હાર્દિક પટેલની સભાઓ કેમ નવનિર્માણ આંદોલનની યાદ અપાવે છે?

    • લેેખક, પ્રશાંત દયાળ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

5 જાન્યુઆરી, 1974નો દિવસ હતો. અમદાવાદની એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજની હોસ્ટેલમાં કોલેજ સ્ટુડન્ટ્સ તેમનાં મેસ બીલમાં માસિક માત્ર પાંચ રૂપિયાનો વધારો થયો તેના કારણે ચિંતીત હતા.

તેમને લાગી રહ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધ્યો છે. તેના કારણે એક એક ગુજરાતી સહિત તેઓ પણ તેની કિંમત ચૂકવી રહ્યા છે.

તેમને લાગ્યું કે ચૂપ રહેવાથી ચાલશે નહીં. અન્યાય સામે બંડ પોકારવું પડશે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીમનભાઈ પટેલ હતા અને કોંગ્રેસની સરકાર હતી.

તમને આ પણ વાંચવું ગમશે

9 જાન્યુઆરી, 1974ના રોજ ઉમાકાન્ત માંકડ, મનિષી જાની, નરહરિ અમીન, રાજકુમાર ગુપ્તા અને નિરૂપમ નાણાવટી સહિત અનેક યુવાનોએ ભેગા થઈ નવનિર્માણ સમિતિની રચના કરી અને ગુજરાતમાં એક જનઆંદોલનનો પવન ફૂંકાયો હતો.

હજારો-લાખો યુવકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા. જાણે ગુજરાતમાં માનવદરિયો ઊભરાયો હોય તેવાં દૃશ્યો હતાં.

ચીમનભાઈ પટેલે તેમની સામે શરૂ થયેલાં આંદોલનને કચડી નાખવા માટે પોલીસને છૂટો દોર આપ્યો અને પોલીસ પણ યુવાન આંદોલનકારીઓ સામે તૂટી પડી હતી.

લાઠી અને બંદુકો ચાલવા લાગી અને એક મહિનામાં ગુજરાતમાં પોલીસ ગોળીબારમાં 117 યુવકો માર્યા ગયા હતા.

આમ છતાં નવનિર્માણ આંદોલન રોકાવાનું નામ નહોતું લેતું. બરાબર એક મહિના બાદ ચીમનભાઈ પટેલ આંદોલનકારીઓ સામે શરણે આવ્યા અને 9 ફેબ્રુઆરી 1974ના રોજ તેમને રાજીનામું ધરી દીધું.

નવનિર્માણ આંદોલનકારી રહેલા ઉમાકાન્ત માંકડે બીબીસી ગુજરાતી સાથે જૂના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, અમારું આંદોલન ચીમનભાઈ પટેલ સામે નહોતું.

અમારું આંદોલન ગુજરાત સરકાર અને તેના વહીવટીતંત્ર સામે હતું. અમે માની રહ્યા હતા કે અમારી સ્થિતિ માટે ગુજરાતના તત્કાલીન ધારાસભ્યો જવાબદાર છે.

તેના કારણે ચીમનભાઈ પટેલનાં રાજીનામા પછી પણ અમારું આંદોલન ચાલુ હતું અને 14 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું.

1974નાં નવનિર્માણ આંદોલન પછી ગુજરાતમાં કોઈ જનઆંદોલન થયું નથી.

નવનિર્માણ આંદોલનના તેંતાળીસ વર્ષ બાદ 2015માં ઉત્તર ગુજરાતના વિસનગરમાં કેટલાક યુવાનોએ એક રેલી કાઢવાનું આયોજન કર્યુ હતું.

તેઓ માની રહ્યા હતા કે તેમને અનામતનો લાભ મળતો નથી. માટે તેમનો વિકાસ થતો નથી. આ તમામ યુવાનો પટેલ જ્ઞાતિના હતા.

પહેલા તો આ યુવા રેલીની પટેલ જ્ઞાતિએ પણ ખાસ નોંધ લીધી નહીં. ગુજરાતની ભાજપ સરકારે પણ માની લીધું કે યુવાનોનો ગુસ્સો નીકળી જશે એટલે બધું શાંત થઈ જશે. પણ તેવું થયું નહી.

વિસનગર પછી મહેસાણા, કડી, પાલનપુર જેવાં શહેરોમાં આ અને આવા યુવાનોની રેલી નીકળવા લાગી. ધીરે ધીરે ગુજરાતના નાનાં મોટાં અનેક શહેરોમાં આવી રેલીની શરૂઆત થઈ.

પાટીદારોને અનામતનો લાભ મળવો જોઈએ તેવી માગણી કરનાર 21 વર્ષનો હાર્દિક પટેલ નામનો યુવાન હતો.

અમદાવાદની પાસે આવેલા વિરમગામનો વતની એવો આ નાનકડો છોકરો શું કરી શકે તેની રાજય સરકારને કલ્પના નહોતી.

25મી ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પહેલી રાજ્યવ્યાપી સભા બોલાવવામાં આવી.

સભામાં એકઠી થયેલી ભીડ જોઈ સરકાર હચમચી ગઈ. દસ લાખ પાટીદારો આ સભામાં આવ્યા હતા.

પહેલાં પાટીદારોના નામે શરૂ થયેલાં આ આંદોલનનો નેતા અને હીરો હાર્દિક પટેલ હતો.

જોકે, ત્યાર બાદ રાજદ્રોહના આરોપ તળે નવ મહિના તે જેલમાં ગયો અને જેલમાંથી બહાર આવ્યા બાદ આ યુવા નેતાને સમજાઈ ગયું કે કોમના નેતા થવા કરતા રાજયના નેતા થવું બહેતર છે.

હાર્દિકે 2017માં પોતાની માગણી અને ભાષામાં સુધારો કર્યો. તેણે કહ્યું ગુજરાતનો યુવાન બેકાર છે, ગુજરાતનો ખેડૂત લાચાર છે, ગુજરાતનો વેપારી દુઃખી છે અને ગુજરાતી મહિલા ત્રસ્ત છે.

પછી તે કોઈ પણ જ્ઞાતિની હોય. આમ હાર્દિકે તમામ વર્ગની વાત શરૂ કરી.

તેના કારણે માહોલ બદલાયો અને ગુજરાત અને દેશના પ્રખર વક્તા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર મારે તેવું ભાષણ હાર્દિક કરવા લાગ્યો.

નવનિર્માણ આંદોલનનું કવરેજ કરનાર સિનિયર પત્રકાર કાંતિ પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે 1974 પછી આટલી મોટી સંખ્યામાં કોઈ નેતાનાં ભાષણ સાંભળવા માટે રસ્તા ઉપર ગુજરાતીઓ ઊતરી આવતા હોય તેવી આ પહેલી ઘટના છે.

તેમણે કહ્યું કે નવનિર્માણ આંદોલનમાં અનેક નેતાઓ હતા. જ્યારે હમણાં હાર્દિક એક માત્ર નેતા છે.

છતાં તેની સભા અને રેલીમાં લાખો લોકો આવે છે તે વાતને નકારી શકાય નહીં. આવું ગુજરાતનાં આંદોલનોના ઈતિહાસમાં 1974 પછી પહેલી વખત થઈ રહ્યું છે. તેંતાળીસ વર્ષ પછી પહેલીવાર.

ભાજપ સરકારને પાડી દો તેવી ભાષામાં ભાષણ કરતા હાર્દિકને જોવા અને સાંભળવા ગુજરાતનાં તમામ શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

હાર્દિક હાલમાં નરેન્દ્ર મોદી કરતા વધુ ભીડ એકત્રિત કરે છે. નવનિર્માણ આંદોલનકારી ઉમાંકાન્ત માંકડે બીબીસીને કહ્યું કે હાર્દિક પટેલનું આંદોલન સંપૂર્ણ રીતે જનઆંદોલનમાં રૂપાંતરિત થયું નથી.

પણ 18મી ડિસેમ્બરે નવી સરકાર આવે અને તે જો કોંગ્રેસની હશે તો કોંગ્રેસે બહુ જલદી હાર્દિક પટેલ જેવા યુવાનો સાથે બેસી પ્રશ્નનું નિરાકરણ લાવવું પડશે.

નહીં તો હાર્દિકનું આંદોલન સંપૂર્ણ રીતે ગુજરાતનું આંદોલન થઈ જશે તેમાં મને કોઈ શંકા નથી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો