You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન સંકટ : ભારત યુક્રેન પર આક્રમણના મુદ્દે રશિયાનો વિરોધ કેમ કરતું નથી?
- લેેખક, વિકાસ પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
યુક્રેનના મુદ્દે ભારત પાછલા કેટલાક દિવસોથી કપરા સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે અને મૉસ્કો તથા પશ્ચિમના દેશો સાથેના તેના સંબંધમાં સંતુલન જાળવવાના પ્રયાસ કરી રહ્યું છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદ (યુએનએસસી)માં આપેલા નિવેદનમાં કોઈ દેશનું નામ પ્રત્યક્ષ રીતે લીધું ન હતું, પરંતુ એવું જણાવ્યું હતું કે રાજદ્વારી પ્રયાસો તથા મંત્રણાને તક આપવાની આંતરરાષ્ટ્રીય સમુદાયની હાકલને કાને ધરવામાં ન આવી તેનો અમને ખેદ છે.
ભારતે રશિયાની ટીકા કરી ન હતી અને આક્રમણને વખોડી કાઢતા સંયુક્ત રાષ્ટ્રસંઘના એક ઠરાવના મુસદ્દા વિશે યુએનએસસીમાં મતદાન હાથ ધરવામાં આવ્યું તે પહેલાં રશિયા, અમેરિકા તથા યુક્રેને ભારતને "સાચો નિર્ણય" કરવા જણાવ્યું હતું.
યુક્રેન અને રશિયાએ તો સ્પષ્ટ વલણ લેવાની જાહેર અપીલ સુધ્ધાં નવી દિલ્હીને કરી હતી. ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મતદાનથી અળગું રહ્યું હતું, પરંતુ પોતાનું નિવેદન આપતાં પહેલાં સાવધ રહ્યું હતું. તે સૂચવે છે કે ભારતે એક ડગલું આગળ વધીને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા મૉસ્કોને પરોક્ષ રીતે જણાવ્યું હતું.
ભારતે "સંયુક્ત રાષ્ટ્રસંઘના ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને વિશ્વના દેશોના સાર્વભૌમત્વ તથા પ્રાદેશિક અખંડતા પ્રત્યેના આદર"ના મહત્ત્વની વાત કરી હતી. ભારતે એમ પણ જણાવ્યું હતું કે "રચનાત્મક ઉકેલ શોધવા માટે તમામ સભ્ય દેશોએ આ સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ."
યુક્રેન પરના આક્રમણ પર તત્કાળ પૂર્ણવિરામ મૂકવાની જોરદાર માગ સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં મતદાન કરવામાં આવ્યું ત્યારે મતદાનથી અળગા રહેવાનું પસંદ કરીને ભારતે તેની વ્યૂહરચના જાળવી રાખી હતી.
ભારત ત્રીજી વખત મતદાનથી અળગું રહ્યું પછી વોશિંગ્ટનના એક સિનિયર અધિકારી દ્વારા નવી દિલ્હીને "સ્પષ્ટ વલણ લેવાનું" જણાવવામાં આવ્યું હતું.
ભારતની આ વ્યૂહરચના સંદર્ભે, ખાસ કરીને પશ્ચિમના દેશોમાં સવાલ ઊઠ્યા હતા કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશે સ્પષ્ટ વલણ લેવું જોઈતું હતું કે કેમ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મર્યાદિત વિકલ્પો
ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી અધિકારી જે. એન. મિશ્રાએ કહ્યું હતું કે ભારતે "ખરાબ અને બદતર વિકલ્પોમાંથી પસંદગી કરવાની હતી."
તેમણે ઉમેર્યું હતું કે "એક સમયે બન્ને તરફ નમી શકાય નહીં. ભારતે કોઈ દેશનું નામ આપ્યું નથી, જે દર્શાવે છે કે તે મૉસ્કોની વિરુદ્ધ જશે નહીં. ભારતે કુશાગ્રતાપૂર્વક કોઈ વલણ લેવાનું હતું અને એ તેણે લીધું છે."
યુક્રેન સંબંધે રાજદ્વારી સંતુલન જાળવવાના ભારતના પ્રયાસોનાં અનેક કારણ છે.
તેમાં સૌથી મહત્ત્વનું કારણ છે ભારતના મૉસ્કો સાથેના સંરક્ષણ તથા રાજદ્વારી સંબંધ.
પોતાના શસ્ત્રભંડારને વૈવિધ્યસભર બનાવવાના અને સંરક્ષણ માટે જરૂરી સાધનોનું ઘરઆંગણે ઉત્પાદન કરવાના નવી દિલ્હીના નિર્ણય પછી રશિયાનો હિસ્સો 70 ટકાથી ઘટીને 49 ટકા થઈ ગયો હોવા છતાં ભારતને શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવામાં રશિયા સૌથી મોખરે છે.
એ ઉપરાંત રશિયા ભારતને એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટિમ જેવાં મહત્ત્વનાં ઉપકરણો સપ્લાય કરી રહ્યું છે, જે ચીન તથા પાકિસ્તાન સામે વ્યૂહાત્મક ધાકના સંદર્ભમાં ભારત માટે બહુ જ મહત્ત્વનાં છે. આ જ કારણસર નવી દિલ્હી, અમેરિકાના પ્રતિબંધોની આશંકા છતાં, નિર્ધારિત ક્રમ અનુસાર આગળ વધ્યું હતું.
સંરક્ષણ સપ્લાય અને એનું મહત્ત્વ
એ ઉપરાંત અનેક મુદ્દાઓ પર રશિયા સાથેના રાજદ્વારી સહકારના દાયકાઓ લાંબા ઇતિહાસની અવગણના કરવાનું નવી દિલ્હી માટે મુશ્કેલ છે. કાશ્મીરને દ્વિપક્ષી મુદ્દો બનાવી રાખવા માટે ભારતને મદદ કરવા મૉસ્કોએ કાશ્મીરવિવાદ વિશેના યુએનએસસીના ઠરાવને ભૂતકાળમાં વીટો વડે ફગાવી દીધો હતો.
આ સંદર્ભમાં ભારત તટસ્થ રહેવાની અને સમસ્યાના નિરાકરણ માટે મંત્રણાને પ્રોત્સાહન આપવાની તેની વિખ્યાત વ્યૂહરચનાને અનુસરી રહ્યું હોય તેવું લાગે છે.
વિલ્સન સેન્ટર નામના વિચારકમંડળના ડેપ્યુટી ડિરેક્ટર માઇકલ કુગેલમેને જણાવ્યું હતું કે ભારતનું વલણ આશ્ચર્યજનક નથી, કારણ કે નવી દિલ્હીની ભૂતકાળની વ્યૂહરચના અનુસારનું છે.
તેમના જણાવ્યા મુજબ, નવી દિલ્હીને "યુક્રેનમાં જે થઈ રહ્યું છે તે ગમતું નથી, પરંતુ તેનાથી ભારતના વલણમાં ફેરફાર થવાની શક્યતા નથી."
તેમણે કહ્યું હતું કે "પોતાની સંરક્ષણ તથા ભૂરાજકીય જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં ભારતને હાલ આમ કરવું પરવડે તેમ નથી."
તેમણે ઉમેર્યું હતું કે પોતે યુક્રેનની વર્તમાન પરિસ્થિતિથી રાજી નથી એવું દર્શાવવા માટે ભારતે યુએનએસસીમાં કેટલાક આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
વળી ભારતે યુક્રેનમાંથી પોતાના 20,000 નાગરિકોને કાઢવાનું મુશ્કેલ કામ પણ કરવાનું છે. એ 20,000 નાગરિકોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.
મૉસ્કો તથા લીબિયામાં ફરજ બજાવી ચૂકેલા ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી અધિકાર અનિલ ત્રિગુણિયાતે જણાવ્યું હતું કે સંઘર્ષમાં સંકળાયેલા તમામ પક્ષો પાસેથી, નાગરિકોને બહાર કાઢવાની સફળ કાર્યવાહી માટે સલામતીની ખાતરી મળે તે જરૂરી છે.
લિબિયામાં 2011માં સંઘર્ષ ફાટી નીકળ્યો ત્યારે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી અનિલ ત્રિગુણિયાતની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે "પોતાના નાગરિકોની સલામતી પર જોખમ સર્જીને કોઈની તરફેણનું જોખમ ભારત ન લઈ શકે. એ ઉપરાંત ભારતનો વ્યાપક દૃષ્ટિકોણ તમામ પક્ષો સાથેના સંબંધના દરવાજા ખુલ્લા રાખવાનો છે."
ખાસ કરીને જોરદાર આક્રમણનો ભોગ બનેલા ખારકિએવમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસમાં ભારત, યુક્રેન તથા મૉસ્કો બન્ને તરફથી મદદ મેળવી શક્યું છે. ભારતના ઘણા નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે અને નવી દિલ્હીએ તમામ પક્ષોનો સહકાર મેળવવાનું ચાલુ રાખવું પડશે.
આ અર્થમાં ભારત ખાસ સ્થિતિમાં છે, કારણ કે તે વૉશિંગ્ટન તથા મૉસ્કો સાથે સારા સંબંધ ધરાવતા જૂજ દેશો પૈકીનો એક છે.
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે અને ભારતીય વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે વૉશિંગ્ટનમાંના અધિકારીઓ સાથે વાતચીત કરી છે.
નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી સાથે પણ વાત કરી હતી. અનિલ ત્રિગુણિયાતે જણાવ્યું હતું કે બન્ને પક્ષો સાથેની રાજદ્વારી ચૅનલ ખુલ્લી રાખીને ભારતે બહુ સારું કામ કર્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે "ભારતે રશિયાની પ્રત્યક્ષ રીતે ટીકા કરી નથી અને યુક્રેનના લોકોની પીડાને પણ નજરઅંદાજ કરી નથી. ભારતે સંતુલિત અભિગમ અપનાવ્યો છે. નવી દિલ્હીએ યુએનએસસીમાં પ્રાદેશિક અખંડિતતાની વાત ભારપૂર્વક જણાવી હતી અને તેનો સ્પષ્ટ હેતુ યુક્રેનની દુર્દશાને ઉજાગર કરવાનો હતો."
વૉશિંગ્ટન અને તેના યુરોપિયન સાથીઓ રશિયા પર આકરાં નિયંત્રણો લાદવાનું ચાલુ રાખશે તો ભારત માટે મૉસ્કો સાથે કામ કરતા રહેવાનું મુશ્કેલ બનશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ હાલના તબક્કે ભારતની પરિસ્થિતિ સમજતો હોય તેવું લાગે છે, પરંતુ તે ભવિષ્યમાં પણ આવું કરવાનું ચાલુ રાખશે તેની કોઈ ખાતરી નથી.
અમેરિકાના પ્રમુખ જો બાઇડનને ભારતના વલણ વિશે તાજેતરમાં સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે "અમે (યુક્રેન મુદ્દે) ભારત સાથે ચર્ચા કરીશું. અમે તેનું સંપૂર્ણપણે નિરાકરણ કર્યું નથી."
એસ-400ની ખરીદી પર પ્રતિબંધના મુદ્દાનું નિકારણ હજુ થયું નથી. રશિયા, ઈરાન અને નોર્થ કોરિયાને આર્થિક તથા રાજકીય પ્રતિબંધો વડે નિશાન બનાવવાના હેતુસરનો કાઉન્ટરિંગ અમેરિકાઝ ઍએડવર્સરિઝ થ્રુ સેન્ક્શન્શ ઍક્ટ (સીએએટીએસએ) 2017થી અમલમાં આવ્યો હતો. આ કાયદો રશિયા, ઈરાન તથા નોર્થ કોરિયા સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરતા અન્ય દેશોને અટકાવી પણ શકે છે.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પહેલાં પણ વૉશિંગ્ટને કોઈ માફીનું વચન આપ્યું ન હતું અને નિષ્ણાતો માને છે કે આ મુદ્દો ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજીનું સાધન બની શકે છે.
દરમિયાન, મૉસ્કો તેના પોતાના પ્રેશર પૉઇન્ટનો ઉપયોગ કરી શકે છે, જેમાં નવી દિલ્હી તેની વ્યૂહરચના બદલતું જણાય તો તેના કટ્ટર દુશ્મન પાકિસ્તાન સાથેના રશિયાના સંબંધ મજબૂત કરવાનો સમાવેશ થાય છે.
ભારત અને અમેરિકાના પાછલા બે દાયકાથી ગાઢ બનતા સંબંધને રશિયાએ સ્વીકારી લીધો છે, પરંતુ યુક્રેનનો મુદ્દો મર્યાદાની રેખા છે અને ભારત તે રેખા ઓળંગે એવું મૉસ્કો ઇચ્છતું નથી.
માઇકલ કુગેલમેનના જણાવ્યા મુજબ, યુક્રેનનો સંઘર્ષ લંબાશે અને તેના કારણે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ જશે તો જ આ પરિસ્થિતિ આવશે.
તેમણે કહ્યું હતું કે "આપણે આશા રાખીએ કે એવું ન થાય, પરંતુ એવું થશે તો ભારતની વિદેશ નીતિની આકરી પરીક્ષા થશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો