હવે ગુજરાતમાં અમિત શાહની લોકસભાની '26માંથી 26 બેઠકો'નું શું થશે?

    • લેેખક, હરીતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

2019 ની લોકસભા ચૂંટણી પહેલાં સેમીફાઇનલ તરીકે જોવાઈ રહેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો મોદી સરકાર માટે સારા સમાચાર લઈને નથી આવ્યાં.

ગુજરાતનાં પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં હાર ભાજપ માટે એક ઝટકા સમાન છે.

આ રાજ્યોએ ભાજપને કેન્દ્રમાં સત્તામાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ જીતેલી 225 બેઠકોમાં થી 203 બેઠકો હિંદી હાર્ટલૅન્ડ ગણતાં રાજ્યોમાંથી મળી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ રાજસ્થાનમાં કૉંગ્રેસના પ્રદર્શનને લઈને ખુશ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું, "આ ભવ્ય વિજય છે. અમે 3 રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ."

"રાહુલ ગાંધીએ જે રીતે મોદી અને અમિત શાહને પડકાર આપ્યો હતો પછીથી કોંગ્રેસનો ગ્રાફ ઊપર ચઢી રહ્યો છે અને મોદીજીનો ગ્રાફ નીચે પડી રહ્યો છે. આ એ સંકેત છે."

તમે આ વાંચ્યું કે નહીં?

મોદી-શાહ માટે લોકસભા ચૂંટણી પહેલાં ઍલાર્મ?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર કિંગશુક નાગે કહ્યું, "લોકસભા ચૂંટણીને હજુ સમય છે અને ભાજપના નેતાઓ પોતાની રણનીતિને નવી દિશા આપશે."

"જોવું રહ્યું કે રાષ્ટ્રીય સ્વયં સેવક ભાજપને કેટલી મદદ કરશે કારણ કે અત્યારે ભાજપ અને આરએસએસ વચ્ચેનું અંતર પણ સામે આવવા લાગ્યું છે."

"આરએસએસ અને ભાજપમાં મોદી અને અમિત શાહના હાથમાં સત્તાના કેન્દ્રીયકરણની ચર્ચા પણ અંદરખાને થઈ રહી છે."

કિંગશુક નાગ કહે છે, "મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં લાંબા સમયથી ભાજપની સરકાર હતી એટલે સત્તા સામે વિરોધની અસર થાય એ સ્વાભાવિક છે."

"એ વાત પણ સાચી છે કે ચૂંટણીનાં પરિણામો સૂચવે છે કે ભાજપ, મોદી અને અમિત શાહ માટે વિચારણા કરવાનો સમય છે."

ગુજરાતની વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યની 26 લોકસભા બેઠકોમાંથી 26 બેઠકો ફરીથી જીતી લેવાનું લક્ષ્ય મૂક્યું છે.

રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહનું માનવું છે, "ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને જેટલી મુશ્કેલી પડી હતી તે જોતા હું માનું છું કે ભાજપને 26માંથી 26 લોકસભા બેઠકો પર વિજય મળે તે સંભવ નથી લાગતું."

તેમનું કહેવું છે, "આજના સમયમાં ભાજપવિરોધી અને મોદીવિરોધી માહોલ ઊભો થયો છે એ વાતને નકારી શકાય એમ નથી."

"મોદી પહેલાં પણ ગુજરાતી હોવાની વાત વિધાનસભા ચૂંટણીમાં વારંવાર લાવ્યા હતા અને 2019 લોકસભાની ચૂંટણીમાં ફરીથી એનો સહારો લેશે. પણ હવે એ કેટલું કામ કરશે એ જોવાનું રહ્યું."

ઘનશ્યામ શાહનું કહેવું છે, "છેલ્લી ચૂંટણીમાં ખેડૂતોનો અસંતોષ જોવા મળ્યો હતો અને આ વર્ષે પણ ગુજરાતના ખેડૂતોનો અસંતોષ વધ્યો છે."

"દક્ષિણ ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન સારું હતું પણ બુલેટ ટ્રેન ને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે."

"એ સિવાય શહેરી વ્યાપારીઓ જીએસટીને લઈને અસરગ્રસ્ત થયા હતા, છેલ્લી ચૂંટણીમાં એની અસર નહોતી દેખાઈ પણ હવે આ સ્થિતિ બદલાઈ શકે છે."

જોકે, વડોદરામાં પ્રોફેસર તરીકે સેવા આપતા અમિત ધોળકિયાનું કહેવું છે, "2014માં લાગણીનો જે રેલો હતો એ સ્થિતિ આજે નથી."

"2017ની વિધનસભા ચૂંટણીમાં ભાજપની પડેલી હાલાકી ને જોતાં કૉંગ્રેસને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં 10-12 બેઠકોનો ફાયદો થઈ શકે છે."

વિશ્લેષકોનું માનવું છે કે સૌરાષ્ટ્રમાં મગફળી કૌભાંડ અને ખેડૂતોનો અસંતોષ કોંગ્રેસ ને ફાયદો કરાવી શકે છે.

જ્યારે ઉત્તર ગુજરાત ની લોકસભા બેઠકોમાં પણ ભાજપને નુકસાન થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનો અસંતોષ પણ જોવા મળ્યો છે.

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે કહ્યું, "2014માં મોદીએ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી અને પછી વડોદરી છોડી 'છોરા ગંગા કિનારે વાલા' થઈ ગયા."

"હવે રાજ્યમાં ભાજપ વિરુદ્ધ એન્ટી ઇનકમ્બન્સી પણ છે. લોકસભા ચૂંટણીને માત્ર ચાર-પાંચ મહીના બાકી રહ્યા છે. અને રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાતમાં વ્યસ્ત છે."

કૉંગ્રેસ લઈ શકશે ગુજરાતમાં ફાયદો?

ચૂંટણીમાં કૉંગ્રેસના વિજય પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ કૉંગ્રેસની જીત છે પરંતુ ભાજપ સરકારની વિરુદ્ધ જનતાનો આક્રોશ છે.

વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા કહે છે કે રાજસ્થાનમાં જે રીતે કૉંગ્રેસ આવી છે તે જોતાં કહેવું જોઈએ કે જેટલા મોટા અંતરે રાજસ્થાનમાં સરકારો બદલાતી આવી છે તેમાં આ વખતે અંતર ઓછું થયું છે તે જોતાં કોંગ્રેસે પોતાની રણનીતિમાં ફેરફાર કરવાની જરૂર છે.

કિંગશુક નાગ માને છે, "ગુજરાતમાં કૉંગ્રેસમાં જોશ જોવા જ નથી મળતો એટલે કોઈ મોટો ફેરફાર થશે એવું આપણે કહી શકીએ નહીં."

"તેલંગણા કૉંગ્રેસનો ગઢ હતું પણ ત્યાંથી તેને બહાર થવું પડ્યું હતું, એવું કશું થતું ગુજરાતમાં દેખાતું નથી કારણકે જો કોઈ ફેરફાર થવાની તૈયારી હોય તો તે એક- દોઢ વર્ષ પહેલાં દેખાવા લાગે."

"હાલ તો ગુજરાતમાં એવું કશું દેખાઈ નથી રહ્યું. જોકે, ગુજરાતમાં ભાજપ આટલા વર્ષોથી સત્તામાં છે અને ત્યાં ભાજપનો મોટો ગઢ બની ગયો છે."

"રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી પડશે એવું આ સમયે કહેવું મુશ્કેલ છે."

પ્રોફેસર ધોળકિયા કહે છે કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની જેમ ગુજરાતમાં કૉંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતા નથી, એ કોંગ્રેસની નબળાઈ છે. એટલે રાજ્યમાં ખેડૂતો, આદીવાસીઓ, દલિતો અને પાટીદારોના અસંતોષની સ્થિતિને પોતાની તરફ વાળી લેવામાં કૉંગ્રેસ સફળ થઈ શકે કે કેમ તે જોવાનું છે."

જોકે, રાજ્યમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી લડત છે એટલે ભાજપનું નુકસાન કૉંગ્રેસનો ફાયદો થઈ રહે છે.

જ્યારે ઘનશ્યામ શાહનું કહેવું છે, "સોશિયલ મીડિયા અને સંગઠનાત્મક સ્તર પર ભાજપ જે રીતે કામ કરતો હતો એ હવે કૉંગ્રેસે અપનાવ્યું છે જેની અસર રાજસ્થાન અને છત્તીસગઢમાં જોવા મળી છે."

ભાજપ-કૉંગ્રેસ શું કહે છે?

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ કહ્યું, "મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો કૉંગ્રેસ માટે ઉત્સાહજનક છે."

"આ બધા રાજ્યો હિંદી બૅલ્ટનાં રાજ્યો છે અને મોટા રાજ્યો કહેવાય એવામાં ભાજપની હારથી નિશ્ચિત છે કે 2014 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જે બેઠકો જીતી હતી તેમાંથી આવનારી લોકસભા ચૂંટણીમાં પચાસ ટકા બેઠકો ભાજપ ગુમાવશે અને પચાસ ટકા બેઠકો કોંગ્રેસ મેળવશે. સાથે-સાથે આ જનતાનો મૂડ છે, આ કોઈ નાનો લિટમસ ટેસ્ટ નથી."

જ્યારે, ગુજરાત ભાજપ યુવા મોર્ચાના નેતા ઋત્વિજ પટેલે બીબીસી ગુજરાતી સંવાદદાતા રોક્સી ગાગડેકર સાથેની વાતચીતમાં કહ્યું, "રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની હારની ગુજરાતના રાજકારણ પર કોઈ અસર નથી પડવાની. 2019માં લોકસભા ચૂંટણીમાં પણ 26 માં થી 26 બેઠકો ભાજપ જ જીતશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો