અભિનંદન પાકિસ્તાનની કસ્ટડીમાં હતા અને તેમના પત્નીને સાઉદી અરેબિયાથી કૉલ આવ્યો...

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય પાઇલટ અભિનંદન વર્થમાનનાં પત્ની તન્વી મારવાહને 2019ની 28 ફેબ્રુઆરીએ સાઉદી અરેબિયાના એક નંબર પરથી ફોન આવ્યો, ત્યારે તેમને થોડી ચિંતા અને આશ્ચર્ય બન્ને લાગણી થઈ હતી. સામેના છેડેથી પાકિસ્તાની જેલમાં કેદ તેમના પતિ વિંગ કમાન્ડર અભિનંદન વાત કરી રહ્યા હતા.

આઈ.એસ.આઈ. (પાકિસ્તાનની ગુપ્તર સંસ્થા, ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ)ની પહેલ મુજબ એ કોલ સાઉદી અરબિયાના રૂટથી આવ્યો હતો. એક તરફ આઈ.એસ.આઈ.ના લોકો અભિનંદનના ચહેરા તથા શરીર મૂક્કા મારી રહ્યા હતા. બીજી તરફ, તેમનો એક માણસ અભિનંદનને તેમનાં પત્ની સાથે ફોન પર વાત કરાવી રહ્યો હતો.

કેદમાં રાખવામાં આવેલી વ્યક્તિ સાથે આ અંદાઝમાં વાત કરવામાં આવે છે, ત્યારે જાસૂસીની દુનિયામાં તેને 'બેડ કોપ, ગૂડ કોપ' ટેકનિક કહેવામાં આવે છે. તેનો હેતુ કેદમાં રાખવામાં આવેલી વ્યક્તિ પાસેથી વધુમાં વધુ માહિતી કઢાવવાનો હોય છે.

એ દિવસોમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાની સંસદમાં જાહેરાત કરી હતી કે અભિનંદનને પાકિસ્તાનમાં રાખવાનો તેમનો કોઈ ઇરાદો નથી અને તેને મુક્ત કરવામાં આવશે.

પાકિસ્તાની સંસદસભ્યોએ તાળી વગાડીને ઇમરાન ખાનની જાહેરાતનું સ્વાગત કર્યું હતું, પણ અનેક વર્તુળોમાં સવાલ ઉઠ્યો હતો કે આ શાણપણભર્યું પગલું છે?

ટ્રમ્પે સૌ પહેલાં આપ્યો સંકેત

બીજી તરફ, ઇમરાન ખાને ભારતના આકરા વલણના ડરે અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે, એવું ચિત્ર ઉપસાવવામાં ભારતના રાજકીય નેતૃત્વએ કોઈ ખામી રાખી ન હતી.

ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના અધ્યક્ષ અમિત શાહે ઝારખંડના ગોડ્ડા ખાતે પાંચ માર્ચે એક ચૂંટણીસભામાં કહ્યું હતું, "તેમણે આપણા પાઇલટને પકડ્યો પણ મોદીજીના કારણે તેમણે તેને 48 કલાકમાં છોડવો પડ્યો."

અલબત, અભિનંદનને મુક્ત કરવામાં આવી રહ્યા હોવાના સંકેત અમિત શાહની આ શેખી પહેલાં જ મળવા લાગ્યા હતા.

28 ફેબ્રુઆરીએ જ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને મળવા હનોઈ પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને પત્રકારોએ ભારત તથા પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલી બાબતે સવાલ કર્યો હતો.

ત્યારે ટ્રમ્પે કહ્યું હતું, "મને લાગે છે કે તમને પાકિસ્તાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. અમે આ પ્રકરણ સાથે જોડાયેલા છીએ અને ટૂંક સમયમાં તેના પર પૂર્ણવિરામ મૂકાઈ જશે."

થોડા કલાકો પછી ઇમરાન ખાને અભિનંદનને છોડવાની જાહેરાત કરી હતી.

ક્રાઉન પ્રિન્સ સલમાનની નિર્ણાયક ભૂમિકા

આ પ્રકરણમાં અમેરિકા ઉપરાંત સાઉદી અરેબિયાએ પણ મોટી ભૂમિકા ભજવી હતી.

પુલવામા હુમલા પછી તરત જ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સલમાન પહેલાં પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા અને પછી ભારત આવ્યા હતા.

ભારતના વિદેશી બાબતોના પંડિતોએ નોંધ્યું હતું કે સલમાને ઇસ્લામાબાદમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાને આપેલી કુરબાનીના વખાણ કર્યાં હતાં, જ્યારે નવી દિલ્હી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ વલણ સાથે સહમત થયા હતા કે આતંકવાદને કોઈ પણ રીતે વાજબી ઠરાવી શકાય નહીં.

એટલું જ નહીં, સાઉદી અરેબિયાના ઉપ-વિદેશ પ્રધાન આદેલ અલ-ઝુબેરે ઈસ્લામી દેશોના સંમેલન દરમિયાન તત્કાલીન વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સાથે વાત કરી હતી.

સાઉદી અરેબિયાને શા માટે રસ હતો?

સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા તલમીઝ અહમદ માને છે, "સાઉદી અરેબિયા તેના ઈરાનવિરોધી ગઠબંધનમાં પાકિસ્તાનને સાથે રાખવા ઇચ્છે છે. એ ઉપરાંત તે ભારતને પણ ઈરાનથી દૂર લઈ જવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે."

પાકિસ્તાને સલામતી પરિષદના પાંચ મોટા દેશોનો સંપર્ક કર્યો.

બાલાકોટમાં ભારતના હુમલા પછી પાકિસ્તાને દુનિયાના વગદાર દેશો અને સલામતી પરિષદના સ્થાયી સભ્યોનો સંપર્ક કરીને તેમને જણાવ્યું હતું કે, બાલાકોટ પર હુમલો કરીને જ ભારતને સંતોષ થયો નથી.

ભારતે નૌકાદળના જહાજો કરાચી તરફ આગળ વધારવાનું શરૂ કરી દીધું છે. એ પાકિસ્તાન પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે અને ભારત-પાકિસ્તાન સીમા પર ભારતીય સૈનિકોની ગતિવિધિ પણ વધી ગઈ છે. આ માહિતીથી ચિંતિત થઈને અનેક દેશોએ ભારતનો સંપર્ક કર્યો હતો.

ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ(રો)ના એક અધિકારીએ તેમની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું, "ભારતે એ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને તેનું જોરદાર ખંડન કર્યું હતું."

"ભારતે જણાવ્યું હતું કે હકીકતમાં તેનાં નૌકાદળનાં જહાજો કરાચીથી ઉલટી દિશામાં જઈ રહ્યાં છે. આ દેશો પાસે ઉપગ્રહો મારફતે આ હિલચાલ જોવાની ક્ષમતા છે. તેઓ ઈચ્છે તો પાકિસ્તાનના દાવાની સ્વતંત્ર તપાસ કરી શકે છે."

ભારતીય વિમાન તોડી પાડવાના અને એક ભારતીય પાઇલટને બંદી બનાવવાના પાકિસ્તાનના કૃત્ય સામે નવી દિલ્હી કોઈ પગલાં લેવાનું વિચારી રહ્યું છે કે કેમ, એવો સવાલ આ દેશોએ ભારતને કર્યો ત્યારે ભારતે જણાવ્યું હતું કે હવે નિર્ણય પાકિસ્તાને કરવાનો છે. પાકિસ્તાન ઇચ્છતું હોય કે તંગદિલી ઘટે તો તેણે એ દિશામાં પહેલ કરવી પડશે.

ભારતે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, અભિનંદનને કોઈ નુકસાન કરવામાં આવશે અને તેને તરત મુક્ત નહીં કરવામાં આવે તો પાકિસ્તાને તેનું માઠું પરિણામ ભોગવવું પડશે.

ભારતની ચેતવણી

રોના ડિરેક્ટર અનિલ ધસ્માનાએ આઈ.એસ.આઈ.ના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર સાથે સીધી વાત કરીને સ્પષ્ટ જણાવી દીધું હતું કે અભિનંદન સાથે આકરું વર્તન કરવામાં આવશે તો પાકિસ્તાને તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે એ વખતે અમેરિકાના તેમના સમોવડિયા જોન બોલ્ટન અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે હોટ લાઇન પર વાત કરીને તેમને જણાવ્યું હતું કે, વિંગ કમાન્ડર અભિનંદન સાથે ગેરવર્તન થશે તો ભારત કોઈ પણ હદે જવા તૈયાર છે.

એટલું જ નહીં, ડોભાલ અને ધસ્માનાએ સંયુક્ત આરબ અમિરાત તથા સાઉદી અરેબિયાના પોતાના સમકક્ષો સાથે પણ વાત કરીને તેમને ભારતનું વલણ જણાવી દીધું હતું.

પાકિસ્તાનનાં મોટા શહેરોમાં 'અંધારપટ'

એ દરમિયાન પાકિસ્તાનના મુલકી તથા સૈન્ય નેતૃત્વને ગુપ્ત માહિતી મળી હતી કે ભારત 27 ફેબ્રુઆરીએ રાતે નવથી દસ વચ્ચે પાકિસ્તાન પર નવ મિસાઇલોથી હુમલો કરશે.

પાકિસ્તાને તેનો જવાબ દેવા માટે ભારતીય ઠેકાણાંઓ પર 13 મિસાઇલો વડે હુમલો કરવાની યોજના બનાવી હતી. એ સમયે ઇસ્લામાબાદ, લાહોર તથા કરાચીના સંરક્ષણ મથકોની આસપાસ અંધારપટ કરીને હવાઈ માર્ગો બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.

ભારતની સુરક્ષા મામલાઓની કૅબિનેટ સમિતિના એક સભ્ય અને કેટલાક સુરક્ષા નિષ્ણાતો માને છે કે ભારતીય લશ્કરી તંત્ર રેડ એલર્ટ પર મૂકાવાને કારણે જ પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વએ નવી દિલ્હીને જણાવ્યું હતું કે, ભારતીય પાઇલટની મુક્તિની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને વડાપ્રધાન ઇમરાન ખાન આવતીકાલે તેની જાહેરાત કરશે.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સિનિયર ફેલો સુશાંત સરીન કહે છે, "બાલાકોટ પછી પાકિસ્તાનની કાર્યવાહી બાદ એવું માનવામાં આવતું હતું કે ભારત પણ વળતું પગલું લેશે."

"પરિસ્થિતિ નિરંકુશ ન બની જાય એવી આશંકા પણ બળવતર બનતી જતી હતી. તેથી એવું લાગવા માંડ્યું હતું કે પાકિસ્તાને એવું કોઈ પગલું લેવું જોઈએ, જેનાથી વધતી તંગદિલીમાં ઘટાડો કરી શકાય."

"ઇમરાન ખાનના નિવેદન પહેલાં ભારતે માગણી કરી હતી કે અભિનંદનને વિના શરતે મુક્ત કરવામાં આવે."

"આ માગણી સંબંધે પાકિસ્તાન તરફથી વાતચીતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ ભારતે તેને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો અને સ્પષ્ટ કરી દીધું હતું કે અભિનંદનની મુક્તિની શરત વિશે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં થાય. કદાચ એ જ કારણે પાકિસ્તાને અભિનંદનને છોડવાનો નિર્ણય કરવો પડ્યો હતો"

સાઉદી અરેબિયાના કૂટનૈતિક પ્રયાસ

એ દરમિયાન પ્રિન્સ સલમાનનો સંદેશો લઈને સાઉદી અરેબિયાના નાયબ સંરક્ષણ પ્રધાન અદેલ અલ-ઝુબૈર ઇસ્લામાબાદ ગયા હતા. એ સમયે ભારતમાં સાઉદી અરેબિયાના રાજદૂત ડૉ.સઉદ મોહમ્મદ અલ-સતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

મોદી સરકારે પુલવામા હુમલા પહેલાંથી જ સાઉદી સરકારને મહત્વ આપવાનું શરૂ કરી દીધું હતું. એ દરમિયાન પ્રિન્સ સલમાન અને નરેન્દ્ર મોદીનો અંગત સંબંધ ઘણો મજબૂત થઈ ગયો હતો.

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનના ઉગ્રવાદી ઝુકાવ સામે આકરું વલણ અપનાવવાનું શરૂ કરી દીધું હતું. પુલવામાની ઘટના બની ત્યારે સાઉદી સરકારે પાકિસ્તાનને સાથ આપવાને બદલે આતંકવાદ વિરુદ્ધ આકરું નિવેદન બહાર પાડ્યું હતું.

વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત હર્ષ પંત કહે છે, "સાઉદી અરેબિયા એવું ઇચ્છતું ન હતું કે આ મામલો એટલો ઉગ્ર બને કે તેણે ભારત કે પાકિસ્તાન એ બન્નેમાંથી કોઈ એક દેશનું જાહેર સમર્થન કરવું પડે."

"વ્યૂહાત્મક બાબતોમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયા લાંબા સમયથી એકમેકની નજીક હોવાથી સાઉદી અરેબિયાએ પાછલા બારણેથી એવા પ્રયાસ કર્યા હતા કે પાકિસ્તાન એ મામલાને વકરાવે નહીં."

સાઉદી અરેબિયાએ ભારત સાથે પણ વાત કરી હતી. વચ્ચેનો માર્ગ નીકળી આવે તો પોતાને કોઈ વાંધો નથી એવો સંકેત સાઉદી અરેબિયાને ભારત તરફથી મળી ગયો, ત્યારે તેણે પાકિસ્તાનનો સંપર્ક કર્યો હતો.

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને સ્પષ્ટ જણાવી દીધું હતું કે ઇસ્લામાબાદ તણાવ ઘટાડવાના પ્રયાસ નહીં કરે તો એ પાકિસ્તાનની પડખે ઉભું રહી શકશે નહીં.

ઇસ્લામી દેશોમાં એકલા પડી જવાનો ડર

હર્ષ પંત ઉમેર છે, "સાઉદી અરેબિયા પર પશ્ચિમનું દબાણ તો હતું જ, પણ સાઉદી અરેબિયાના આ વલણથી પાકિસ્તાનને એવું લાગ્યું હતું કે તે ઇસ્લામી દુનિયામાં એકલું પડી જશે."

"પશ્ચિમના દબાણનો સામનો કરવા પાકિસ્તાન તૈયાર હતું, પણ સાઉદી અરેબિયા ઇસ્લામાબાદવિરોધી વલણ લેતું હોય તો તેનો અર્થ એ થયો કે ઇસ્લામી દેશો પણ પાકિસ્તાનને ટેકો આપતાં પહેલાં અનેકવાર વિચાર કરશે."

જોકે, રોના ભૂતપૂર્વ એડિશનલ સેક્રેટરી રાણા બેનરજી પાકિસ્તાનના આ પગલાં પાછળની સાઉદી અરેબિયાના ભૂમિકાને ખાસ મહત્વની ગણતા નથી.

રાણા બેનરજી કહે છે, "27 ફેબ્રુઆરીએ કાશ્મીર પરના પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ તેને તેના લોકોને એ દેખાડવાની તક મળી ગઈ હતી કે બાલાકોટ હુમલાનો જવાબ તેણે એટલી જ તાકાતથી આપ્યો છે. એ પછી પાકિસ્તાનના વડાપ્રધાન અને લશ્કરી વડાએ વિચાર્યું કે પરિસ્થિતિ વણસે એ પાકિસ્તાનના હિતમાં નથી. તેથી તેમણે અભિનંદનને છોડવાનો નિર્ણય કર્યો હતો."

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સમિતિના સભ્ય તિલક દેવેશ્વર કહે છે, "તંગદિલી વધશે તો પાકિસ્તાનની પડખે ક્યા-ક્યા દેશો ઉભા રહેશે એ પાકિસ્તાનના શાસકોએ જરૂર વિચાર્યું હશે."

"આ મામલામાં પશ્ચિમી કે ઇસ્લામી દેશો તેની પડખે ઉભા રહેશે એવું પાકિસ્તાનને લાગ્યું હોત તો તેણે તંગદિલીને વધારવાનો વિચાર કદાચ કર્યો હોત, પણ પોતે એકલું પડી જશે એવું લાગવા માંડ્યું ત્યારે ઇસ્લામાબાદ પાસે અભિનંદનને મુક્ત કરવા સિવાય છૂટકો જ ન હતો."

"તેના પર અમેરિકા અને સાઉદી અરેબિયાનું દબાણ તો હતું જ. એ ઉપરાંત તેની પાસે વિકલ્પો પણ મર્યાદિત હતા."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો