પાંચ રાજ્યોનાં પરિણામો મોદી વિરોધી ગઠબંધન મજબૂત બનાવી શકશે?

    • લેેખક, રાશીદ કિદવઈ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પછી રાહુલ ગાંધીની છબી મજબૂત બની છે.

2019ની લોકસભાની ચૂંટણી માટેના સૂચિત મહાગઠબંધનમાં હવે તેઓ વધારે કેન્દ્રસ્થ ભૂમિકા ભજવી શકે તેવી શક્યતા ઊભી થઈ છે.

તેલંગણામાં ગઠબંધનના પ્રયોગમાં મળેલી નિષ્ફળતાને કારણે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ માટે થોડી પીછેહઠ થઈ છે.

પરંતુ રાહુલ ગાંધી હવે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના એનડીએ સામે રાજ્યોવાર મહાગઠબંધન કરી શકવાની સ્થિતિમાં આવી ગયા છે.

કૉંગ્રેસના પક્ષપ્રમુખ બન્યાના બરાબર એક વર્ષ પછી કૉંગ્રેસ પક્ષમાં તથા બહાર બંને જગ્યાએ તેમનું નેતૃત્ત્વ વધારે મજબૂત બન્યું છે.

2014 પછી પ્રથમવાર નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાની હેઠળના ભાજપ સામે રાહુલ ગાંધીના નેતૃત્ત્વ હેઠળના કૉંગ્રેસ પક્ષે સીધી ટક્કરમાં વિજય મેળવ્યો છે.

રાહુલ ગાંધી પર હવે પોતાને વડા પ્રધાનપદના દાવેદાર તરીકે આગળ કરવાનું અને પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવાનું દબાણ પણ ઊભું થશે. આ બંને વિકલ્પોની પોતપોતાની મર્યાદાઓ પણ છે.

માયાવતી પર મીટ

હવે માયાવતી શું કરશે તેના પર સૌની નજર રહેશે. પરિણામોના બીજે દિવસે બુધવારે સવારે તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી, પરંતુ તેમણે કહ્યું કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે તેમણે આ પગલું લીધું છે.

તેમણે કૉંગ્રેસની પણ ટીકા કરી હતી. તેથી હજી પણ માયાવતી કેન્દ્રસ્તરે રાહુલ ગાંધીનું નેતૃત્ત્વ સ્વીકારશે કે કેમ તે સવાલ ઊભો જ રહેશે. અત્યાર સુધી તેમણે તે માટે તૈયારી બતાવી નથી.

મધ્ય પ્રદેશમાં ટેકો આપવાની જાહેરાત સાથે, રાજસ્થાનમાં પણ કદાચ જરૂર પડે તો ટેકો આપવાની તૈયારી તેમણે દર્શાવી છે, પરંતુ આ દલિત નેતાએ કૉંગ્રેસની પણ ટીકા કરી છે.

તેથી કૉંગ્રેસ તેમને મહાગઠનબંધનમાં સાથે રાખી શકશે કે પછી તેઓ એનડીએ તરફ પણ સરકી શકે છે તે બાબત પર આગામી દિવસોમાં સૌની નજર રહેશે.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, ભાજપની આગેવાની હેઠળના એનડીએમાં જોડાવું માયાવતી માટે એટલું સહેલું પણ નથી.

તેમના સ્વભાવ અને કાર્યશૈલી પ્રમાણે તેમને ભાજપના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે ફાવે તેવું નથી.

બીજું ઉત્તર પ્રદેશમાં ભાજપ માયાવતીના પક્ષ બીએસપીને વધારે બેઠકો આપી શકે તેવી સ્થિતિમાં પણ નથી.

ઉત્તર પ્રદેશમાં ભાજપે લોકસભાની 70 અને વિધાનસભાની 320 બેઠકો જીતેલી છે. તેના કારણે ભાજપ સાથી પક્ષોને તેમાં કોઈ હિસ્સો આપી શકે તેવી શક્યતા ઓછી છે.

બીએસપી અથવા અન્ય કોઈ પણ સાથી પક્ષોને વધારે બેઠકો આપવામાં આવે તો તેના કારણે ભાજપને આંતરિક રીતે પણ અસંતોષ અને હલચલનો સામનો કરવો પડી શકે તેમ છે.

લોકસભામાં ભાજપ અહીં 80 જેટલી બેઠકો ગુમાવી શકે

જમ્મુ અને કાશ્મીરથી શરૂ કરીને, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત સહિત હિંદી હાર્ડલૅન્ડ ગણાતા આ ઉત્તર ભારતના વિસ્તારમાં 273 લોકસભા બેઠકો છે. તેમાંથી ભાજપે 200 બેઠકો જીતી લીધી હતી.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના છેલ્લા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની ગણતરી કરીએ તો ચિત્ર બદલાઈ શકે છે.

સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ બંને કૉંગ્રેસની સાથે ગઠબંધન કરશે તેની ધારણા પણ રાખી શકાય છે.

તે સંજોગોમાં એવી શક્યતા છે કે ભાજપ 2019ની ચૂંટણીમાં આ બેઠકોમાંથી 80થી 100 બેઠકો ગુમાવી શકે છે.

તેની સામે તેલંગાણામાં ફરીથી જીતેલા ટીઆરએસનો કદાચ સાથ મળી શકે છે.

ઈશાન ભારત તથા પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પણ પોતાના તથા સાથી પક્ષોની બેઠકોમાં વધારો થઈ શકે છે, પણ તે પૂરતો ના હોય તેવી શક્યતા છે.

નુકસાનીનું ચોથા ભાગનું વળતર પણ માંડ આ રાજ્યોમાંથી મળી શકે તેમ છે.

બીજા પણ ઘણા એવા મુદ્દાઓ છે, જેને કાળજીપૂર્વક ધ્યાને લેવા જરૂરી છે.

છત્તીસગઢમાં કૉંગ્રેસને મળેલી ભવ્ય જીત સૌથી ધ્યાન ખેંચનારી છે. ભારતના સૌથી જૂના પક્ષ કૉંગ્રેસ પાસે અહીં કોઈ મજબૂત પ્રાદેશિક નેતા પણ નહોતો.

છત્તીસગઢમાં 'ચાવલવાલા બાબા' તરીકે ઓળખાતા રમણ સિંહે ઘણી બધી કલ્યાણ યોજનાઓ અને નક્સલવાદનો સામનો કરીને લોકપ્રિયતા મેળવી હતી અને સ્વીકાર્ય નેતા હતા તેમ મનાતું હતું.

તેઓ ભાજપને વિજય અપાવી શકશે એમ મનાતું હતું, પણ મતદારોએ કંઈક જુદો જ નિર્ણય આપ્યો અને તેમને બરાબરની હાર ચખાડી.

ભારતના બીજા વિસ્તારોમાં પણ છત્તીસગઢની જેમ મતદારો વિચારશે તેવી કલ્પના કરી શકાય ખરી?

કદાચ એવી રીતે મતદાન ના કરી માત્ર નેતાની લોકપ્રિયતા પર આધાર રાખનારા પક્ષો માટે આ બાબત વિચારતા કરી મૂકે તેવી છે.

શું નોટબંધી અને જીએસટીને કારણે ભાજપને પછડાટ મળી?

શું ખેડૂતો માટે ઊભી થયેલી મુશ્કેલ સ્થિતિ અને તેમનો અસંતોષ ખરેખર વાસ્તવિક છે?

શું એસસી-એસટી ઍક્ટમાં સુધારો કરવામાં આવ્યો તેના કારણે હિંદી પટ્ટાની ઉપલી ગણાતી જ્ઞાતિઓમાં ભાજપ સામે નારાજી છે?

સૌથી અગત્યનો સવાલ, શું નરેન્દ્ર મોદી મતદારોને આકર્ષવા માટેનું અગત્યનું પરિબળ નથી રહ્યા?

એનડીએના હરીફ રાજકીય પક્ષો હવે 17મી લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બહુમતીને ઘટાડી શકવા માટેની આશા રાખી શકે છે.

જોકે, નરેન્દ્ર મોદી સામે મહાગઠબંધન ઊભું કરવા માટે એ જરૂરી છે કે (ભાજપ સામે સીધી સ્પર્ધા હતી તે રાજ્યોમાં) પુનઃજીવિત થયેલી કૉંગ્રેસ અને એનડીએ સાથે ના જોડાયેલા એવા મજબૂત પ્રાદેશિક પક્ષો વચ્ચે સંતુલન ઊભું કરવામાં આવે.

યુપી, બિહાર, આંધ્ર, તામિલનાડુ વગેરેમાં પ્રાદેશિક પક્ષો ભાજપની સામે મજબૂત છે.

જોકે, મહત્ત્વાકાંક્ષા ધરાવતા એવા નરેન્દ્ર મોદીના વિરોધી જૂથો વચ્ચે હજી એટલો સારો સુમેળ ઊભો થઈ શક્યો નથી.

લોકસભામાં નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે જે ગણિત બેસાડવું પડે તે માટેની ગણતરીઓ પણ હજી પાકી થઈ શકી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો