You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Hijab Controversy : હિજાબ, નકાબ અને બુરખામાં તફાવત શું છે?
કર્ણાટક હાઈકોર્ટે હિજાબ સંદર્ભે ચુકાદો આપ્યો, જેમાં ઠેરવવામાં આવ્યું કે હિજાબ ઇસ્લામનું અભિન્ન અંગ નથી અને એટલે જ તે અનિવાર્ય નથી.
કૉંગ્રેસના સંસદસભ્ય ડી. કે. સુરેશે કહ્યું હતું કે બંધારણમાં ધર્મના અનુસરણ માટે છૂટ છે, ત્યારે હાઈકોર્ટે આવો ચુકાદો કેમ આપ્યો તે સમજાતું નથી. ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મ અને તેની પ્રણાલીનું પાલન કરવાનો તથા તેના પ્રચારનો અધિકાર છે.
નોંધનીય છે કે ડૅનમાર્ક, ફ્રાન્સ અને બેલ્જિયમ સહિત અનેક યુરોપિયન અને પશ્ચિમી દેશોમાં હિજાબ કે બુરખા જેવાં વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ભારત સહિત વિશ્વભરમાં મહિલાઓ દ્વારા ચહેરા તથા શરીરને ઢાંકવા માટે અલગ-અલગ વસ્ત્રો પહેરવામાં આવે છે, જે હિજાબ, નકાબ, બુરખા જેવાં નામોથી ઓળખાય છે.
કેટલીક મહિલાઓ દ્વારા માથું તથા વાળને ઢાંકવા માટે સ્કાર્ફ પહેરવામાં આવે છે. જ્યારે કેટલીક મહિલાઓ દ્વારા ચહેરાને ઢાંકવા માટે નકાબ કે બુરખો પહેરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા તથા મર્યાદાના પ્રતીકરૂપે લોકો દ્વારા માથું ઢાંકવામાં આવે છે. જાણો આવા જ કેટલાક સ્કાર્ફ અને ઉપવસ્ત્રો વિશે.
હિજાબ
હિજાબનો મતલબ ઢાંકવું એવો થાય છે. જોકે, મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા હેડસ્કાર્ફને પણ હિજાબ તરીકે ઓળખવામાં આવે છે.
આ સ્કાર્ફ અલગ-અલગ સ્ટાઇલ કે આકારના હોય છે. મોટાભાગે પ્રચલિત હિજાબમાં માથું ઢંકાય છે પરંતુ ચહેરો સ્પષ્ટ દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નકાબ
તેમાં મહિલાનો ચહેરો ઢંકાય છે, પરંતુ તેની આંખો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેને હેડસ્કાર્ફ સાથે કે અલગથી પણ પહેરવામાં આવે છે.
બુરખો
બુરખામાં મહિલા સૌથી વધુ ઢંકાય રહે છે. તે સિંગલ પીસ હોય છે અને તેમાં ચહેરો તથા શરીર ઢંકાય છે. તેમાં આંખો સ્પષ્ટ રીતે દેખાતી નથી.
અલ-અમીર
તે ટુ-પીસ પડદો છે. તેમાં એક ટોપી હોય છે, જે કોટન કે પૉલિયેસ્ટરની બનેલી હોય છે. તેની સાથે ટ્યૂબ જેવો સ્કાર્ફ હોય છે.
શાયલા
સ્કાર્ફનો આ પ્રકાર ખાડી દેશોમાં વ્યાપક રીતે પ્રચલિત છે. તેમાં લંબચોરસ સ્કાર્ફની મદદથી માથું ઢાંકવામાં આવે છે. બાદમાં તેને ખભ્ભા પર પીન કરી દેવામાં આવે છે. ક્યારેક હૂકનો પણ ઉપયોગ થાય છે.
ખીમાર
આ પ્રકારનો પડદો લાંબો અને ટોપી જેવો હોય છે. તેનાથી વાળ, ગરદન અને ખભ્ભો સંપૂર્ણપણે ઢંકાય જાય છે, તે કમરસુધીનો જ હોય છે અને ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
ચદોર
આ પ્રકારનો પડદો મહદઅંશે ઈરાનની મહિલાઓ દ્વારા ઘરની બહાર નીકળતી વખતે પહેરવામાં આવે છે. તે સમગ્ર શરીરને ઢાંકે છે. તેની સાથે નાનકડો હેડસ્કાર્ફ પણ પહેરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો