SWIFT : 'સ્વિફ્ટ' શું છે? રશિયા પર આ બૅન્કિંગ પ્રતિબંધની શું અસર થઈ શકે?

રશિયાએ યુક્રેન પર હુમલો કરતાં અમેરિકા, યુ.કે. તેમજ યુરોપીયન યુનિયન સહિતના દેશોએ રશિયા પર વિવિધ પ્રતિબંધો લાદ્યા છે અને આગામી સમયમાં તેને વધારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ત્યારે, આગળના પ્રતિબંધોમાં રશિયાને બૅન્કિંગ ટેલિકૉમ્યુનિકેશન માટેની સિસ્ટમ 'સ્વિફ્ટ'માંથી દૂર કરવાના પ્રયાસ વિવિધ દેશો કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોના કેન્દ્રમાં રહેલી આ સિસ્ટમમાંથી દૂર થવાનું નામ સાંભળતા જ બૅન્કો અને નેતાઓને પરસેવો છૂટી જાય છે.

તો આ 'સ્વિફ્ટ' છે શું અને તેનો ફાયદો અને કાર્યપ્રણાલી શું છે તે જાણવું જરૂરી બની જાય છે.

શું છે 'સ્વિફ્ટ' અને તે કઈ રીતે કાર્ય કરે છે?

સ્વિફ્ટ (SWIFT) એ 'સોસાયટી ફૉર વર્લ્ડવાઇડ ઇન્ટરબૅન્ક ફાઇનાન્સિયલ ટેલિકૉમ્યુનિકેશન'નું ટૂંકું નામ છે.

સામાન્ય ભાષામાં સ્વિફ્ટ એ નાણાકીય સંસ્થાનોની મૅસેજિંગ ઍપ્લિકેશન છે. તેની શરૂઆત 1973માં 15 દેશો સાથે થઈ હતી.

સ્વિફ્ટની વેબસાઇટ પ્રમાણે, હાલમાં તેમની સાથે વિશ્વના 200થી વધુ દેશોના 11 હજારથી વધુ નાણાકીય સંસ્થાનો જોડાયેલા છે.

નાણાકીય વ્યવહારોમાં સ્વિફ્ટ સીધી રીતે ભાગ લેતી નથી, પરંતુ પૈસાની ચુકવણી, વેપાર અને ચલણ વિનિમય માટે તે પુષ્ટિકરણનું કાર્ય કરે છે.

સ્વિફ્ટનું સંચાલન નેશનલ બૅન્ક ઑફ બેલ્જિયમ દ્વારા કરવામાં આવે છે. જોકે, યુ. એસ. ફૅડરલ રિઝર્વ સિસ્ટમ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ, યુરોપીયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ જાપાન સહિત વિશ્વની મુખ્ય બૅન્કોના પ્રતિનિધિઓ તેના સંચાલનમાં સામેલ છે.

શા માટે મહત્ત્વનું છે સ્વિફ્ટ?

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને તાજેતરમાં જણાવ્યું હતું કે આમ કરવાથી રશિયાએ નાણાકીય વ્યવહારો કરવા માટે ટેલિફોન અને ફેક્સનો સહારો લેવો પડશે.

જો કોઈ રાષ્ટ્રને સ્વિફ્ટમાંથી દૂર કરવામાં આવે તો તેની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડે તેમ છે.

2014માં જ્યારે પશ્ચિમી દેશોએ રશિયાને સ્વિફ્ટમાંથી દૂર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે રશિયાના તત્કાલીન નાણામંત્રી એલેક્સી કુદ્રિને અંદાજ લગાવ્યો હતો કે આમ થવાથી એક વર્ષમાં રશિયાની જીડીપી પાંચ ટકા જેટલી ઘટશે.

જો કોઈ રાષ્ટ્રને સ્વિફ્ટમાંથી દૂર કરવામાં આવે તો અન્ય રાષ્ટ્રો પર પણ તેની અસર થઈ શકે છે. જેમ કે, રશિયાને સ્વિફ્ટમાંથી દૂર કરવામાં આવે તો જે દેશો રશિયા પાસેથી ખરીદી કરતા હોય તેઓને ચુકવણી કરવામાં પણ તકલીફ પડી શકે છે.

શું સ્વિફટનો કોઈ વિકલ્પ છે?

ખરેખર, ના. 2014થી બૅન્ક ઑફ રશિયા પોતાની ખુદની ફાઇનાન્શિયલ મૅસેજિંગ સિસ્ટમ ચલાવે છે, પરંતુ તેના માત્ર 400 યૂઝર્સ છે.

આવી જ રીતે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ પણ સ્વિફ્ટ સાથે મળીને એક સિસ્ટમ ચાલુ કરી હતી. જોકે, તેને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાથી દૂર થવાથી બચવા માટેની પૉલિસી તરીકે માનવામાં આવે છે.

ડિજિટલ કરન્સી અને અદ્યતન ટેક્નોલૉજી છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્વિફ્ટ માટે પડકારજનક બની ગઈ છે. જોકે, અત્યાર સુધી તેનો કોઈ ચોક્કસ વિકલ્પ સામે આવ્યો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો