You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન સંકટ : પુતિન શું ખરેખર ન્યૂક્લિયર બટન દબાવી દેશે?
- લેેખક, સ્ટીવ રૉઝનબર્ગ
- પદ, બીબીસી ન્યૂઝ, મૉસ્કો
સૌથી પહેલાં હું એક વાતનો સ્વીકાર કરવા માગું છું. મેં ઘણી વખત વિચાર્યું : "પુતિન આવું ક્યારેય નહીં કરે." પણ દર વખતે તેમણે એવું જ કર્યું.
"તેઓ ક્યારેય ક્રિમિયા પર કબજો નહીં કરે, પાકું?" તેમણે કર્યો.
"તેઓ ક્યારેય ડોનબાસમાં યુદ્ધ નહીં છેડે." તેમણે એ પણ કર્યું.
"તેઓ ક્યારેય યુક્રેન પર હુમલો નહીં કરે." પણ તેમણે કર્યો.
હું હવે એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે 'ક્યારેય નહીં કરે' આ વાક્ય વ્લાદિમીર પુતિન પર લાગુ નથી થતું અને તેના કારણે એક અસહજ કરી દે તેવો પ્રશ્ન ઊભો થાય છે.
"શું તેઓ ક્યારેય પણ પરમાણુ બટન દબાવી દેશે?"
આ કોઈ સૈદ્ધાંતિક સવાલ નથી. વ્લાદિમીર પુતિને નેટો દેશોના નેતાઓ તરફથી યુક્રેન પર "આક્રમક નિવેદનબાજી" કરવાનો આરોપ લગાવતાં પોતાના દેશનાં પરમાણુ બળોને "વિશેષ ઍલર્ટ" પર રાખ્યાં છે.
પુતિનની ચેતવણી
ગયા ગુરુવારે જ્યારે રાષ્ટ્રપતિ પુતિન ટેલિવિઝન પર "વિશેષ સૈન્ય અભિયાન"ની જાહેરાત કરી ત્યારે તેમણે એક ડરામણી ચેતવણી આપી:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો કોઈ બહારનું હસ્તક્ષેપ કરવાનું વિચારશે કે કરશે તો તેમણે એવાં પરિણામો ભોગવવાં પડશે, જે તેમણે ઇતિહાસમાં ક્યારેય નહીં જોયાં હોય."
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા અને નોબાયા ગઝેટા અખબારના મુખ્ય સંપાદક દિમિભી મુરાતોવનું માનવું છે કે, "પુતિનના શબ્દ પરમાણુ હુમલાની સીધી ધમકી જેવા લાગી રહ્યા છે."
તેમણે કહ્યું, "તે ટેલિવિઝન સંબોધનમાં પુતિન માત્ર ક્રેમલિનના નેતાની જેમ નહીં, પરંતુ આ ગ્રહના સર્વેસર્વાની જેમ વર્તી રહ્યા હતા. જે રીતે ગાડીના માલિક ચાવીને પોતાની આંગળીમાં ફેરવે છે, તે જ રીતે તેઓ ન્યુક્લિયર બટન ફેરવી રહ્યા હતા. તેમણે ઘણી વાર કહ્યું, જો રશિયા નહીં રહે, તો પછી આ ગ્રહની શું જરૂર? કોઈએ ધ્યાન ન આપ્યું, પરંતુ આ મોટો ખતરો છે કે જો રશિયા સાથે તેઓ જેમ ઇચ્છે છે, તેમ વર્તન ન કરવામાં આવે તો તમામ વસ્તુઓ બરબાદ થઈ શકે છે."
પુતિન પાસે શું વિકલ્પ છે?
તેઓ કહે છે, "તેમની પાસે એક વિકલ્પ એ છે કે તેઓ યુરોપને ગૅસનો પુરવઠો મોકલવાનું બંધ કરી દે. તેનાથી યુરોપિયન દેશો નમી શકે છે. એક અન્ય વિકલ્પ એ છે કે બ્રિટન અને ડેનમાર્ક વચ્ચે ઉત્તર સમુદ્રમાં ક્યાંક પરમાણુ હથિયારનો ઉપયોગ કરી દે અને જુએ કે શું થાય છે."
જો વ્લાદિમીર પુતિન પરમાણુવાળો વિકલ્પ પસંદ કરે તો શું તેમનું કોઈ નજીકનું આમ કરવાથી તેમને રોકી શકશે?
દિમિત્રી મુરાતોવ કહે છે, "રશિયાના રાજનેતા ક્યારેય પણ જનતાનો પક્ષ નથી લેતા. તેઓ હંમેશાં શાસનનો પક્ષ લે છે."
વ્લાદિમીર પુતિનના શાસન દરમિયાન જ રશિયા સર્વશક્તિમાન છે. આ એક એવો દેશ છે, જ્યાં પુતિન વિરુદ્ધ ઊભા થનારા લગભગ ના બરાબર છે.
પૉવેલ ફલગનહૉર કહે છે, "કોઈ પણ પુતિન સામે ઊભું થવા તૈયાર નથી. અમે એક ખતરનાક સ્થિતિમાં છીએ."
યુક્રેનમાં શરૂ થયેલ જંગ વ્લાદિમીર પુતિનનું યુદ્ધ છે. જો ક્રેમલિનના નેતા પોતાનાં સૈન્ય લક્ષ્યોને હાંસલ કરી લે છે તો એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે યુક્રેનનું ભવિષ્ય સંદેહમાં રહેશે. જો રશિયાનું અભિયાન અસફળ રહે છે અને મોટી સંખ્યમાં તેમના સૈનિકોની જાનહાનિ થાય છે તો ડર છે કે ક્રેમલિન વધુ ખતરનાક પગલાં લઈ શકે છે.
ખાસ કરીને ત્યારે, જ્યારે "ક્યારેય નહીં કરે" વાળો નિયમ હવે તેમના પર લાગુ થતો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો