You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નોટબંધીના સમર્થક શક્તિકાંતા દાસ રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના ગવર્નર બન્યા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નોટબંધીના સમર્થક અને પૂર્વ આર્થિક બાબતોના સચિવ દાસને રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના 25મા ગવર્નર તરીકે નીમવામાં આવ્યા છે.
હાલમાં દાસ 15મા નાણા પંચના સભ્ય છે. તેઓ ત્રણ વર્ષ માટે આ પદ પર રહેશે.
વર્ષ 2016માં આઠમી નવેમ્બરે જ્યારે મોદી સરકાર દ્વારા નોટબંધી લાગુ કરવામાં આવી હતી, ત્યારે તેઓ દેશના આર્થિક બાબતોના સચિવ હતા.
સોમવારે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે 'અંગત કારણ' આગળ ધરીને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.
કોણ છે નવા ગવર્નર દાસ?
દાસ 1980ની બેચના આઈએએસ (ઇંડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના ઓફિસર છે, તેઓ મૂળ ઓડિશાના છે.
તામિલનાડુ કેડરના ઓફિસર દાસ 2008માં કેન્દ્ર સરકારમાં આવ્યા, તેમને રાજ્યના મુખ્ય મંત્રી જયલલિતાની નજીક માનવામાં આવતા.
તેમને વર્તમાન નાણા પ્રધાન અરૂણ જેટલી તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાની નજીક માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેટલીએ આ નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, "ભારતીય અર્થતંત્ર સમક્ષ જે પડકાર છે, તેને પહોંચી વળવા માટે દાસ સક્ષમ છે અને તેઓ ચોક્કસપણે આ પદને શોભાવશે."
અધિકારી તરીકે 35 વર્ષના કાર્યકાળ દરમિયાન ટૅક્સ, ઇંડસ્ટ્રી તથા ફાઇનાન્સ વિભાગમાં અલગ-અલગ પદ પર કાર્યરત રહ્યા.
આ પહેલાં વર્ષ 2015થી 2017 દરમિયાન તેઓ દેશના આર્થિક બાબતોના સચિવ રહ્યા હતા.
આ કાર્યકાળ દરમિયાન ઉર્જિત પટેલ આરબીઆઈના ગવર્નર હતા અને નોટબંધી લાગુ કરવામાં આવી હતી.
વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન બાદ તત્કાલીન આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલની સાથે તેમણે મોરચો સંભાળ્યો હતો અને નોટબંધી સંબંધિત પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને આ સંદર્ભે ઇન્ટર્વ્યૂઝ પણ આપ્યા હતા.
દાસે અપેક્ષા મુજબ કાળું નાણું બહાર ન આવ્યું હોવા છતાંય નોટબંધીની હિમાયત ચાલુ રાખી હતી.
આ પહેલાં મોદી સરકારે તેમને મહેસૂલ વિભાગના સચીવ તરીકે નીમ્યા હતા. નિવૃત્તિ બાદ શક્તિકાંતા જી-20માં ભારતના શેરપા બન્યા હતા.
હવે તેઓ દેશની 83 વર્ષ જૂની મધ્યસ્થ બૅન્કના 25મા ગવર્નર બન્યા છે.
દાસ સામે પડકાર
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે, રિઝર્વ બૅન્કની સ્વાયતતાના મુદ્દે પદ છોડનારા શક્તિકાંતા દાસ સામે આરબીઆઈની સ્વાયતતા જાળવવાનો પડકાર હશે.
મોદી સરકાર રિઝર્વ બૅન્ક પાસેથી વધુ નાણાં મેળવવા ઇચ્છશે અને આ માટે નવા ગવર્નર પર દબાણ લાવવા માટે પ્રયાસ કરશે, જેથી કરીને નાણા ખાધને પહોંચી વળાય.
સરકાર ઇચ્છે છે કે દેશના અર્થતંત્રનો વેગ જળવાઈ રહે તે માટે નબળી બૅન્કો પરના નિયંત્રણ થોડા હળવા કરવામાં આવે.
હાલનના સમયમાં દસમાંથી ત્રણ લોન એનપીએ થઈ રહી છે, જે એશિયામાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો