Assembly Election Result 2018 : પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામની આગામી સમયમાં શું અસર થશે?

    • લેેખક, પ્રો. અમિત ધોળકિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

૧૯મી સદીના પોર્ટુગીઝ નવલકથાકાર જોસે મારિયા ક્યુરોઝે હળવાશમાં લખ્યું હતું કે લોકોએ ડાઇપર અને રાજકારણીઓને વારંવાર બદલતાં રહેવું જોઈએ અને એ બંનેને એક જ સરખાં કારણસર બદલતાં રહેવું જોઈએ !

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની વિધાન સભાની ચૂંટણીઓમાં તેલંગણાને બાદ કરતાં બાકીનાં ચારેય રાજ્યોના મતદારોએ મારિયાની સલાહ માની શાસક પક્ષને ચોખ્ખી બહુમતીથી હરાવીને તથા મુખ્ય વિપક્ષને સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટીને રાજ્ય-કારભારની તરાહ બદલવાની અભિલાષા પ્રગટ કરી છે.

આ પાંચેય રાજ્યોની ચૂંટણીનાં પરિણામો પર આખા દેશ અને દુનિયાની નજર હતી, કારણ કે થોડા જ મહિના પછી યોજાનારી સંસદીય ચૂંટણીમાં મતદારોનું સરેરાશ વલણ કોની તરફ રહેશે તેનો ઠીકઠીક અંદાજ આ પરિણામો આપી શકે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતની લગભગ 17 ટકા વસ્તી આ રાજ્યોમાં વસે છે અને લોકસભાના કુલ 83 સાંસદો અહીંથી ચૂંટાય છે.

માટે જ, આ પરિણામોની 2019ની લોકસભાની ચૂંટણીના પરિણામો ઉપર ઊંડી અસર થવાની એ વાત નિર્વિવાદ છે.

નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ભારતીય જનતા પક્ષ (ભા.જ.પ.), કૉંગ્રેસ અને બીજા તમામ વિરોધ પક્ષો માટે 2019ની રસાકસી ભરેલી ફાઇનલ મૅચ પહેલાંની મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ મહત્ત્વની એવી આ સેમિ-ફાઇનલ મૅચ હતી.

છેલ્લાં સાડા ચાર વર્ષ દરમિયાન જેને પરાજિત કરવો લગભગ અસંભવ લાગતું હતું તેવા ભાજપે કારમી પીછેહઠ સહેવી પડી છે.

ચૂંટણીઓનું જેટલું મહત્ત્વ સરકાર રચવાની દૃષ્ટિએ હોય છે તેટલું જ એક મનોવૈજ્ઞાનિક પરિબળ તરીકે હોય છે.

એટલે જ, આ ચૂંટણીની હારજીતની બન્ને મુખ્ય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓની નિર્ણય પ્રક્રિયા અને માનસ પર સીધી અસરો થશે.

આમ તો, ભારતનાં વિવિધ રાજ્યોનું રાજકારણ એટલું જટિલ અને ભિન્ન લક્ષણો ધરાવતું છે કે રાજ્ય-સ્તરની દરેક ચૂંટણી તેના નિર્ણાયક મુદ્દાઓ અને સ્થાનિક પરિબળોની દ્રષ્ટિએ અનોખી હોય છે.

છતાં દેશ અને અન્ય રાજ્યોના કેટલાક સમાન મુદ્દાઓનું પણ તેના પરિણામોમાં પ્રતિબિંબ પડતું હોય છે.

પાંચેય રાજ્યોની ચૂંટણીઓના આવેલ પરિણામોમાં આ બન્ને પ્રકારના પ્રવાહ દેખાયા.

બન્ને પક્ષોના આત્મવિશ્વાસ-પૂર્ણ દાવાઓ અને ભાવિ આગાહીઓની અવગણના કરીયે તો પણ નીચેના મુદ્દાઓ સ્પષ્ટ રીતે ઉભરીને બહાર આવ્યા છે.

મોદી-શાહની જોડી

પ્રથમ, નરેન્દ્ર મોદી - અમિત શાહની જોડી ભાજપને બધે જ અને કોઈ પણ સંજોગોમાં જીતાડી લાવી શકે છે તેવી શાસક પક્ષના પ્રચારતંત્ર દ્વારા સુવ્યવસ્થિત રીતે ઊભી કરવામાં આવેલી છાપને બહુ મોટો ફટકો પડ્યો છે.

પહેલી વાર, મતદારોના સ્થાનિક સરકારો સામેના અસંતોષને બિનઅસરકારક બનાવવામાં મોદીની પોતાની સભાઓ પરની શ્રદ્ધા ઓછી થઇ ગયી હોય તેવું જણાયું.

અત્યારસુધી મોદી જ ભારતીય જનતા પક્ષ માટે સ્ટાર પ્રચારક બનતા આવ્યા છે, પણ આ વખતે તેમણે અગાઉની ચૂંટણીઓની તુલનામાં ઘણી ઓછી સભાઓ સંબોધી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતા કરતાં વધારે સભાઓ સંબોધવાની છૂટ આપી.

યોગીએ છત્તીસગઢમાં 23 અને રાજસ્થાનમાં 26 સભાઓ કરી, જયારે મોદીએ છત્તીસગઢમાં ચાર અને રાજસ્થાનમાં 12 સભાઓ સંબોધી.

યોગીનો પ્રચાર

બીજું, યોગીના આક્રમક પ્રચાર તથા હિન્દુત્વ અને લઘુમતીને સ્પર્શતા મુદ્દાઓને ચૂંટણી-પ્રચારના કેન્દ્રમાં લાવવા છતાં ભાજપ માટે પરિણામો નાઉમેદ કરનારાં રહ્યાં.

એ દર્શાવે છે કે તેને માટે વારંવાર ચૂંટણીઓ જીતાડી દેવા માટે હિન્દુત્વ-લક્ષી પ્રચારની ગંભીર મર્યાદાઓ ઊભી થઈ ગઈ છે.

એકંદરે, જ્ઞાતિ કે ધર્મનાં નામે પ્રજાને સતત વિભાજીત રાખવાની જુદાજુદા પક્ષોની રીતરસમોની અસર પણ થોડે અંશે આ ચૂંટણીનાં પરિણામોમાં નબળી થતી જોવાઈ.

આવનારા મહિનાઓમાં જો ભાજપ અને તેની રાજ્ય સરકારો આક્રમક સાંપ્રદાયિક પગલાંઓથી દૂર રહી લોકોનાં આર્થિક કલ્યાણ અને સામાજિક ન્યાય તરફી નક્કર કામ કરવાની તત્પરતા નહીં દાખવે તો અત્યારે ક્ષિતિજ પર જે દેખાઈ રહ્યું છે, તે મુજબ આગામી લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.

રાહુલ પર ટાર્ગેટ

ત્રીજું, હિન્દીભાષી પટ્ટીમાં છત્તીસગઢમાં જંગી બહુમતીથી અને રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં સરકાર રચવાના ઊભા થયેલા સંજોગોએ લગભગ હાંસિયામાં ધકેલાઈ ગયેલા કૉંગ્રેસ પક્ષમાં નવું જીવન અને આશાનો સંચાર કર્યો છે.

સાથેસાથે, રાહુલ ગાંધી અને તેમના પરિવારને અંગત રીતે ટાર્ગેટ કરીને કૉંગ્રેસ અધ્યક્ષની ક્ષમતા પર સવાલ ઉઠાવવાનો સોશિયલ મીડિયાનો અપપ્રચાર સફળ નથી થઈ શક્યો એ પણ કૉંગ્રેસ પક્ષના કાર્યકરો માટે ઉત્સાહપ્રેરક બાબત બની રહેશે.

કૉંગ્રેસ માટે પડકાર

ચોથું, આ પરિણામોમાં ભાજપની લાંબા સમયથી શાસનમાં રહેલી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની શિવરાજસિંહ ચૌહાણ અને રમણસિંહની સરકારો પ્રત્યેનો રોષ વધુ અને કૉંગ્રેસ પ્રત્યેની પ્રીતિ ઓછી પ્રગટ થાય છે, જે કૉંગ્રેસ માટે અવગણી ન શકાય તેવો સંકેત છે.

રાજસ્થાનમાં પણ વસુંધરા રાજેના વ્યક્તિત્વની મર્યાદાઓ અને તેમનામાં અલગઅલગ જ્ઞાતિજૂથોને સાંકળી અને સાચવી લેવા માટે આવશ્યક ઉદારતાના અભાવને કારણે જ પલડું કૉંગ્રેસ તરફ ઢળ્યું છે.

જે-જે રાજ્યોમાં મુખ્યમંત્રીના નામની ઘોષણા પ્રમુખ પ્રતિસ્પર્ધી પક્ષો દ્વારા ચૂંટણી પહેલાં જ કરી દેવામાં આવે છે, ત્યાં મતદારો માટે સ્પષ્ટ નિર્યણ લેવો સરળ થઈ જતો હોય છે.

મધ્ય પ્રદેશ કે રાજસ્થાનમાં કૉંગ્રેસ દ્વારા તેનાં સંભવિત નેતાનું નામ અઘોષિત રાખી કદાચ તેણે પોતાની સફળતાની સંભાવનાઓ માર્યાદિત કરી દીધી.

ઍન્ટિ-ઇન્ક્મબન્સીનાં મોજાં પર સવાર થઈ સત્તારૂઢ થઈ રહેલી કૉંગ્રેસ સરકારોને આ અપેક્ષાઓની પૂર્તિ કરવા માટે માત્ર નવું નેતૃત્વ જ નહીં પણ નવી રાજકીય દિશા અને નવી નીતિઓની પણ જરૂર રહેશે.

ઉત્તરનાં ત્રણેય રાજ્યોમાં બેરોજગારી, ખેડૂતોનો અસંતોષ, વ્યાપક ભ્રષ્ટાચાર અને ગુનાખોરી મતદારો માટે ચૂંટણીના પ્રમુખ મુદ્દા રહ્યા હતા.

આટલા લાંબા સમયના અંતરાલ પછી ત્રણ રાજ્યોમાં સરકારમાં પરત ફરતી જણાઈ રહેલી કૉંગ્રેસ માટે આ મોટો પડકાર છે.

સાથે જ તક એ છે કે ભાજપની રીતિનીતિઓથી જુદા જ એવા લોકાભિમુખ વહીવટનો એક નવો ચીલો એ શરૂ કરે.

2019 અને માયાવતી

પાંચમો મુદ્દો, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાજિત કરવા માટે અનિવાર્ય એવી વિપક્ષી એકતા માટે આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોથી જરૂરી પીઠિકા બંધાઈ છે.

રાષ્ટ્રવ્યાપી મહા-ગઠબંધન કરતાં પણ રાજ્ય-વાર, બેઠકો મુજબ સમુદાયોની વસ્તી અને સંભવિત ઉમેદવારોની લોકસ્વીકૃતિને ધ્યાનમાં રાખીને કરેલાં વિવિધ પક્ષોનાં નાનાંનાનાં કે મોટાં જોડાણો જ મોદી-શાહના વજનદાર રથને રોકવામાં કારગત નીવડી શકે.

માયાવતી અને તેમની બહુજન સમાજ પાર્ટીને ભાજપને જીતાડવા કે હરાવવાની બન્ને પ્રક્રિયામાં સાથે લીધા વિના નહીં ચાલી શકે એ વાત મનાવવા માટે જરૂરી એટલું સમર્થન તો તેમણે મધ્ય પ્રદેશ માં 4%, રાજસ્થાનમાં 4% અને છત્તીસગઢમાં 11% મતો દ્વારા મેળવી લીધું છે.

આવનારા સમયમાં, ખાસ તો ઉત્તર ભારતના રાજ્યો અને પંજાબમાં, લોકસભાની ચૂંટણીઓ માટે માયાવતીને નારાજ કરી કોંગ્રેસ માટે ઘણી બેઠકો પાતળી બહુમતીથી ગુમાવવી પરવડે તેમ નથી.

દક્ષિણ ભાજપ માટે દૂર

છઠ્ઠી વાત, દક્ષિણ ભારત ભાજપ માટે હજી ઘણું દૂર છે એ વાત ફરી એક વાર પ્રતિપાદિત થઈ ગઈ.

કે. ચંદ્રશેખર રાવે તેલંગણાની સ્થાપના માટે જે લાંબો સંઘર્ષ કર્યો તેની ઊંડી આણ હજી પણ આ નવાં રાજ્યની પ્રજા પર છે, એ પરિબળ તેલંગણા રાષ્ટ્ર સમિતિના અસામાન્ય પ્રદર્શનનું મુખ્ય કારણ જણાય છે.

જોકે, ચૂંટણી પંચની ભૂલને કારણે કુલ મતદારોના 8% જેટલા 22 લાખ લોકોનાં નામ મતદાર યાદીમાંથી જ રદ્દ થઈ ગયાં એ પણ આ અસામાન્ય પ્રદર્શનનું બીજું કારણ ગણી શકાય.

વળી, 11 લાખની વસ્તીવાળાં ઉત્તર-પૂર્વનાં નાનાં રાજ્ય મિઝોરમમાં ઝોક તેનાં પડોશી રાજ્યોની માફક ફરી પ્રાદેશિક પક્ષ અને સ્થાનિક નેતૃત્વ તરફ રહ્યો એ ઉત્તર-પૂર્વના રાજકારણની રાષ્ટ્રીય રાજકારણથી સદંતર જુદી તરાહ બતાવે છે.

પ્રજાને શું મળશે?

છેલ્લી, પણ સૌથી મહત્ત્વની વાત, આમ જનતા માટે છે. પ્રજા માટે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સરકારો બદલાશે તો સાથે શું શું બદલાશે.

મંત્રીઓ, અધિકારીઓ, કમિશનના અધ્યક્ષો અને બોર્ડના સભ્યો જરૂર બદલાશે. યોજનાઓનાં નામ પણ બદલાશે, પરંતુ કદાચ બીજું બધું બહુ ઓછું બદલાશે કે બદલી શકાશે.

વિવિધ સમાજ વૈજ્ઞાનિક સર્વેક્ષણોએ વારંવાર દર્શાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સરકાર પાસે સૌથી મોટી અપેક્ષા એ હોય છે કે તે રોજગારીની તકો, કૃષિ પેદાશોના વ્યાજબી ભાવ અને કૃષિક્ષેત્ર માટે સબસિડી અને ઋણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે.

એ જ રીતે, શહેરી વિસ્તારોમાં મતદાતા રોજગારીની તકો ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્યની સંસ્થાઓ, પર્યાપ્ત પાણી મળે તે માટેની વ્યવસ્થા, ભ્રષ્ટાચાર નાબુદી ઇત્યાદિ પણ સરકારો પાસે અપેક્ષિત રહેતાં હોય છે.

પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં આરૂઢ થનારી નવી સરકારો પાસે એવી કોઈ જાદુઈ છડી નથી કે જેનાથી તે રાતોરાત આ જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.

આવનારા મહિનાઓમાં નવાં નેતૃત્વએ ચીલાચાલુ ને ટૂંકા ગાળાનો સંતોષ આપતા નુસખાઓ ત્યજી મૂળગામી રીતે નીતિ-ઘડતર અને નીતિ-અમલીકરણ માટેની પદ્ધતિઓમાં ગુણાત્મક પરિવર્તન માટે ધ્યાન દેવું જરૂરી છે.

લોકશાહીમાં ચૂંટણીઓ એક સાધન હોય છે, નહીં કે સાધ્ય.

સરકારો જયારે પ્રજા-વિમુખ થાય ત્યારે તેને ફરી ઉત્તરદાયી બનાવવી એ લોકશાહી વ્યવસ્થામાં લોકોની ફરજનું એક મુખ્ય ઘટક છે.

ચૂંટણીઓની ધાંધલધમાલ બાદ હવે નવા ચૂંટાયલા વિધાન સભ્યો અને મંત્રીઓ પાસે પ્રામાણિકપણે કામ કરાવી શકે તેવાં લોકનિષ્ઠ સંગઠનો અને પહેલો તરફ નાગરિક સમાજે ચૂંટણીના અનુગામી સમયમાં ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો