Rajasthan Election: રાજસ્થાનમાં ભાજપના રકાસ પાછળ છે આ પાંચ કારણો

    • લેેખક, હરીતા કાંડપાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની વિધાનસભાનાં ચૂંટણી પરિણામ (અને વલણો) આવ્યાં. રાજકીય પંડિતોની અપેક્ષા પ્રમાણે, કૉંગ્રેસે 'ક્લિન સ્વીપ' તો ન કર્યું, પરંતુ જનતાએ વસુંધરારાજે સિંધિયાના નેતૃત્વવાળા શાસનને નકાર્યું છે.

ગત વીસ વર્ષથી રાજસ્થાનમાં દર વર્ષે સત્તાની ફેરબદલ થતી રહી છે અને સત્તારૂઢ પાર્ટી ફરીથી સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે, 2018ની ચૂંટણીમાં પણ તેનું પુનરાવર્તન થતું જણાય રહ્યું છે.

પાંચ વર્ષથી સત્તાથી વિમુખ કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો છે.

2019ની લોકસભા ચૂંટણી પૂર્વે આ પરિણામોને 'સત્તાના સેમિફાઇનલ' તરીકે જોવામાં આવે છે.

રાજસ્થાન કૉંગ્રેસના અધ્યક્ષ સચિન પાઇલટના કહેવા પ્રમાણે, 'આ ચૂંટણી પરિણામ ભાજપ માટે ચેતવણીરૂપ છે.'

જ્યારે ટીવી ચેનલ્સ પર ભાજપના સત્તાવાર પ્રવક્તાઓનું કહેવું છે કે 'આ મોદી માટે મેન્ડૅટ નથી' અને લોકસભાની ચૂંટણી દરમિયાન પાંચેય રાજ્યોમાં મતદાતાઓ 'અલગ રીતે' મતદાન કરશે.

આ બધા વચ્ચે આવો જાણીએ કે કયાં પાંચ કારણોને લીધે ભાજપની હાર થઈ.

1. વસુંધરાની છાપ

વસુંધરા રાજે ચૂંટણી પ્રચાર દરમિયાન 'ગૌરવયાત્રા' અને એ પહેલાં પણ જનતાની વચ્ચે ગયાં અને 'તેમનામાંથી એક' હોવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો.

જોકે, જનતામાં તેમની 'મહારાણી' તથા 'મળવા મુશ્કેલ' હોવાની છાપ યથાવત્ રહી. પ્રો. ધોળકિયાના મતે, 'વરિષ્ઠ નેતાઓની ઉપેક્ષાએ પણ ભૂમિકા ભજવી.'

ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં બે લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપનો પરાજય થયો પરંતુ તેમાંથી પાઠ લેવામાં તેઓ નિષ્ફળ રહ્યાં.

તમે આ વાંચ્યું કે નહીં?

2. ભાજપમાં જૂથવાદ

એવું કહેવાય છે કે રાજસ્થાન ભાજપમાં વસુંધરા રાજે સિંધિયાના સમર્થક અને મોદી-શાહના સમર્થક એમ બે જૂથ પડી ગયાં હતાં, એટલે જ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં ઢીલ થઈ હતી.

રાજસ્થાન ભાજપમાં આંતરિક રીતે એક નારો વહેતો થયો હતો, 'વસુંધરા કી ખેર નહીં, મોદી સે બેર નહીં.'

પ્રો. ધોળકિયાના મતે, "જનતા ઉપરાંત ભાજપના કાર્યકરોએ પણ વસુંધરાના શાસનને જાકારો આપ્યો."

ઓઝાના મતે, "રાજ્યમાં ભાજપના રકાસને અટકાવવાનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવો ઘટે."

3. કૃષિ સંકટ

નોટબંધી, દુષ્કાળ (કે ઓછો વરસાદ), કૃષિપેદાશના ભાવો અને કૃષિ લૉન વગેરેને કારણે રાજસ્થાનના ખેડૂત સમુદાયમાં અસંતોષ હતો, જેને દૂર કરવામાં રાજસ્થાનની ભાજપ સરકાર નિષ્ફળ રહી.

બીજી બાજુ, ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વાયદો કર્યો કે 'જો કૉંગ્રેસની સરકાર બની તો દસ દિવસની અંદર ખેડૂતોની લૉન માફ કરશે.'

આ બાબતે વિશાળ ખેડૂત સમુદાયનો અભિપ્રાય બદલવાનું કામ કર્યું.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયાના કહેવા પ્રમાણે, "ખેડૂતો અને લોકકલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વસુંધરા સરકાર નિષ્ફળ રહી હતી."

4. હિંદુઓમાં અસંતોષ

વસુંધરા રાજેએ 2014 થી 2019ના કાર્યકાળ દરમિયાન રાજસ્થાનના મુખ્ય શહેરોના રસ્તાઓને પહોળા કરવા તથા સુંદર બનાવવા માટે નાનાં-મોટાં હંગામી મંદિરોને દૂર કર્યાં હતાં.

જેના કારણે કપરા સંજોગોમાં ભાજપની પડખે ઊભો રહેતો કટ્ટર હિંદુ સમર્થક સમુદાય નિષ્ક્રિય રહ્યો, જેણે વસુંધરા સરકારને હાનિ પહોંચાડવાનું કામ કર્યું.

આ કારણસર જ ભાજપને જીતાડવા માટે સક્રિય બનતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો અપેક્ષા મુજબ 'ઍક્ટિવ' ન રહ્યા.

વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝાના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'સૉફ્ટ હિંદુત્વ'નું વલણ અખત્યાર કર્યું, પરંતુ હિંદુઓને આકર્ષી ન શક્યા."

5. મતદારોનું જનમાનસ

વર્ષ 1998થી રાજસ્થાનમાં એક જ સરકાર ફરી સત્તા ઉપર આવવામાં નિષ્ફળ રહી છે અને આ પેટર્નનું 2018ની ચૂંટણી દરમિયાન પણ પુનરાવર્તન થતું જણાય છે.

ઓઝાના મતે, "જનતા પાસે મોદી સરકારથી ખુશ થવાનાં કારણો નથી પરંતુ કૉંગ્રેસ 'છેવાડાના માનવી' સુધી પહોંચવાની વ્યવસ્થા નથી ધરાવતી, જેના કારણે ભાજપ વિરોધી વલણનો લાભ નથી લઈ શકતી."

પ્રો. ધોળકિયાના મતે, "જાટ, ક્ષત્રિય, મીણા, આદિવાસી સમુદાયોના ગણિતને સાધવામાં કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહેલોતની દીર્ઘદૃષ્ટિ અને રાજસ્થાનના રાજકારણનો લાંબા અનુભવે પાર્ટીને મદદ કરી છે."

ધોળકિયા ઉમેરે છે કે, રાજસ્થાનના રાજકારણને સમજવાની એમને આવડત ભાજપને ભારે પડી ગઈ છે.

પોતાના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ 'પેટર્ન'ને ફગાવી દેવા માટે મતદાતાઓને આહ્વાન કર્યું, પરંતુ તેઓ પોતાનો સંદેશ, જનતા સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હોય તેમ નથી જણાતું.

ગત વખતે લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે ક્લિનસ્વીપ કરનારો ભાજપ બીજા ક્રમાંકનો પક્ષ બની ગયો છે અને કૉંગ્રેસની બેઠકોમાં જંગી વધારો થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો