એ ભારતીય 'ટાઇટેનિક', જેણે 700 મુસાફરો સાથે દરિયામાં 'જળસમાધિ' લીધી

    • લેેખક, કિશોર પાંડુરંગ બેલેકર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મને યાદ છે જ્યારે હું બાળક હતો ત્યારે મારા પિતાએ એસ. એસ. રામદાસ જહાજની દુર્ઘટનાનો પહેલી વાર ઉલ્લેખ કર્યો હતો. મારા પિતા મિલમાં છૂટક કામ કરનારા કર્મચારી હતા.

અમારી નાણાકીય સ્થિતિ સામાન્ય હતી. અમારી પાસે રેડિયો હતો પરંતુ એ સમયે ટેલિવિઝન હોય એ વૈભવ સમાન હતું.

મારા પિતા સારા વાર્તાકાર હતા અને રોજ રાત્રે તેઓ મને વાર્તા કહેતા હતા.

એક રાતે તેમણે રામદાસ જહાજ અને તેના અકસ્માતની વાર્તા કરી હતી.

એ વિનાશક અકસ્માત અંગે ફિલ્મ બનાવવાનો વિચાર પહેલી વાર મારા મગજમાં 2006માં આવ્યો હતો.

ત્યારથી મે રામદાસ જહાજ વિશે માહિતી મેળવવાની શરૂ કરી અને ઘટના વિશે સંશોધન શરૂ કર્યું હતું.

દસ વર્ષ સુધી હું એ ઘટનામાં બચેલા લોકોને મળ્યો, સમાચારપત્રો વાંચ્યાં અને સંશોધન કર્યું. વૈજ્ઞાનિક ખસગીવાલેએ મને ખૂબ મદદ કરી.

સફરની શરૂઆત અલીબાગથી શરૂ થઈ હતી. જ્યાં મારી મુલાકાત બારકુ શેઠ મુકાદમ સાથે થઈ અને સફરનું સમાપન દક્ષિણ આફ્રિકાના અબ્દુલ કાઇસની મુલાકાત સાથે થયું.

રામદાસ જહાજનું નિર્માણ સ્વાન અને હંટર નામની કંપનીએ કહ્યું હતું.

આ એ જ કંપની છે, જેમણે ક્વીન ઍલિઝાબેથ નામના વૈભવી જહાજનું નિર્માણ કર્યું હતું.

રામદાસ જહાજ 179 ફૂટ લાંબું અને 29 ફૂટ પહોળું હતું. જેમાં આશરે 1000 જેટલા મુસાફરો પ્રવાસ કરી શકતા હતા.

1936માં બનેલા આ જહાજને થોડાં વર્ષો બાદ ઇન્ડિયન કો-ઑપરેશન સ્ટિમ નૅવિગેશન કંપની દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું.

એ દિવસોમાં ભારતની આઝાદીની ચળવળ ચરમસીમા પર હતી. સમાન વિચારધારા ધરાવતા દેશભક્ત લોકોએ મળીને આ સહકારી નૅવિગેશન કંપનીનું નિર્માણ કર્યું હતું.

આ કંપનીએ બોટસેવાની શરૂઆત કોંકણના દરિયાકિનારાથી 'સુખકર બોટ' સેવાના નામથી શરૂ કરી હતી.

આ સેવા બ્રિટિશ સંચાલિત કંપનીઓને સીધો પડકાર હતી. લોકો આ કંપનીને માત્ર આગબોટ કંપની તરીકે ઓળખતા હતા.

લોકલાગણીને જોતાં આ કંપનીઓ સંત અને ભગવાનનાં નામોથી પોતાનાં વહાણનાં નામો રાખ્યાં હતાં.

જેમાં તુકારામ, રામદાસ, સૅન્ટ એન્થોની, સૅન્ટ ફ્રાન્સિસ, સૅન્ટ ઝૅવિયર જેવાં નામોનો સમાવેશ થતો હતો.

રામદાસ વહાણની દુર્ઘટના અંગે સંશોધન કરતી વખતે મને એ જ માર્ગે અન્ય બે વહાણોના અકસ્માતની પણ જાણકારી મળી હતી. જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

રામદાસ પહેલાં 11 નવેમ્બરે 1927ના રોજ એ જ માર્ગે એસ. એસ. જયંતી અને એસ. એસ. તુકારામે જળસમાધી લીધી હતી. લગભગ એક જ દિવસે.

એસ. એસ. જયંતીના અકસ્માતમાં 96 મુસાફરો અને એક ખલાસીનાં મોત થયાં હતાં.

જ્યારે એસ. એસ. તુકારામ ડૂબતાં તેમાં સવાર 146માંથી 96 મુસાફરો પોતાનો જીવ બચાવી શક્યા હતા.

લગભગ 20 વર્ષ બાદ આ જ રૂટ પર એસ. એસ. રામદાસ ડૂબી ગયું, જેમાં 48 ખલાસીઓ, 4 ઑફિસરો, 18 હોટલના સ્ટાફના લોકો, 673 મુસાફરો તેમાં સવાર હતા.

એવું પણ કહેવાય છે કે તેમાં 35 ટિકિટ વગરના મુસાફરો હતા એટલે કુલ 778 લોકો આ વહાણમાં હતા.

17મી જુલાઈ 1947ના સવારે આઠ વાગ્યે એસ. એસ. રામદાસે મુંબઈના પ્રખ્યાત 'ભાઉ ચા ઢાકા'થી અલીબાગ પાસે આવેલા રેવાસ જવા માટે સફરની શરૂઆત કરી હતી.

એ દિવસે અમાસ હતી. જેથી અનેક લોકો માટે તે રજાનો દિવસ હતો. અનેક લોકો રેવાસ અને અલીબાગ પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા.

આ યાત્રીઓમાં પંઢરપુરથી પરત આવી રહેલા માછીમારો અને નાના વેપારીઓ હતા. જહાજના ઉપરના માળે કેટલાક અંગ્રેજ અધિકારીઓ પોતાના પરિવાર સાથે પ્રવાસ કરી રહ્યા હતા.

હું જેમને મળ્યો તે બારકુ શેઠ મુકાદમ જેઓ હાલ 90 વર્ષના છે. તે સમયે તેઓ 10 વર્ષના હતા.

બીજી વ્યક્તિ અબ્દુલ કાઇસ જેમને હું દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો, તેમની ઉંમર તે સમયે 12 વર્ષની હતી. જેઓ 89 વર્ષની વયે મૃત્યુ પામ્યા.

રામદાસમાં પ્રવાસ કરનારાઓમાં કેટલીક ગર્ભવતી મહિલાઓ પણ હતી. જહાજમાં તમામ મુસાફરો આવી ગયા બાદ વ્હિસલ વાગી અને સફરની શરૂઆત થઈ.

કુલીઓ દ્વારા વહાણમાં ચડવા માટેની સીડીઓ હઠાવી લેવામાં આવી છતાં કેટલાક મુસાફરો જહાજ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

બારકુ શેઠે કહ્યું કે જાણે મોત તેમને સામેથી પોકારી રહ્યું હતું. ભારે વરસાદ મુંબઈને તરબતર કરી રહ્યો હતો. વરસાદથી જહાજમાંના મુસાફરોને બચાવવા ઉપર કવર ઢાંકવામાં આવ્યું હતું.

જાણે કે માત્ર અડધા કલાકની જ વાત હતી. કેટલાક યાત્રીઓ દરરોજ અવર-જવર કરતા હોવાથી એકબીજાને જાણતા હતા.

વહાણ દરિયાના પાણીમાં હિલોળે ચડ્યું હતું. દરિયામાં આગળ જતી વખતે વહાણ વધારે હિલોળે ચડશે તેવી સામાન્ય સમજ અને અનુભવ મોટાભાગના લોકોને હતાં.

એક મુસાફર નિકમે નોંધ્યું હતું કે ઘણા લોકો જહાજમાં તુકારામ અને જયંતીના અકસ્માતની ચર્ચા કરી રહ્યા હતા.

જહાજ મુંબઈથી લગભગ 13 કિલોમિટર દૂર પહોંચ્યું હશે. ત્યાં જ અતિભારે વરસાદ શરૂ થયો. પ્રચંડ પવનને કારણે દરિયાનાં પાણીનાં ઊંચાં મોજાં ઊછળવાં લાગ્યાં.

દરિયાનું પાણી વહાણ પર આવવા લાગ્યું, લોકો લાઇફ જૅકેટ માટે ઝઘડવા લાગ્યા. ઓળખીતા લોકો પણ ઝઘડવા લાગ્યા હતા.

જહાજના કૅપ્ટન શેખ સુલેમાન અને આદમભાઈએ મુસાફરોને શાંતિ જાળવવા અપીલ કરી.

જોકે, આ પરિસ્થિતિમાં કોઈ પણ તેમને સાંભળવાના મૂડમાં ન હતા. થોડી વારમાં વહાણ એક તરફ નમવા લાગ્યું.

જેમને તરતા આવડતું હતું, એવા લોકો દરિયાના પાણીમાં કૂદી ગયા અને વારકરીઓએ વિઠ્ઠલનું સ્મરણ શરૂ કરી દીધું.

એક ટાપુ પાસે રામદાસ એક વિશાળ મોજા સાથે ટકરાયું અને આડું થઈ ગયું. તાડપત્રી ઓઢીને બેઠેલાં મુસાફરો સમયસર બહાર નીકળી ન શક્યા. એટલામાં જ એક બીજું વિશાળ મોજું જહાજ સાથે અથડાયું અને પાણી જહાજ પર ફરી વળ્યું.

ભારતના દરિયાઈ ઇતિહાસની આ સૌથી મોટી દુર્ઘટના હતી અને હાલ પણ છે.

રામદાસે લગભગ સવારે નવ વાગ્યાની આસપાસ સમાધી લીધી હતી, પરંતુ મુંબઈમાં સાંજના 5 વાગ્યા સુધી કોઈને ખબર ન હતી.

બારકુ શેઠ મુકાદમ લાઇફ જૅકેટની મદદથી મુંબઈના દરિયાકાંઠે પહોંચવામાં સફળ રહ્યા હતા.

તેમણે લોકોને રામદાસ જહાજ ડૂબવાની જાણ કરી અને શહેરમાં સમાચાર પ્રસરી ગયા. મોટા ભાગના મુસાફરો મુંબઈના ગીરગાવ અને પરેલ વિસ્તારના હતા.

તેમના સગાવહાલાં પરિજનોની ભાળ મેળવવા માટે ભાઊ ચા ઢાંકા પહોંચી ગયા હતા. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને તેમના મૃતદેહોની પણ ભાળ ન મળી.

રામદાસ 17મી જુલાઈ 1947ના રોજ ડૂબ્યું હતું. જેના એક મહિના બાદ ભારતને આઝાદી મળી હતી.

દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મુંબઈ, રેવાસ, અલીબાદ, નંદગાંવ, માનગાંવ અને આસપાસના વિસ્તારના લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા હતા.

(આ લેખ સૌપ્રથમ વાર 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો