ઉત્તર પ્રદેશ ચૂંટણી: આજે 10 જિલ્લાની 57 બેઠકો પર મતદાન, સીએમ યોગી આદિત્યનાથના ભવિષ્યનો નિર્ણય - પ્રેસ રિવ્યુ

ગુરુવાર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.

સવારે 11 વાગ્યા સુધીમાં આ બેઠકો પર 21.79 ટકા મતદાન નોંધાયું છે.આ દસ જિલ્લા પૈકી સૌથી વધારે મતદાન સિદ્ધાર્થનગર (23.42 ટકા)માં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 18.98 ટકા મતદાન બલરામપુરમાં નોંધાયું છે.

આ તબક્કાના મતદાનમાં બધાની નજર ગોરખપુર પર છે, જ્યાંથી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ચૂંટણી લડી રહ્યા છે.

આ સિવાય આજના મતદાનમાં કૉંગ્રેસના અજય કુમાર લલ્લુ અને સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્ય એ મહત્વપૂર્ણ ચહેરા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, યુપીમાં છઠા તબક્કાની ચૂંટણીમાં 10 જિલ્લામાં વિધાનસભાની 57 બેઠકો પર મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઈ ગયું છે. આ તમામ બેઠકો પર ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. આ 57 વિધાનસભા બેઠકોમાંથી ગત ચૂંટણીમાં 46 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.

પશ્ચિમ બંગાળમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણી, તૃણમૂલ કૉંગ્રેસે 108માંથી 102 બેઠકો પર જીત મેળવી

પશ્ચિમ બંગાળમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં હિંસા અને ગેરરિતીના આરોપો વચ્ચે સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસે 108માંથી 102 બેઠકો પર જીત મેળવી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, તૃણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ આ જીત બાદ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં હતાં અને આગામી સમયમાં રાજ્યની સુખાકારી માટે કામ કરવા સૂચન આપ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં 77 બેઠકો મેળવનાર ભાજપ સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં એકપણ બેઠક મેળવી શક્યું નથી. જ્યારે સીપીઆઈ (એમ) તેમજ અન્ય સ્થાનિક પાર્ટીઓએ છ બેઠકો મેળવી હતી.

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રવક્તાએ હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે અમે આ પરિણામનો સ્વીકાર નથી કરતા. પશ્ચિમ બંગાળમાં મુક્ત અને સ્વતંત્ર ચૂંટણી થાય તેમ લાગતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો