1984માં રમખાણોની વચ્ચે ગોળીબાર કરીને શીખોની સુરક્ષા કરનાર પોલીસ અધિકારીની જુબાની

    • લેેખક, મેક્સવેલ પરેરા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

1984ના શીખ વિરોધી રમખાણોમાં ભૂમિકા બદલ સોમવારે દિલ્હી હાઈકોર્ટે કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને જનમટીપની સજા ફટકારી છે.

હાઈકોર્ટે તત્કાલીન સરકાર તથા પોલીસ સહિતના વહીવટી તંત્રની ભૂમિકા અંગે નકારાત્મક ટિપ્પણી કરી હતી.

થોડા સમય પહેલાં શીખ વિરોધી રમખાણોમાં એક વ્યક્તિને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી તથા એકને જનમટીપ ફટકારવામાં આવી છે.

ત્યારે વાચો એ સમયે દિલ્હી પોલીસના અધિકારી મેક્સવેલ પરેરાએ 33મી વરસી પર બીબીસી માટે લખેલો વિશેષ લેખ.

વિવાદ અને પોસ્ટમૉર્ટમ

1984ની 31 ઓક્ટોબરે તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

એ પછી દેશભરમાં શીખ વિરોધી રમખાણ ફાટી નીકળ્યા હતા.

છેલ્લાં 33 વર્ષથી દર વર્ષે શીખ વિરોધી રમખાણ વિશે ચર્ચા અને તેનું પોસ્ટમોર્ટમ થતું રહે છે.

એ વાદવિવાદનો અંત હજુ સુધી આવ્યો નથી. રમખાણનો ભોગ બનેલા લોકોની પીડાનું નિવારણ પણ થયું નથી.

તમને આ પણ વાંચવું ગમશે

વારંવાર થતી રહે છે ચર્ચા

વચ્ચેના સમયગાળામાં સંસદમાં એક્શન ટેકન રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

શીખ વિરોધી રમખાણો પરત્વેના જોરદાર રોષની સત્તાધિશોને કલ્પના ન હતી.

એ રોષને પરિણામે સંસદસભ્યો જગદીશ ટાયટલર અને સજ્જન કુમારનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યાં હતાં.

જેન્ટલમેન વડાપ્રધાને શીખ સમુદાય અને રાષ્ટ્રની માફી માગી હતી. જગદીશ ટાયટલર અને સજ્જન કુમારની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.

ખળભળાટ યથાવત્ હોવાને કારણે શીખ વિરોધી રમખાણોનો મુદ્દો વારંવાર ચર્ચાતો રહે છે.

અખબારો તેની તરફેણ અને વિરોધમાં રોજ લેખો પ્રકાશિત કરતાં રહે છે.

આ પરિસ્થિતિમાં મને 1984ના નવેમ્બરનો એક દિવસ યાદ આવે છે.

31 ઓક્ટોબરે શરૂ થયેલાં શીખ વિરોધી રમખાણના માત્ર પાંચ દિવસ પછી ઉત્તર દિલ્હીમાં મને મળી ગયેલા એક પત્રકારને મેં લગભગ ગૂંગળાવી જ નાખ્યા હતા.

મને લાગે છે કે એ પત્રકાર પ્રતાપ ચક્રવર્તી હતા અને પેટ્રિઅટ અખબારમાં કામ કરતા હતા.

મેં તેમને બરાડીને સવાલ કર્યો હતો, ''આજકાલ તમે બધા પત્રકારો ક્યાં છો?''

''લોકો શીખોની હત્યા કરવા લાગ્યા એ પહેલાં મેં ગોળીબાર કર્યો, લોકોની હત્યા કરી ત્યારે તમે ક્યાં હતા?''

શીશગંજગુરુદ્વારાને બચાવવા ગોળીબાર

મેં શીશગંજ ગુરુદ્વારાને બચાવવા ગોળીબાર કર્યો હતો. સ્તબ્ધ બનીને ચાંદની ચોકમાં હિંસક ટોળાના હુમલાનો સામનો કરી રહેલા શીખોને મેં બચાવ્યા હતા અને પરિસ્થિતિ પર અંકુશ મેળવ્યો હતો.

મારા રિપોર્ટ્સ વિશે પોલીસ કંટ્રોલ રૂમના મૌનથી હું ખિન્ન હતો. મેં જે પગલું લીધું હતું તેની મારા ઉપરી અધિકારીઓને ખબર છે કે નહીં એ સવાલ મેં વારંવાર પૂછ્યો હતો.

તેનો પણ કોઈ જવાબ મળતો ન હતો. મેં આ મુદ્દે એસ. એસ. જોગના આદેશને પગલે રચાયેલા પોલીસના વેદ મારવાહ સત્યશોધક પંચ સમક્ષ નિવેદન આપ્યું હતું.

તેને બાદ કરતા આ મુદ્દે હું આટલા વર્ષો સુધી મૌન રહ્યો છું. સારા લોકો પોતાની વાતોના ઢોલ વગાડતા ન ફરે એવું અપેક્ષિત હોય છે.

મારા મૌનનું મુખ્ય કારણ એ છે. એ સમયે દિલ્હીના અનેક વિસ્તારોમાં નિરંકુશ કત્લેઆમ કરવામાં આવી હોવાની ખબર મને બાદમાં પડી હતી.

તેમાં પોલીસ પર નિષ્ક્રિયતાના આક્ષેપ પણ થયા હતા. સરકારે નિમેલા કોઈ પંચ સમક્ષ મેં જુબાની આપી નથી.

આઠથી નવ પંચે અવગણ્યા

શીખ વિરોધી રમખાણોની તપાસ છેલ્લા 33 વર્ષમાં કરી ચૂકેલાં આઠથી નવ પંચ સમક્ષ પણ મને બોલાવવામાં આવ્યો નથી. આ હકીકત છે.

તેમ છતાં હું માનું છું કે એ સમયે અપેક્ષા અનુસાર ફરજ બજાવવા બદલ અગાઉનાં તપાસ પંચોના દ્વારા વખાણાયેલા દિલ્હીના જૂજ પોલીસ અધિકારીઓમાં મારો સમાવેશ થાય છે.

મને કહેવામાં આવ્યું છે કે તેના પુરાવા ઇન્ટરનેટ પર છે. રમખાણો પછી તરત જ સંસદમાં આ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

દિલ્હી પોલીસના બચાવની એ ચર્ચામાં જણાવવામાં રમખાણ વખતે ઉપરીના આદેશોની રાહ જોયા વિના પગલાં લઈ ચૂકેલા અધિકારીઓમાં મારું નામ મોખરે હતું.

મારા સવાલના જવાબમાં પત્રકારે નિખાસલતાપૂર્વક જણાવ્યું હતું કે ''ઉત્તર દિલ્હીમાં કશું થયું ન હતું. દિલ્હીના અન્ય વિસ્તારોમાં જે પ્રમાણમાં થયું હતું, કમસેકમ એવું તો ઉત્તર દિલ્હીમાં થયું જ ન હતું.''

વ્યાપકતાના સંદર્ભમાં તેમની વાત એક હદ સુધી કદાચ સાચી હશે, પણ સંપૂર્ણપણે સાચી ન હતી.

ઉત્તર દિલ્હીમાં પણ હિંસક ઘટનાઓ બની હતી, પરંતુ કેટલાક પ્રતિબદ્ધ પોલીસ અધિકારીઓએ બજાવેલી ફરજને કારણે વાત વણસી ન હતી.

ભયભીત શીખોની હત્યા બદલ શૌર્ય ચંદ્રક

તેમણે દૃઢતા અને હિંમત દેખાડીને તેમના યુનિફોર્મની શાન જાળવી હતી.

રમખાણ પર અંકુશ મેળવીને શીખોના જીવ બચાવી ચૂકેલા નોર્થ ડિસ્ટ્રિક્ટના એકેય અધિકારી કે કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું ન હતું.

અલબત, પોતાના બચાવમાં પોલીસ પર ગોળીબાર કરી ચૂકેલા ભયભીત શીખોની હત્યા કરવા બદલ અન્ય વિસ્તારના અમારા કેટલાક સાથીઓને શૌર્ય ચંદ્રકોથી નવાજવામાં આવ્યા હતા.

એ સમયે ફોલો-અપ સ્ટોરીઝ કરતા પત્રકારો સમક્ષ મેં કેટલાંક બહાદુરીભર્યાં નિવેદન આપ્યાં હતાં.

એ પૈકીનું આ હતું : ''મેં કોઈ વ્યક્તિને મરતી જોઈ નથી, સિવાય કે મેં તેની હત્યા કરી હોય.''

તેનું કારણ છે કે...

હું દ્રઢતાપૂર્વક માનું છું કે મારી હાજરીમાં કોઈ વ્યક્તિ(કે કોઈ શીખ)ની હુમલાખોરો હત્યા કરે એ શક્ય ન હતું, કારણ કે હું ફરજપરસ્ત અધિકારી છું.

કોઈનો જીવ બચાવવા હું જરૂર પડ્યે દરમ્યાનગીરી નિશ્ચિત રીતે કરું.

એ માટે ગોળીબાર કરીને હુમલાખોરનો જીવ લેવો પડે તો એ પણ યોગ્ય છે. એ પછી ઘણી કૉમૅન્ટ્સ કરવામાં આવી હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે ગભરાયેલી અને આઘાતગ્રસ્ત સરકાર તથા ઉપરી અધિકારીઓના ઇશારાની રાહ પોલીસ જોતી હતી.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે નજર સામે અત્યાચાર કરવામાં આવતો હોવા છતાં પોલીસે તેને નજરઅંદાજ કર્યો હતો.

હું દ્રઢપણે માનું છું કે જરૂર પડ્યે યોગ્ય પગલાં લેવા માટે કોઈ પોલીસ કર્મચારીએ ઉપરી અધિકારીના આદેશની રાહ જોવાની હોતી નથી.

પોલીસ કર્મચારીએ ગુનેગારનો સક્રિય રીતે સાથ ભલે ન આપ્યો હોય, પણ તેણે પગલાં લેવાનું ટાળ્યું હોય તો એ ફરજ યોગ્ય રીતે ન બજાવ્યાનો દોષી ગણાય એવું હું માનું છું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો