પટેલોમાંથી કોણ મોદી સાથે અને કોણ હાર્દિક સાથે?

    • લેેખક, હિમાંશુ ભાયાણી
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનો જંગ તેના છેલ્લા પડાવ પર છે.

મતદાનને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે સૌની નજર પાટીદારો પર ટકેલી છે. કારણ કે પાટીદાર આ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેશે.

બીબીસી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર ભાવેશ શાહ કહે છે, "ગુજરાતમાં આશરે 4 કરોડ 35 લાખ મતદારોમાં 1 કરોડથી વધારે મતદાર પાટીદાર સમાજના છે."

"જે કોઈ પણ રાજ્યના જાતિ કે વર્ણ આધારિત મતદારોનું પ્રમાણ 22-23 ટકા છે."

કડવા અને લેઉઆ પટેલ

ગુજરાતનો પાટીદાર સમાજમાં બે પ્રકારના પટેલોનો બનેલો છે.

હાર્દિક ખુદ કડવા પટેલ છે અને લેઉઆ પટેલની સરખામણીમાં કડવા પટેલની સંખ્યા વધારે છે.

બંને પટેલોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ડેરીનો હોય છે.

કડવા પટેલ ઉત્તર ગુજરાતના મહેસાણા, અમદાવાદ, કડી-કલોલ અને વિસનગરમાં વસેલા છે.

તમને આ પણ વાંચવું ગમશે

જ્યારે લેઉઆ પટેલની વસ્તી સૌરાષ્ટ્ર-કચ્છમાં વધારે છે. તેઓ મુખ્યત્વે રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં વસે છે.

કડવા પટેલનાં કુળદેવી ઉમિયા માતા અને લેઉઆ પટેલનાં કુળદેવી ખોડિયાર માતા છે.

એટલે જો આ 1 કરોડ મતદારોને કડવા અને લેઉઆ પટેલમાં વહેંચી દઇએ તો કડવા પટેલ 60 ટકા અને લેઉઆ પટેલ 40 ટકા છે.

પટેલોનું રાજનીતિમાં મહત્ત્વ

ગુજરાત રાજ્યમાં છેલ્લાં 57 વર્ષમાં 16 મુખ્યમંત્રી બદલાઈ ચૂક્યા છે. જેમાં સાત વાર પટેલ જ્ઞાતિના મુખ્યમંત્રી ગાદી પર બેઠા છે.

1981માં બક્ષી કમિશનની ભલામણ પછી 1985માં પુનઃ સત્તા ધારણ કરતા માધવસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતની જોગવાઈ લાગુ કરી હતી.

સોલંકીનાં આ પગલાના કારણે આખા રાજ્યમાં ઉગ્ર આંદોલન અને હિંસક પ્રદર્શનો થયાં.

જેના કારણે 100થી વધુ લોકોનો મૃત્યુ થયા હતા. માધવસિંહ સોલંકીને 1985માં રાજીનામું આપવું પડ્યું હતું.

પટેલોના રાજકીય વર્ચસ્વને સોલંકીએ કેવી રીતે સમાપ્ત કર્યું એ જાણવું રસપ્રદ છે.

કેવી રીતે બદલાશે સમીકરણ?

ભાજપ સત્તામાં અત્યાર સુધી એટલે રહી કારણ કે એક કરોડથી વધારે મતદારોમાંથી 80-85 ટકા મત ભાજપને મળતા હતા. કોંગ્રેસને આમાંથી 15-20 ટકા વોટ મળતા હતા.

ભાવેશ શાહ કહે છે, "આ વખતે આ જ સમીકરણ બદલાવાનો ભય ભાજપને સતાવી રહ્યો છે."

2009ની ચૂંટણીથી જ પાટીદાર ભાજપથી દૂર થઈ રહ્યા હતા.

એ વખતના કદાવર પાટીદાર નેતા કેશુભાઈ પટેલની નારાજગીના કારણે પાટીદાર સમાજ ભાજપથી દૂર થઈ રહ્યાના અનુમાનો લાગી રહ્યા હતા.

અનામત આંદોલનની શરૂઆત

2009ની ચૂંટણીમાં પાટીદારોનો મૂડ ઓળખી ગયેલા સત્તાધારી લોકોએ ઓબીસી સમૂદાયને આગળ કર્યો.

આરએસએસના ગુજરાતના રાજકીય વિશ્લેષક કિરણ પટેલ કહે છે, "ઓબીસીની નાની નાની જાતિઓ જેવી કે સુથાર (મિસ્ત્રી), દરજી, વાળંદ, કડિયા (રાજગીર) વગેરેને ભાજપે 2009માં ટિકિટ આપી."

"આમ કરીને ભાજપે આ સમાજને તેમની તરફ કરી દીધો."

આ જ ફોર્મ્યુલા પર 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયાને તેમના પક્ષમાંથી દૂર કર્યા.

પરંતુ મોદીના ઓબીસી કાર્ડથી પાટીદાર સમાજ નારાજ થઈ ગયો અને આગળ જઈને અનામત આંદોલનની શરૂઆત થઈ.

આગળ શું?

અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓમાં લોકો દેખાઈ નથી રહ્યા અને 23 વર્ષના હાર્દિક પટેલની સભાઓમાં ભરપૂર ભીડ ઉમટી રહી છે.

એવામાં પટેલો કઈ દિશામાં જઈ રહ્યા છે?

એ સવાલનો જવાબ આપતા કિરણ પટેલ કહે છે, "કડવા અને લેઉઆ પટેલની ધાર્મિક આસ્થા અને સામાજીક સંસ્થા તરફથી જે દિશા સૂચન મળશે એની અસર ચૂંટણીનાં પરિણામો પર દેખાશે."

5 નવેમ્બર 2017એ હાર્દિક પટેલે એક ટ્વિટ કર્યું હતું. ગુજરાતમાં પાટીદાર સમાજની બે મુખ્ય સંસ્થા છે. ખોડલધામ (કાગવડ) અને ઉમિયાધામ (ઊંઝા) આ સંસ્થા અમારી તાકાત છે.

ધાર્મિક સંસ્થાઓનું દિશા-સૂચન

બીબીસીએ બંને સંસ્થાનોના પ્રમુખો સાથે વાત કરી.

ઊંઝા ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ વિક્રમ પટેલે કહ્યું, "અમારે રાજકીય પાર્ટીઓ સાથે કોઈ લેવા-દેવા નથી."

જોકે, વિક્રમ પટેલે કહ્યું કે પાટીદાર આંદોલન વખતે સરકાર અને અનામત સમિતિ વચ્ચે મધ્યસ્થતા કરાવવાનું કામ ઉમિયામાતા સંસ્થાને કર્યું હતું.

બીજી તરફ ખોડલધામ સંસ્થાના પ્રમુખ પરેશ ગજેરા માને છે કે 60 ટકા પટેલો ગરીબીમાં જીવે છે.

એમને શિક્ષણ અને વ્યવસાયમાં અનામત મળશે તો મદદ થશે.

ખોડલધામ સંસ્થા પર લેઉઆ પટેલોનું વર્ચસ્વ છે. સંસ્થાના પ્રમુખ અને ચેરમેન સાથે હાર્દિકે 30 સપ્ટેમ્બરના રોજ 15 મિનિટ મુલાકાત કરી હતા.

શુ ગુજરાતને મળશે મજબૂત વિપક્ષ?

બીબીસી સાથે વાત કરતા ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છના રાજુ ધ્રુવે કહ્યું, "પટેલો પાસે જમીન તો હતી પરંતુ એમનાં ખેતરો સુધી પાણી નરેન્દ્રભાઈ અને વિજયભાઈએ પહોંચાડ્યું છે."

"એ વાત પાટીદાર સ્પષ્ટ રીતે જાણે છે. પાટીદાર સમાજ ભાજપની સાથે હતો અને હંમેશા રહેશે એમાં કોઈ શક નથી."

વરિષ્ઠ પત્રકાર ભાવેશ શાહ કહે છે, "હાર્દિક 80-85 ટકા મતોને ઉપર-તળે કરવાની ફિરાકમાં છે."

હાર્દિક કડવા પટેલ છે એટલે તેમને કડવા પટેલોનું સમર્થન છે.

ભાવેશ કહે છે, "જો આ આંકડો 50-50 ટકા અથવા 40-60 ટકા થઈ ગયો તો કોંગ્રેસના મતોમાં વધારો થઈ જશે."

"એ પછી કોંગ્રેસ સત્તામાં આવે કે ના આવે ગુજરાતને એક મજબૂત વિપક્ષ જરૂર મળશે જે ભાજપને વિધાનસભામાં બેસી પડકાર આપી શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો