You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દલિતોનું આંદોલન ભાજપ માટે બની શકે છે ગળાની ફાંસ!
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
દેશે હાથમાં ખુલ્લી તલવારો લઈને એક ફિલ્મનો વિરોધ કરતા તોફાની તત્વોને જોયાં, હિંસક ગૌરક્ષકોને જોયા, જાટો દ્વારા તબાહી મચાવનારું આંદોલન જોયું અને બિહાર-બંગાળમાં રામનું નામ લઈને દુકાનો સળગાવી દેનારાના કારનામાં હજી તાજા જ છે.
બસ એક બાબત અત્યારસુધી ક્યાંય જોવા મળતી ન હતી, તે હતી કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની પોલીસની કર્તવ્યપરાયણતા, પોલીસે માનો કે પોતાની બધી જ શક્તિ દલિતોના 'ભારત બંધ' માટે બચાવીને રાખી હતી.
જે વીડિયો જોવા મળી રહ્યા છે તેમાં પોલીસ પોતાની તમામ શક્તિ વાપરીને દલિતો પર લાઠીઓ વરસાવી રહી છે.
જ્યારે કરણી સેના પોતાની જાતિવાદી આબરૂની રક્ષાના નામ પર ઉત્પાત કરી રહી હતી ત્યારે કાર્યવાહી તો દૂરની વાત, ભાજપ અને સરકારના પ્રવક્તા ઇતિહાસમાં રાજપૂતી વર્જનના પક્ષમાં ચર્ચાઓ કરી રહ્યા હતા.
તેમના મુખ્યમંત્રીઓ લોકતંત્ર અને બંધારણને તાક પર રાખીને 'પદ્માવત' પર પ્રતિબંધ મૂકવામાં તેમની આન-બાનની દુહાઈ આપી રહ્યા હતા.
દરેક વિરોધ પ્રદર્શન અલગ
દરેક પ્રદર્શન અને દરેક હિંસા જુદી જુદી હોય છે, તેમની નાની નાની વાતોમાં ગૂંચવાવાને બદલે માત્ર એક વાત પર ધ્યાન આપો કે સત્તા અને તેમની પોલીસ કાયદો-વ્યવસ્થા પણ અલગ અલગ મામલામાં, અલગ-અલગ રીતે લાગૂ કરે છે. વિચારો કે પેલેટગન માત્ર કશ્મીરમાં કેમ ચાલે છે?
આ જ્ઞાન આપવાનો નૈતિક અધિકાર સરકારી દમનનું સમર્થન કરનારા પાસે નથી કે હિંસા ખરાબ છે. લોકતંત્રમાં હિંસા ન થવી જોઈએ, કોઈએ પણ ના કરવી જોઈએ, તેના પર ચર્ચાનો અવકાશ જ ક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે લોકો સદીઓથી જાતિય તિરસ્કારથી પ્રેરિત આયોજિત અને નિરંતર હિંસાના શિકાર રહેલા એ દલિતોએ પણ હિંસાનો સહારો ના લેવો જોઈએ.
કોઈ અત્યારે દાવા સાથે નથી કહી શકતું કે હિંસા કેવી રીતે થઈ હતી, પરંતુ રિપોર્ટ એવું દર્શાવી રહ્યા છે કે અનેક સ્થળો પર હથિયારબંધ ટોળાં અને દલિતો વચ્ચે હિંસક ઝડપો થઈ તેમાં અનેક લોકો માર્યા ગયા.
દલિતો સાથે હિંસા
દલિતો સામે હિંસાની અત્યારસુધી જેટલી પણ ઘટનાઓ બની છે તેમાં કોણ સામેલ છે તે કોઈ રાઝ નથી.
જે લોકો સાથે આ દલિત પ્રદર્શનકારીઓની ટક્કર થઈ તેમની અંગે પૂરી જાણકારી મળવામાં સમય લાગશે. પરંતુ તે કોઈ ચોંકાવનારી જાણકારી નહીં હોય.
એ તથ્ય થે કે ગુજરાતના ઉનાથી લઈને સહારનપુર અને કોરેગાંવ ભીમા સુધી, જ્યાં પણ દલિતોની સાથે હિંસા થઈ છે તેમાં કોઈપણ અપવાદ વિના, 'હિંદુત્વના વીર સૈનિકો'નાં નામ આવ્યાં છે.
હિંસાના આરોપો દલિત પર પણ લાગશે અને સવર્ણો પર પણ, ઉતાવળમાં કંઈક ખોટું થશે પરંતુ એવું કહેવું કે દલિતોને રસ્તા પર હિંસા કરતા અત્યારસુધી દેશે જોયા નથી, આ મામલામાં પુરી જાણકારી આવવાની રાહ જુઓ.
એ વાતને નકારવી ખૂબ જ મુશ્કેલ હશે કે આ દેશમાં લાંબા સમયથી સંસ્થાગત સ્તર પર દલિતો સાથે બળજબરી થતી રહી છે અને તેનાં અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે.
શંકરબીઘા, લક્ષ્મણપુર, બાથે, વેળછી, ગોહાના, કુમ્હેર, મિર્ચપુર, ખેરલાંજી, ઘટકૌલી, ઘાટકોપર... બધા વારફરતી ગૂગલ કરો.
ચર્ચિત ભંવરી દેવી બળાત્કાર કેશમાં જજે એવું કહીને આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા કે "ઊંચી જાતિના લોકો દલિતોનો સ્પર્શ પણ નથી કરતા, તો બળાત્કાર તો શું કરશે."
છેલ્લા વર્ષે જૂનમાં રાણા પ્રતાપ જયંતી સહારનપુરમાં પ્રથમ વખત મનાવવામાં આવી.
દલિતોના ઘરો સળગાવી દેવામાં આવ્યાં અને દલિતોના નેતા ચંદ્રશેખર આઝાદને જામીન મળ્યા હોવા છતાં અને સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં પણ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અનુસાર લાંબા સમય સુધી જેલમાં બંધ રાખવામાં આવ્યા છે.
જાતિવાદ, અનામત અને સરકારની મૂંઝવણ
ભારતમાં જાતિવાદની ચર્ચા ખૂબ જ રસપ્રદ છે. જાતિવાદી તે વ્યક્તિને કહેવામાં આવે છે જે જાતિના આધાર પર થનારા ભેદભાવની વાત કરે, તેને રોકવાની કોશિશ કરે, પીડિતોને ન્યાય અપાવવાની વાત કરે.
જાતિવાદના વિરોધી એ હોય છે જે જાત-પાત જૂની-પૂરાણી વાતો છે, હવે ખતમ થઈ ગઈ છે એટલે અનામત હટાવી લેવી જોઈએ.
'દલિત પણ હિંદુ છે' કહેનારા, તેમને ઘરે ખાવાનું કરતબ દેખાડનારા, એ દિવસે આ વાત નથી કહેતા જે દિવસે દલિતોને મૂંછ રાખવા પર, મરેલી ગાયની ચામડી ઉતારવા પર અથવા ઘોડી પર બેસવા માટે મારી નાખવામાં આવે છે.
તેઓ જાણો છે કે દલિતો પર અન્યાયની વાત કરનારા જાતિવાદી હોય છે, તેમના પર અન્યાય કરનારા નહીં.
સોમવારે દલિતોના હાથમાં જે પોસ્ટર-બેનર હતાં તે દર્શાવતાં હતાં કે તેમની ચિંતા એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી ઘણી વધારે એ બંધારણને લઈને છે જેમાં તેમને અનામતનો અધિકાર આપવામાં આવ્યો છે.
મોહન ભાગવતથી લઈને સીપી ઠાકુર અને અનંત હેગડે સુધી, દરેક સ્તર પર સત્તાથી જોડાયેલા કેટલાય લોકો બંધારણ અને અનામતમાં ફેરફારની વાત કરી ચૂક્યા છે.
અનામત ભાવનાત્મક મુદ્દો
અનામત એક ભાવનાત્મક મુદ્દો છે તેમના માટે પણ જેમને તેના દ્વારા સમ્માનથી જીવી શકવાની આશા દેખાય છે. એમના માટે પણ જેઓ માને છે કે અનામત ના હોત તો તેમને સરકારી નોકરી મળી ગઈ હોત.
પોતાને વંચિત અને કમજોર સાબિત કરવા માટે પટેલો, જાટો અને ગૂર્જરોએ દેશમાં આક્રમક પ્રદર્શન કર્યાં હતાં પરંતુ સવર્ણોનો એક મોટો બેકાર વર્ગ પોતાનો ગુસ્સો માત્ર સોશિયલ મીડિયા પર જાહેર કરી રહ્યો છે.
રોજગારી આપવામાં સરકારની નિષ્ફળતા પર જે ગુસ્સો ભડકવાનો હતો, તે ગુસ્સો અત્યારે ઉગ્ર હિંદુત્વનાં નામ પર દેશના ઘણા હિસ્સાઓમાં જોવા મળી રહ્યો છે.
આ જ કારણ છે કે કરણી સેના, હિંદુ યુવા વાહિની અથવા હિંદુત્વ/રાષ્ટ્રવાદના નામે બાઇક લઈને રેલિયો કાઢનારા અને સરકાર વચ્ચે પરસ્પર સહમતિવાળું મૌન રહ્યું છે. આ એ જ યુવાનો છે જે ગ્રાઉન્ડ લેવલ પર હિંદુ ધ્રુવીકરણના પ્યાદાં છે.
દલિત સામે સવર્ણો જેવી સ્થિતિમાં ભાજપ શું કરશે?
આરએસએસ અને ભાજપ માટે આ એક મોટો પડકાર છે. તેમને સતત ચૂંટણી જીતવા માટે નવા મતદાતોઓ જોઈએ અને મુસલમાનોની જેમ દલિત ભાજપને અછૂત માનતા નથી એટલે તેમને ત્યાં પણ મોટી સંભાવના દેખાય છે.
પરંતુ જ્યારે તેમના જૂના વફાદાર-કટ્ટર સમર્થક-બ્રાહ્મણ, રાજપૂત અને કેટલીક સમૃદ્ધ ઓબીસી જ્ઞાતિઓ સામેલ છે-નવી ઉમ્મીદ સામે ટકરાશે તો ભાજપ આ હાલતને કઈ રીતે સંભાળશે?
આરએસસની સમરસતાની નીતિ એ છે કે યથાસ્થિતિ બની રહે. કટ્ટર સમર્થકની આશા જળવાઈ રહે કે અનામત હટી જશે અને નીચલી જ્ઞાતિઓને પૂજા-હવન-યજ્ઞ-સામૂહિક ભોજન વગેરેમાં સામેલ કરીને પ્રતિષ્ઠાનો આભાસ કરાવવામાં આવે જેથી જાતિઓથી દૂર હિંદુ એક ચૂંટણી માટેની તાકાત બની શકે.
બિહારની ચૂંટણીઓ પહેલાં મોહન ભાગવતે કહ્યું હતું કે અનામતની સમીક્ષા થવી જોઈએ, ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કહ્યું, "જીવ આપીને પણ અનામતની વ્યવસ્થા કાયમ રાખીશ."
જો દલિતો અને અનામત વિરોધી વચ્ચે આ ઘર્ષણ ચાલુ રહ્યું અથવા વધ્યું તો નરેન્દ્ર મોદી અને આરએસએસ માટે ખૂબ જ મોટી મુશ્કેલી હશે કે તેઓ કોની સાથે ઊભા રહેવા માગશે.
આ રીતે જોતા આ સરકારનો આ સૌથી મોટો પડકાર હશે. એ પણ એવા સમયમાં જ્યારે સપા-બસપા એકસાથે દેખાઈ રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો