દિલ્હી હિંસા : નરેન્દ્ર મોદી વિશે શું કહે છે વિદેશી મીડિયા

    • લેેખક, સચીન ગોગોઈ
    • પદ, બીબીસી મોનિટરિંગ

તા. 24-25 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જેના અંગે આંતરરાષ્ટ્રીય મીડિયામાં મોદી સરકારની ભારે ટીકા થઈ રહી છે.

વિદેશી મીડિયાનું કહેવું છે કે હિંસાને અટકાવવામાં મોદી સરકાર નિષ્ફળ રહી હતી. આ હિંસામાં 39 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે.

હિંસાની શરૂઆત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટના સમર્થક તથા વિરોધીઓ વચ્ચે પથ્થરબાજીથી થઈ હતી.

કાયદાનું સમર્થન કરનારા મહદંશે હિંદુ છે, જ્યારે વિરોધ કરનારા મુસલમાન. કારણ કે કથિત રીતે તેને મુસલમાનો સાથે ભેદભાવ કરનાર કહેવાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં હતા ત્યારે આ હુલ્લડ ચરમ પર હતા.

ન્યૂ યૉર્ક ટાઇમ્સ લખે છે, "સી.એ.એ. મુદ્દે વિરોધપ્રદર્શને હિંસક હુલ્લડનું સ્વરૂપ ધારણ કરી લીધું ત્યારે ટ્રમ્પ ને મોદી આલિંગન લઈ રહ્યા હતા."

અખબાર લખે છે, "સરકારે જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દીધો. મુસ્લિમ નેતાઓને જેલમાં બંધ કરી દેવાયા."

"ત્યારબાદ એવો કાયદો લવાયો, જેમાં બહારના બિન-મુસ્લિમોને નાગરિક્તા આપવાની જોગવાઈ છે."

સી.એન.એન. માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ CAAને આગળ વધારવાનો પ્રયાસ કર્યો એટલે હિંસા ફાટી નીકળી.

તે લખે છે, "ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય યાત્રા દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ભારત વૈશ્વિકસ્તરે પોતાના પ્રભુત્વનું પ્રદર્શન કરશે. પરંતુ તેના બદલે મહિનાઓથી ચાલી રહેલા ધાર્મિક તણાવની તસવીર રજૂ કરી."

વૉશિંગ્ટન પોસ્ટે દિલ્હીની યાત્રા અંગે લખ્યું, "નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બીજી વખત એવું થયું કે તેઓ સરકાર ઉપર છે અને કોમી તણાવ ફેલાયો હોય." અખબાર ઉમેરે છે કે વર્ષ 2002 દરમિયાન ગુજરાતમાં કોમી હિંસા ફાટી નીકળી ત્યારે પણ મોદી જ મુખ્ય પ્રધાનપદ ઉપર હતા.

ગાર્ડિયને તેના તંત્રી લેખમાં નરેન્દ્ર મોદીની ટીકા કરતા લખ્યું છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોડે-મોડેથી શાંતિ અને ભાઈચારાની અપીલ કરી. જે તેમના અનેક દિવસના મૌનની ભરપાઈ ન કરી શકે. ન તો ધ્રુવીકરણના આધાર ઉપર ઘડાયેલી તેમની રાજકીય કારર્કિર્દી ઉપર પડદો પાડી શકે."

(બીબીસી મોનિટરિંગ દુનિયાભરના ટીવી, રેડિયો, વેબ અને પ્રિન્ટ માધ્યમોમાં પ્રકાશિત થતા સમાચારોનું રિપોર્ટિંગ તથા વિશ્લેષણ કરે છે. આપ બીબીસી મોનિટરિંગના સમાચાર ટ્વિટર તથા ફેસબૂક પર પણ વાંચી શકો છો.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો