You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન-રશિયા સંઘર્ષ : શું પશ્ચિમી દેશોએ 'આગમાં ઘી હોમવાનું કામ' કર્યું?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
યુક્રેન પર રશિયાના હુમલા પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આક્રમક વલણની ટીકા-ટિપ્પણીઓ વચ્ચે પશ્ચિમી દેશોના નેતાઓની નીતિ સામે પણ સવાલો ઊભા થયા છે.
બિનપશ્ચિમી દેશોના ઘણા જાણકારોએ હુમલાના કવરેજમાં પશ્ચિમી મીડિયાના કથિત પૂર્વગ્રહ અંગે ચિંતા પ્રકટ કરી છે અને પશ્ચિમી દેશોના નેતાઓ પર બેવડી નીતિ અખત્યાર કરતા હોવાના આરોપ પણ મૂક્યા છે.
એમનું કહેવું છે કે પશ્ચિમી નેતા રશિયાને ખલનાયક ચીતરવાની એક પણ તક જતી નથી કરતા, જ્યારે કે હાલ ચાલી રહેલા સંઘર્ષ માટે થોડોક દોષ એમનો પણ છે.
અરબ અને મધ્યપૂર્વના દેશોના પત્રકારોના એક નેટવર્ક 'અરબ અને મધ્યપૂર્વી પત્રકાર સંઘ'ના એક નિવેદનમાં પશ્ચિમી મીડિયાના 'વંશવાદી' કવરેજ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પશ્ચિમી દેશોની બેવડી નીતિ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મંગળવારે પોતાના 'સ્ટેટ ઑફ ધ યુનિયન સંબોધન'માં રશિયા પર મુકાયેલા પ્રતિબંધોને વધારે આકરા કરવાની ઘોષણા કરી અને કહ્યું કે આ પગલાથી ભવિષ્યમાં રશિયાને આર્થિક રીતે જીવલેણ નુકસાન થશે.
રાષ્ટ્રપતિએ "વૈશ્વિક અર્થવ્યવસ્થાના કેટલાક સૌથી મોટા નફાખોરો પર કાર્યવાહી" કરવાનું પણ એલાન કર્યું. એમનો ઇશારો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ધનવાન મિત્રો તરફ હતો જેઓ, રાષ્ટ્રપતિ અનુસાર, આ યુદ્ધમાં એમને સાથ આપી રહ્યા છે.
અમેરિકા ઉપરાંત બ્રિટન અને યુરોપીય સંઘે પણ રશિયા પર 'કડક' પ્રતિબંધો મૂક્યા છે. પશ્ચિમી મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે આ પ્રતિબંધોની અસર રશિયા પર દેખાવાની શરૂ થઈ ગઈ છે.
અમેરિકાના મીડિયા સીએનએન અનુસાર રશિયાના લોકો લાઇનોમાં ઊભા રહીને એટીએમ અને બૅન્કોમાંથી પૈસા કાઢી રહ્યા છે, જેથી તેઓ પોતાનાં નાણાં ડૂબે એ પહેલાં એને કાઢી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, આ પ્રતિબંધો મુકાયા એની રશિયામાં કેટલી ચિંતા છે, એના સમાચાર રશિયન મીડિયામાં આવે એવી શક્યતા ઓછી છે, કેમ કે એવા સમાચારો મળ્યા છે કે ત્યાંના મીડિયા પર સરકારે ઘણા પ્રકારનાં પ્રતિબંધો-નિયંત્રણો મૂક્યાં છે.
પરંતુ રસપ્રદ એ છે કે રશિયા પર પ્રતિબંધોની વાતો કરતા પશ્ચિમી મીડિયાના મોટા ભાગના રિપોર્ટર એમ નથી જણાવતાં કે યુરોપ અને અમેરિકાએ રશિયન ગૅસ અને કાચા તેલ (ક્રૂડ)ની નિકાસ પર પ્રતિબંધો મૂક્યા છે કે નહીં.
યુરોપને પાઇપલાઇન દ્વારા ગૅસની નિકાસ કરનારી સૌથી મોટી કંપની ગઝપ્રોમે સોમવારે કહેલું કે તે હજુ પણ યુરોપીય ગ્રાહકોને ઑર્ડરના ધોરણે યુક્રેનના માધ્યમથી યુરોપમાં ગૅસનો પુરવઠો પહોંચાડે છે.
યુક્રેને 2014માં જ રશિયા પાસેથી ગૅસ લેવાનું બંધ કરી દીધું હતું પરંતુ તે એ જ પાઇપલાઇન દ્વારા યુરોપ દ્વારા રશિયાનો ગૅસ ખરીદે છે. યુદ્ધ પછી આ સિલસિલો ચાલુ છે.
રશિયા કાચા તેલ અર્થાત્ ક્રૂડનો બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. બીજી તરફ ગૅસની બાબતમાં એ જ દુનિયાનો સૌથી મોટો નિકાસકાર છે.
યુરોપના દેશોમાં જો રશિયાનો ગૅસ આવતો બંધ થઈ જાય તો યુરોપનાં ઘરોમાં હીટિંગ સિસ્ટમ બંધ પડી શકે છે અને ઠંડી ઋતુમાં લોકોને ભીષણ તકલીફો પડી શકે છે. ઘરોને ગરમ કરવા ઉપરાંત વિમાનો અને કાર-વાહનોમાં ઈંધણ ભરવા માટે પણ ગૅસનો ઉપયોગ થાય છે.
યુરોપિયન દેશોને કતાર (ખાડી દેશ)ની સરખામણીએ રશિયાનો ગૅસ વધારે સસ્તો પડે છે, જે એક મોટો નિકાસકાર છે.
પ્રતિબંધ - બેધારી તલવાર
જ્યૉર્જિયા અને આર્મેનિયામાં ભારતના રાજદૂત રહેલા અચલકુમાર મલ્હોત્રાએ કહ્યું કે પ્રતિબંધો બેધારી તલવાર જેવા છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "પુતિનને પ્રતિબંધોની ટેવ પડી ગઈ છે અને એ અત્યાર સુધી અસરકારક સાબિત નથી થયા. મને લાગે છે કે પુતિને યુક્રેન પર હુમલો કર્યો એ પહેલાં જ એવું અનુમાન કરી લીધું હશે કે પશ્ચિમી દેશો એમના પર પ્રતિબંધો મૂકશે અને તેઓ કઈ રીતે એનો સામનો કરશે."
"પુતિન રાષ્ટ્રીય સુરક્ષાને અર્થવ્યવસ્થા કરતાં વધારે પ્રાથમિકતા આપે છે. એમને ખબર છે કે પ્રતિબંધ બેધારી તલવાર છે. એનાથી રશિયાને નુકસાન તો થશે જ, સાથે જ જે દેશોએ પ્રતિબંધો મૂક્યા છે એમને પણ થશે."
ન્યૂ યૉર્કસ્થિત પત્રકાર જેરેમી સ્કૅહિલ પશ્ચિમી દેશોના આંગળીના વેઢે ગણી શકાય એવા પત્રકારમાંના એક છે કે જેમણે પશ્ચિમી દેશોના નેતાઓનાં કથિત બેવડા વલણને ઉજાગર કરવાની કોશિશ કરી છે.
એકસાથે ઘણાં ટ્વીટમાં એમણે એવો તર્ક રજૂ કર્યો છે કે રશિયા યુક્રેનમાં જે કરી રહ્યો છે તે દરેક પ્રકારે ખોટું છે અને એને કોઈ સમર્થન નહીં આપે. પરંતુ એમણે જણાવ્યા અનુસાર, આ સિલસિલામાં ખુદ પશ્ચિમી દેશોના રેકર્ડ નિંદનીય છે.
જેરેમી સ્કૅહિલે કહ્યું કે, "સતત પોતે કરેલા અપરાધોનો સ્વીકાર કરવા જેટલો જ ઇનકાર કરવામાં નિષ્ફળ રહેલું રશિયા નિંદાની વિશ્વસનીયતાને નબળી પાડે છે, ખાસ કરીને એ લોકોની નજરમાં જેઓ નેટો અને અમેરિકન લશ્કરવાદનો ઇતિહાસ જાણે છે. એ પુતિનને માટે એક ઉપહાર છે."
અફઘાનિસ્તાન, ઇરાકના કબજા સાથે સરખામણી
રશિયાના યુક્રેન પરના હુમલા પહેલાં 21મી સદીનાં અત્યાર સુધીનાં 22 વર્ષોમાં અમેરિકા અને નેટો દેશોએ અફઘાનિસ્તાન (2021) અને ઇરાક (2003) પર કબજો કર્યો, સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અસદ વિરુદ્ધ પોતાનું સૈન્ય ઉતાર્યું અને લીબિયા અને સોમાલિયામાં સૈનિક કાર્યવાહી કરી.
અમેરિકાએ 19 વર્ષ પહેલાં ઇરાક પર હુમલો કર્યો હતો. હુમલાનું કારણ જણાવતાં રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબ્લ્યૂ બુશે આક્રમણના થોડાક દિવસ પહેલાં એક ભાષણમાં એવું કહેલું કે, "આપણી અને અન્ય સરકારો દ્વારા પ્રાપ્ત કરાયેલી ગુપ્ત માહિતીમાં (જે જાણવા મળ્યું એમાં) કોઈ શંકા નથી કે ઇરાક સરકાર પાસે અત્યાર સુધીનાં સૌથી ઘાતક હથિયારોમાંનાં કેટલાંક છે, અને તેને રાખવાનું અને સંતાડવાનું ચાલુ છે. એ શાસને પહેલાં પણ ઇરાકના પડોશીઓ અને ઇરાકના લોકો વિરુદ્ધ સામૂહિક વિનાશનાં હથિયારોનો ઉપયોગ કર્યો છે."
આ કારણની સાથે જ રાષ્ટ્રપતિ બુશે બીજું એક કારણ ગણાવેલું. એમણે એ સમયના ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન વિશે કહેલું કે એમણે અલ કાયદા અને બીજા ચરમપંથીઓને આશ્રય આપ્યો છે.
રાષ્ટ્રપતિ બુશે એટલે સુધી કહી દીધું હતું કે અમેરિકામાં 9/11નો જે હુમલો થયો એમાં સદ્દામ હુસૈનનો હાથ હતો.
પરંતુ ઇરાક પર કબજા પછી જ્યારે સામૂહિક વિનાશનાં શસ્ત્રો ના મળ્યાં તો અમેરિકા અને નેટો દેશોની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા હતા.
જાણકારો કહે છે કે પશ્ચિમી મીડિયાએ એમ કહીને આ મુદ્દાને ટાળ્યો કે એનાથી અજાણતાં જ આ ભૂલ થઈ હતી.
યુક્રેન-સંકટના સમયે સોશિયલ મીડિયા પર લોકો રશિયા અને પુતિનની આકરી આલોચના જરૂર કરે છે પરંતુ તેઓ અમેરિકાનાં કોરિયા અને વિયેતનામ જેવા બીજા દેશો પરનાં આક્રમણોની પણ ચર્ચાઓ કરે છે, અને એ અંગે સવાલો ઊભા કરી રહ્યા છે.
જેરેમી સ્કૅહિલે કહ્યું કે, "પશ્ચિમી દેશોના નેતાઓનાં ઘણાં નિવેદનો રશિયાનાં પગલાં બાબતે સટીક હોઈ શકે છે, પરંતુ એમણે સ્વયં પોતાનાં લશ્કરીવાદ, બેવડી નીતિ અને નૈતિક અધઃપતનના સંદર્ભમાં જોવું જોઈએ."
મીડિયાનો કથિત 'વંશવાદ'
ઘણા દેશોનાં મીડિયા સંગઠનોએ પશ્ચિમી મીડિયાની ટીકા કરી છે અને આરોપ કર્યા છે કે યુક્રેન યુદ્ધના કવરેજમાં વંશવાદનાં ઉદાહરણો જોવા મળી રહ્યાં છે.
અરબ અને મધ્યપૂર્વી પત્રકાર સંઘ (એએમઈજેએ)એ એક નિવેદનમાં કહ્યું કે, "અમે વંશવાદી કવરેજનાં ઉદાહરણો ટ્રૅક કર્યાં છે, જે યુદ્ધના અસરગ્રસ્તો કરતાં અન્ય બાબતોને વધારે મહત્ત્વ આપે છે."
સંગઠને સીબીએસ ન્યૂઝ, ધ ટેલિગ્રાફ અને અલ જઝીરા ઇંગ્લિશ જેવાં મુખ્ય મીડિયા સંગઠનોના વિશ્લેષકો અને પત્રકારો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનાં ઉદાહરણો ટાંકીને આ નિવેદન કર્યું છે.
નિવેદનમાં કહેવાયું છે કે, "આ ટિપ્પણીઓએ કાં તો યુક્રેનિયનની કૉકેશિયન જાતિ કાં એમની આર્થિક સ્થિતિ પર વધારે ફોકસ કર્યું અને એમની મધ્યપૂર્વીય દેશો કે ઉત્તર આફ્રિકાના લોકો સાથે તુલના કરી."
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ એના પર ટિપ્પણીઓ કરી છે. એના વિશે વીડિયો ક્લિપ્સ બનાવાઈ છે.
સીબીએસ ન્યૂઝના એક વરિષ્ઠ પત્રકારે કિએવથી રિપોર્ટિંગ કરતાં કહ્યું કે આ કોઈ ઇરાક કે અફઘાનિસ્તાન જેવી જગ્યા નથી, આ અપેક્ષાકૃત યુરોપિયન શહેર છે જ્યાં તમે આ પ્રકારની વસ્તુઓની અપેક્ષા નહીં રાખો.
બીજા એક રિપોર્ટરે યુક્રેન વિશે કહ્યું કે આ વિકાસશીલ ત્રીજી દુનિયાનું રાષ્ટ્ર નથી.
અન્ય એક રિપોર્ટરે યુક્રેનમાંથી ભાગી રહેલા શરણાર્થીઓ વિશે કહ્યું કે આ સમૃદ્ધ મધ્યમવર્ગના લોકો છે, એ ઉત્તર આફ્રિકા જેવા દેશોમાંથી આવેલા લોકો નથી, એવું લાગે છે કે એ યુરોપમાં રહેતા પડોશી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો