You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિધાનસભા સત્ર : ગુજરાતમાં આપઘાત કરતા ખેડૂતોના પરિવારને આર્થિક વળતર નહીં આપવામાં આવે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આરોગ્યથી માંડીને ખેતી તેમજ કુપોષણથી માંડીને શિક્ષણ સુધીની વિવિધ છ બાબતો અહીં રજૂ કરવામાં આવી છે.
અહીં રજૂ થયેલી વિગતો 14મી વિધાનસભાના નવમા સત્ર - 2021ના અતારાંકિત પ્રશ્નો અને તેના જવાબોની યાદીમાંથી રજૂ કરાઈ છે.
રાજ્યમાં કોઈ ખેડૂતે આત્મહત્યા કરી હશે તો સરકાર તરફથી તેમને કોઈ આર્થિક વળતર નહીં મળી શકે.
કૃષિમંત્રીએ વિધાનસભાના ગૃહમાં એવો જવાબ આપ્યો છે કે આપઘાત કરનારા ખેડૂતોના કુટુંબીજનોને આર્થિક વળતર આપવાની બાબત વિચારણામાં નથી.
વિધાનસભાના સભાગૃહના મેજ ઉપર અતારાંકિત પ્રશ્નોની જે યાદી મૂકવામાં આવી હતી એમાં છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પ્રશ્ન પૂછ્યો હતો કે 30.06.21ની સ્થિતિએ રાજ્યમાં આપઘાત કરનારા ખેડૂતોના કુટુંબીજનોને આર્થિક વળતર આપવાની વિચારણા કયા તબક્કે છે? જેના જવાબમાં કૃષિમંત્રીએ ઉપર મુજબ જવાબ 20.09.21ના રોજ આપ્યો હતો.
રાજ્યમાં કિન્નરોને મફત શિક્ષણ આપવાની યોજના અમલમાં નથી
બાલાસિનોરના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 30.06.21ની સ્થિતિએ રાજ્યમાં કેટલા કિન્નરો માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે?
જેના જવાબમાં સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીએ 15.09.21ના રોજ જવાબ આપ્યો હતો કે કિન્નરોને મફત શિક્ષણ આપવાની કોઈ યોજના અમલમાં નથી.
અજિતસિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટના નેશનલ સર્વિસિસ ઑથૉરિટી વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં 20.04.14ના રોજ આપવામાં આવેલા ચુકાદાને ટાંકીને સવાલ પૂછ્યો હતો કે રાજ્યમાં કેટલા કિન્નરો માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે સરકારે કહ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર (કિન્નર) વિદ્યાર્થીઓને પ્રિ- મૅટ્રિક અને પોસ્ટ - મૅટ્રિક શિષ્યવૃત્તિ આપવાની યોજના અમલમાં છે.
વર્ષ 2019 અને 2020માં રાજ્યમાં 75થી વધુ વીજ અકસ્માતના બનાવ
રાજ્ય સરકાર હસ્તકની વીજકંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કૉર્પોરેશન લિમિટેડ (જીએસઈસીએલ) દ્વારા સંચાલિત વીજમથકોમાં વર્ષ 2019માં 43 અને 2020માં 31 અકસ્માતના બનાવો બન્યા હતા.
ખાનગી વીજમથકોમાં અકસ્માતના ચાર બનાવ બન્યા હતા. અકસ્માતના આ બનાવોમાં કૉન્ટ્રેક્ટ હેઠળના બે શ્રમયોગીઓનું 2019માં મૃત્યુ થયાં હતાં.
સરકારનું કહેવું છે કે સરકારી, અર્ધસરકારી અને ખાનગી વીજમથકોમાં કોઈ કર્મચારીનું મૃત્યુ થયું નથી. આ બનાવો દરમિયાન વર્ષ 2019 અને 2020માં કુલ 72 વ્યક્તિ ઘાયલ થઈ હતી.
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે 23.03.21ના રોજ પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં ઊર્જામંત્રી 20.09.21ના રોજ વિગતો રજૂ કરી હતી.
રાજ્યમાં ભીખ માગતાં 67 બાળકોને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયા
29.07.21ના રોજ ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે પ્રશ્ન કર્યો હતો કે રાજ્યમાં ભીખ માગતાં કેટલાં બાળકોને પોલીસે વર્ષ 2020માં રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં?
એના જવાબમાં ગૃહમાં સરકારે 17.09.21ના રોજ વિગત રજૂ કરી હતી કે કુલ 67 બાળકોને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં.
આ બાળકો ત્રણ જિલ્લામાંથી જ રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 40 તેમજ અમદાવાદમાં 25 અને રાજકોટ ગ્રામ્યમાં બે બાળકોને પોલીસે રેસ્ક્યુ કર્યાં હતાં.
67માંથી 40 બાળકો તેમનાં માતાપિતાને સોંપવામાં આવ્યાં હતાં, જે તમામ સુરત શહેરનાં હતાં. જ્યારે અમદાવાદ શહેરનાં 25 અને રાજકોટ ગ્રામ્યનાં બે બાળકોને બાળવિકાસ અધિકારીને સોંપવામાં આવ્યાં હતાં.
અમદાવાદમાં બે વર્ષમાં 287 વ્યાજખોરો ઝડપાયા
વ્યાજખોરોના વધતાં આતંકને પગલે વીરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો કે 2018થી 2020 સુધીમાં ગુંડાગીરી કરતા અને ત્રાસ ફેલાવતા કેટલા વ્યાજખોરોને અમદાવાદ જિલ્લામાં ઓળખી કાઢવામાં આવ્યા અને શું પગલાં લેવાયાં?
જેના જવાબમાં સરકારે 22.07.21ના રોજ જવાબ રજૂ કર્યો હતો કે જાન્યુઆરી 2018થી ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 287 વ્યાજખોરોને અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ઓળખી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે ગુનો દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં પાંચ વર્ષ સુધીનાં કુપોષિત બાળકો 25.1% અને અતિકુપોષિત બાળકો 10.6 %?
એનએફએચએસ - 5 (નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે) મુજબ રાજ્યમાં પાંચ વર્ષ સુધીનાં કુપોષિત બાળકો 25.1 ટકા અને અતિકુપોષિત બાળકો 10.6 ટકા હોઈ શકે છે, એવું આરોગ્યમંત્રીએ ગયા વર્ષે નવમા મહિનામાં વિધાનસભામાં વિગત આપતાં કહ્યું હતું.
સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે 27.07.21ના રોજ સવાલ પૂછ્યો હતો કે 31.03.21 સુધીમાં રાજ્યમાં અંતિમ રાષ્ટ્રીય કુટુંબ સ્વાસ્થ્ય સર્વે અનુસાર એક હજારે ત્રણ વર્ષ સુધીનાં કેટલાં બાળકો રાજ્યમાં કુપોષણથી પીડાય છે? અને એ દર શૂન્ય પર લાવવા શું વ્યવસ્થા થઈ છે? જેના જવાબમાં આરોગ્યમંત્રીએ ઉપરનો જવાબ આપ્યો હતો.
તેમણે જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં એક હજારે ત્રણ વર્ષ સુધીનાં કેટલાં બાળકો રાજ્યમાં કુપોષણથી પીડાય છે એની વિગતો ઉપલબ્ધ નથી. સાથે તેમણે એનએફએચએસ - 5 સર્વેની વિગતો મૂકી હતી.
કુપોષણ દર શૂન્ય પર લાવવા સરકાર દ્વારા જે પગલાં લેવાઈ રહ્યાં છે એની વિગતો રજૂ કરતાં આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે, "રાજ્યનાં તમામ જિલ્લા, હૉસ્પિટલ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 251 બાળસેવા કેન્દ્ર - બાળ સંજીવની કેન્દ્રમાં કુપોષણથી પીડાતાં બાળકોને સારવાર આપવામાં આવે છે. પાંચ વર્ષ સુધીનાં બધાં બાળકોને થેરાપ્યુટિક ખોરાક આપવામાં આવે છે."
"બાળકોને આઇએફએ સીરપ તેમજ સગર્ભા માતાઓને તેમજ કિશોર - કિશોરીઓને આઇએફએની ગોળીઓ આપવામાં આવે છે. આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવા સગર્ભા માતા તેમજ ધાત્રી માતાઓને કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત શરતી છ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો