કોરોના વાઇરસની દુનિયાના વેપારને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે. એક સમયે ચીનમાં જ સાર્સ વાઇરસના ઉપદ્રવે માઝા મૂકી હતી.

સાર્સના (SARS સિવિયર ઍક્યૂટ રૅસ્પિરેટરી સિન્ડ્રોમ)ને કારણે જે મૃત્યુ થયા હતા તે આંકડાને તો કોરોના વાઇરસને કારણે ખૂબ ટૂંકા સમયમાં થયેલ મૃત્યુનો આંક ક્યારનોય વટાવી ચૂક્યો છે.

ચીનની સરકાર અને કૉમ્યુનિસ્ટ પાર્ટી યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.

આમ છતાંય કોરોના વાઇરસનો રોગચાળો હજુ સુધી કાબૂમાં આવવાનું નામ નથી લેતો. ઉલટાનો એ 57 જેટલા દેશોમાં ફેલાયો છે.

હજુ પણ વધુ દેશોમાં ફેલાશે ત્યારે શું પરિસ્થિતિ થશે એની કલ્પના કરતાં પણ ધ્રુજી જવાય છે.

આપણે આજે Globalisation એટલે કે વૈશ્વિકરણના જમાનામાં જીવીએ છીએ.

આર્થિક મુદ્દે હોય, જીઓપોલિટિકલ ટૅન્શન હોય કે પછી રોગચાળો, એક દેશમાં બનતી કોઈપણ ઘટના વિશ્વના સમગ્ર વ્યવહાર અને વાતાવરણને અસર કરે છે .

એ વાતનો પુરાવો લેહમન બ્રધર્સની કટોકટી, અમેરિકા-ચાઇના ટ્રૅડવોર, ઈરાન-અમેરિકા વચ્ચેનો તણાવ, સાર્સ અથવા કોરોના વાઇરસ કે સ્વાઇન ફ્લૂ જેવી મહામારી હોય, સમગ્ર વિશ્વ એનાથી વધતે-ઓછે અંશે પ્રભાવી બને છે.

વૈશ્વિક આરોગ્ય અને આરોગ્ય સેવાઓ પર તોળાઈ રહેલા ખતરાની વાત અલગથી કરી છે.

વિશ્વની અર્થવ્યવસ્થા પર અસર

એક કરતાં વધુ કારણોસર સપ્ટેમ્બર 2019માં અમેરિકન ડૉલરની કિંમતે ચીનની નિકાસ અગાઉના વરસના સપ્ટેમ્બર કરતા 3.2 ટકા ઘટી, આયાત 8.5 ટકા આ જ ગાળામાં ઘટી.

ન્યૂઝ એજન્સી રૉઈટર્સ દ્વારા લેવામાં આવેલ નિષ્ણાતોના અભિપ્રાયો મુજબ, સપ્ટેમ્બર 2019માં ચીનની વેપાર પુરાંત (Trade Surplus)નો અંદાજ 33.3 અબજ અમેરિકન ડૉલરનો મૂકવામાં આવ્યો હતો.

જોકે આ અસર મહદંશે અમેરિકા અને ચીન વચ્ચે થયેલી વેપારસમજૂતી પહેલાની છે. આ વેપાર સમજૂતીના પરિપાકરૂપે ચીન અમેરિકામાંથી 40 થી 50 અબજ ડૉલરના કૃષિ ઉત્પાદનો ખરીદવા સંમત થયું છે. આ બધાને કારણે અમેરિકા-ચીન વચ્ચેના ઘર્ષણ અટકશે.

એક નજર ચીન ક્યાંથી આયાત કરે છે અને ક્યાં નિકાસ કરે છે તે હકીકતો પર પણ નાખી લઈએ.

કોષ્ટક 1 : ચીન - નિકાસના મુખ્ય ભાગીદારો (વર્ષ 2018માં) (સ્રોત - વર્લ્ડ બૅન્ક)

આમ ચીનનું સૌથી મોટું નિકાસ બજાર અમેરિકા અને ત્યારબાદ હૉંગકૉંગ (ચીન) રહ્યા છે. ચીન પોતાના દેશમાં ક્રૂડઑઈલ સમેત અનેક ચીજવસ્તુઓની આયાત મોટાપાયે કરે છે.

આ આયાતો ક્યાંથી કરે છે તેની વિગતો પણ જોઈ લઇએ.

ચીનની આયાતના મુખ્ય ભાગીદારો (વર્ષ 2018માં) (સ્ત્રોત - વર્લ્ડ બૅન્ક)

ચીન પોતાને ત્યાંથી જે નિકાસ કરે છે તેની વિગતો જોઈએ તો સૌથી વધુ નિકાસ કૅપિટલ ગુડ્સની ત્યારબાદ કાચામાલની અને ત્યારબાદ સેમી ફિનિશ્ડ ઇન્ટરમિડિયેટ ગુડ્સની તેમજ છેલ્લે કન્ઝ્યુમર ગુડ્સની છે, જેની વિગતો નીચે મુજબ છે.

પ્રોડક્ટ ગ્રૂપ પ્રમાણે ચીનની નિકાસ (વર્ષ 2018માં) (સ્ત્રોત- વર્લ્ડ બૅન્ક)

ચીન દ્વારા નિકાસ કરવામાં આવતાં ઉત્પાદનોમાં ટોચના ક્રમે રહેલી પ્રોડક્ટમાં કમ્પ્યૂટર્સ, ઓફિસ મશીન પાર્ટસ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને ટેલિફોન્સનો સમાવેશ થાય છે.

ચીનની મુખ્ય આયાતોમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, ક્રૂડ પેટ્રોલિયમ, આયર્ન ઓર, કાર અને સોનાનો સમાવેશ થાય છે. કુલ વિશ્વવેપારમાં ચીનનો ફાળો 17 ટકા છે. (સરખાવો ભારતનો ફાળો માત્ર 1.7 ટકા).

2015ની સાલમાં ચીને સેમી-ફિનિશ્ડ ગુડ્સ અથવા વચગાળાનો સામાન કયા-કયા દેશોમાંથી આયાત કર્યો હતો તેની વિગતો નીચેના ગ્રાફમાંથી જોઈ શકાય છે.

આમ કોરોના વાઇરસને કારણે ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન મોટાપાયે અસર પામે અને ચીનની ઉત્પાદન વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન મોટી મોટી ફેક્ટરીઓ બંધ પડવા માંડે તો એની અસર ઘણા બધા દેશો જે ચીન સાથે કાચા અથવા ઇન્ટરમિડિયેટ ગુડ્સના સપ્લાયર તરીકે જોડાયેલા છે, તેને પડે.

મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ પર મોટા પ્રમાણમાં અસર

વુહાન જે કોરોના વાઇરસની આ મહામારીનું ઉદગમસ્થાન અને કેન્દ્ર છે તે સ્ટીલ અને ઇલેકટ્રોનિક્સનું ખૂબ મોટું ઉત્પાદન કેન્દ્ર છે.

કોરોના વાઇરસને કારણે પેદા થયેલી પરિસ્થિતિમાં ફેક્ટરીઓનું શટડાઉન જો લાંબુ ચાલે તો વિશ્વ વ્યાપારમાં ચીનની એક મોટા ખેલાડી તરીકેની પરિસ્થિતિ જોતા વિશ્વભરની મૅન્યુફૅક્ચરિંગ અને સપ્લાય ચેઇનને એની અસર થાય.

કોરોના વાઇરસ (Corona Virus) ચીનમાં ભારે તબાહી લઈને આવ્યું છે. ત્યાં આ વાઇરસ ઘણા લોકોના જીવનો દુશ્મન બની ગયો છે તો દુનિયાભરમાં ઘણા વેપાર પણ તેની ઝપેટમાં આવી ગયા છે.

આ વાઇરસે ભારતીય દવા કંપનીઓની પણ મુશ્કેલી વધારી દીધી છે. જો ચીનની હાલતમાં જલદી સુધારો નહીં આવે તો ઘરેલું દવા ઉદ્યોગ પર તેની અસર પડી શકે છે.

ભારતની વાત કરીએ તો વિશ્વમાં કદ (Volume)ની દ્રષ્ટિએ ફાર્માસ્યુટિકલ્સનું ત્રીજા નંબરનું ઉત્પાદક અને કિંમતની દૃષ્ટિએ 13મા નંબરનું ઉત્પાદક છે. ભારત પોતાના ઘરઆંગણાના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે ચીન પાસેથી ઍક્ટિવ ઈન્ગ્રેડીયન્ટ્સ ખરીદે છે અને એ રીતે આપણો દવા ઉદ્યોગ ખૂબ મોટા પાયે ચીનથી આયાત થતા ઍરીથ્રોમાઇસિન અને બીજા ઍક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ પર આધારિત છે.

એટલે ઘરઆંગણાની દવાઓની જરૂરિયાત માટે પણ ઘણી બધી ઍન્ટિબાયોટિક્સ અને જીવનરક્ષક દવાઓની તંગી ઊભી થાય.

ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર મોટી અસર

ઇન્ડિયન ફાર્માસ્યૂટિકલ્સ એલાયન્સના જનરલ સેક્રેટરી સુદર્શન જૈને કહ્યું કે ભારત ઍન્ટિબાયોટિક્સ અને વિટામિન જેવા તત્વોની આયાત પર નિર્ભર છે. કંપનીઓને કાચા માલની અછતનો ડર સતાવી રહ્યો છે.

એક આંકડા મુજબ, 90 ટકાથી વધુ API સીધા ચીનથી આવે છે.

ચીનના વુહાન જેવા શહેરોમાં તેનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, પરંતુ કોરોનાને કારણે ફેક્ટરીઓ તાળાં મારી દેવામાં આવ્યાં છે.

જૈનના જણાવ્યા અનુસાર, દરેક કંપનીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

સરકાર પણ આ મામલે વાકેફ છે અને પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પક્ષો મળીને કામ કરી રહ્યા છે.

ફાર્માસ્યૂટિકલ કંપની સનોફી ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે કોરોના વાઇરસની અસરની આગાહી કરવી ઉતાવળ સમાન છે.

પુરવઠામાં કોઈ અવરોધ ન આવે તેની ખાતરી કરવા માટે અમે પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં કહ્યું, "જો આવું જ ચાલુ રહે તો આવનારા દિવસોમાં ડાયાબિટીસ અને હાર્ટ દર્દીઓ માટેની દવાઓમાં સમસ્યા આવી શકે છે. ઍન્ટિબાયોટિક્સ, પેરાસિટામોલ જેવી સામાન્ય દવાની પણ બજારમાં તંગી ઊભી થઈ શકે છે."

ઇલેક્ટ્રોનિક ઍસેમ્બલી લાઇન થકી મોબાઈલથી માંડી કમ્પ્યૂટરનું ઉત્પાદન કરતા ઉદ્યોગો માટે પણ ચીનની આ કોરોના વાઇરસ કટોકટી બહુ મોટી આફત પુરવાર થાય.

આમ કોરોના વાઇરસ એ માત્ર માણસની જિંદગી સામે ખતરો ઉભો કરતું મહામારીનું મૂળ નથી, એણે વૈશ્વિક ઉત્પાદન નેટવર્ક તેમજ વિશ્વ વેપાર ઉપર પણ એની કાળી ઝાંય પાથરવાની શરૂ કરી છે.

ભારત પોતાને જરૂરી એવા લગભગ 15 ટકા જેટલા ઇન્ટરમિડીયેટ્સ ચીનથી આયાત કરે છે.

આમ ચીનનો કોરોના વાઇરસ ભારત સમેત વિયેતનામ, સાઉથ કોરિયા, થાઈલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, જાપાન, તાઇવાન અને સિંગાપુર ઉપરાંત યુરોપ અને અમેરિકાને પણ જો આ કટોકટી લાંબી ચાલે તો ઔદ્યોગિક ઉત્પાદન તેમજ વેપાર ક્ષેત્રે નાની-મોટી તકલીફો પેદા કરી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો