You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના પાટીદારોની જેમ ઝારખંડમાં અનામત માટે કુર્મીઓનું આંદોલન!
- લેેખક, નીરજ સિન્હા
- પદ, રાંચીથી, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં પાટીદારોએ કરેલા આંદોલનના પડઘા દેશભરમાં પડ્યા હતા. અનામતની માગ સાથે પાટીદારોએ આંદોલનની શરૂઆત કરી હતી.
જોકે, અત્યારસુધી ગુજરાતમાં પાટીદારોને તેમની માગણી પ્રમાણે હજુ સુધી અનામત મળી નથી.
પરંતુ આ જ પ્રકારનું આંદોલન હવે ઝારખંડમાં શરૂ થઈ રહ્યું છે. અહીંના કુર્મી સમાજની માગ છે કે તેમને આદિવાસીની સૂચિમાં સામેલ કરવામાં આવે.
આ મામલે કુર્મી વિકાસ મોર્ચા સહિત ઘણા સંગઠનોએ સોમવારે ઝારખંડ બંધનું એલાન આપ્યું હતું.
સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બંધને ઠીક ઠીક પ્રતિભાવ મળ્યો હતો.
બંધની વધુ અસર ઝારખંડનાં પાટનગર રાંચીમાં જોવા મળી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
આ પહેલાં જાન્યુઆરી મહિનામાં મોર્ચાના નેતૃત્વમાં નીકળેલી રેલીમાં કુર્મીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, કુર્મીઓની માગના વિરોધમાં આદિવાસી સંગઠન અને અન્ય સમુદાયો એકજૂટ થઈ રહ્યા છે.
ઝારખંડમાં કુર્મીઓ સિવાય તેલી જાતિના લોકો પણ તેમને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવા માટે પોતાની માગ ઉઠાવી રહ્યાં છે.
આંદોલન ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે અને નેતાઓ પણ હવે તેમાં સામેલ થવા લાગ્યા છે.
હાલમાં જ સત્તાધારી અને વિપક્ષ બંનેના 42 ધારાભ્યો અને 2 સાંસદોએ મુખ્યમંત્રીને એક પત્ર સોપીને કુર્મી સમાજને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માગ કરી હતી.
કુર્મી સમાજનો તર્ક શું છે?
ગુજરાતમાં પાટીદારોનો તર્ક હતો કે તેમને સરકારી નોકરીઓમાં જરૂરી પ્રતિનિધિત્વ મળતું નથી તેથી તેમને બંધારણમાં ફેરફાર કરીને અનામત આપવામાં આવે.
કુર્મી વિકાસ મોર્ચાના કેન્દ્રીય અધ્યક્ષ શીતલ ઓહદારનું કહેવું છે કે કુર્મી 1931 સુધી આદિવાસી સૂચીમાં સામેલ હતા જે બાદ તેમને આ સૂચિમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
હવે કુર્મીઓ તેમનો આ અધિકાર પરત માગી રહ્યા છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાની માગને લઈને રસ્તાઓ પર નીકળી હતી.
કુર્મી વિકાસ મોર્ચાના મીડિયા પ્રભારી ઓમ પ્રકાશ મહતો કહે છે કે સરકાર આ મુદ્દા પર ગંભીરતા દર્શાવે, નહીં તો આર્થિક નાકાબંધી કરવામાં આવશે અને રાજ્યનાં ખનિજો બહાર જતાં રોકી દેવામાં આવશે.
શું છે કુર્મીઓનું રાજકીય મહત્ત્વ?
ગુજરાતમાં પાટીદારો રાજકારણથી લઈને ધંધા-રોજગારમાં આગળ છે.
વર્ષોથી ગુજરાતની સરકારોમાં પણ પાટીદારોનું પ્રભુત્ત્વ રહેલું છે.
આજ રીતે ઝારખંડમાં કુર્મી સમાજની 16 ટકા વસતી છે અને રાજકીય તથા સામાજિક સ્તરે પણ તે તાકાતવર સમાજ છે.
જાણકારો માને છે કે એ મોટી વાત છે કે સત્તા અને વિપક્ષના નેતાઓ પણ કુર્મી સમાજના સમર્થનમાં અવાજ ઉઠાવવા લાગ્યા છે.
નેતાઓ હવે કુર્મી સમાજની રેલીઓમાં પણ સામેલ થવા લાગ્યા છે.
જોકે, કુર્મી વિકાસ મોર્ચના રામપોદો કહે છે કે રાજકીય પક્ષોએ તેમને છેતરવાનું જ કામ કર્યું છે એટલે તેઓ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે.
આદિવાસીઓનો વિરોધ
જોકે, જાન્યુઆરીમાં કુર્મીઓની રેલી બાદ આદિવાસી સંગઠનો પણ મેદાનમાં આવી ગયાં છે.
ગયા માર્ચ મહિનામાં આદિવાસી યુવા શક્તિ સંગઠન સહિત ઘણાં આદિવાસી સંગઠનોએ રાંચીમાં આક્રોશ રેલી કાઢી હતી.
તેમાં એક એવો સૂર જોવા મળ્યો હતો કે આ પ્રકારની કોઈ કોશિશ સફળ થવા દેવામાં આવશે નહીં.
આદિવાસી સંગઠનોના પ્રતિનિધિઓનું એ વાત પર જોર છે કે જનજાતિઓને મળેલી અનામત પર કુર્મીઓની નજર છે.
ઝારખંડમાં આદિવાસીઓ માટે વિધાનસભામાં 28 બેઠકો તથા લોકસભામાં 4 બેઠકો અનામત છે.
આદિવાસીઓને 26 ટકા અનામત આપવામાં આવી છે જ્યારે કુર્મીઓ પછાત વર્ગમાં સામેલ છે.
રેલીઓ પર રેલીઓ
અહીં 29 એપ્રિલના રોજ રાંચીમાં કુર્મીઓની મોટી સંખ્યામાં મળવાની તૈયારીઓ કરી રહ્યા છે.
તેમાં બધા પક્ષોના નેતાઓને સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ તૈયારીમાં સામેલ રાજારામ મહતો કહે છે કે હવે આ માગે જનઆંદોલનનું રૂપ ધારણ કરી લીધું છે.
જોકે, કુર્મીઓની સામે 32 આદિવાસી જાતિ રક્ષા સમન્વય સમિતિએ રાંચીમાં રેલી કરવાનું આહવાન કર્યું છે.
તેઓ કુર્મીઓની રેલી પહેલાં જ આ રેલી કરવા માગે છે.
ઝારખંડમાં હવે દરેક રાજકીય પક્ષો પોતાની રીતે આ મુદ્દાનો ચૂંટણીમાં ઉપયોગ કરે તો નવાઈ નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો