ગુજરાતમાં ચૂંટણીના વર્ષે બજરંગદળ હજારો યુવાનોને ત્રિશૂળદીક્ષા કેમ આપી રહ્યું છે?

    • લેેખક, હિંમત કાતરિયા અને બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી

રવિવારે હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ની શાખા બજરંગદળ દ્વારા ત્રિશૂળદીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 5,100 જેટલા યુવાનોને ત્રિશૂળદીક્ષા આપવામાં આવી હતી. આ સાથે જ બજરંગદળ 'માત્ર હિંદુઓ માટે' ગુજરાત સ્તરની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી રહ્યું છે, આ દરમિયાન સંતસંમેલન પણ યોજાયું. બજરંગદળ અચાનક ગુજરાતમાં ઍક્ટિવ કેમ થઈ ગયું?

"હિન્દુત્વની રક્ષા માટે અને ધર્મપરિવર્તનને રોકવા મેં ત્રિશૂળદીક્ષા લીધી છે. કિશન ભરવાડની હત્યાના પ્રકરણે મને ત્રિશૂળદીક્ષા માટે પ્રેરિત કર્યો હતો."

આ વાત હિંમતનગરના 5,100 ત્રિશૂળ દીક્ષાર્થીઓ પૈકીના એક મુકેશ ખત્રીએ બીબીસી ગુજરાતીને કહી છે. હિંમતનગરના રહેવાસી 35 વર્ષીય મુકેશ ખત્રી મોબાઇલ રિપેરિંગની દુકાન ચલાવે છે.

ઓડિશાના વતની અને છેલ્લા એક મહિનાથી હિંમતનગરમાં સ્થાયી થયેલા સૉફ્ટવૅર ડેવલપર આકાશ અગ્રવાલે પણ ત્રિશૂળદીક્ષા લીધી હતી.

આકાશ દીક્ષા અંગે કારણ આપતાં કહે છે, "કિશન ભરવાડની હત્યા અને તામિલનાડુના શિમોગાની ઘટનાને પગલે મને વિચાર આવ્યો કે આમ જ ચાલ્યું તો હિન્દુઓ ખતમ થઈ જશે. એટલે મેં ત્રિશૂળદીક્ષા સાથે ધર્મની રક્ષા માટે સોગંદ લીધા."

આ ઉપરાંત મંગળવારે અમદાવાદ ખાતે યોજાયેલ 'સંતસંમેલન'માં ઉત્તર ગુજરાતના 250 જેટલા સંતો એકઠા થયા હતા. જેમણે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી.

કિશન ભરવાડની હત્યાનો મામલો

જાન્યુઆરી મહિનામાં ધંધૂકામાં રહેતા કિશન ભરવાડ નામના યુવાને સોશિયલ મીડિયા પર કથિત રીતે સાંપ્રદાયિક લાગણી દુભાય એવી એક પોસ્ટ મૂકી હતી.

આ પોસ્ટના પગલે બાઇક પર આવેલા બે શખ્સોએ પીઠ પર ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી. આ મર્ડર કેસે મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં તેની તપાસ ગુજરાત એટીએસ સુધી પહોંચી હતી.

આ ઘટના બાદ કેટલાક દિવસો સુધી સોશિયલ મીડિયા પર વિવાદ ચાલ્યો હતો.

બજરંગદળનો ત્રિશૂળદીક્ષાનો કાર્યક્રમ

વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાતના મંત્રી નલીન પટેલ કહે છે, "ત્રિશૂળદીક્ષા માટેનો અમારો લક્ષ્યાંક 5,100નો હતો. આ માટે અમારી 20 લોકોની ટીમે જિલ્લાના 80 જેટલાં ગામોની મુલાકાત લીધી અને ગામદીઠ દસ લોકોને ધર્મરક્ષણના કાર્યમાં જોડાવા માટે અપીલ કરી. સ્થળ પર 3,700 નામ નોંધાયાં અને 800 નામ ઑનલાઇન નોંધાયાં. કાર્યક્રમના સ્થળે વધારાના 230 લોકોએ ત્રિશૂળદીક્ષા લીધી હતી."

"સોશિયલ મીડિયાના કારણે જાગૃતિ જલદી આવી રહી છે. યુવાનોને જોડવામાં અમને ઘણી સરળતા રહી છે."

બજરંગદળે દાવો કર્યો છે કે રાજ્યમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિશૂળદીક્ષા કાર્યક્રમ છે.

મંગળવારે અમદાવાદના શ્રી ભારતી આશ્રમમાં વી.એચ.પી. દ્વારા સંતસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નલીન પટેલ સંતસંમેલન અંગે માહિતી આપતાં કહે છે કે આ સમંલેનમાં કુલ ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.

તેઓ આગળ કહે છે, "રાજ્યમાં રામનામનું આચરણ વધે અને વધારેથી વધારે લોકો રામનામ સાથે જોડાય તે માટે રામોત્સવની ઉજવણી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે."

"આ સિવાય જ્ઞાતિઓને દૂર કરી તમામ હિન્દુઓમાં સમરસતા લાવવાના પ્રયત્નો, હિન્દુઓના કરાવવામાં આવતા ધર્માંતરણને અટકાવવા અને હિન્દુ મંદિરોના વહીવટમાંથી સરકારના હસ્તક્ષેપને હઠાવી હિન્દુઓને સોંપવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા છે."

ત્રિશૂળદીક્ષા શું છે અને શરૂઆત કેવી રીતે થઈ?

જ્યાં ત્રિશૂળદીક્ષાના કાર્યક્રમનું આયોજન થયું તે હિંમતનગર જિલ્લાના બજરંગદળના સંયોજક રાજ માવલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ત્રિશૂળદીક્ષાના ઉદ્દભવની વાત કહી.

તેમણે કહ્યું, "રામજન્મભૂમિના આંદોલન વખતે 1984માં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સમગ્ર વિશ્વમાં રામ-જાનકીયાત્રા કાઢવાનું આયોજન હાથ ધરાયું હતું. આ યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશ્વ હિંદુ પરિષદે સરકાર પાસે રક્ષણની માગ કરી હતી."

તેમના મતે, "સરકારે જવાબમાં કહ્યું હતું કે સરકારની અન્ય ઘણી જવાબદારી હોવાથી સરકાર આ યાત્રાને રક્ષણ પૂરું પાડી શકે તેમ નથી."

વિશ્વ હિંદુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી નલીન પટેલ કહે છે કે, "આના ઉકેલરૂપે એ સમયે એવી વિચારણા થઈ કે વિશ્વ હિંદુ પરિષદમાં 18થી 35 વર્ષની વયના સ્વયંસેવકોને તાલીમ આપીને એવી ફોજ બનાવવી કે જે રામ-જાનકીરથને રક્ષણ પૂરું પાડે."

માત્ર હિન્દુઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ

બજરંગદળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. સમાચાર પત્ર ઇન્ડિયન ઍક્સપ્રેસે બજરંગદળના સિનિયર પદાધિકારીઓને ટાંકીને લખ્યું છે કે, આ ટુર્નામૅન્ટ 'માત્ર હિન્દુઓ' માટેની હશે.

ઉત્તર ગુજરાત બજરંગદળના પ્રમુખ જ્વલિત શાહે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે ટુર્નામેન્ટ વખતે દરેક ટીમ પાસેથી તેમના ખેલાડીઓની યાદી માગવામાં આવે છે. તેમાં એક જ શરત રાખવામાં આવી છે કે, હિન્દુ ધર્મ સિવાય એકપણ ધર્મનો ખેલાડી હોવો ન જોઈએ.

જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે પારસી તેમજ જૈન ધર્મના લોકોને ના પાડવામાં આવશે નહીં. પ્રતિબંધ માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના ખેલાડીઓ પર જ રહેશે.

આવો ભેદભાવ કેમ? એ સવાલના જવાબમાં જ્વલિત શાહ જણાવે છે કે "આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મના લોકોને એકત્ર કરવાનો છે; અને જૈન તથા શીખ, હિન્દુ ધર્મમાંથી જ જુદા પડેલા છે "

ચૂંટણીપ્રચારનું ઉત્તર પ્રદેશ મૉડલ?

પાંચ રાજ્યોનાં ચૂંટણીપરિણામ બાદ તરત જ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ, RSS અને બજરંગદળ દ્વારા ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

આ કાર્યક્રમોને કેટલાક તજજ્ઞો 2022ની વિધાનસભાની ચૂંટણી સાથે જોડે છે, જોકે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના પદાધિકારીઓ આને નકારી કાઢે છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય પ્રમાણે, ભાજપની ચૂંટણી માટેની રણનીતિમાં હિન્દુત્વ હંમેશાંથી પ્રથમ સ્થાને રહ્યું છે.

તેઓ આગળ કહે છે, "કોઈ પણ રાજ્યની ચૂંટણી જીતવા માટે 'હિન્દુ મતોનું ધ્રુવીકરણ' એ ભાજપ માટે મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ ઝીણાથી લઈને તાલિબાન અને પાકિસ્તાનને લગતાં નિવેદનો આપીને હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવામાં આવ્યું હતું."

રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં યોજાયેલા બે 'સંતસંમેલન'ને તેઓ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પહેલાં યોજાયેલી ધર્મસભા સાથે સાંકળે છે.

તેમના કહેવા પ્રમાણે, "ચૂંટણી પહેલાં બે રાજ્યોમાં જે રીતે ધર્મસભાઓ યોજાઈ, તેમાં બેફામ નિવેદનો અપાયાં. આ નિવેદનોના કારણે વિવાદ થયો."

"વિવાદના કારણે નિવેદન આપનારાઓની ધરપકડ થઈ અને ધરપકડને લઈને પણ વિવાદ થયો. બધા વિવાદ શમી ગયા પણ હિન્દુ મતોના ધ્રુવીકરણનો જે મુદ્દો હતો, તે પાર પડી ગયો. આ ચૂંટણીપ્રચારનું ઉત્તર પ્રદેશ મૉડલ છે. જે હવે આખા દેશમાં વપરાશે."

ગવર્નન્સ કરતાં હિન્દુત્વ મોટો મુદ્દો?

ગુજરાતમાં છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી ભાજપ સત્તામાં છે, તો આ પ્રકારની કામગીરી પાછળનું કારણ શું હોઈ શકે?

આ પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે, "આ માત્ર ચૂંટણી દરમિયાન કરવામાં આવતી કામગીરી છે. જે પ્રકારે ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયામાં આ પ્રકારના મુદ્દા ઊછળે છે, તે ચૂંટણી બાદ ક્યાંય જોવા મળતા નથી."

તે જ પ્રશ્નના જવાબમાં જગદીશ આચાર્ય કહે છે, "ભાજપ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં નવા ચહેરાઓને તક આપી શકે છે, તમામ જૂના નેતાઓની ટિકિટ કપાય તેમ છે. જેથી તકલીફ ન પડે તે માટે આમ કરવામાં આવ્યું હોય તેમ લાગે છે."

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યક્ષ ડૉ. અમિત ધોળકિયા કહે છે કે આ પ્રકારના કાર્યક્રમો સ્પષ્ટપણે ચૂંટણીને લઈને જ યોજાતા હોય છે. ભાજપ માટે ગવર્નન્સ કરતાં હિન્દુત્વ એ વધુ મોટો મુદ્દો છે. તેઓ સીધી રીતે આ મુદ્દાને પ્રોત્સાહન આપી શકે તેમ નથી, તેથી વિવિધ પક્ષોનો સહારો લે છે.

જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, ભાજપ 'હાઇબ્રિડ વૉર'માં માનનારો પક્ષ છે. તેઓ હંમેશાં ચૂંટણીમાં દરેક મુદ્દાઓને સાથે લઈને ઊતરે છે. આ મુદ્દાઓમાં સરકારની સિદ્ધિઓ, વિપક્ષ પર પ્રહારો અને હિન્દુત્વનો સમાવેશ થાય છે. જોકે, તમામ મુદ્દાઓમાં હિન્દુત્વ મોખરે હોય છે.

ચૂંટણી સાથે સંબંધ નથી - VHP

જોકે આ કાર્યક્રમો ચૂંટણીલક્ષી હોવાના નિવેદનોને વિશ્વ હિન્દુ પરિષદના કેતન શાહ નકારી કાઢે છે.

તેઓ જણાવે છે કે વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે સમાજમાંથી આવતા હિન્દુત્વ અને સામાજિક મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ વખતે જે મુદ્દાઓ આવ્યા તે અમે જાણ્યા, ચર્ચા કરી અને આગળ કેન્દ્રીય કક્ષાએ મોકલ્યા.

તેઓ કહે છે કે, "આ પ્રકારનાં સંમેલનો અને કાર્યક્રમો દર વર્ષે યોજાતાં રહે છે પણ છેલ્લાં બે વર્ષમાં કોરોનાને કારણે કોઈ કાર્યક્રમો થયા ન હતા."

તેઓ આગળ કહે છે, "કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી હિન્દુઓના મુદ્દા અમે સરકાર સુધી પહોંચાડી શક્યા ન હતા. આ મુદ્દાઓ તો સમાજમાં હતા જ, પણ તેને કેન્દ્રીય કક્ષા સુધી પહોંચાડવા બે વર્ષમાં પહેલી તક છે. જેથી આ મુદ્દાને ચૂંટણી સાથે જોડવો યોગ્ય નથી."

જ્યારે ફેસબુક અને બજરંગદળ વચ્ચે વિવાદ થયો હતો

વર્ષ 2020ના ડિસેમ્બરમાં ફેસબુક અને બજરંગદળ વચ્ચેના સંઘર્ષનો મુદ્દો ચર્ચામાં હતો.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ પોતાના કર્મચારીઓ પર હુમલો અને કારોબારને અસર થવાના ભયથી ફેસબુક ઇન્ડિયાએ બજરંગદળને 'ખતરનાક સંગઠન' જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ આ સમાચાર અમેરિકાના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલને આધારે આપ્યા હતા.

જે અહેવાલ મુજબ જૂન મહિનામાં દિલ્હીના એક ચર્ચ પર હુમલાની ઘટના પછી બજરંગદળને 'ખતરનાક સંગઠન'ની સૂચિમાં સામેલ કરવાની માગ ઊઠી હતી.

ચર્ચ પર હુમલાની જવાબદારી બજરંગદળના સભ્યોએ લીધી હતી અને દાવો કર્યો હતો કે એ ચર્ચ હિંદુ મંદિરને સ્થાને બનાવવામાં આવ્યું હતું.

ફેસબુકની સેફ્ટી ટીમ એવા નિષ્કર્ષ પર પહોંચી હતી કે બજરંગદળ આખા ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાનું સમર્થન કરે છે અને તેને ખતરનાક સંગઠન જાહેર કરી શકાય છે.

જોકે, ફેસબુક ઇન્ડિયાએ ફેસબુકની સેફ્ટી ટીમની આ સલાહને રદ કરી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો