You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિકને હટાવીને અલ્પેશ કથીરિયાને પાટીદાર આંદોલનના કૅપ્ટન કેમ બનાવાયા?
સાડા ત્રણ માસ સુધી જેલની સજા ભોગવ્યા બાદ શનિવારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કેદમાંથી બહાર આવ્યા હતા.
રવિવારે અલ્પેશ કથીરિયાના નેતૃત્વ હેઠળ સુરતમાં સંકલ્પ યાત્રા યોજાઈ અને અલ્પેશ કથીરિયાને પાટીદાર અનામત આંદોલનના નવા કૅપ્ટન જાહેર કર્યા.
હવે એવું ચર્ચાઈ રહ્યું છે કે નવા નેતૃત્વ સાથે ફરી એક વખત પાટીદાર અનામત આંદોલનમાં પ્રાણ ફૂંકાશે.
'એસપીજી પણ આંદોલનમાં પાસ સાથે'
અલ્પેશ કથીરિયા જેલમાંથી બહાર આવ્યા, ત્યારબાદ અન્ય પાટીદાર નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી હતી.
સરદાર પટેલ ગ્રૂપના કન્વીનર લાલજી પટેલે અલ્પેશ કથીરિયાના નેતૃત્વને આવકાર્યું હતું.
પત્રકારો સાથેની વાતચીતમાં લાલજી પટેલે કહ્યું, "અલ્પેશના નેતૃત્વમાં નિર્વિવાદિત અને બિનરાજકીય રીતે આંદોલન થાય તો એસપીજી પણ પાસ સાથે અનામત આંદોલનમાં જોડાશે."
લાલજી પટેલે ઉમેર્યું, "અલ્પેશનું નામ ખરડાયું નથી, છેલ્લાં ત્રણેક વર્ષથી ચાલી રહેલા આ આંદોલનમાં અલ્પેશ નિર્વિવાદિત ચહેરો રહ્યો છે."
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા હાર્દિક પટેલ સંકલ્પ યાત્રામાં હાજર રહ્યા હતા.
હાર્દિકે અલ્પેશ કથીરિયાને પાટીદાર અનામત આંદોલનના નવા નેતા ગણાવ્યા હતા.
તેમણે કહ્યું, "અનામત માટેની લડાઈ હવે મજબૂત બનશે, પાટીદાર સમાજના મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ આવે એ જરૂરી છે, આ આંદોલનનો નવો ચહેરો હવે અલ્પેશ હશે."
'હાર્દિક સક્રીય રાજનીતિમાં જોડાય એવા સંકેત'
પાટીદાર અનામત આંદોલન અત્યાર સુધી હાર્દિક પટેલના નેતૃત્વમાં ચાલી રહ્યું હતું, તો આ આંદોલનને નવા કૅપ્ટનની જરૂર કેમ પડી?
આ પ્રશ્નનો જવાબ આપતા વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે મૃતપ્રાય પાટીદાર આંદોલનને નવા ચહેરાની જરૂર હતી.
તેઓ કહે છે, "હાર્દિકે નવા ચહેરા તરીકે અલ્પેશને આગળ કર્યો, એનું એવું પણ સંકેત છે કે ચૂંટણી પહેલાં હાર્દિક સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પણ નોંધાવે."
પ્રો.ધોળકિયા ઉમેરે છે, "હાર્દિકના નેતૃત્વ સાથે સમાજના કેટલાક લોકોને વાંધો હતો. છેલ્લાં બે વર્ષમાં તેમની વિશ્વનિયતા પર પણ પ્રશ્નો સર્જાયા હતા."
વરિષ્ઠ પત્રકાર અજય નાયક આ વિશે કહે છે, "પાટીદાર અનામત આંદોલનના જે અત્યાર સુધીના નેતાઓથી સમાજને લાભ થયો નથી એવી એક લાગણી સમાજમાં છે. કદાચ એના કારણે જ નવો ચહેરો લાવવાની જરૂર પડી હોય."
નવા ચહેરાથી આંદોલનને લાભ થશે?
અલ્પેશ કથીરિયાના નેતૃત્વથી પાટીદાર અનામત આંદોલનને ફાયદો થશે, એવો મત હાર્દિક પટેલ અને લાલજી પટેલ પ્રગટ કરી રહ્યા છે.
આ વિશે વાત કરતા અજય નાયકે કહ્યું, "નેતા બદલવાથી કંઈ જ નહીં થાય, મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનમાં કોઈ ચહેરો નહોતો. એમ છતાં તેઓ સફળ થયા."
"નેતા બદલવા કરતાં તેઓ આંદોલનનો મૂળ મુદ્દો શું છે એના પર વિચાર કરે એ જરૂરી છે. સરકાર સાથે વાટાઘાટો કરે અને મરાઠાઓ માટે અનામત કઈ રીતે શક્ય બન્યું એ અંગે વિચાર કરે એ જરૂરી છે."
નવા ચહેરાની આંદોલન પર કેવી અસર થશે? એ પ્રશ્નના ઉત્તરમાં પ્રો.ધોળકિયા કહે છે, "નવા ચહેરાથી આંદોલનનો ચોક્કસ થોડો વેગ મળશે. કારણકે હાર્દિક પર ભાજપ જે રીતે સીધા આક્ષેપોથી પ્રહાર કરી શકતો હતો. એ હવે અલ્પેશ સામે કદાચ નહીં કરી શકે."
"પાટીદાર યુવાનોને પાટીદાર અનામત આંદોલનમાં જોડવા માટે પણ અલ્પેશનો નવો ચહેરો મદદરૂરપ થશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો