વિજય દિવસ : જ્યારે 1971ના પાકિસ્તાની યુદ્ધકેદીઓની સાથે ભારતીય જેલોમાં થયેલા વર્તનની ચર્ચા વિશ્વભરમાં થઈ

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

16મી ડિસેમ્બર 1971ના દિવસે ભારતીય સેનાની સામે હથિયાર મૂકી દઈને આત્મસમર્પણ કરી દેનારા જનરલ નિયાજી અને તેમના વરિષ્ઠ સાથીઓ મેજર જનરલ રાવ ફરમાન અલી, એડમિરલ શરીફ, ઍર કમાન્ડર ઇનામુલ હક્ક અને બ્રિગેડિયર બાકિર સિદ્દીકીને ચાર દિવસ પછી બાદ વિમાન દ્વારા કોલકાતા લઈ જવાયા હતા.

નિયાજી પોતાના પીઆરઓ સિદ્દીક સાલિકને ઢાકામાં જ છોડી દેવા માગતા હતા તેથી એમને પણ ફરમાન અલીના નકલી એડીસી બનાવીને કોલકાતા લઈ જવાયા. જનરલ સગતસિંહ આ લોકોને ઢાકાના ઍરપૉર્ટ પર મૂકવા આવેલા. એમને ફોર્ટ વિલિયમના લીવિંગ ક્વાર્ટરમાં રાખવામાં આવ્યા હતા.

જનરલ જૅકબે સરેન્ડર દસ્તાવેજોને બીજી વખત ટાઇપ કરાવ્યા કેમ કે મૂળ દસ્તાવેજમાં આત્મસમર્પણનો સમય ખોટો જણાવાયો હતો.

નિયાજી અને જનરલ અરોરાએ એના પર બીજી વાર સહીઓ કરી. શરૂઆતના દિવસોમાં જનરલ જૅકબે નિયાજી અને એમના સાથીઓની ઊંડી પૂછપરછ કરી હતી.

જનરલ એ.એ.કે. નિયાજીએ 'ધ બિટરેયલ ઑફ ઇસ્ટ પાકિસ્તાન' નામની આત્મકથામાં લખ્યું છે, "અમને ત્રણ માળની ઇમારતમાં રાખવામાં આવેલા, જે નવી જ બની હતી. એ સ્વચ્છ જગ્યા હતી. અમે એક રૂમને ભોજનકક્ષ બનાવી દીધો. અમારી રસોઈ ભારતીય રસોઇયા બનાવતા હતા પણ એમને અમારા ઑર્ડરલી પીરસતા હતા. અમે રેડિયો સાંભળવામાં, પુસ્તકો વાંચવામાં અને કસરતો કરવામાં અમારો વખત પસાર કરતા હતા."

"એક દિવસ મેં મારી દેખરેખ માટે નિયુક્ત કરાયેલા ભારતીય અધિકારી કર્નલ ખારાને પૂછેલું કે મેજર જનરલ જમશેદ ક્યાં છે? એમણે જવાબમાં કહ્યું કે તેઓ અત્યારે ઢાકામાં વહીવટી કાર્યોમાં અમારી મદદ કરી રહ્યા છે. પાછળથી મને ખબર પડી કે એમને ઢાકાને બદલે કોલકાતાની એક જેલમાં એકાંત કેદમાં રખાયા હતા."

વીઆપી કેદીઓને કોલકાતાથી જબલપુર શિફ્ટ કરાયા

કોલકાતાથી નિયાજી અને એમના સાથીઓને જબલપુરના કૅમ્પ નંબર 100માં લઈ જવાયા હતા.

ભારતીય અધિકારી મેજર જનરલ રાવ ફરમાન અલીને કોલકાતામાં જ રાખીને વધારે પૂછપરછ કરવા માગતા હતા પરંતુ નિયાજીએ એનો સખત વિરોધ કર્યો હતો.

વાસ્તવમાં, ભારતીય સૈનિકોને ફરમાન અલીના દફ્તરમાંથી એમના હાથે લખેલો એક કાગળ મળ્યો હતો, જેના પર લખ્યું હતું, 'ગ્રીન લૅન્ડ વિલ બી પૅન્ટેડ રેડ.' (લીલી ધરતીને લાલ રંગી દેવાશે.)

નિયાજીએ આત્મકથામાં લખ્યું છે, "અમને બૅચલર્સ ઑફિસર્સ ક્વાર્ટર્સમાં રાખવામાં આવેલા. પ્રત્યેક અધિકારીને બાથરૂમવાળો સૂવાનો ઓરડો અપાયો હતો. એક કૉમન લીવિંગ રૂમ હતો, જેની સામે વરંડો હતો. ઓરડા ઘણા હતા તેથી અમે એક રૂમને નમાજ રૂમ અને બીજાને મેસ બનાવી દીધા હતા."

"અમને દરરોજ એક જ પ્રકારનું ખાવાનું મળતું હતું, દાળ-ભાત, શાક-રોટલી. ક્યારેક અમને માંસ પણ અપાતું હતું. અમારા કૅમ્પની ચારેબાજુ કાંટાળા તાર બાંધી દેવાયા હતા."

"એક દરબાન આલ્સેશિયન કૂતરા સાથે ચોવીસે કલાક અમારી ચોકી કરતો હતો. કૅમ્પની બહારના વિસ્તારમાં અમારી સુરક્ષા માટે ભારતીય સૈનિકોની એક આખી બટાલિયન ખડકી દેવાઈ હતી. કૅમ્પના સ્ટાફનો અમારી સાથેનો વ્યવહાર એકંદરે સારો હતો."

યુદ્ધકેદીઓની દેખરેખ માટે જનરલ શહબેગસિંહની નિયુક્તિ

કૅમ્પમાં નમાજનું નેતૃત્વ જનરલ અંસારી કરતા હતા. પાકિસ્તાની અધિકારીઓને જિનિવા કરારના નિયમો હેઠળ પ્રતિમાસ 140 રૂપિયા પગાર અપાતો હતો, જેનાથી તેઓ પુસ્તકો, લખવા માટેના કાગળ અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હતા.

એક ભારતીય હવાલદારને ફરજ પર તહેનાત કરાયા હતા, જેઓ બજારમાંથી એમની જરૂરિયાતનો સામાન ખરીદીને એમને આપતા હતા.

થોડા દિવસ પછી ભારતીય સૈનિકોએ કૅમ્પની ચારેબાજુ દીવાલ બનાવવી શરૂ કરી હતી. જ્યારે જનરલ નિયાજીએ એનો વિરોધ કર્યો તો એમને જણાવાયું કે બહારના લોકો એમને જોઈ ન શકે એ માટે દીવાલ બનાવાઈ રહી છે.

નિયાજીએ લખ્યું છે, "અમને જણાવાયેલું કે અમને મારી નાખવા માટે પાકિસ્તાન સરકારે બે માણસો મોકલ્યા છે. જનરલ પાડાએ મને કહેલું કે એમને દિલ્હીના સેના મુખ્યાલયમાં બોલાવીને જણાવાયું હતું કે ભારતીય ઇન્ટેલિજન્સે કોલકાતામાં જમશેદ નામની એક વ્યક્તિને પકડ્યો છે, જેણે એવું કહ્યું કે એને અને અન્ય એક વ્યક્તિને જનરલ નિયાજીને મારવા માટે મોકલવામાં આવ્યા છે."

"થોડા દિવસ પછી જનરલ પાડાની જગ્યાએ મેજર જનરલ શહબેગસિંહને નિયુક્ત કરી દેવાયા. એમનો મારી સાથેનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હતો."

"તેઓ જાહેરમાં કહેતા હતા કે ભારતમાં શીખો સાથે સારો વ્યવહાર કરવામાં નથી આવતો. એમણે મને ખાલિસ્તાનનો નકશો દેખાડ્યો હતો જેમાં આખા પૂર્વીય પંજાબનો સમાવેશ થતો હતો."

"પાછળથી 1984માં જ્યારે ભારતીય સૈનિકોએ સુવર્ણમંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ લડતાં-લડતાં જરનૈલસિંહ ભિંડરાંવાલેની સાથે મરાયા."

સુરંગ ખોદીને બહાર નીકળી ભાગી જવાની યોજના

બીજી તરફ, કર્નલ હકીમ અરશદ કુરૈશી (જેઓ પછી મેજર જનરલ બનેલા) અને એમના સાથીઓને 21 ડિસેમ્બરે બસમાં ભારત લવાયા હતા.

રોડ અને રેલમાર્ગે એક દિવસ અને એક રાત્રિની મુસાફરી પછી એમને રાંચીની યુદ્ધકેદી છાવણી નંબર 95માં લઈ જવાયા હતા. જતાંની સાથે જ એ લોકોએ એ કૅમ્પમાંથી ભાગી જવાની યોજના ઘડવાનું શરૂ કરી દીધું હતું.

એ દિવસોમાં જ એક ભારતીય કમાન્ડન્ટે કૅમ્પની મુલાકાત લીધી હતી. તેઓ એ જોઈને ઘણા નારાજ થયેલા કે કૅમ્પની સરખી રીતે જાળવણી નથી કરાતી.

મેજર જનરલ હકીમ અરશદ કુરૈશીએ પોતાના પુસ્તક '1971 ઇન્ડો-પાક વૉર અ સોલ્જર્સ નૅરેટિવ'માં લખ્યું છે, "જ્યારે એ કમાન્ડન્ટ જતા રહ્યા ત્યારે અમે ભારતીય જેસીઓને કહેલું કે તેઓ અમને પાવડા અને ખુરપીની વ્યવસ્થા કરી આપે, જેનાથી અમે દરેક બૅરેકની સામે ફૂલોની ક્યારી બનાવી શકીએ, જેથી ફરી જ્યારે કમાન્ડન્ટ આવે તો એને જોઈને ખુશ થઈ જાય. અમને એ બંને વસ્તુ આપવામાં આવી હતી."

"અમે દિવસે માળીનું કામ કરતા હતા અને રાત્રે એ સાધનોની મદદથી સુરંગ ખોદતા હતા. પહેલાં અમે ખોદેલી માટીને એક બૅરેકની ફૉલ્સ સીલિંગમાં છુપાવી. પરંતુ માટીના ભારને લીધે એક દિવસ એ સીલિંગ તૂટી પડી તો અમે માટીને ક્યારીઓમાં વેરીને ભેળવી દેવાનું શરૂ કર્યું."

"જ્યારે સુરંગ એના અંતિમ ચરણમાં પહોંચી ત્યારે અમે કૅમ્પની અંદરથી અને બહારથી એમ બંને તરફથી ભારતીય મુદ્રા (નાણું) જમા કરવી શરૂ કર્યું. અમે ભારતીય સૈનિકોની મદદથી અમારી સોનાની વીંટીઓ, ઘડિયાળો અને બીજી કીમતી વસ્તુઓ વેચીને સારા એવા રૂપિયા જમા કરી લીધા."

ભારતીય સૈનિકોને સુરંગની ખબર પડી ગઈ

પરંતુ જે દિવસે પાકિસ્તાની સૈનિકોએ એ સુરંગ વાટે ભાગી જવાનું હતું એ જ દિવસે બધા યુદ્ધકેદીઓને કૅમ્પની મધ્યમાં એકઠા થવાનું કહેવામાં આવ્યું.

એમની ચારેતરફ અને વૉચ ટાવર પર સશસ્ત્ર ગાર્ડ્સની સંખ્યા વધારી દેવાઈ. કૅમ્પ કમાન્ડર કર્નલ હાઉજે એક યુદ્ધકેદીના ઓરડામાં ગયા અને એમણે એક પલંગ નીચે પડેલાં લાકડાં દૂર ખસેડવાનો આદેશ કર્યો.

પછી એમણે જ્યારે ફરસનું કવરિંગ ઊંચું કર્યું તો ત્યાં એમને એક પહોળો ખાડો દેખાયો. ત્યાર બાદ એમણે બધા પાકિસ્તાની યુદ્ધકેદીઓને એકઠા કરીને ભાષણ આપ્યું કે શિબિરમાંથી ભાગી નીકળવાનો પ્રયાસ કરવો એ પાકિસ્તાનીઓનું કર્તવ્ય છે, પરંતુ એની જેમ જ, એવું ન થવા દેવું એ ભારતીય સૈનિકોનું કર્તવ્ય છે.

હવે એક સારા સૈનિકની જેમ એ લોકોએ આગળ આવીને પોતાનો ગુનો કબૂલ કરી લેવો જોઈએ જેમણે આ પ્રયાસ કર્યો હતો, જેથી બીજા યુદ્ધકેદીઓને કારણ વિના એની સજા ભોગવવી ના પડે.

સુરંગ ખોદવાની સજા

મેજર જનરલ કુરૈશીએ લખ્યું છે, "અમારામાંના 29 લોકોએ એ ચાલબાજીની જવાબદારી પોતાના શિરે ઓઢી લેવાનું નક્કી કર્યું. ખરેખર તો અમારા જ કોઈ સાથીએ અમને દગો દીધો હતો."

"એણે ખાલી સુરંગની જગ્યા વિશે જ ભારતીયોને બાતમી નહોતી આપી, બલકે, એમને એમ પણ જણાવી દીધું કે સુરંગ કેટલી ખોદાઈ ગઈ છે."

"સાંજે અમને એની સજા અપાઈ. અમારી પાસેથી અમારા ખાટલા અને અંગત સામાન પડાવી લેવાયા."

"હૉલમાં સાથે જમવાની સુવિધા બંધ કરી દેવાઈ, જમીને આંટા મારવા અને બહારથી કોઈ વસ્તુ મગાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો. દિવસ દરમિયાન અનેક વાર અમારી હાજરી લેવાવા લાગી."

એક લેફ્ટનન્ટ કર્નલના નેતૃત્વમાં આ ઘટનાની તપાસના આદેશ અપાઈ ગયા. થોડા દિવસ પછી એ કામના દોષિત યુદ્ધકેદીઓને કૅમ્પ નંબર 95માંથી કૅમ્પ નંબર 93માં શિફ્ટ કરી દેવાયા. પરંતુ ત્યાં એમને બહુ ઓછા દિવસો માટે રખાયા હતા.

કેટલાક યુદ્ધકેદીઓને આગ્રા લઈ જવાયા

કેદીઓની આ હેરફેરનું વર્ણન કરતાં મેજર જનરલ અરશદ કુરૈશીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે, "20 જૂન, 1972એ અમને હાથકડીઓ પહેરાવીને એક ટ્રકમાં ભરીને રેલવે સ્ટેશને લઈ જવાયા. શિબિરના બાકીના યુદ્ધકેદીઓ અમારી વિપદા જોઈ રહ્યા હતા."

"એમને એવો સંદોશો પહોંચાડવાની કોશિશ થઈ રહી હતી કે તેઓ આવી હિલચાલ કરવાની હિંમત ના કરે. અમને ટ્રેનના એક એવા ડબ્બામાં બેસાડવામાં આવ્યા જેને બહારથી લૉક કરી શકાતો હતો."

"જોકે, શૌચાલયમાં કમોડ હતું પણ સુરક્ષાનાં કારણોસર એના દરવાજા કાઢી નખાયા હતા. અમને હાથકડીઓની સાથે પગમાં પણ બેડીઓ પહેરાવી હતી."

"જમવાના સમયે પણ અમારા હાથ ખોલવામાં નહોતા આવ્યા. હાથકડી સાથે જમવું એ એક પ્રકારની સજા જ હતી, કેમ કે જેટલું અમે ખાઈ નહોતા શકતા એટલું ખાવાનું તો અમે અમારાં કપડાં પર પાડતા હતા."

"ડબ્બામાં હાજર બધા લોકોની સામે જ અમારે ટૉઇલેટનો ઉપયોગ કરવો પડતો. ત્યાં ન તો કોઈ ટૉઇલેટ પેપર હતા કે ના તો હાથ ધોવા પાણી. અચાનક મને લાગ્યું કે હું મારી આંખે દુનિયાની આઠમી અજાયબી તાજમહાલને જોઈ રહ્યો છું."

"અમે આગ્રા પહોંચી ગયા હતા. તારીખ હતી 21 જૂન, 1972. ભારતનો સૌથી લાંબો અને ગરમ દિવસ."

પાકિસ્તાની કૅપ્ટન ડૉક્ટરનો વેશ બદલીને કેદમાંથી ભાગી ગયા

એ સમયની આગ્રા જેલ ભારતની સૌથી સુરક્ષિત જેલ હતી. એમાં લગભગ 200 પાકિસ્તાની યુદ્ધકેદીને રાખવામાં આવ્યા હતા. ભારતીય જેલમાં જનરલ કુરૈશીને કંઈ સારો અનુભવ નહોતો થયો, કેમ કે એમને ભાગી જવાનો પ્રયાસ કરવા બદલ સજા મળી હતી.

પરંતુ બીજા એક પાકિસ્તાની અધિકારી આટલી સખત સુરક્ષા-પહેરેદારી છતાં ભાગી જવામાં સફળ થયા હતા. કૅપ્ટન રિયાજુલ હક્ક બીમાર હોવાનું બહાનું કરીને યુદ્ધકેદીની હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા.

એક દિવસ તેઓ ડૉક્ટરનો સફેદ કોટ પહેરીને પોતાના ગળામાં સ્ટેથોસ્કોપ લગાડીને હૉસ્પિટલમાંથી ભાગી જવામાં સફળ થઈ ગયા.

આવી રીતે, કૅપ્ટન શુજાત અલી પણ ચાલતી ટ્રેનમાંથી ભૂસકો મારીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. પરંતુ એનો બદલો લેવા માટે ભારતીય સૈનિકોએ બીજા એક યુદ્ધકેદી મેજર નસીબુલ્લાહને ગોળી મારી દીધી હતી.

યુદ્ધકેદીઓને બતાવાઈ પાકીઝા ફિલ્મ

જો આ ઘટના-બનાવોને અલગ રાખીને વાત કરીએ તો, પાકિસ્તાની યુદ્ધકેદીઓ સાથેના ભારતના સારા વ્યવહારની ચર્ચા વિશ્વભરનાં અખબારોમાં થઈ હતી.

ભારતના ભૂતપૂર્વ ઉપ-સેનાધ્યક્ષ લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હાએ પોતાના પુસ્તક 'ચેન્જિંગ ઇન્ડિયા સ્ટ્રેટ ફ્રૉમ ધ હાર્ટ'માં લખ્યું છે, "વરિષ્ઠ ભારતીય અ-સૈનિક અને સૈનિક મુસ્લિમ ઑફિસરોને આ યુદ્ધકેદીઓ સાથે વાત કરવા માટે બોલાવાતા હતા. એમના માટે મુશાયરા અને ફિલ્મ શો આયોજિત કરાતા હતા. અમે એમને પાકીઝા અને સાહિબ, બીવી ઔર ગુલામ પિક્ચર બતાવ્યાં હતાં, જે એમને ખૂબ ગમ્યાં હતાં."

"રુડકીમાં અમે પાકિસ્તાની અને ભારતીય અધિકારીઓ વચ્ચે ક્રિકેટ મૅચનું પણ આયોજન કર્યું હતું. વૉશિંગ્ટન પોસ્ટના એક સંવાદદાતાએ એ બધા કૅમ્પ્સની પ્રવાસ-મુલાકાત લીધા પછી લખ્યું હતું કે, દુનિયામાં ક્યાંય પણ યુદ્ધકેદીઓ સાથે આટલો સારો વ્યવહાર નથી કરાયો. એ ભારતીય સૈન્યનાં સૌથી સારાં વખાણ હતાં."

પાકિસ્તાની સૈનિકો માટે બૅરેક, ભારતીય સૈનિકો માટે તંબુ

જનરલ સૅમ માનેક શૉનું જીવનચરિત્ર લખનાર જનરલ દેપિંદરસિંહે પણ લખ્યું છે, "પાકિસ્તાની યુદ્ધકેદીઓની સાથે ભારતમાં ખૂબ સારો વ્યવહાર થયો. એમને એ જ રાશન-કપડાં અપાયાં જે ભારતીય સૈનિકોને અપાતાં હતાં."

"યુદ્ધ પૂરું થયા પછી પાકિસ્તાની યુદ્ધકેદીઓને બૅરેક્સમાં રાખવામાં આવ્યા હતા, તો ભારતીય સૈનિકો બહાર તંબુમાં રહ્યા."

"અમને આપણા સૈનિકોને સમજાવતાં ખૂબ તકલીફ પડી કે તંબુમાં આટલી કઠિન પરિસ્થિતિમાં એમને શા માટે રાખવામાં આવે છે, સામે, પાકિસ્તાની યુદ્ધકેદીઓની બૅરેક્સમાં પાણી પણ આવતું હતું અને કૂલર તથા પંખા પણ ચાલતાં હતાં."

દરેક મુસ્લિમ તહેવાર વખતે સૅમ માનેક શૉએ પ્રત્યેક પાકિસ્તાની યુદ્ધકેદીને વધામણીનો સંદેશો મોકલ્યો હતો. જનરલ નિયાજી પણ સ્વીકારે છે કે ભારત દ્વારા પાકિસ્તાનના યુદ્ધકેદીઓને છોડવાનાં બીજાં ઘણાં કારણ હશે પરંતુ એક કારણ એ પણ હતું કે તેઓ એમને માત્ર ભોજન પૂરું નહોતા પાડતા, પણ થોડું તો થોડું પણ વેતન પણ આપતા હતા, જે ભારત જેવા ગરીબ દેશને ભારે પડતું હતું.

28 મહિના પછી નિયાજીની જેલમુક્તિ

એ દિવસ પણ આવ્યો જ્યારે નિયાજીને જબલપુર રેલવે સ્ટેશન પર પાકિસ્તાન જનારી એક વિશેષ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા.

30 એપ્રિલ, 1974ની સવારે એ ટ્રેન વાઘા બૉર્ડરે પહોંચી. પાકિસ્તાનમાં પ્રવેશતાં પહેલાં એમને ચા પિવડાવવામાં આવી. ભારતની જેલમાં એમણે 28 મહિના વિતાવ્યા હતા.

સરહદની પાર પાકિસ્તાનમાં એમના સ્વાગત માટે શામિયાના ઊભા કરાયા હતા.

જનરલ નિયાજીએ લખ્યું છે, "જ્યારે મેં સરહદ પાર કરી તો એક બ્રિગેડિયર અંજુમે મને સેલ્યૂટ કરીને કહ્યું, સર, તમારે પ્રેસની સામે કોઈ વક્તવ્ય નથી આપવાનું."

"પછી એણે એક ચાર ઇંચનું લંબચોરસ કાર્ડ બોર્ડ કાઢ્યું, જેના પર નંબર 1 લખેલું હતું. એણે મને કહ્યું કે હું એને મારી છાતી પર લટકાવી લઉં જેથી એની સાથેનો ફોટો પાડી શકાય."

"જ્યારે મેં પૂછ્યું કે, શું બીજા યુદ્ધકેદી જનરલોના પણ આ રીતના ફોટા પાડવામાં આવ્યા છે? તો એણે એનો ઇનકાર કર્યો."

"એણે એટલું જરૂર કહ્યું કે જનરલ ટિક્કાના આદેશાનુસાર આવું કરવામાં આવી રહ્યું છે. હું ઘણો નારાજ થયો. હું મારું મગજ ગુમાવું એ પહેલાં મેં અંજુમને તિરસ્કારથી કહ્યું, તમે અહીંથી જતા રહો."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો