શા માટે ગુજરાતમાં કુપોષણની સમસ્યા વ્યાપક છે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બી.બી.સી. સંવાદદાતા

તાજેતરના આંકડામાં કુપોષણમાં થયેલી વૃદ્ધિએ ગુજરાતનું ચિંતાજનક ચિત્ર ઊભું કર્યું છે.

ડિસેમ્બર-2019ની સ્થિતિ મુજબ કુપોષિત બાળકોની સંખ્યામાં 2.41 લાખનો વધારો થયો છે.

જુલાઈ-2019માં આ આંકડો 1.42 લાખનો હતો. ડિસેમ્બર-2019ની સ્થિતિ મુજબ ગુજરાતમાં 3.8 લાખ બાળક કુપોષિત છે.

ગુજરાતમાં પ્રવર્તમાન કુપોષિતની સમસ્યાને પહોંચી વળવા માટે કેટલીક યોજનાઓ કાર્યરત છે, પરંતુ તેના પરિણામો ઉત્સાહજનક નથી.

તાજેતરના આંકાડાએ 'મૉડલ સ્ટેટ' તથા 'સંવેદનશીલ સરકાર'ના રાજ્ય સરકારના દાવાની પોલ ખોલી નાખી છે.

સરકારનો સ્વીકાર

જુલાઈ-ડિસેમ્બર 2019 દરમિયાન કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધુ વૃદ્ધિ બનાસકાંઠામાં થઈ છે, જ્યાં 22,194 બાળકોનો ઉમેરો થયો હતો. રાજ્યમાં કુલ 28.265 કુપોષિત બાળક છે.

જ્યારે 26,021 કુપોષિત બાળકો સાથે આણંદ બીજા ક્રમે છે. જુલાઈ-2019માં આ આંકડો 19995નો હતો.

આદિવાસી બહુલ દાહોદ (22,613), પંચમહાલ (20,036) તથા વડોદરા (20,806) તથા મધ્ય ગુજરાતનું ખેડા (19,269) ચિંતાજનક ચિત્ર ઊભું કરે છે.

ગુજરાતના મહિલા તથા બાલ વિકાસ પ્રધાન વિભાવરી દવેએ બજેટ સત્ર દરમિયાન ગુરૂવારે વિધાનસભામાં આ આંકડા રજૂ કર્યા હતા.

વિપક્ષ કૉંગ્રેસે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ત્રણગણો વધારો થયો છે, જેના જવાબમાં દવેએ આ આંકડા રજૂ કર્યા હતા.

આંગણવાડી પર આધાર

દેશભરમાં ઇન્ટિગ્રેટેડ ડેવલપમૅન્ટ સ્કિમ યોજના હેઠળ નવજાતથી માંડીને છ વર્ષ સુધીના બાળકને આંગણવાડી કાર્યકર મારફત પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે.

સરકાર દ્વારા પૂરો પાડવામાં આવેલો પોષક ખોરાક તમામ સુધી પહોંચે તે જોવાની ફરજ આંગણવાડી કાર્યકરોની છે.

યોજના મુજબ નવજાત બાળકથી ત્રણ વર્ષ તથા ત્રણથી છ વર્ષ એવી રીતે બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. નવજાત બાળકથી ત્રણ વર્ષ સુધી ઉંમર દરમિયાન બાળક ઉપરાંત માતા માટે ઘરે લઈ જવાનું રૅશન આપવામાં આવે છે.

માતા રૅશન ઘરે લઈ જઈ શકે છે અને બાળકને આપી શકે છે. અન્ય વ્યવસ્થા મુજબ, જે બાળકો આંગણવાડી આવે છે, તેમને ત્યાં રાંધીને પીરસવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી પુરવઠો ખૂબ જ અનિયમિત છે.

મધ્ય ગુજરાતમાં આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતા વાહિદા પાદરીએ બી.બી.સી. ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે માતા તથા બાળકને માટે ઘરે લઈ જવાનું રૅશન ગત ઑગસ્ટ મહિનાથી આવ્યું જ નથી. પાદરી કહે છે :

"નવજાત થી ત્રણ વર્ષના બાળક તથા તેનાં માતા માટે પરિવારને ઘરે લઈ જવા માટેનું રૅશન (ટૅક હોમ રૅશન, THR) આપવામાં આવે છે. પરંતુ અમને સ્ટોક આવ્યો જ નથી એટલે અમે અમારા ગામમાં તેનો પુરવઠો આપ્યો નથી."

અન્ય એક આંગણવાડી કાર્યકર સોનલ લાંબા કહે છે કે સામાન્ય રીતે સવારે દસ વાગ્યે આંગણવાદી કેન્દ્ર પહોંચે છે અને સફાઈ હાથ ધરે છે. લગભગ સાડા દસ વાગ્યાથી બાળકોનું આગમન શરૂ થાય છે.

સવારે 10.30 કલાકે પહેલી વખત તથા 12.30 કલાકે બીજી વખત આ બાળકોને ભોજન પીરસવામાં આવે છે. દરમિયાન બાળકોને બાળમંદિરના અભ્યાસક્રમ મુજબ ભણાવવામાં આવે છે.

તેમના કેન્દ્રમાં નોંધાયેલા 92 બાળકોમાંથી 60 ગ્રીન ગ્રેડ (પૂર્ણ પોષિત), 20 યેલો ગ્રેડ (કુપોષણનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવા બાળકો) તથા રેડ ગ્રેડ (કુપોષિત)માં 12 બાળકો આવે છે.

સોનલ કહે છે કે સરવે તથા તેમના કામ સાથે સંબંધિત ન હોય તેવા ફિલ્ડવર્કને કારણે તેઓ 12 કુપોષિત બાળકો સાથે સમય નથી વીતાવી શકતા.તેઓ કહે છે, "બાળકોને વિશિષ્ટ ખોરાક તથા કાળજીની જરૂર હોય છે, પરંતુ ન તો સમય છે કે ખોરાક."

લાંબા કહે છે કે તેમને મળતો પુરવઠો અનિયમિત છે, જે આંગણવાડીની વિભાવનાની વિરુદ્ધ છે.

આ અંગે બી.બી.સી. ગુજરાતીએ મહિલા અને બાળકલ્યાણ વિભાગના કમિશનર મનીષા ચંદ્રાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ ન હતા.

શાકાહાર જવાબદાર ?

કુપોષિત બાળકો અને તેમના પરિવાર સાથે નજીકથી કામ કરનારા કર્મશીલો માને છે કે શાકાહારનો વધારે પડતો આગ્રહ પણ કુપોષણની સમસ્યા માટે જવાબદાર છે.

'અન્ન સુરક્ષા અધિકાર અભિયાન'ના સંયોજક નીતા હાર્દિકર કહે છે કે અનેક કોમ જ્ઞાતિ તથા જાતિના લોકો મૂળતઃ માંસાહારી છે, પરંતુ આંગણવાડીમાં તેમને શાકાહારી ભોજન ખાવાની ફરજ પાડવામાં આવે છે.

આથી, આંગણવાડી તથા મધ્યાહ્ન ભોજન જેવી યોજનાને ઇચ્છિત પરિણામ નથી મળતું. છત્તિસગઢ તથા મધ્ય પ્રદેશ જેવા રાજ્યોએ બાળકોને ઈંડા આપવાનું શરૂ કર્યુ છે, જેના સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે.

ઇચ્છાનો અભાવ ?

બાળ અધિકાર કાર્યકર્તા સુખદેવ પટેલના કહેવા પ્રમાણે, રાજ્યમાં કુપોષણની સ્થિતિના રિયલ-ટાઇમ રિપોર્ટિંગ તથા મૉનિટરિંગ માટે કોઈ વ્યવસ્થા જ નથી. સરકારમાં આ સમસ્યાના નિરાકરણ માટે ઇચ્છાશક્તિ જ નથી.

પટેલ કહે છે, "કુપોષણ અંગે તત્કાળ માહિતી મળે તેની વ્યવસ્થા જ નથી, અન્યથા સરકાર તત્કાળ ધ્યાન કેન્દ્રીત કરી શકે."

પટેલ ઉમેરે છે, "જેમના સુધી પહોંચી શકાય તેવા પરિવારો વિશે જ માહિતી ઉપલબ્ધ છે. વિચરતી જાતિના લાખો બાળકો કે હિજરત કરી ગયેલાઓને આંગણવાડીમાં પ્રવેશ નથી મળતો. જો તેમનો પણ સમાવેશ કરવામાં આવે તો આ આંકડો ખૂબ જ ઊંચો હશે."

બનાસકાંઠાના કર્મશીલ જોસેફ પેટલિયા કહે છે કે આ તો હીમશિલાની ટોચમાત્ર છે. "સરકાર હજુ સુધી ખેતમજૂર સુધી પહોંચી નથી, જેઓ આંગણવાડી જતાં જ નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો