હાર્દિક કહે છે એ રીતે પાટીદારોને અનામત મળી શકે ખરી?

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં 'પાટીદાર અનામત આંદોલન'નો બીજો ભાગ શરૂ થવા જઈ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર હાર્દિક પટેલે બંધારણીય રીતે લાગુ કરી શકાય એ રીતે અનામત આપવાની વાત કરી છે.

હાર્દિકનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક આધારે સવર્ણોને જે અનામત આપવાની વાત કરાઈ રહી છે, તેને બંધારણીય રીતે પણ લાગુ કરાવવી જોઈએ.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું, ''અમને બંધારણીય રીતે લાગુ કરી શકાય એ રીતે અનામત આપી શકાય તેમ છે.

''પાટીદારોને શિક્ષણ અને રોજગારીમાં ફાયદો મળે એ માટે અમે અનામત માગી રહ્યા છીએ.''

25 ઑગસ્ટે આમરણાંત ઉપવાસ પર બેસવા જઈ રહેલા હાર્દિકે એવું પણ કહ્યું, ''લોકશાહીમાં લોકોની ભીડની કિંમત હોય છે અને એ સરકારની જવાબદારી બની રહે છે કે જ્યારે મોટી ભીડ બહાર નીકળે તો એના વિશે વિચારે''

હાર્દિકની આ માગે એવી ચર્ચા જગાવી છે કે પાટીદારોને બંધારણીય રીતે અનામત આપી શકાય કે કેમ?

'50%થી વધુ અનામત નહીં'

ગુજરાતમાં ઊભા થયેલા પાટીદાર અનામત આંદોલનને પગલે રાજ્ય સરકારે આર્થિક આધાર પર સવર્ણોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં 10% અનામત આપી હતી.

જોકે, જાહેરાતના થોડા સમયમાં જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના આ નિર્ણયને ફગાવી દીધો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પાછળ 50 ટકાથી વધુ અનામત ના આપી શકાય એવા સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર બંધારણીય રીતે 50%થી વધુ અનામત આપી ના શકાય.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 50%થી વધુ અનામત ના આપી શકાય તો પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય?

પાટીદારોને અનામત મળી શકે પણ...

આ અંગે બીબીસીએ વરિષ્ઠ કાયદાવિદ ગિરીશ પટેલ સાથે વાત કરી હતી.

તામિલનાડુ અને આંધ્રપ્રદેશના ઉદાહરણ ટાંકતા પટેલે સમજાવ્યું કે કઈ રીતે પાટીદારોને અનામત મળી શકે.

પટેલે કહ્યું, ''પાટીદારોને અનામત આપવાનો એક જ ઉપાય છે અને તે છે બંધારણમાં સુધારો.''

''ગુજરાત વિધાનસભામાં પાટીદાર અનામત અંગેનો ખરડો પસાર કરીને લોકસભામાં મોકલવાનો રહે.''

''વિધાનસભામાં પાસ કરાયેલો ખરડો બંધારણની 9મી અનુસૂચિ હેઠળ મૂકવાનો રહે."

"9મી અનુસૂચિ અંતર્ગત મુકાયેલા ખરડાને ખાસ રક્ષણ મળતું હોય છે, જેને પડકારી શકાય નહીં.''

જોકે, પટેલ એવું પણ જણાવે છે કે બંધારણની વિભાવનાનું ઉલ્લંઘન થતું હોય તો સુપ્રીમ કોર્ટ '9મી અનુસૂચિ હેઠળ રક્ષણ મળતું હોવા છતાં' મામલાને ચકાસી શકે છે.

આ સુધારો કઈ રીતે કરી શકાય?

બીબીસી ગુજરાતીએ આ મામલે સામાજિક કાર્યકર અને અનામત સંબંધિત કાયદાના અભ્યાસુ ચંદુ મહેરિયા સાથે વાત કરી.

આ અંગે જવાબ આપતા મહેરિયા જણાવે છે, ''હાલની બંધારણીય જોગવાઈ અનુસાર પાટીદારોને અનામત ના મળી શકે. પાટીદારને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવો પડે''

''પાટીદારોને અનામત આપવા અંગેનો ખરડો પસાર કરાયા બાદ તેને 9મી અધિસૂચિ અંતર્ગત મૂકવો પડે.''

''9મી અધિસૂચિ હેઠળ મુકાયેલા કાયદાના બંધારણ સમીક્ષા પરથી પર ગણવામાં આવે છે.''

9મી અનુસૂચી શું છે?

આઝાદી બાદ જ્યારે દેશમાં જમીનદારી પદ્ધતિના અંતનું અભિયાન ચલાવાયું, ત્યારે આ અભિયાનને દેશની અલગ અલગ કોર્ટમાં પડકારવામાં આવ્યું.

જેમાં બિહારમાં 'કામેશ્વરસિંહ વિરુદ્ધ બિહાર રાજ્ય'નો પ્રથમ કેસ 1951માં પટણા હાઈકોર્ટમાં નોંધાયો, જેમાં બિહાર લૅન્ડ રિફૉર્મ ઍક્ટ 1950ને પડકારવામાં આવ્યો.

કોર્ટે નોંધ્યું કે સંબંધિત કાયદા અંતર્ગત જમીનદારને અપાયેલું વળતર બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે.

કલમ 14 ભારતના સર્વ નાગરિકોને સમાન અધિકાર પ્રદાન કરે છે.

જમીનદારની તરફેણમાં અપાયેલા આ નિર્ણયને પગલે સરકારને બંધારણમાં 'અધિસૂચિ 9' અંતર્ગત સુધારો કરવો પડ્યો.

આ સુધારા અંતર્ગત જમીન સુધારણા કાર્યક્રમને કોર્ટના પડકાર સામે રક્ષણ પૂરું પાડવામાં આવ્યું.

સુધારામાં એવી જોગવાઈ કરાઈ કે અધિસૂચી 9 અંતર્ગત લાગુ કરાયેલા કાયદાને કોર્ટ સામે રક્ષણ મળી શકે છે.

આરક્ષણનો આધાર

ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.

એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.

તેમને મુખ્ય ધારામાં લાવવા માટે અનામત આપી શકાય છે.

સાથે જ જો સમાજનો એક ભાગ વિકાસમાં પાછળ રહી ગયો હોય, એના ઐતિહાસિક કારણ હોય અને તેની અસર માત્ર દેશના વિકાસ પર જ નહીં, પણ, લાંબા સમયે સમાજ પર પડે એમ હોય તો તેમને પણ અનામત માટે લાયક ગણી શકાય.

અનામત કઈ રીતે આપવામાં આવે?

આ માટે રાજ્ય સરકારને એક પછાત વર્ગ આયોગનું ગઠન કરવાનું હોય છે.

આયોગનું કામ સમાજના અલગ-અલગ સમુદાયની સામાજિક સ્થિતિનો અંદાજ મેળવવાનું હોય છે.

ઓબીસી પંચ આ જ આધાર પર સરકારને પોતાની ભલામણો રજૂ કરતું હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો