You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસે કહ્યું, ‘પુલવામા હુમલાના શહીદ ભાજપ માટે માત્ર ચૂંટણીનો મુદ્દો’ - TOP NEWS
કૉંગ્રેસે પુલવામા હુમલા સાથે જોડાયેલા એક સમાચાર મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
પુલવામા હુમલાનું ષડયંત્ર રચનાર એક આરોપીને જામીન મળ્યા હોવાના સમાચાર સાથે કૉંગ્રેસે પોતાના ઔપચારિક ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે 'NIAની અક્ષમતાના કારણે પુલવામાના આરોપીઓને જામીન મળવા એ દર્શાવે છે કે આતંકી ખતરા મામલે સરકાર કેટલી ગંભીર છે.'
આગળ લખ્યું છે, "પુલવામાના શહીદ ભાજપ માટે માત્ર ચૂંટણીનો મુદ્દો હતા. તેમના પરિવાર સરકાર માટે કોઈ મહત્ત્વ ધરાવતા નથી."
સમાચાર પ્રમાણે કોર્ટે આ જામીન એટલે આપ્યા છે કે કારણ કે કેસની તપાસ કરી રહેલી NIA નક્કી સમયે આરોપપત્ર દાખલ કરી શકી નથી.
14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર વિસ્ફોટક ભરેલી એક ગાડીથી હુમલો થયો હતો જેમાં 40 જવાનો મૃત્યુ પામ્યા હતા.
દિલ્હી હિંસા મામલે ભારતે OICનું નિવેદન ભ્રામક ગણાવ્યું
દિલ્હી હિંસા મામલે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રીઝના નિવેદનને ભારતે તથ્યાત્મક રૂપે ખોટું અને ભ્રામક ગણાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે OIC જેવી અન્ય સંસ્થાઓ અને સંગઠનોને આ સંવેદનશીલ સમય પર બેજવાબદાર નિવેદન ન આપવાની અપીલ પણ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવીશ કુમારે કહ્યું, "OIC તરફથી આવેલા નિવેદન તથ્યાત્મક રૂપે સાચા નથી. તેમાં થોડા જ તથ્ય સામેલ કરવામાં આવ્યા છે અને તે ભ્રામક છે. ભરોસો જાળવી રાખવા અને પરિસ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે."
"અમારી આ સંગઠનોને અપીલ છે કે આ સંવેદનશીલ સમયે બેજવાબદાર નિવેદનો ન આપે."
OICએ દિલ્હી હિંસાની નિંદા કરી હતી અને આ દરમિયાન મુસ્લિમો સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.
3 દિવસ ચાલેલી હિંસામાં દિલ્હીના ઉત્તર-પૂર્વી જિલ્લામાં અત્યાર સુધી 37 લોકોનાં મૃત્યુ થયા છે જેમાં દિલ્હી પોલીસના એક હેડ કૉન્સ્ટેબલ સામેલ છે.
'હિંદુત્વ'ની વ્યાખ્યા મામલે સુપ્રીમ કોર્ટ પુનઃવિચાર કરશે
ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે 'હિંદુત્વ'ની જૂની વ્યાખ્યા પર ફરી સુનાવણી કરશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે પહેલા હિંદુત્વને 'જીવન જીવવાની રીત' તરીકે વ્યાખ્યા આપી હતી જેના વિરુદ્ધ કોર્ટમાં અરજી થઈ હતી.
વર્ષ 1995માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે હિંદુત્વના નામે વોટ માગવાથી કોઈ ઉમેદવારને ફાયદો થતો નથી.
હવે કોર્ટ અરજી વિરુદ્ધ અને તેના સમર્થનમાં ફરી દલીલો સાંભળશે.
જસ્ટિસ એસ. એ. બોબડેની એક બેંચે કહ્યું છે કે, કોર્ટ ધાર્મિક વિશ્વાસ અને મૂળભૂત અધિકારો સંબંધિત દલીલો સાંભળશે અને પછી નિર્ણય આપશે.
ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ નેતા પર બળાત્કારનો આરોપ
રાજકોટથી આશરે 30 કિલોમિટર દૂર આવેલા ગામ કોટડા સાંગાણીમાં 19 વર્ષીય યુવતી પર કથિતરૂપે પિસ્તોલની અણી પર બળાત્કારની ઘટના બની છે.
અમદાવાદ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પીડિત યુવતીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પર ભાજપના એક વરિષ્ઠ સભ્ય, તેમના મિત્ર અને એક કૉંગ્રેસ સભ્યએ મળીને બળાત્કાર કર્યો છે.
કોટડા પોલીસ સ્ટેશનના PSO અશોક ઝીબાના જણાવ્યા પ્રમાણે પીડિત યુવતીએ ભાજપના નેતા અને કોટડા સાંગાણીના ભાજપ પ્રમુખ અમિત પાદરિયા, પંચાયતમાં કૉંગ્રેસ સભ્ય શાંતિ પાદરિયા અને વિપુલ શેખડા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ બલરામ મીનાના જણાવ્યા અનુસાર તેમને ફરિયાદ મળી છે જેના પર પોલીસ તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો