પોલીસની ભૂમિકા: ગુજરાતનાં રમખાણોથી દિલ્હીની કોમી હિંસા સુધી

    • લેેખક, હરિતા કંડપાલ
    • પદ, બી.બી.સી. સંવાદદાતા

વર્ષ 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી ઍક્સ્પ્રેસને આગ ચાંપવામાં આવી અને એ પછી રાજ્યમાં ઠેર-ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યાં, એ ઘટનાને 18 વર્ષ થઈ ગયાં છે.

સરકારી આંકડા મુજબ આ રમખાણોમાં કુલ 1,044 લોકોનો ભોગ લેવાયો હતો, જે પૈકી 790 મુસ્લિમ અને 254 હિંદુ હતા.

27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને સળવાગી દેવાની ઘટના બની હતી, જેમાં કારસેવકો હતા.

આ આગચંપીમાં 59 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ પછી ગુજરાતનાં અનેક શહેરો-ગામોમાં રમખાણો ફાટી નીકળ્યાં.

જ્યારે આ ઘટનાની 18મી વરસી આવી રહી છે, ત્યારે દિલ્હીમાં પણ હિંસા ફાટી નીકળી છે.

કેટલાક લોકો દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાના સરખામણી ગુજરાતનાં 2002નાં કોમી રમખાણો સાથે કરે છે.

દિલ્હીમાં ત્રણ દિવસ સુધી હિંસા ચાલી, જેમાં અત્યાર સુધી 27 લોકોનાં મૃત્યુ થયાં છે અને 200 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે વિસ્તારોની મુલાકાત લીધી છે અને તેમનું કહેવું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

આ હિંસામાં પોલીસની ભૂમિકાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

દિલ્હીની હાઈકોર્ટે નારાજી જાહેર કરી છે અને દિલ્હી પોલીસ કમિશનરને હિંસા માટે ઉશ્કેરનાર નેતાઓ સામે પગલાં લેવાનું કહ્યું છે.

કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષના નેતાઓનાં નિવેદનો અને ભૂમિકાની પણ ટીકા થઈ રહી છે.

દિલ્હીની અદાલતે પોલીસને કહ્યું છે કે, ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક નિવેદનો બદલ હેટસ્પીચનો ગુનો દાખલ કરવામાં આવે જેથી કાર્યવાહી કરી શકાય.

આ નિવેદનો આઠમી ફેબ્રુઆરીએ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીપ્રચાર દરમિયાન અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને અન્ય ભાજપ નેતાઓએ આપ્યાં હતાં.

એ ઉપરાંત ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ વિવાદિત નિવેદન કર્યું હતું.

2002માં ગુજરાતનાં રમખાણો વખતે પોલીસ અને સત્તાધારી પાર્ટીના નેતાઓની ભૂમિકાને લઈને પ્રશ્નો ઊભા થયા હતા.

ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારી તંત્રની નિષ્ક્રિયતા અંગે તપાસ ચાલી જોકે ગત વર્ષે નાણાવટી પંચના રિપોર્ટમાં મોદી અને સરકારી તંત્રને ક્લીનચિટ આપવામાં આવી હતી.

સંખ્યાબળ કે ઇચ્છાશક્તિની કમી?

પરંતુ પોલીસના આ જ રિપોર્ટમાં કેટલીક જગ્યાએ ઉલ્લેખ છે કે, પોલીસ બિનઅસરકારક સાબિત થઈ હતી, કારણ કે તેમનું સંખ્યાબળ અપૂરતું હતું અથવા તેમની પાસે પૂરતાં હથિયારો અને સાધનો નહોતાં.

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્યારે રાજ્યનું પોલીસ બળ 43 હજાર હતું, જેમાંથી 12 હજાર પોલીસકર્મી હથિયારબંધ હતા.

જોકે ગુજરાત રમખાણોમાં પોલીસ અને સરકારી તંત્રની ભૂમિકાને લઈને ઘણું કહેવાયું છે. ભારતીય સેનાના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ ઑફ આર્મી સ્ટાફ લે. જનરલ ઝમિર ઉદ્દીન શાહે પોતાના પુસ્તક 'ધ સરકારી મુસલમાન' લખ્યું છે કે કેટલકા મહત્તવપૂર્ણ કલાક વેડફાય ગયા હતા.

'...તો ઓછું નુકસાન થયું હોત'

ગુજરાતમાં એ વખતે ફાટી નીકળેલા તોફાન વખતે સેના બોલાવવામાં આવી હતી.

લે. જનરલ શાહે લખ્યું છે કે જો સેનાને સમયસર પરિવહન વ્યવસ્થા મળી હોત, તો નુકસાન ઘણું ઓછું થયું હોત.

તેમણે આગળ લખ્યું છે કે "જે પોલીસ છ દિવસમાં ન કરી શકી એ અમે 48 કલાકમાં કરી બતાવ્યું હતું. અમે ચાર માર્ચે ઑપરેશન સમાપ્ત કર્યું હતું. એ ઑપરેશન બે માર્ચે ખતમ કરી શકાયું હોત, જો અમારો સમય ન બગડ્યો હોત."

તેમણે આગળ લખ્યું છે કે જ્યારે ભીડ સડકો અને મકાનોમાં આગચંપી કરી રહી હતી, ત્યારે પોલીસ મૂકદર્શક બની હતી. તે આ હોબાળાને રોકવા માટે કંઈ નહોતી કરી રહી.

દિલ્હીમાં પણ પોલીસ પર આ પ્રકારના આરોપ સામે આવ્યા છે.

આ અંગે બી.બી.સી. ગુજરાતીનાં હરિતા કંડપાલે ગુજરાત પોલીસના ભૂતપૂર્વ આઈ.પી.એસ. (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઓફિસર રાહુલ શર્મા સાથે વાત કરી હતી.

2002માં ભાવનગરમાં તહેનાત આઈ.પી.એસ. રાહુલ શર્મા રમખાણોમાં સરકારની કામગીરી મામલે રાજ્યની ભાજપ સરકાર સામે પડ્યા હતા.

'દિલ્હી કે ગુજરાત : પોલીસની એ જ ભૂમિકા'

દિલ્હીની હિંસામાં જે રીતે મીડિયામાં પોલીસની નિષ્ક્રિયતાની પરિસ્થિતિ જાહેર થઈ રહી છે એવા આરોપ ગુજરાતના રમખાણો વખતે ગુજરાત પોલીસ સામે પણ થયા હતા.

અનેક વિસ્તારોમાં પોલીસ પર હિંસા સમયે મૂકદર્શક બની રહેવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

જ્યાં પોલીસ સજાગ હતી ત્યાં રમખાણ નહોતા થયા અને અમુક જગ્યાએ રમખાણ થયા ત્યાં પરિસ્થિતિ નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી.

કોઈ પણ રાજ્યની પોલીસની વ્યૂહરચના હોય છે, જેમ કે ગુજરાત પોલીસની મૅન્યુઅલમાં કહેવામાં આવ્યું છે કે કોમી રમખાણોની પરિસ્થિતિમાં ઉપલબ્ધ પોલીસબળનો મહત્તમ ઉપયોગ કરવો.

જ્યારે પરિસ્થિતિ વણસે અને હુલ્લડો ફાટી નીકળે, ત્યારે પોલીસે પ્રિવેન્ટિવ ઍક્શન લેવાનું હોય છે.

એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવી અને તપાસ કરવી એ તો પછીની વાતો છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે હિંસા થઈ રહી હોય, ત્યારે પોલીસ કાર્યવાહી કેમ ન કરી શકે.

પોલીસે રમખાણોને નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ કરવો પડે છે. એ કેમ નથી કરવામાં આવતો?

ગુજરાતમાં 2002ના રમખાણો વખતે પણ પોલીસ પર આરોપ લાગ્યા હતા કે જે પ્રમાણે પોલીસે ઍક્શન લેવું જોઈતું હતું, એ નહોતું લેવાયું.

મોટાભાગે બધા વિસ્તારોમાં પોલીસબળ તો લગભગ સરખું હોય છે. એટલાં જ સંખ્યાબળ સાથે પોલીસ એક જગ્યાએ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે છે, પરંતુ બીજી જગ્યાએ પરિસ્થિતિ વણસી જાય છે અને નુકસાન થાય છે.

એવું નહોતું કે અલગ-અલગ જિલ્લાઓમાં પોલીસનું સંખ્યાબળ વધારે હતું, એટલે ત્યાં હિંસાને કાબૂમાં લેવાઈ હતી.

પોલીસની ફરજ છે કે તે પહેલાં જનતાની રક્ષા કરે. પોલીસનું સંખ્યાબળ ઓછું હોય તો પણ એ મહત્ત્વનું હોય છે કે જેટલી સંખ્યામાં કર્મીઓ હાજર છે એને કેવી રીતે વાપરવામાં આવ્યા. જો પાલીસે સંખ્યાબળનો મહત્તમ વપરાશ ન કર્યો હોય, તો પરિસ્થિતિ કથળે તો ખરી જ.

જો પોલીસનું સંખ્યાબળ ઓછું હોય, તો પણ તેનો અસરકારક ઉપયોગ કરવો જરૂરી છે.

પોલીસનો ધર્મ

પોલીસનો ધર્મ છે કે તેની પાસે જે બળ છે તેનો વપરાશ કરે અને જાનમાલનું નુકસાન થતાં અટકાવે. જો પોલીસ ઍક્શનમાં નિષ્ફળ થાય તો એ પછીની વાત છે, પણ ઍક્શન તો લે.

મારો અનુભવ બિલ્કુલ વિપરીત છે કે જ્યારે બળપ્રયોગ કરવામાં આવે ત્યારે તોફાન કરનાર લોકો ભાગી જાય છે, જો પોલીસ ઇચ્છે તો કોઈ હિંસા ચાલુ ન રાખી શકે. સામાન્ય રીતે પોલીસ ક્યારેય ઇચ્છે નહીં કે તેની ગોળીથી કોઈ વ્યક્તિને નુકસાન થાય.

હું મારા અનુભવથી કહી શકું છું કે ગુજરાતમાં પણ રમખાણ રોકી શકાયા હોત.

પહેલાં જ હાથ પર હાથ મૂકીને બેસી જાઓ અને કોઈ પગલાં જ ન લો એ કયા પ્રકારનો નિયમ છે?

પોલીસનું એ વલણ કેવું કહેવાય કે લોકો મરી રહ્યા હોય અને પોલીસ પૂરતી સંખ્યા નથી કે બીજા કારણ આપે. પોલીસની નિષ્ક્રિયતાને કોઈ વાજબી ન ઠેરવી શકે.

કોઈ પણ શહેરમાં પરિસ્થિતિ કેટલી વકરી શકે છે એને લઈને પોલીસને અંદાજ લેવામાં ભૂલ થઈ શકે છે. જો પરિસ્થિતિનો અંદાજ લેવા પાછળ કોઈ ખાસ કારણોસર પોલીસથી ચૂક થાય, ત્યારે સવાલ ઊભા થાય છે.

જેમ કે, 2002માં જ્યારે ગુજરાતમાં ઠેર-ઠેર રમખાણો ફાટી નીકળ્યા હતા, ત્યારે ભાવનગરમાં તણાવ વધ્યો હતો, પરંતુ ત્યાં પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાઈ હતી. અમે તરત કાર્યવાહી કરી હતી.

સમાજમાં અપરાધ તો થાય જ, જો અપરાધ ન થાય તો કોઈ દેશ કે રાજ્યમાં પોલીસની જરૂર નથી. એક હદ પછી અપરાધને રોકી ન શકાય.

પ્રશ્ન હંમેશા એ નથી હોતો કે હુલ્લડ થયા, પ્રશ્ન એ છે કે તેને નિયંત્રણમાં લઈ શકાયા કે નહીં.

ઘણી વખત પોલીસ પાસે માહિતી હોય કે પરિસ્થિતિ બગડી શકે છે અને તેમાં શું કયો રસ્તો લેવો એ અંગે પોલીસના નિર્ણયમાં ચૂક થાય, પરંતુ અંતે જ્યારે પરિસ્થિતિ બગડે ત્યારે પોલીસે તેને નિયંત્રણમાં લેવા માટે કડક હાથે કાર્યવાહી કરવાની હોય જ, એ જ નિયમ છે.

તાત્કાલિક કાર્યવાહી

કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અંગે ગુનો દાખલ કરવો, તપાસ અને કોર્ટ કેસ એ બધું વર્ષો સુધી ચાલ્યા કરે, એ દરમિયાન સાક્ષી ઘટનાની માહિતી ભૂલી જતા હોય છે, કેટલા આરોપીઓનો દોષ સાબિત થશે કે નહીં, એ બહુ લાંબી પ્રક્રિયા હોય છે.

કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો પોલીસ પાસે વિભાગ હોય છે અને તેને તેની પાસે જે પણ સંખ્યાબળ હોય એ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય છે.

પોતાના અનુભવથી કહી શકું છે કે દુર્ભાગ્યપૂર્ણ છે કે રમખાણો એ રાજકીય હથિયાર છે, તેને પોલીસ કેવી રીતે ખતમ કરી શકે?

પ્રશ્ન એ છે કે શું ભારતના નાગરિકો તરીકે લોકોએ આવા નેતાઓને ચૂંટ્યા હતા. માત્ર પોલીસ પર દોષનો ટોપલો ઢોડી દેવાથી શું હાંસલ થાય છે?

કેટલીક વખત પોલીસ પણ દબાણમાં આવી જતી હોય છે અને જે નથી આવતા તેમની સાથે શું થાય છે એ પણ જોયું છે.

ગુજરાતના રમખાણોમાં જે પોલીસ અધિકારીઓ સામે પડ્યા એમને કેટલું ભોગવવાનું આવ્યું, નાગરિકોમાંથી કોણ તેમની સાથે ઊભું રહ્યું?

પોલીસકર્મી આઈ.પી.એસ. હોય કે કૉન્સ્ટેબલ પદ પર હોય, તેના પર એક પ્રકારનું દબાણ હોય છે કે મારી નોકરી પર તો પ્રશ્ન નહીં ઊભા થાય.

હિંસા ક્યારેય વાજબી નથી હોતી

ગુજરાતના રમખાણ હોય કે દિલ્હીની હિંસા, કોઈ પણ પ્રકારની હિંસાને બરાબર ન ઠેરવી શકાય. ભારતમાં લોકતંત્ર બચ્યું છે, થોડા ભણેલા લોકો તો આ વાતને સમજી શકે છે, પરંતુ સડક પર ચાલતી દરેક સામાન્ય વ્યક્તિ આ વાતને નથી સમજતી. ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકો અનેક પ્રકારના તણાવમાં હોય છે અને જ્યારે તેમના પર તણાવ વધે છે, ત્યારે આ પ્રકારની પ્રતિક્રિયા સામે આવે છે.

હુલ્લડ, તોફાન અને કોમી હિંસા, એને વ્યાપક સ્તર પર જોવાની જરૂર હોય છે. આ એક ગંભીર સમસ્યા છે. રમખાણો પ્રેશર કૂકરની જેમ હોય છે, નીચેથી ગરમી મળતી રહે, પ્રેશર વધતું રહે અને આજે અથવા કાલે તેમાં અવાજ આવશે. પોલીસ તો પ્રેશર કૂકરનું ઢાંકણ છે, પરંતુ પ્રશ્ન એ છે કે નીચેથી ગરમી કોણ આપે છે.

જે રીતે એક સમુદાયના લોકોને નિશાન બનાવવાના આરોપ દિલ્હીમાં લાગી રહેલા હોય તો દિલ્હી અને ગુજરાતની હિંસામાં સામ્યતા એ છે કે બંને જગ્યાએ એક જેવી જ પરિસ્થિતિ હતી. ગુજરાતમાં ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો.

2002માં ભાવનગરમાં હું તહેનાત હતો, ત્યાં અમે પરિસ્થિતિને સંભાળી લીધી હતી, સેના જ્યારે ત્યાં પહોંચી તો તેમની પાસે કરવા માટે કંઈ વધ્યું ન હતું. પોલીસ ઇચ્છે તો હુલ્લડને નિયંત્રણ કરી શકે છે.

સેના ત્યારે બોલાવવામાં આવે જ્યારે પોલીસનું બધું બળ વપરાયું હોય અને તો પણ પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવી હોય.

2002 રમખાણોમાં ભાવનગરમાં અમે જ કાર્યવાહી કરી તેમાં એક તત્કાલીન મંત્રીએ ફરિયાદ કરી હતી કે ભાવનગરમાં છ મૃત્યુ થયા તેમાંથી પાંચ હિંદુ હતા અને એક મુસ્લિમ હતા.

મારું કહેવાનું હતું કે જે પ્રમાણમાં ભીડ હશે, તે પ્રમાણમાં મૃત્યુ થયા હોય, કારણ કે ગોળીને ધર્મની ખબર નથી હોતી.

જ્યારે પોલીસ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય કે પોલીસ ભેદભાવ વગર કાર્યવાહી કરે તો શું થાય.

ગુજરાતના રમખાણોથી લઈને દિલ્હીના રમખાણો સુધી પોલીસની ભૂમિકામાં કંઈ નથી બદલાયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો