You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પારુલ ખખ્ખરને સ્પર્શી ગઈ યુક્રેનિયન મહિલાની પીડા અને સર્જાયું 'ઊગશે રાતા સૂરજફૂલ'
- લેેખક, અજિત મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી માટે
રશિયાના યુક્રેન પરના આક્રમણનો આજે નવમો દિવસ. બૉમ્બ અને મિસાઇલરૂપે યુક્રેન પર ઘેરાયેલાં યુદ્ધનાં વાદળો વરસી રહ્યાં છે, ત્યારે આ યુદ્ધની વિભીષિકાને ગુજરાતી કવયિત્રી પારુલ ખખ્ખરે એક કાવ્યમાં વાચા આપી છે. તેમનું 'સૂરજમુખીને દેશ' નામનું કાવ્ય આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.
નોંધવું જોઈશે કે, કવયિત્રી પારુલ ખખ્ખર કોરોનાકાળમાં લખાયેલી શબવાહિની ગંગા... કવિતાએ ઘણી ચર્ચા જગવી હતી અને તે અનેક ભાષાઓમાં અનુદિત થઈ હતી.
શું છે 'સુરજમુખીને દેશ'માં?
સોશિયલ મીડિયાના ફેસબુક નામના પ્લૅટફૉર્મ પર પારુલ ખખ્ખરે પોતાના પેજ પર 2 માર્ચના રોજ એક કવિતા 'સૂરજમુખીને દેશ' પોસ્ટ કરી છે. તેમની આ પોસ્ટને આ લખાય છે ત્યાં સુધીમાં ઘણી લાઇક્સ અને કમેન્ટ્સ મળી ચૂકી છે.
જોકે, તેમની આ પોસ્ટને બીજા કોઈ ફેસબુક યુઝરે શૅર નથી કરી પરંતુ એમની એ કવિતાને કેટલાક લોકોએ કૉપી કરીને પોતાના એફબી અકાઉન્ટ પર પારુલ ખખ્ખરને ટૅગ કરીને નવી પોસ્ટ રૂપે મૂકી છે. એવી પોસ્ટ્સને મળેલી લાઇક્સ અને કમેન્ટને ગણીએ તો આ એક જ કવિતાને સેંકડો લોકોએ જોઈ, વાંચી, વખાણી છે અને અમુકે ટીકા પણ કરી છે.
એ કવિતા પાછળ એક કથા છે. બીબીસીએ જ્યારે પારુલ ખખ્ખર સાથે વાત કરી ત્યારે એમણે એ ઘટનાને યાદ કરીને કહ્યું કે, "એક વીડિયો જોયેલો. એમાં એક યુક્રેનિયન મહિલા રશિયન સૈનિકને સૂરજમુખીનાં બીજ આપે છે. કહે છે કે, એને પોતાના ખિસ્સામાં મૂકી દે. જેથી તે મરી જાય ત્યારે એ જમીન પર સૂરજમુખીના છોડ ઊગી નીકળે."
ઉલ્લેખનીય છે પારુલ ખખ્ખર જે વીડિયોની વાત કરે છે તે બીબીસી ગુજરાતી સહિત અનેક માધ્યમોએ કવર કર્યો છે. એ વીડિયો તમે અહીં જોઈ શકો છો.
તેમણે કહ્યું કે, "સૂરજમુખી એ યુક્રેનનું રાષ્ટ્રીય ફૂલ છે કદાચ. અને જ્યારે એ ફૂલ ખીલશે ત્યારે એ રાતું હશે. કારણ, કારણ કે એમાં લોહીનો રાતો રંગ હશે."
કવયિત્રી પારુલ ખખ્ખરે જણાવ્યું કે, "આ વીડિયો જોઈને હું વિચલિત થઈ ગઈ. મને યુદ્ધની ઘટના નહીં, પેલી સ્ત્રીની સંવેદના સ્પર્શી ગઈ. અને મારા એ સંવેદનથી પહેલી જે પંક્તિ આવી તે 'ઊગશે રાતા સૂરજફૂલ' હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે વૉશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ અનુસાર રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એ પછી સુરજમુખી વૈશ્વિક સહાનુભૂતિનું પ્રતીક બન્યું છે.
સનફ્લાવર - સૂરજમુખી યુક્રેનનું રાષ્ટ્રીય પ્રતીક
આ વીડિયો વાઇરલ થયા પછી અચાનક જ સૂર્યમુખી ફૂલ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. નોંધવું જોઈએ કે, યુક્રેન વિશ્વનો સૌથી મોટો સનફ્લાવરનું ઉત્પાદન કરતો દેશ છે અને ભારતની સનફ્લાવર તેલની કુલ આયાતમાં 70 ટકા હિસ્સો યુક્રેનનો હોય છે.
યુક્રેન જે વિસ્તારમાં આવેલું છે એ વિસ્તાર બ્લૅક સી તરીકે ઓળખાય છે અને દુનિયામાં સનફ્લાવર તેલનું 60 ટકા ઉત્પાદન તથા 75 ટકા નિકાસ આ બ્લૅક સી વિસ્તારમાંથી થાય છે.
પારુલબહેને આ કવિતાની સામાજિક કે વૈશ્વિક અસરો વિશે વધારે કશી વાત કરવાની કે તેઓ જે વાત કરે એમાંથી કશું લખવાની ના પાડી. એ માટેના કારણમાં તેમણે કહ્યું કે અગાઉના અનુભવ સારા નથી રહ્યા.
તેમની આ કવિતા જે નિમિત્તે લખાઈ એ યુદ્ધ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, "યુદ્ધ તો કોઈ કાળે ક્યાંય ન જ થવું જોઈએ, એ પછી ઝૂંપડું હોય કે રાષ્ટ્ર."
તેમણે એમની વાતમાં ઉમેર્યું કે, "યુદ્ધ એ જ કલ્યાણ, એ વાત સાથે હું સંમત નથી. યુદ્ધ ક્યારેય કલ્યાણ નથી."
પારુલ ખખ્ખરે કહ્યું કે, "એક કવિએ કે સર્જકે જે કહેવું હોય એ એની કૃતિમાં જ કહી દે છે. મેં મારે જે કહેવું હતું તે તેમાં, આમ તો માત્ર મારી સંવેદના જ વ્યક્ત કરી છે, કહી દીધું. આથી વધારે મારે કશું કહેવાનું નથી. અને મારી આ કવિતા કંઈ અનુવાદ થઈને પુતિન સુધી નથી પહોંચવાની, ને એનાથી એમના પર કશી અસર નથી થવાની."
પારુલ ખખ્ખરની આ 'સૂરજમુખીને દેશ' કવિતા જ નહીં, બીજી એક કવિતા જે કોરોનાકાળમાં સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ પર મુકાઈ હતી. એ કવિતા હતી, 'શબવાહિની ગંગા'. એ કવિતા સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ પર ખૂબ જ વાઇરલ થઈ હતી, એટલું જ નહીં, એ કાવ્ય ભારતની જુદી જુદી ભાષામાં અનુવાદ થઈ હતી અને જુદી જુદી ભાષામાં એના વીડિયો પણ બન્યા હતા. એ કવિતાએ સમાજમાં અને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો.
પણ, પારુલ ખખ્ખર રાજકીય વિરોધી નથી, એમણે અગાઉ એક મીડિયા સાથેની વાતચીતમાં કહેલું છે કે, "મારી કવિતા વિશે હું શું કહું? એ મારો મૌન સહારો છે એમ કહી શકાય. મારી વેદનાઓને પ્રગટ થવાનું એ એકમાત્ર માધ્યમ છે."
'સૂરજમુખીને દેશ'
કવયિત્રી પારુલ ખખ્ખરે બીજી માર્ચ, 2022ના દિવસે FB પેજ પર પોસ્ટ કરી હતી તે કવિતા આ રહી, જુઓ-
લોકોએ શું કહ્યું કમૅન્ટ્સમાં?
એઝ યુઝ્યુઅલ અનેક લોકો અનેક પોસ્ટ્સની નીચે 'વાહ', 'મસ્ત', 'બહુ મસ્ત', 'ફાઇન' અને ફૂલ, નમસ્કારની મુદ્રા કે સ્ટીકર્સ મોકલી દે છે એમ આ કવિતા નીચે પણ અનેક આવી કમૅન્ટ્સ છે, પરંતુ એ બધી કમૅન્ટ્સમાંથી કેટલીક વિશિષ્ટ કહી શકાય એવી કમૅન્ટ્સ પણ જોવા મળી છે. (પ્રાઇવસીને જાળવવા અહીં કમૅન્ટ કરનારનાં નામ નથી લખ્યાં) એમાં એક એફબી યુઝરે લખ્યું છે, 'યુક્રેન સૂરજમુખીના ફૂલનો દેશ', તો અન્ય એક ફેસબુકિયા ફ્રેન્ડે લખ્યું કે, 'યુક્રેન સૂરજમુખીનો દેશ કહેવાય છે એ હાલ જાણ્યું…', અન્ય એક ફેસબુક મિત્રે લખ્યું છે કે, 'કકળતી આંતરડી નો ઊભરો'. આ સિવાય બીજા યુઝરોએ ઘણું લખ્યું છે કે, 'યુદ્ધોન્માદ કેટલાય સૂરજમુખી ભરખી જશે!', 'આ તો માનવ સભ્યતાના લીરેલીરા ઊડ્યાની વેદના છે.', 'ફરી એક સમકાલીન સમસંવેદન'.
પારુલ ખખ્ખરની આ કવિતા કેટલી પ્રભાવક છે એવા પ્રશ્નના જવાબમાં સાહિત્ય અકાદમીના પૂર્વ મહામંત્રી અજયસિંહ ચૌહાણે જણાવ્યું કે, "મૂળ ઘટના જ એટલી કાવ્યાત્મક છે કે એની સૂક્ષ્મ અભિવ્યક્તિ થવી જોઈએ, પણ નથી થઈ."
અજયસિંહે ઉમેર્યું કે, "(કવિતા) એટલી પ્રભાવક નથી. રૂટીન કહેવાય. તત્કાલ ફીલિંગ આવે એને રજૂ કરી દેવાય એવું. પણ, સમય પ્રમાણે આ કવિતાનું મહિના પછી કેટલું મૂલ્ય એ પ્રશ્ન થાય."
આ મુદ્દે બીબીસી ગુજરાતી ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ વિષ્ણુ પંડ્યાને પૂછ્યું તો એમણે કશી પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો. એમનું કહેવું એમ હતું કે હું ક્યાં વિવેચક છું.
જાણીતા પત્રકાર અલકેશ પટેલે એવો સૂર પ્રકટ કર્યો કે, દરેક પરિસ્થિતિમાં, યુદ્ધ કે શાંતિમાં, લેખકોને લાગણીના ઊભરા આવતા હોય છે અને એને વ્યક્ત કરતા હોય છે. ઘણી વાર એમને વાસ્તવિક દુનિયા સાથે લેવાદેવા નથી હોતી, એની ઉપેક્ષા વ્યક્ત કરવામાં આવે છે. આ કવિતામાં પણ વાસ્તવિકતાની કવિને જાણ નથી.
તો જાણીતા કટાર લેખક અને અધ્યાપક સંજય ભાવેએ આ કવિતા વિશે જણાવ્યું કે, કવિતામાં જે તળપદા શબ્દો અને લય વગેરે છે એનાથી રમેશ પારેખ યાદ આવી જાય.
સંજય ભાવેએ કહ્યું કે, "એકલી સમસામયિકતા હોય તો એ સમાચાર બની જાય, પણ આ કવિતામાં સમસામયિકતાની સાથેસાથે કલાનું સંતુલન છે."
સંજય ભાવેએ વાત વાતમાં જણાવ્યું કે, "આમ પણ ગુજરાતી સાહિત્યમાં યુદ્ધવિષયક સાહિત્ય ઓછું જ લખાયું છે. સીધો પરિચય જ નથી. ગુજરાતી સાહિત્યમાં બેચાર કૃતિઓનાં નામ તરત યાદ આવે, એ સિવાય યુદ્ધને લગતી કૃતિઓ બહુ નથી, એ જોતાં પારુલબહેનની આ કવિતાનું મૂલ્ય ઓછું નથી."
તો, ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક અને સોશિયલ મીડિયા પર સક્રિય એવા અધ્યાપક ભરત મહેતાએ કહ્યું કે, "સ્વાભાવિકપણે કવિ યુદ્ધના વિરોધી જ હોય. છતાં આશ્ચર્ય છે કે આપણા કવિઓ કૃષ્ણનાં ગીત ગાય છે કે જેમણે મહાભારતમાં રસ લીધો હતો."
ભરત મહેતાએ કહ્યું કે, "રશિયા-યુક્રેન યુદ્ધની સંકુલતામાં ગયા વિનાનું ચગળવું ગમે એવું આ કાવ્ય છે."
ગુજરાતીમાં રશિયન સાહિત્ય અને એનો પ્રભાવ
નોંધવું જોઈએ કે, ગુજરાતી સાહિત્યમાં રશિયન સાહિત્યકારો અનુવાદ દ્વારા વંચાતા રહ્યા છે. એન્તન ચેખૉવની વાર્તાઓ, એમાં પણ વૉર્ડ નં. 6, ખૂબ જાણીતી છે.
વિક્ટર હ્યુગો 'લા-મિઝરેબ્લાં' 'દુખિયારાં', લિયો ટૉલ્સ્ટૉય 'વૉર ઍન્ડ પીસ', 'અન્ના કેરેનિના', મૅક્સિમ ગૉર્કી 'બૂઢી ઇઝરગીલ', 'ધ મધર', દોસ્તોય્વસ્કીની 'વિનીતા', 'ભોંયતળિયાનો આદમી' કૃતિઓ ગુજરાતી વાચકોમાં વંચાતી રહી છે અને સર્જકો પર પ્રભાવ પાડતી રહી છે.
મનુભાઈ પંચોળીની નવલત્રયી 'ઝેર તો પીધાં છે જાણી જાણી'માં યુદ્ધનાં વર્ણનોમાં પણ ઘણાને 'લા-મિઝરેબલ'ની પૅરિસની લડાઈનાં વર્ણનોનો પ્રભાવ લાગ્યો છે.
કવયિત્રી પારુલ ખખ્ખરને પૂછવામાં આવ્યું કે તમારી આ કવિતા અને બીજી કવિતાઓ પણ સમકાલીન ઘટનાઓ સાથે નિસબત ધરાવે છે એ વિશે શું કહેશો? એના જવાબમાં એમણે એક વેબ લિંક મોકલી હતી જેમાં એમની સામાજિક નિસબત વિશેનાં કાવ્યોનો લેખ હતો.
પારુલબહેને વાત વાતમાં કહેલું કે, અફઘાનિસ્તાનમાં એક બાળકીને એક સ્ત્રી સાવ અજાણ્યા માણસને સોંપતી હતી એ દૃશ્ય જોઈને મને પેલી સ્ત્રીની વેદના સ્પર્શી ગઈ. અને તેમણે કવિતા લખી,
"સોનપરી, તારી માવલડીને માફ કરી દે બાળ રે...
સોનપરી, તારે કાજે લઉં છું 'કમાવતર'નું આળ રે...
કઠણ કાળજું કરી ધકેલું તુજને દરિયાપાર... ખમ્મા... બેટલડી
ચારેફરતો કાળ ભમે ને વિપદાનો નહીં પાર... ખમ્મા... બેટલડી."
તો, ગયા વર્ષે, એટલે કે કોરોનાકાળ દરમિયાન એમની કલમે લખાયેલું આ કાવ્ય જુઓ,
"જાગ, હવે રણભેરી વાગી, પડી નગારે થાપ
જાગી ઊઠ્યાં કીડ-મકોડા, જાગ્યા સૂતા સાપ
હવે નઘરોળ ચામડી જાગ...
ભડભડ બળતાં શેરી-ફળિયા, ભડભડ બળતું ગામ
નિંભર, તારા ક્રોડ રુંવાડા તો ય કરે આરામ!
કોણે દીધા હાય... તને રે મગરપણાના શ્રાપ
હવે નઘરોળ ચામડી જાગ..."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો