You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મરાઠાઓને અનામત આપતું બિલ મહારાષ્ટ્રની વિધાનસભામાં પસાર
મહારાષ્ટ્રની વિધાનસભામાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં 16 ટકા અનામત આપતું બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ વિધાનસભામાં આ બિલ રજૂ કર્યું હતું જેને વિરોધ પક્ષોએ પણ ટેકો આપ્યો હતો.
આ બિલને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલ વિધાનપરિષદમાં જશે.
આજ સવારથી સમગ્ર રાજ્યની આ બિલ પર નજર હતી જે વિધાનસભામાં રજૂ થવાનું હતું.
મરાઠાઓની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી.
જેમની ભલામણો સાથેનું બિલ આજે મુખ્ય મંત્રીએ 12 વાગ્યે વિધાનસભામાં રજૂ કર્યું હતું.
આ સમિતિના રિપોર્ટમાં મરાઠાઓને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગની અંદર અનામત આપવાની ભલામણ કરવામાં આવી છે.
રિપોર્ટમાં શું ભલામણો કરવામાં આવી?
- મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવો
- રાજ્ય સરકાર અને યુપીએસસીની નોકરીઓમાં તેમને 16 ટકા અનામત આપવી
- ખાનગી, સરકારી, સરકાર દ્વારા ફંડ પ્રાપ્ત કરતી સંસ્થાઓમાં તેમને અનામત આપવી. લઘુમતી સંસ્થાઓમાં તેમને અનામત નહીં મળે.
- મરાઠા સમાજને ઓબીસી કૅટેગરી અંતર્ગત અનામત આપવી નહીં.
- મરાઠા સમાજને કેન્દ્ર સરકારની નોકરીઓમાં આ આધારે નોકરીઓ મળી શકશે નહીં.
બિલ સર્વાનુમત્તે પસાર થયા બાદ મુખ્ય મંત્રીની ઑફિસ તરફથી આ મામલે ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટમાં લખ્યું હતું કે મરાઠા અનામત બિલને છત્રપતી શિવાજી મહારાજની જય વચ્ચે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.
મરાઠાઓ સાથે શું થયું હતું?
વર્ષ 2014માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને 16 ટકા અને મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરાઈ હતી.
જોકે, મરાઠાઓને અપાયેલી અનામતની વિરુદ્ધ ફેંસલો આપતા કોર્ટે સરકારનો આ નિર્ણય રદ્દ કરી દીધો હતો.
'મરાઠા ક્રાંતિ ઠોક મોર્ચા'એ ચીમકી આપી હતી કે 'જો મરાઠાઓને અનામત આપવાનમાં નહીં આવે તો 25 નવેમ્બરથી ફરીથી આંદોલન કરવામાં આવશે.'
બીબીસી સાથેની વાતચીતમાં સામાજિક કાર્યકર્તા વેંકટેશ પાટીલે મત વ્યક્ત કર્યો હતો, "મુખ્ય મંત્રીએ અનામતની જે જાહેરાત કરી તે ભ્રામક છે. કારણ કે બંધારણીય રીતે આવું કરવું શક્ય નથી."
તેઓ ઉમેરે છે, "બંધારણીય રીતે અનામત ક્વૉટામાં અલગથી કોઈ જોગવાઈ કરવી સંભવ નથી."
"મુખ્ય મંત્રીએ કહ્યું કે અન્ય જાતિઓને અનામતમાં કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખી મરાઠાઓને અનામત આપવામાં આવશે, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર 50 ટકાથી વધુ અનામત આપવી અસંભવ છે."
'50%થી વધુ અનામત નહીં'
ગુજરાતમાં પણ પાટીદાર સમુદાય છેલ્લા લાંબા સમયથી અનામતના મુદ્દે સરકાર સામે લડી રહ્યો છે. ત્યારે એ જોવાનું રહ્યું કે શું મરાઠાઓની જેમ પાટીદારો માટે પણ અનામતનો રસ્તો સાફ થઈ શકે કે કેમ?
ગુજરાતમાં ઊભા થયેલા પાટીદાર અનામત આંદોલનને પગલે રાજ્ય સરકારે આર્થિક આધાર પર સવર્ણોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં 10% સુધીની સુગમતા કરી આપી હતી.
જોકે, જાહેરાતના થોડા સમયમાં જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના આ નિર્ણયને ફગાવી દીધો હતો.
આ પાછળ 50 ટકાથી વધુ અનામત ના આપી શકાય એવા સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર બંધારણીય રીતે 50%થી વધુ અનામત આપી ના શકાય.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 50%થી વધુ અનામત ના આપી શકાય તો પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય?
આરક્ષણનો આધાર
ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.
એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે, જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.
તેમને મુખ્ય ધારામાં લાવવા માટે અનામત આપી શકાય છે.
સાથે જ જો સમાજનો એક ભાગ વિકાસમાં પાછળ રહી ગયો હોય, એના ઐતિહાસિક કારણ હોય અને તેની અસર માત્ર દેશના વિકાસ પર જ નહીં, પણ, લાંબા સમયે સમાજ પર પડે એમ હોય તો તેમને પણ અનામત માટે લાયક ગણી શકાય.
હવે સવાલ એ છે કે અનામત કઈ રીતે આપવામાં આવે છે?
આ માટે રાજ્ય સરકારને એક પછાત વર્ગ આયોગનું ગઠન કરવાનું હોય છે.
આયોગનું કામ સમાજના અલગ-અલગ સમુદાયની સામાજિક સ્થિતિનો અંદાજ મેળવવાનું હોય છે.
ઓબીસી પંચ આ જ આધાર પર સરકારને પોતાની ભલામણો રજૂ કરતું હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો