મરાઠાઓને અનામત, પણ અન્ય જાતિઓ પ્રત્યે દુર્લક્ષ ક્યાં સુધી?

    • લેેખક, દિલીપ મંડલ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

મહારાષ્ટ્ર કૅબિનેટ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાએ પણ મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવાની મંજૂરી આપી દીધી છે.

મહારાષ્ટ્રમાં આ પહેલાં એસસી-એસટી વિમુક્ત જનજાતિ અને પછાત જાતિઓ માટે 52 ટકા અનામત મળતી હતી.

હવે મરાઠા અનામતની સાથે વાત કરવામાં આવે તો સરકારી નોકરીઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 68 ટકા થઈ ગઈ છે. તામિલનાડુમાં પણ 69 ટકા અનામત છે.

મરાઠા અનામતની તરફેણ અને વિરોધમાં જોરદાર તર્ક રહેલો છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે તરફેણ વાળો રસ્તો પસંદ કર્યો છે. મરાઠા અનામતના જાણવા જેવા તર્ક.

- મરાઠા સમુદાય હિંદુ વર્ણ વ્યવસ્થામાં ના તો બ્રાહ્મણ છે, ના તો ક્ષત્રીય અને ના તો વૈશ્ય. મતલબ કે મરાઠા ચોથો વર્ણ છે, જે સામાજિક રૂપે પછાત સમુદાયમાં આવે છે. ઉપરના ત્રણેય વર્ગો મરાઠાઓને નીચલો વર્ગ માને છે.

- મરાઠા સમુદાય શૈક્ષણિક રીતે પછાત છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં આ સમુદાયને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું.

- સરકારી નોકરીઓ એમાં પણ ખાસ કરીને વર્ગ-1 અને વર્ગ-2ની નોકરીઓમાં મરાઠા સમુદાયમાં જરૂરિયાત મુજબનું પ્રતિનિધિત્વ નથી.

- વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રમાં મરાઠા સમુદાયનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે.

મરાઠા અનામત વિરુદ્ધના તર્ક

- મરાઠા સુમુદાય મહારાષ્ટ્રનો પ્રવાભશાળી વર્ગ છે. તેમના પૂર્વજો રાજા રહ્યા છે, તેથી તેમને કોઈ જાતિય ઉત્પીડન નથી સહન કરવું પડ્યું.

- મરાઠા જાતિ આર્થિક રીતે સમૃદ્ધ છે. તેમની પાસે જમીન છે અને રાજ્યની કૃષિ અર્થવ્યવસ્થા અને કો-ઑપરેટિવ ઇકૉનૉમી પર નિયંત્રણ છે.

- મરાઠા સમુદાયનું રાજનીતિમાં સારો દબદબો છે અને આ સમુદાયે ઘણા મુખ્ય મંત્રી આપ્યા છે. ગમે તે સરકારમાં આ સમુદાયના ઘણા મંત્રીઓ હોય છે.

- મરાઠા સમુદાયને અનામત આપવાથી કુલ અનામત 50 ટકાથી વધુ થાય છે, જે સુપ્રીમ કોર્ટના ઇંદિરા સાહની કેસના ચુકાદાની વિભાવનાથી વિરુદ્ધ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ સમર્થનમાં, કોણ વિરોધમાં?

રાજ્યના એસસી-એસટી અને ઓબીસી સમુદાયના લોકોની અનામત સુરક્ષિત છે એટલા માટે તેઓ મરાઠા અનામતનું સમર્થન પણ નહીં કરે અને વિરોધ પણ નહીં કરે.

બીજી તરફ, આ અનામતથી જનરલ એટલે કે ઓપન શ્રેણીની બેઠકો ઓછી થઈ જશે. હવે જે સમુદાય કોઈપણ પ્રકારની અનામતનો લાભ નથી મળી રહ્યો તેમની બેઠકો ઘટશે, જેથી તેઓ આ અનામતનો વિરોધ કરશે.

ઉલ્લેખનીય છે કે મરાઠા અનામત છેલ્લાં 20 વર્ષથી ચાલી રહેલી આર્થિક-રાજનૈતિક પ્રકિયાનો એક ભાગ છે. અમુક દાયકાઓથી દેશની અર્થવ્યવસ્થામાં કૃષિનો ભાગ સતત ઘટી રહ્યો છે મતલબ કે સમૃદ્ધિની દિશામાં કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયો છે.

હાલમાં દેશના જીડીપી (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોક્શન, કુલ ઘરેલું ઉત્પદાન) માં ખેતીનો ફાળો 17 ટકા છે, જ્યારે 50 ટકાથી વધુ આબાદી કૃષિ પર નિર્ભર છે.

જીડીપીનામાં ફાળો ઘટવાનો મતલબ છે કે ખેતી સાથે જાડાયેલા લોકો અન્યોની સરખામણીએ સતત ગરીબ બની રહ્યા છે.

એટલા માટે ખેતી પર નિર્ભર જાતિઓ આર્થિક રૂપે નબળી પડી રહી છે, જે એક સમયે મજબૂત હતી.

સામાન્ય રીતે શહેર અને ગામની અમીર વ્યક્તિ જમીનદાર નહીં, પરંતુ કોઈ દુકાનદાર, બિઝનેસમૅન, ડૉક્ટર, ક્રૉન્ટ્રેક્ટર, વકીલ, સરકારી અધિકારી અથવા કોચિંગ સેન્ટર ચલાવનારી હતી.

આ તમામનો મોભો ખેડૂતથી વધુ છે. સરકારી અધિકારી, બૅન્ક મૅનેજર, સાસંદ, ધારાસભ્ય આ બધાની સામે ખેડૂત પોતાની જાતને નીચો સમજે છે.

કોઈ નીચી જાતિની વ્યક્તિ ખેડૂતની જમીન ખરીદી લે છે અથવા તો કોઈ ઓબીસી (અધર બૅક્વર્ડ ક્લાસ) અથવા એસસી સમુદાયના અધિકારી ખેડૂતને પોતાની સામે ઊભો રાખી શકે છે અથવા તો આ સમુદાયના કોઈ જિલ્લા ન્યાયાધીશ ખેડૂતોના સંદર્ભે નિર્ણય કરે છે, જેથી તેમના અંહકારને ઠેસ પહોંચે છે.

તેમને સમજાય રહ્યું છે કે આર્થિક સમૃદ્ધિનો સૌથી મુખ્ય સ્રોત શિક્ષણ, સરકારી સંરક્ષણ, બૅન્ક લોન વગેરે છે. આ બાબતો હાંસલ કરવા તેઓ અનામતની માગ કરી રહ્યા છે.

આગામી દિવસોમાં દેશમાં પાટીદાર, જાટ અને કપૂ જેવા ખેડૂત સમુદાયોના અનામત આંદોલન વધતા જોવા મળી શકે છે. તેમાં રેડ્ડી અને કમ્મા (આંધ્ર પ્રદેશ અને તેલંગણાની ખેતી પર આધાર રાખતી જાતિઓ) જેવી જાતિઓ સામેલ થઈ શકે છે.

સરકારે આ આંદોલનોને લઈને વ્યવસ્થિત રણનીતિ ના બનાવી તો દેશમાં ઘણો હોબાળો મચી શકે છે. મરાઠાઓએ જેવી રીતે સરકારને અનામત માટે મજબૂર કરી તેવી રીતે અન્ય સમુદાયો પણ આંદોલનનો રસ્તો અપનાવી શકે છે.

અનામતની બંધારણીય વ્યવસ્થા

એસસી અને એસટીની અનામત બંધારણ લાગુ થયું ત્યારથી છે. તેમને વસતિની સરખામણીમાં અનામત આપવામાં આવી છે.

વિવાદ પછાત જાતિ કે વર્ગ અંગે છે. સંવિધાન સભામાં આને લઈને કોઈ તાલમેલ ના સાધી શકાયો એટલા માટે અનુચ્છેદ 340 મારફતે એ જોગવાઈ કરવામાં આવી છે કે એક આયોગ બનશે જે 'સામાજિક અને શૈક્ષણિક રૂપે પછાત વર્ગ'ની ઉન્નતિના ઉપાયો સૂચવશે.

આ જોગવાઈ અંતર્ગત પ્રથમ આયોગનું 1953માં ગઠન થયું, જેણે 1955માં પોતાનો રિપોર્ટ આપ્યો. તેમાં પછાત વર્ગને આલેખવાના ચાર માપદંડ હતા.

- શું આ જાતિને અન્ય લોકો સામાજિક રીતે પછાત માને છે?

- શું આ સમુદાયના મોટાભાગના લોકો શૈક્ષણિક રીતે પછાત છે?

- શું સરકારી નોકરીઓમાં આ સમુદાયનું પ્રતિનિધિત્વ ઓછું છે?

- શું વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગમાં આ સમુદાય પાછળ છે.

આ આધારે આયોગે 2399 જાતિઓની ઓળખ પછાત જાતિઓના રૂપે કરી, પરંતુ આ આયોગ પોત જ ભ્રમમાં હતું.

તેના રિપોર્ટમાં અનામતની ભલામણ કરવામાં આવી, પરંતુ રિપોર્ટ આપતી વખતે અધ્યક્ષ કાકા કાલેલકરે આર્થિક આધારે અનામતની વકીલાત કરી દીધી.

આ રિપોર્ટ હંમેશાં માટે અન્ય દસ્તાવેજો નીચે દબાઈ ગઈ, પરંતુ ગૃહ મંત્રાલયે રાજ્યોને કહી દીધું કે પોતાના રાજ્યની સ્થિતિને આધારે ઇચ્છે તો પછાત જાતિઓને અનામત આપી શકે છે.

રાજ્યોમાં પછાત વર્ગોને આપવામાં આવતી અનામત આ રીતે લાગુ કરવામાં આવે છે.

ત્યારબાદ 1978માં બીજું પછાત વર્ગ આયોગ બન્યું મતલબ કે મંડલ કમિશન. તેમાં પછાતપણાના આકલન માટે 11 માપદંડ નક્કી કરવામાં આવ્યા, જેનો વિસ્તૃત અહેવાલ તમે મંડલ કમિશનમાં વાંચી શકો છો.

આ માપદંડોમાં સામાજિક રીતે પછાત ગણાવું, શારીરિક શ્રમ પર નિર્ભરતા, નાની ઉંમરમાં લગ્ન, વર્કફોર્સમાં મહિલાઓની વધુ ભાગીદારી, બાળકોનું શાળાએ ન જવું, ડ્રોપઆઉટ રેટ, મેટ્રિક પાસ લોકોની સંખ્યા, પારિવારિક મિલકત, કાચું કે પાકું મકાન, પીવાના પાણીના સ્રોતનું ઘરથી અંતર અને કરજનો બોજ વગેરે સામેલ છે.

અનામતના વિવાદના મૂળમાં શું છે?

અનામતને લઈને તમામ વિવાદોના મૂળમાં તથ્યો અને આંકડાનો અભાવ છે. ઉદાહરણ તરીકે મરાઠા અનામતનો મુદ્દો છે કે મરાઠાઓનું કહેવું છે કે તેઓ શિક્ષણ, નોકરીઓ, વેપાર-ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં નથી.

જ્યારે બીજો પક્ષ કહી રહ્યો છે કે મરાઠા ખૂબ સમૃદ્ધ છે અને તેમને અનામત શા માટે મળવી જોઈએ?

ભારતમાં લગભગ 1931 બાદ જાતિઓના આંકડાઓ નથી. મરાઠા વસતિના આંકડાઓ પણ એક અનુમાન છે.

કાકા કાલેલકર આયોગ અને મંડલ કમિશન બન્નેએ ભલામણ કરી હતી કે આગામી વસતિ ગણતરી થાય તેમાં જાતિઓના આંકડા એકઠા કરવામાં આવે.

પરંતુ કોંગ્રેસ અને ભાજપની સરકારે વસતિ ગણતરીમાં જાતિના આંકડાઓને સામેલ કર્યા નહીં.

2011થી 2015 વચ્ચે એક અજીબ પ્રકારની આર્થિક-સામાજિક અને જાતિ આધારિત જનગણના થઈ, જેમાં 4893 કરોડ રૂપિયા ખર્ચ થયા, પરંતુ જાતિનો એક આંકડો પણ બહાર ના આવ્યો.

એટલા માટે અમુક જાતિઓ કાયદે કે ગેરકાયદે અનામતની માગણી કરી રહી છે. સરકાર એ કહેવાની સ્થિતિમાં નથી કે આંકડાના આધારે કઈ જાતિ પછાત છે અને કઈ નહીં.

શું આ વિવાદોને હંમેશાં સમાપ્ત કરવા માટે સરકાર 2021ની વસતિ ગણતરીમાં તમામ જાતિઓના આંકડાઓનું સંકલન કરશે?

હવે સરકારે નક્કી કરવાનું છે કે તેઓ જાતિના આંકડા ભેગા કરે અથવા તો જાતિઓને આંદોલનના માર્ગે ધકેલે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો