AAP : ઇટાલિયા, ઈસુદાનના જોરે અરવિંદ કેજરીવાલ પંજાબની જેમ ગુજરાતને સર કરી શકશે?

પંજાબ વિધાનસભાનાં ચૂંટણીપરિણામ આવ્યાં, જે મહદ્અંશે ઍક્ઝિટ પોલ જેવાં જ હતાં. અહીં આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે.

ભગવંત માનના નેતૃત્વમાં પાર્ટી સરકાર બનાવશે. જોકે, ઉત્તરાખંડ અને ગોવામાં પાર્ટી પોતાની હાજરીની નોંધ લેવડાવવામાં નિષ્ફળ રહી છે.

પંજાબના ચૂંટણીપરિણામોને કારણે ગુજરાતમાં આપના સ્વયંસેવકો ઉત્સાહમાં છે અને દિલ્હી મૉડલ તથા પંજાબનાં પરિણામોને રાખીને જનતાની વચ્ચે જવા માગે છે.

2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ આપે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, પરંતુ વિજય મેળવી શકી ન હતો. ત્યારે સુરત મહાનગરપાલિકામાં વિજય તથા ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રદર્શનના આધારે શું આપ ગુજરાતમાં પણ પોતાની હાજરી નોંધાવી શકશે?

'કૉંગ્રેસ હારી કારણ કે...'

ગુજરાત કૉંગ્રેસના સંગઠન સ્તરે સક્રિય નેતાએ નામ ન છાપવાની વિનંતી સાથે ચૂંટણીપરિણામોનું વિશ્લેષણ કરતાં જણાવ્યું, "પંજાબમાં આપના વિજયને માટે કૉંગ્રેસનો આંતરિક વિખવાદ પણ જવાબદાર છે. 2021ની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે સપાટો બોલાવી દીધો હતો, આપ સ્પર્ધામાંથી ફેંકાઈ ગયો હતો. આમ છતાં કેટલીક કાનભંભેરણીને કારણે કેન્દ્રીય નેતૃત્વે અમરિંદરસિંહને પદ પરથી હઠાવવામાં આવ્યા, પરંતુ સિદ્ધુને મુખ્ય મંત્રી ન બનાવ્યા."

"જ્યારે ચરણજિત ચન્નીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, ત્યારે સિદ્ધુએ વિરોધ કર્યો. પાછલા બારણેથી ચન્નીને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેન્દ્રીય નેતૃત્વનું સમર્થન હોવાથી ચન્નીએ મચક ન આપી. આંતરિક વિખવાદને કારણે કાર્યકરોના મનોબળ પર માઠી અસર થઈ."

આ નેતાએ ઉમેર્યું કે પંજાબમાં સત્તાવિરોધી વલણ હતું અને મુખ્ય મંત્રીપદના દાવેદારે બે બેઠક પરથી ચૂંટણી લડવી પડે, એટલે કાર્યકરોમાં ખોટો સંદેશ જાય છે.

ચૂંટણીપરિણામો બાદ પંજાબ કૉંગ્રેસના પ્રવક્તા ગુરિન્દરસિંહ બાલિએ કહ્યું હતું, "આંતરિક કલેશનું પાર્ટીને નુકસાન થયું છે. હું પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને વિનંતી કરીશ કે સૌ પહેલાં પાર્ટીમાં શિસ્ત પ્રસ્થાપિત કરે. અમે અગાઉ જોયું ન હોય તેવું આ વખતે થયું છે. આ નહોતું થવું જોઈતું. જેનું (ગેરશિસ્ત) પરિણામ ભોગવવું પડી રહ્યું છે."

આ ચૂંટણીપરિણામ પંજાબ કૉંગ્રેસના માળખામાં વ્યાપક ફેરફારની શક્યતા જોવાઈ રહી છે.

ચહેરો કોણ બનશે?

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી નરેન્દ્ર મોદી જ ભાજપનો ચહેરો છે. આ સિવાય લગભગ 27 વર્ષથી પાર્ટી શાસનમાં છે. મતલબ કે મતદારોના એક વર્ગને વિકલ્પ શું છે, એના વિશે ખબર જ નથી.

કોઈ પણ ચૂંટણી દરમિયાન નિર્ણય લેતી વખતે મતદાર ચહેરાને પણ નજર સામે રાખતો હોય છે. ચાલુ વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટી કોઈ પણ રાજનેતાને ઉમેદવાર જાહેર કરશે તો કાર્યકરોના એક વર્ગમાં નારાજગી અને આંતરિક કુઠારાઘાત થવાની શક્યતા રહેલી છે. આથી, પાર્ટી અરવિંદ કેજરીવાલના ચહેરા અને શાસન માટે દિલ્હી મૉડલની સાથે ચૂંટણીમાં ઊતરે તેવી સંભાવના પ્રબળ છે.

2018માં ભગવંત માન આપ છોડી ચૂક્યા હતા, પરંતુ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં તેમને ફરીથી પાર્ટીમાં લાવવામાં આવ્યા હતા, એટલું જ નહીં તેમને મુખ્ય મંત્રીપદના ઉમદવાર પણ બનાવ્યા હતા.

2017ની પંજાબ વિધાનસભા ચૂંટણી સમયે સ્થાનિક સ્વયંસેવકો તથા દિલ્હીથી આવેલા નેતાઓ અને બહારના સ્વયંસેવકો વચ્ચે ભારે ખેંચતાણ ઊભી થઈ હતી, જેનું પાર્ટીને નુકસાન થયું હતું. ગુજરાતમાં આવું કંઈ ન થાય તેનું પણ સ્થાનિક તથા કેન્દ્રીય નેતાઓએ ધ્યાન રાખવું પડશે.

બહુપાંખિયો વિ. ત્રિપાંખિયો

પંજાબમાં બહુપાંખિયો જંગ જામ્યો હતો. એક તરફ ભાજપ અને પંજાબ લોક કૉંગ્રેસનું ગઠબંધન હતું, કૉંગ્રેસ, શિરોમણિ અકાલી દળ અને બહુજન સમાજ પક્ષ, આમ આદમી પાર્ટી તથા ખેડૂત સંગઠનો હતાં. આ સિવાય કેટલીક બેઠકો પર એકદમ સ્થાનિક પક્ષો પણ મેદાનમાં હતા.

આ સંજોગોમાં સામાન્ય મતોથી હારજીતનો ફેંસલો થઈ જતો હોય છે. વર્ષ 2014થી પંજાબમાં આપે પગપેસારો કરી લીધો હતો.

બીજી બાજુ, ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી સમયે જોવા મળતા ચહેરાઓમાંથી એક પણ ચહેરો આજે આપના મંચ પર જોવા નથી મળતો. આપની સામે રાજ્યમાં સંગઠનનું મળખું ઊભું કરવાનું છે.

સુરત મહાનગરપાલિકામાં આપ વિપક્ષમાં છે, જ્યારે કૉંગ્રેસનું સદંતર ધોવાણ થયું છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન તેને વીસ ટકા જેટલા મત મળ્યા હતા. અમુક શહેરી વિસ્તારોમાં તેની કચેરીઓ સંગઠનાત્મક હાજરી જોવા મળે છે, પરંતુ ગ્રામ્યસ્તર સુધી તેણે પહોંચવાનું બાકી છે. આ સંજોગોમાં તે કેટલી બેઠક પર ત્રિપાંખિયા જંગની સ્થિતિ ઊભી કરી શકે છે અને તે ભાજપને વધુ નુકસાન પહોંચાડે છે કે કૉંગ્રેસને તે જોવું રસપ્રદ બની રહે.

ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "પંજાબનાં ચૂંટણીપરિણામોએ દેશના સામાન્ય નાગરિકના મનમાં આશા જગાવી છે કે દેશનો સામાન્ય મહેનતકશ માણસ ઇચ્છે ત્યારે બદલાવ લાવી શકે છે. પંજાબના લોકોએ દિલ્હીના કેજરીવાલના ગવર્નન્સ મૉડલને એક તક આપી છે. અમે એ વાત લઈને ગુજરાતની જનતાની વચ્ચે જઇશું કે તે પણ આમ આદમી પાર્ટીને એક તક આપે."

એનઆરઆઈ ઍંગલ

રાજકીય વિશ્લેષક તથા વરિષ્ઠ પત્રકાર અલ્કેશ પટેલના મતે, "સદીઓથી ગુજરાતની જનતા દરિયાઈ માર્ગે દેશદેશાવરની યાત્રા ખેડે છે એટલે તે સામાજિક, રાજકીય અને આર્થિક રીતે જાગૃત છે. તે પોતાને માટે સારું છું છે તે જોઈ સમજીને નિર્ણય લેતો હોય છે. સરકારામાં આંતરિક ડખ્ખા, અસાધારણ ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની સમસ્યા વગેરે બાબતો જનતાને હતાશ કરી દેતી હોય છે, આ સંજોગોમાં તે વિકલ્પો ઉપર વિચાર શરૂ કરે છે. પંજાબમાં આ બધું પ્રત્યક્ષ હતું, જ્યારે ગુજરાતમાં હાલ આવું કશું સપાટી પર નથી દેખાતું."

પટેલ ઉમેરે છે કે પંજાબનાં ચૂંટણીપરિણામોમાં સ્થાનિક પરિબળોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જો આપ કે કેજરીવાલતરફી વલણ હોય તો ઉત્તરાખંડ તથા ગોવામાં પણ તેની અસર જોવા મળવી જોઈતી હતી, પરંતુ એવું નથી થયું.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો ઉદય વર્ષ 2011માં ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી થયો હતો. અન્ના હજારે, કુમાર વિશ્વાસ, કિરણ બેદી અને આશુતોષ જેવા અનેક ચહેરા આજે તેમની સાથે નથી, પરંતુ નવી દિલ્હીમાં જ્યારે આ અવાજ ઊઠ્યો હતો, ત્યારે પંજાબમાં પણ તેના પડઘા સંભળાયા હતા.

2014ની લોકસભા ચૂંટણી સમયે પાર્ટીના ચાર સંસદસભ્ય પંજાબમાંથી ચૂંટાઈને દિલ્હીમાંથી પહોંચ્યા હતા, જ્યારે દિલ્હીની સાતમાંથી એક પણ બેઠક પાર્ટીને મળી ન હતી. પંજાબમાં આપના ઉદયની પાછળ અહીંના એનઆરઆઈ (નૉન રૅસિડન્ટ ઇન્ડિયન) સમુદાયની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

મોટાભાગે કૅનેડા તથા અમેરિકામાં વસતો પંજાબી સમુદાય સ્થાનિક લોકો ઉપર ખાસ્સું પ્રભુત્વ ધરાવે છે. તેમણે આપને ઉદાર હાથે ફંડ આપ્યું અને સ્થાનિકોમાં મત ઊભો કર્યો. 2017ની વિધાનસભામાં પણ તેનું પુનરાવર્તન થયું હતું.

બીજી બાજુ, ગુજરાતની વાત કરવામાં આવે તો અહીંનો એનઆરઆઈ સમુદાય મહદ્અંશે ભાજપ સાથે હોય તેમ જણાય છે. હિંદુત્વ, કાશ્મીરમાંથી 370ની નાબૂદી, અયોધ્યામાં રામમંદિર, કાશી કૉરિડૉર જેવા મુદ્દા તેમને આકર્ષે છે. કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, ત્યારે પણ તેઓ ભાજપ સાથે હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો