કોરોના વાઇરસ : બ્રિટનનાં આરોગ્ય પ્રધાનનો રિપોર્ટ પૉઝિટિવ

બ્રિટનનાં આરોગ્ય પ્રધાન નદીન ડૉરિસનો કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.

તેમણે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સાવધાનીના ભાગરૂપે તેમણે ઘરમાં પોતાને અલગ કરી દીધા છે.

નદીને કહ્યું, "બ્રિટનના આરોગ્ય વિભાગે મારી મુલાકાત કરનાર તમામ લોકોનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરી છે. મેં તેમની સલાહ માની છે અને આગામી અમુક દિવસ માટે મારું કાર્યાલય બંધ રહશે."

નદીને ચેપની માહિતી આપવા બદલ બ્રિટનના આરોગ્ય વિભાગનો આભાર પણ માન્યો હતો.

કોરોના વાઇરસને કારણે બ્રિટનમાં અત્યાર સુધી છ લોકોનાં મૃત્યુ થયા છે.

કોરોનાના ચેપ સંદર્ભે 26 હજાર લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 373ને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.

ઇટાલીમાં કોરોનાનો આતંક

ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે 631 લોકોનાં મૃત્યુ થયાં છે. ચીનની બહાર આ સૌથી મોટો મરણાંક છે. આ સિવાય ઇટાલીમાં હજુ સુધી 10,149 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

ઇટાલીના વડા પ્રધાને દેશભરમાં સાર્વજનિક સ્થળોએ એકઠા થવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે, જ્યારે પ્રવાસ અને પર્યટન સંદર્ભે નિષેધાત્મક આદેશ લાદવામાં આવ્યા છે.

અનેક આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ કંપનીઓએ ઇટાલી ખાતેની ફ્લાઇટ્સને રદ કરી દીધી છે.

બીજી બાજુ, વર્લ્ડ ટ્રૅડ ઑર્ગેનાઇઝેશનના એક સભ્યને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની માહિતી બહાર આવતા તારીખ 20મી માર્ચ સુધીની તેમની તમામ બેઠકોને રદ કરી દેવાઈ છે.

યુરોપિયન સંઘ દ્વારા કોરોના વાઇરસ તથા તેના કારણે ઊભી થનારી સ્થિતિને પહોંચી વળવા માટે 25 અબજ ડૉલરનું ફંડ ઊભું કરવાની જાહેરાત કરી છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મૈક્રોએ પણ કોરોના સંદર્ભે તત્કાળ પગલાં લેવાની વાત કહી છે. યુરોપિયન સંઘના નેતાઓ સાથે વીડિયો કૉન્ફરન્સમાં વાતચીત દરમિયાન તેમણે આ વાત કહી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો