કમલનાથ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી પદ સુધી કેવી રીતે પહોંચ્યા?

    • લેેખક, પ્રદીપકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

મધ્ય પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ કમલનાથ રાજ્યના નવા મુખ્ય મંત્રી બનશે.

કૉંગ્રેસના અધિકૃતિ ટ્વિટર હેન્ડલ પરથી કમલનાથને મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી બનવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી.

મધ્ય પ્રદેશ કૉંગ્રેસના ટ્વિટર હૅન્ડલ પર કમલનાથને ધારાસભ્યોના દળના નેતા તરીકે ચૂંટવાની પણ જાહેરાત કરવામાં આવી.

આ સાથે જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણનાં પરિણામ બાદ શરૂ થયેલી મુખ્ય મંત્રીનાં નામ અંગેની ચર્ચાઓનો અંત આવ્યો છે.

ગુરુવારે કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને બાદમાં ભોપાલ માટે રવાના થયા હતા.

જે બાદ સંબંધિત જાહેરાત કરવામાં આવી.

સાત મહિનામાં કમલનો કમાલ

આ પહેલાં 11 ડિસેમ્બરની સાંજે છ વાગ્યા સુધી મધ્ય પ્રદેશમાં મુકાબલો બરાબરી પર ચાલતો હતો અને એક ક્ષણે એવું પણ લાગી રહ્યું હતું કે ભાજપ તેમની સરકાર બચાવી લેશે.

શિવરાજસિંહ ચૌહાણના વિશ્વાસુ મધ્ય પ્રદેશના ભાજપના એક વરિષ્ઠ નેતાને ફોન કર્યો તો તેમણે કહ્યું, "વિદ્રોહી નેતાઓથી થોડું નુકસાન થઈ રહ્યું છે પરંતુ સરકાર અમે સરકાર બનાવી લઈશું. થોડા ઓછા પડશે તો પણ વ્યવસ્થા થઈ જશે."

ત્યારબાદ કૉંગ્રેસની રાજનીતિમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે કમલનાથના નજીકના ગણાતા એક વરિષ્ઠ નેતાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું, "ભાજપના અમુક નેતાઓને જાણ નથી કે તેઓ કમલનાથની સામે પડ્યા છે."

સૌપ્રથમ મોડી રાત્રે રાજ્યપાલને મોકલવામાં આવલો ઈ-મેઇલ અને સરકાર બનાવવા માટે એક વ્યક્તિના હાથે રૂબરૂ મોકલવામાં આવેલો દાવો (કલમનાથે ફૅક્સ કરવાનો વિકલ્પ પસંદ જ ના કર્યો, જેને કારણે મેહબૂબા મુફ્તી સરકાર બનાવવામાં ચૂકી ગયાં હતાં) અને સવારે રાજ્યપાલ સમક્ષ મૂકાયેલું 121 ધારાસભ્યોનું સમર્થન.

આ બધી બાબતો સ્પષ્ટ કરે છે કે 71 વર્ષના કમલનાથ રાજકારણના માસ્ટરમાઇન્ડ છે, પણ તેની ઝલક છેલ્લા ઘણાં વર્ષોથી દેખાઈ નહોતી રહી.

રાજ્યપાલને મોકલવામાં આવેલા સમર્થન પત્રથી સ્પષ્ટ થાય છે કે ભાજપના 109 ધારાસભ્યોને છોડી દઈએ તો દરેક લોકો કમલનાથ સાથે છે.

આ પહેલાં ભાજપ ધારસભ્યોની બેઠક પણ થઈ હતી પરંતુ સામે આવ્યું કે ભાજપને સરકાર બનાવવા માટે જાદૂઈ નંબર નહીં મળી શકે.

મધ્ય પ્રદેશની રાજનીતિને નજીકથી જાણતા વિશ્લેષકો એવો દાવો કરવા લાગ્યા છે કે આ મધ્ય પ્રદેશમાં જે કરિશ્મા થયો તે માત્ર અને માત્ર કમલનાથ જ કરી શકે.

માત્ર સાત મહિના પહેલાં તમણે મધ્ય પ્રદેશ કૉંગ્રેસનો કાર્યભાર સંભાળ્યો.

પરિણામે રાષ્ટ્રીય સવ્યંસેવકના ગઢ અને હિંદુત્વના કેન્દ્રમાં રહેલા મધ્ય પ્રદેશમાં નરેન્દ્ર મોદી-અમિત શાહ અને શિવરાજસિંહ ચૌહાણની હવા નીકળી ગઈ.

આ કામ તેમણે ત્યારે કરી બતાવ્યું જ્યારે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ અંદરોઅંદર વિખરાયેલી હતી.

કમલનાથને નજીકથી જાણતા પત્રકાર આલોક મહેતા કહે છે, "કમલનાથની એ જ ખાસિયત છે કે તેઓ દરેકને સાથે લઈને ચાલવા માટે જાણીતા છે, તેઓ પરિણામ આપવા માટે જાણીતા છે."

દિગ્વિજયસિંહ હોય કે જ્યોતિરાદિત્ય સિંધિયા, આ બન્ને વચ્ચે તાલમેળ બનાવી કમલનાથે તેમને સાથે રાખ્યા. પરિણામ સ્વરૂપે 15 વર્ષ બાદ મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ પરત ફરી.

26 એપ્રિલ 2018ના રોજ મધ્ય પ્રદેશનો વહીવટ સંભાળ્યા બાદ કમલનાથે સૌપ્રથમ ભોપાલમાં પોતાનો ડેરો જમાવી પાર્ટી કાર્યાલયની દશા બદલી. કાર્યલયમાં રંગરોગાન થયું અને સંજય ગાંધીની તસવીર પણ લગાવી.

એક આકલન એવું પણ છે કે મધ્ય પ્રદેશની ચૂંટણીમાં લગભગ ત્રણ ચતુર્થાંશ સંસાધનોની વ્યવસ્થા કમલનાથે જ કરી છે.

એક કારણ એવું પણ છે કે તેમને પ્રદેશની કમાન સોંપવાની તૈયારીઓ થઈ રહી છે, જેથી 2019ની ચૂંટણીની તૈયારીઓમાં સંસાધનોની ઊણપ ના વર્તાય.

જોકે, આલોક મહેતાનું માનવું છે કે કેન્દ્રની રાજનીતિમાં કમલનાથનું કદ મુખ્ય મંત્રી પદ કરતાં મોટું છે. પરંતુ એન. ડી. તિવારી અથવા શરદ પવાર જેવા નેતાઓ પણ રાજ્યોમાં જઈને કમાન સંભાળતા આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

લોપ્રોફાઇલમાં કમલનાથ

કમલનાથની ક્ષમતા અને તેની આવડતને લઈને વિરોધીઓને કોઈ શંકા નથી. એ વાત બીજી છે કે કમલનાથ લોપ્રૉફાઇલમાં રહેવાનું પસંદ કરે છે.

ઉલ્લેખનીય છે કે કમલનાથ સંજય ગાંધીના સ્કૂલના મિત્રો હતા. તેમની મિત્રતા સ્કૂલથી શરૂ થઈ અને મારૂતિ કાર બનાવવાના સપના સાથે યુવા કૉંગ્રેસની રાજનીતિમાં આવી પહોંચ્યા હતા.

પત્રકાર વિનોદ મહેતાએ પોતાના પુસ્તુક 'સંજય ગાંધી- અનટોલ્ટ સ્ટોરી'માં લખ્યું છે કે યૂથ કૉંગ્રેસના સમયમાં સંજય ગાંધીએ પશ્ચિમ બંગાળમાં કમલનાથને સિદ્ધાર્થ શંકર રે અને પ્રિયરંજન દાસમુંશી વિરુદ્ધ ચૂંટણીમાં ઊતાર્યા હતા.

એટલું જ નહીં જ્યારે કટોકટી બાદ સંજય ગાંધીની ધરપકડ થઈ ત્યારે તેમને કોઈ મુશ્કેલી ના પહોંચે તેનું ધ્યાન રાખવાના ચક્કરમાં જજ સામે ગેરવર્તણૂક કરી.

આ મામલે કમલનાથને તિહાર જેલમાં મોકલી દેવાયા અને ઇંદિરા ગાંધીની 'ગુડ બુક'માં આવી ગયા.

1980માં કૉંગ્રેસે તેમને પ્રથમ વખત છિંદવાડાથી ટિકિટ આપી હતી.

ત્યારે તેમના ચૂંટણી પ્રચારમાં ઇંદિરા ગાંધીએ કહ્યું હતું, "હું નથી ઇચ્છતી કે તમે કૉંગ્રેસ નેતા કમલનાથને મત આપો. હું ઇચ્છું છું કે તમે મારા ત્રીજા દીકરા કમલનાથને મત આપો."

કૉંગ્રેસને લાંબા સમયથી કવર કરી રહેલા એનડીટીવી ઇન્ડિયાના રાજનૈતિક સંપાદક મનોરંજન ભારતી કહે છે, "લોકો એવું પણ કહેવા લાગ્યા હતા કે 'ઇંદિરા કે દો હાથ- સંજય ગાંધી ઔર કમલનાથ'"

પ્રથમ વખત ક્યાંથી જીત્યા હતા કમલનાથ?

આદિવાસી વિસ્તારમાં 1980માં પહેલીવાર જીતનારા કમલનાથે છિંદવાડાની પૂરી તસવીર બદલી નાખી હતી.

આ વિસ્તારમાંથી નવ વખત સાંસદ બનનાર કમલનાથે અહીં સ્કૂલ-કૉલેજ અને આઈટી પાર્ક બનાવ્યાં છે.

એટલું જ નહીં સ્થાનિક લોકોને રોજગાર અને કામ ધંધો મળી રહે તે માટે તેમણે વેસ્ટર્ન કૉલફિલ્ડ્સ અને હિંદુસ્તાન યૂનીલિવર જેવી કંપનીઓ ખોલાવી.

સાથે જ ક્લૉથ મૅકિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ડ્રાઇવર ટ્રેનિગં ઇન્સ્ટિટ્યૂટ પણ તેમના વિસ્તારમાં શરૂ કરાવ્યાં.

આમ તો સંજય ગાંધીનું મૃત્યુ અને ઇન્દિરા ગાંધીની હત્યાએ કમલનાથની રાજકીય કારકિર્દી પર અસર કરી હતી.

જોકે, તેઓ કૉંગ્રેસ અને ગાંધી પરિવારને વફાદાર બની રહ્યા.

1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી હુલ્લડોમાં તેમનું નામ પણ આવ્યું.

જોકે, તેમાં તેમની ભૂમિકા સજ્જનકુમાર કે જગદીશ ટાઇટલર જેવા નેતાઓની જેમ સ્પષ્ટ થઈ શકી નહીં.

1984ના શીખ વિરુદ્ધનાં હુલ્લડો અને 1996માં હવાલા કાંડને જો અપવાદ માની લેવામાં આવે તો વર્ષો સુધી મહત્ત્વનાં મંત્રાલયો તેમની પાસે રહ્યા બાદ પણ કમલનાથ કોઈ વિવાદમાં ના પડ્યા.

ઉપરાંત તેમના પર ભ્રષ્ટાચારના કોઈ બીજા સંગીન આરોપો પણ લાગ્યા નથી.

તેઓ પર્યાવરણ, શહેરી વિકાસ, કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી જેવાં મહત્ત્વનાં મંત્રાલયો સંભાળી ચૂક્યા છે.

જ્યારે હવાલા કાંડના આરોપ લાગ્યા હતા

1996માં જ્યારે કમલનાથ પર હવાલા કાંડના આરોપ લાગ્યા ત્યારે પાર્ટીએ છિંદવાડાથી તેમનાં પત્ની અલકા નાથને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં.

તેમનાં પત્ની તો જીતી ગયાં પરંતુ આગળના વર્ષે પેટાચૂંટણીમાં કમલનાથને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ છિંદવાડાથી માત્ર એક જ વાર હાર્યા હતા.

ઇન્દિરા ગાંધીનાં મૃત્યુ બાદ કમલનાથ રાજીવ ગાંધીના વિશ્વાસુમાં પણ રહ્યા અને આજની તારીખમાં રાહુલ ગાંધી પણ તેમના પર પૂરો ભરોસો કરે છે.

મનોરંજન ભારતી કહે છે, "કમલનાથ સંસાધનોને ઝડપથી એકઠાં કરવામાં માહેર છે."

"તમામ પક્ષોમાં તેમના સારા મિત્રો છે, વેપારી હોવાના નાતે વેપારી આલમમાં પણ તેમના સારા મિત્રો છે."

"તો આ રીતે પણ પાર્ટીની જરૂરિયાત પ્રમાણે કમલનાથ ખરેખરા ફીટ બેસે છે."

વાસ્તવમાં, કાનપુરમાં જન્મેલા અને પશ્ચિમ બંગાળમાં વેપાર કરનારા વેપારી પરિવારથી આવતા કમલનાથ ખુદ એક 'બિઝનેસ ટાયકુન' છે.

તેમનો વેપાર રિયલ ઍસ્ટેટ, ઍવિએશન, હૉસ્પિટાલિટી અને શિક્ષણનાં ક્ષેત્રો સુધી ફેલાયેલો છે.

આઈએમટી ગાઝીયાબાદના ડાયરેક્ટર સહિત લગભગ 23 કંપનીઓના બોર્ડમાં કમલનાથ સામેલ છે.

આ વ્યવસાય તેમના બે પુત્રો નકુલનાથ અને બકુલનાથ સંભાળે છે.

આલોક મહેતા કહે છે, "વેપારની પૃષ્ઠભૂમિ હોવાને કારણે કમલનાથ દરેકની મદદ કરે છે. તેમના ઘરે હંમેશાં લોકોની ભીડ જામેલી હોય છે. "

"આ બધા સાથે તમે એ પણ જુઓ કે આઈએમટી ગાઝીયાબાદ થકી તેમણે કેટલા પરિવારોને સમૃદ્ધ કર્યા. એ તેમનું સામાજિક યોગદાન જ ગણવું જોઈએ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો