ચેર્નોબિલને વિશ્વની સૌથી ખતરનાક જગ્યા શા માટે માનવામાં આવે છે?

ચેર્નોબિલ માનવ ઇતિહાસની સૌથી ખરાબ પરમાણુ દુર્ઘટનાઓ પૈકીની એક છે. અહીંના ચાર પૈકીના એક રિએક્ટરમાં 1986માં વિસ્ફોટ થયો હતો.

લગભગ 31 વર્ષ પહેલાં થયેલી આ દુર્ઘટનાને પગલે કિરણોત્સર્ગની ભીતિને કારણે સમગ્ર ચેર્નોબિલ શહેર માનવવિહીન કરી નાખવામાં આવ્યું હતું.

એક સમયે ચેર્નોબિલનું નામ સુધ્ધાં લેવાનું ટાળવામાં આવતું હતું અને તેની આસપાસ જવાનો વિચાર સુધ્ધાં કોઈ કરતું ન હતું.

1986ની 26 એપ્રિલે શું થયું હતું?

ચેર્નોબિલ અણુઊર્જા મથકના યુનિટ ક્રમાંક ચારમાં 1986ની 26 એપ્રિલની મધરાતે વિસ્ફોટ થયો હતો. તેમાં અણુભઠ્ઠી ફાટી ગઈ હતી અને કિરણોત્સર્ગના વાદળ આકાશમાં ફેલાઈ ગયાં હતાં.

માત્ર એક સપ્તાહમાં કામદારો અને ઇમરજન્સી કર્મચારીઓ સહિતના 30 લોકો રેડિયેશનના સંપર્કમાં આવ્યા હતા. સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ બે લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

દુર્ઘટના સમયે હતી તે જ હાલતમાં ત્યજી દેવાયેલી સૂમસામ ઇમારતો, બરફવર્ષાથી ઢંકાયેલા વાહનોના બમ્પર્સ અને પીળા રંગના મોટું ચકડોળ એ બધું જોઈને અમે આગળ વધ્યા. બાળમંદિરની હૉસ્ટેલમાંના કટાયેલા પલંગ પર પડેલી એક ઢીંગલીને જોઈને હૃદય ધબકારો ચૂકી ગયું હતું.

યુક્રેનના પર્યાવરણ અને પ્રાકૃતિક સંસાધનમંત્રી ઓસ્ટાપ સિમિરાકે બીબીસીને જણાવ્યું હતું કે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હોત તો આ વિસ્તાર આટલો જોખમી ન બની રહ્યો હોત. "તમે બરાબર ધ્યાન ન રાખો તો તે તમારો જીવ પણ લઈ લે," એમ તેમણે કહ્યું હતું.

ચેર્નોબિલની અણુભઠ્ઠી પર આચ્છાદન નાખવાનું કામ 10,000 કામદારોએ સતત ચાર વર્ષ સુધી કર્યું ત્યારે તેના કિરણોત્સર્ગને અંકુશમાં લેવાનું શક્ય બન્યું હતું. કામદારોની સલામતી માટેનાં તમામ પગલાં લેવામાં આવ્યાં હોવાનું પણ ઓસ્ટાપ સિમિરાકે જણાવ્યું હતું.

બ્રિટનના સેન્ટર ફૉર ઇકૉલૉજી ઍન્ડ હાયડ્રોલૉજીના પ્રોફેસર નિક બેરેસ્ફોર્ડે પણ કિરણોત્સર્ગ અંકુશમાં આવી ગયો હોવાનું જણાવ્યું હતું.

ચેર્નોબિલમાં પર્યટન

છેલ્લા થોડા સમય દરમિયાન દુનિયાભરના સંખ્યાબંધ સાહસિક, ઉત્સાહી પર્યટકોનાં ધાડાં ચેર્નોબિલમાં ઘસી આવ્યાં હતાં. એ પૈકીના કેટલાકે તો સ્થાનિક સરકારી હૉસ્ટેલમાં રહેવાનું સાહસ પણ કર્યું હતું.

ચેર્નોબિલ, યુક્રેનની રાજધાની કિવથી બે કલાકના અંતરે આવેલો 30 કિલોમીટરનો પ્રતિબંધિત વિસ્તાર છે. તેને પૃથ્વી પરનું સૌથી ખતરનાક સ્થળ માનવામાં આવે છે. કિરણોત્સર્ગના જોખમને કારણે લોકો અહીં મર્યાદિત સમય પૂરતા જ રહી શકે છે.

અહીં આવતાં પર્યટકો એક કે બે દિવસ રહે છે. એ દિવસો દરમિયાન થનારા કિરણોત્સર્ગની માત્રા પ્રમાણમાં ઓછી હોય છે. તેના કરતાં વધારે કિરણોત્સર્ગ વિમાન પ્રવાસમાં થતો હોવાનો દાવો કરવામાં આવે છે.

ચેર્નોબિલને સલામત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પારાવાર પ્રયાસ કરવામાં આવ્યા છે. યુરોપિયન બેન્ક ઓફ રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (ઈબીઆરડી) અને આંતરરાષ્ટ્રીય દાતાઓએ આપેલા ભંડોળમાંથી એ પૈકીનું મોટા ભાગનું કામ કરવામાં આવ્યું છે.

ક્ષતિગ્રસ્ત ઇમારત પર કરવામાં આવેલા આચ્છાદનને લીધે આગામી 100 વર્ષ સુધી કિરણોત્સર્ગ રોકી શકાશે.

ઈબીઆરડીના ચેર્નોબિલ રિલીફ ફંડના વડા સાયમન ઈવાન્સે જણાવ્યું હતું કે આચ્છાદનને લીધે જૂના બાંધકામને વધુ નુકસાન થતું પણ રોકી શકાશે. તેનો અર્થ એવો નથી કે આચ્છાદનને કારણે આજુબાજુના 30 કિલોમીટર વિસ્તારમાં કિરણોત્સર્ગનું પ્રમાણ ઘટી જશે, એવી સ્પષ્ટતા તેમણે કરી હતી.

કિરણોત્સર્ગની અસર બાબતે વ્યાપક મતમતાંતર પ્રવર્તે છે. 80 વર્ષની વયના ઈવાન સેમેન્યૂક દુર્ઘટનાનાં બે વર્ષ પછી અહીં તેમના વતનમાં પાછા આવી ગયા હતા અને આજે પણ અહીં રહે છે. તેઓ ખેતી કરે છે અને પોતાની જરૂરિયાતનું અનાજ ઉગાડે છે.

દુર્ઘટનાના દિવસને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે "એ રાતે વિસ્ફોટ થયો હતો. એવો અવાજ રોજ સંભળાતો હોવાથી અમને કશું અલગ થયાનું લાગ્યું ન હતું. રહેવા માટે હવે આ જગ્યા એકદમ સલામત છે."

"પર્યટકો અહીં આવે છે તે સારી વાત છે. કોઈ વાતે ડરવાની જરૂર નથી,"એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો