાગરણમંચની સ્થાપના સંદર્ભે જોઈ શકાય.

કારણ કે સરકારી રૅકર્ડ મુજબ ભાજપના વરિષ્ઠ નેતા વિનય કટિયાર 1982માં હિંદુ જાગરણમંચના સંસ્થાપક અધ્યક્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ભાજપ નેતા વિનય કટિયાર બજરંગદળ, એબીવીપી સાથે પણ જોડાયેલા હતા.

આ ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું છે કે 'અસીમાનંદનો ઘરવાપસીનો કાર્યક્રમ લોકપ્રિય થયો હતો. ત્રણથી ચાર વર્ષ સુધી તેઓ લોકો ધર્માંતર કરવા માગતા આદિવાસીઓઓને સુરતના ઉનાઈ મંદિરમાં લઈ જતા હતા. જ્યાં સ્નાન અને તિલક-પૂજા કરાવીને તેમને હિંદુ જાહેર કરી દેવામાં આવતા હતા."

"તેમને હિંદુ દેવતા હનુમાનના ફોટો અને હનુમાન ચાલીસા આપીને પરત મોકલવામાં આવતા હતા."

કહેવાય છે કે વઘઈના આશ્રમમાં અસીમાનંદ તેમના માટે જમણવારનું આયોજન કરતા હતા.

અસીમાનંદે 'ધ વીક'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "અમે આદિવાસીઓની ગરીબી દૂર કરવા અથવા વિકાસ માટે નહીં પરંતુ તેમના આધ્યાત્મિક ઉત્થાન માટે કામ કરીએ છીએ."

જ્યારે અસીમાનંદે ગુજરાતના ડાંગમાં કામ કરવાનું નક્કી કર્યું ત્યારે ભાજપના કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

ન્યૂયૉર્ક ટાઇમ્સના 23 જાન્યુઆરી, 1999ના અહેવાલમાં લખવામાં આવ્યું કે ભારતમાં 1998-99ના દાયકામાં ખ્રિસ્તી ચર્ચ, સ્કૂલો અને ખ્રિસ્તી ધર્મના લોકો પર હુમલા વધ્યા છે, તેમાં ગુજરાત મોખરે હતું કારણ કે અડધાથી વધારે હુમલા ગુજરાતમાં થયા હતા.

ડાંગમાં થયેલાં તોફાનો પર એટલો મોટો હોબાળો થયો હતો કે તત્કાલીન કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આહવાની મુલાકાત લીધી હતી અને ગુજરાતની ભાજપ સરકાર પર હિંસા કરનારાઓને છાવરવાનો આરોપ લગાવ્યો હતો.

શબરીકુંભ

'કૅરાવાન' મૅગેઝિનમાં પ્રકાશિત અહેવાલ મુજબ હિંદુ જાગરણમંચ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં સંગઠનોનાં કાર્યોના પરિણામે ડાંગ જિલ્લાનાં ગામોમાં થયેલી હિંસાએ આરએસએસમાં અસીમાનંદનો હોદ્દો વધાર્યો હતો અને તેમને 'શ્રી ગુરુજી' પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

બાદનાં વર્ષોમાં પણ ઘરવાપસી કાર્યક્રમ ચાલુ રહ્યો હતો.

અસીમાનંદની કામગીરી ચાલુ રહી હતી અને ડાંગના સુબીર ગામમાં તેમણે વર્ષ 2004માં શબરીધામની સ્થાપના કરી હતી.

જ્યાં તેમની દેખરેખ હેઠળ વનવાસી કલ્યાણ આશ્રમ અને હિંદુ જાગરણમંચ જેવી સંસ્થાના કામકાજનું મથક ચાલતું હતું.

આ મંદિર એ જગ્યાથી લગભગ સાત કિલોમિટર દૂર આવેલું છે, જ્યાં માન્યતા પ્રમાણે શબરીએ રામને બોર ખવડાવ્યા હતા.

અસીમાનંદના આશ્રમથી છ કિલોમિટર દૂર વર્ષ 2006માં શબરીકુંભનું આયોજન થયું હતું. જેમાં ગુજરાતના પ્રખ્યાત કથાવાચક મોરારિબાપુ અને ભાજપના ટોચના નેતાઓ સામેલ થયા હતા.

હિંદુ જાગરણમંચ વર્ષોથી ધર્માંતર સિવાય લવ-જેહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા માટે સમાચારમાં ચમકતો રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો