State Bank of India : SBIમાં હવે મિનિમમ બૅલેન્સ નહીં, તમામ બચતખાતાં ઝીરો બૅલેન્સ

દેશની સૌથી મોટી એવી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તમામ બચતખાતાંઓ પરથી મિનિમમ બૅલેન્સ રાખવાનો નિયમ હઠાવી દીધો છે.

આ સાથે જ એસબીઆઈએ ક્વાર્ટલી એસએમએસ ચાર્જ પણ હઠાવી દીધો છે.

એસબીઆઈના તમામ બચતખાતાધારકો હવે ઝીરો બૅલેન્સની સુવિધા પામી શકશે.

ઉલ્લેખનીય છે કે એસબીઆઈ પાસે 44.51 કરોડ બચતખાતાંઓ છે.

એસબીઆઈના ચૅરમૅન રજનીશ કુમારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, આનાથી અમારા મૂલ્યવાન ગ્રાહકોના ચહેરા પર વધારે સ્મિત આવશે.

એવરેજ મંથલી બૅલેન્સ (એએમબી)ના નિયમ મુજબ એસબીઆઈના બચતખાતાધારકે મેટ્રો, સેમિઅર્બન અને ગ્રામીણ એમ ત્રણ વિભાગમાં અનુક્રમે 3,000, 2,000 અને 1,000 બૅલેન્સ ખાતામાં રાખવાનું હોય છે.

જો આ બૅલેન્સ ન રાખવામાં આવે તો બૅન્ક 5થી 15 રૂપિયા સુધીની પેનલ્ટી વસૂલતી હોય છે.

આ જાહેરાતની સાથે એસબીઆઈએ બચતખાતા પરનો વ્યાજદર પણ ફ્લૅટ 3 ટકા કરી દીધો છે.

પાકિસ્તાન ડે પરેડના અભ્યાસમાં વાયુસેનાનું વિમાન F-16 દુર્ઘટનાગ્રસ્ત

ઇસ્લામાબાદમાં પાકિસ્તાન ડેની પરેડના અભ્યાસમાં પાકિસ્તાની વાયુસેનાનું એફ-16 વિમાન ક્રૅશ થઈ ગયું છે.

આ વિમાન દુર્ઘટના પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના એક પાર્કની નજીક થઈ હતી જેમાં વિંગ કમાન્ડર નોમાન અકરમનું મૃત્યુ થયું હતું.

પાકિસ્તાન ઍરફોર્સે કહ્યું છે કે 23 માર્ચે રિપ્બલિક ડે પરેડના અભ્યાસમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

આ દુર્ઘટના ઇસ્લામાબાદના શકરપરિયાં વિસ્તારમાં થઈ જેને પોલીસ અને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે.

આ વિસ્તારમાં જિન્ના સ્ટેડિયમ, મ્યુઝિયમ અને ગોલ્ફ ક્લબ પણ સ્થિત છે.

આ દુર્ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં હજુ સુધી કોરોનાનો એક પણ પૉઝિટિવ કેસ નહીં

ધ હિન્દુના અહેવાલ અનુસાર ગુજરાતમાં હાલ સુધીમાં કોરોનાની તપાસમાં શંકાસ્પદ 51 લોકોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.

ગુજરાતમાં અમદાવાદ અને સુરત ઍરપૉર્ટ આવેલાં 2231 મુસાફરોની હાલ સુધી તપાસ કરવામાં આવી છે. જ્યારે 1024 લોકોને તેમના જ ઘરમાં ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

હેલ્થ કમિશનર જય પ્રકાશ શિવહારેએ કહ્યું, "હાલ સુધી 52માંથી 51 લોકોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે. જ્યારે એક વ્યક્તિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે."

શિવહારેએ વધુમાં કહ્યું, "નમૂનાની તપાસ ગુજરાતમાં બે લૅબમાં કરવામાં આવે છે. અમદાવાદમાં બી.જે. મેડિકલ કૉલેજ અને જામનગરમાં એમ.પી. શાહ મેડિકલ કૉલેજમાં તપાસ થયા છે."

"અમને કેન્દ્ર સરકારની મંજૂરી મળશે ત્યારબાદ અમે સુરત, વડોદરા અને રાજકોટમાં લૅબોરેટરી ખોલીશું. હાલ સુધી અમે 2400 મેડિકલ ઓફિસર અને 14000 પૅરા-મેડિકલ ઓફિસરને કોરોના ફેલાય તો કેવાં પગલાં લેવા તેની ટ્રેનિંગ આપી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્યએ 572 બેડ્સ અને 204 વૅન્ટિલેટરની વ્યવસ્થા કરી છે."

દિલ્હી હિંસાની ચર્ચા

બુધવારે લોકસભામાં દિલ્હીમાં થયેલી હિંસા મુદ્દે નિયમ 193 મુજબ ચર્ચા થાય તેવી શક્યતા છે, જેથી ચર્ચા બાદ મતદાન નહીં થાય.

એન.ડી.ટી.વી.ના અહેવાલ મુજબ, કૉંગ્રેસે ચર્ચા માટે આગ્રહ કર્યો હતો, પરંતુ સરકારે હોળી બાદ ચર્ચા કરાવવાની વાત કહી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની હિંસા મુદ્દે જવાબ આપે તેવી શક્યતા છે.

આ મુદ્દે હોબાળો કરવા બદલ સ્પીકરે કૉંગ્રેસના સાત સંસદસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

આ સિવાય કૉંગ્રેસ દ્વારા મધ્ય પ્રદેશમાં રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરાવવામાં આવે તેવી શક્યતા છે.

અંબાણી શિયાના સૌથી ધનિક વ્યક્તિ નહીં

કોરોના વાઇરસના સંકટ સામે લડી રહેલાં બજારમાં ક્રૂડઑઈલની કિંમતો ઘટવાના કારણે ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યા.

આ સ્થાન હવે ચીનની કંપની અલીબાબાના સ્થાપક જેક માને મળી ગયું છે.

બ્લૂમબર્ગ બિલયોનર ઇન્ડેક્સ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલની કિંમતોમાં ઘણી નીચે આવી છે એ પછી અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ કેપિટલમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે તેઓ નંબર 2 સ્થાને આવી ગયા છે.

જ્યારે કોરોના વાઇરસના કારણે અલીબાબાને પણ મુશ્કેલી ઊભી થઈ છે, પરંતુ ક્લાઉડ કમ્પ્યૂટિંગ અને મોબાઇલ ઍપ્સની વધતી માગના કારણે જેક માની કંપની સારું પ્રદર્શન કરી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો