હિજાબ વિવાદ : ઇસ્લામમાં હિજાબની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?

    • લેેખક, સમીના શેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

કર્ણાટકની એક કૉલેજથી શરૂ થયેલો હિજાબનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, કોર્ટે હિજાબ પરનો પ્રતિબંધ યથાવત્ રાખ્યો છે અને પ્રતિબંધને પડકારતી અરજીને ખારિજ કરી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે ઇસ્લામમાં હિજાબ અનિવાર્ય નથી.

ગયા મહિને કર્ણાટકના ઉડુપીની એક કૉલેજે મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરીને કૅમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

જોતજોતામાં હિજાબ પહેરેલાં વિદ્યાર્થિની સામે બીજા જૂથે કેસરી શાલ પહેરીને કૉલેજમાં આવતી વિદ્યાર્થિનીઓનો વિરોધ કરવાનું શરૂ કર્યું. બાદમાં હિજાબનો વિવાદ ભારત અને વિશ્વમાં ચર્ચાયો હતો.

પરંતુ આ વિવાદથી ફરી એ ચર્ચાએ જોર પકડ્યું છે કે મુસલમાન સ્ત્રીઓ બુરખો શા માટે પહેરે છે. શું બુરખો તેમની પસંદ છે કે પછી એક પિતૃસત્તાક સમાજની નિશાની?

ઇસ્લામમાં બુરખાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ હતી.

મુસલમાન મહિલાઓ હિજાબ શા માટે પહેરે છે?

કુરાનને ટાંકતાં જાણકારો કહે છે કે ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનમાં મહિલાઓ અને પુરુષ બંનેના નમ્રતાપૂર્વકનાં પોશાકો વિશે વર્ણન કરેલું છે, જેને સત્ર કહે છે.

પુરુષો માટે નાભિથી ઘૂંટણ સુધીનું શરીર અને મહિલાઓને ચહેરો હાથપગ સિવાયના શરીરને ઢાંકવાની વાત કહેલી છે, એ પણ ત્યારે જ્યારે કે તેઓ કોઈ અજાણી કે સંબંધી ના હોય તેવી વ્યક્તિની હાજરીમાં ઊભા હોય.

તેમના મહેરમ સિવાય કોઈ પુરુષની હાજરી હોય તો દર્શાવેલા સત્ર ઢાંકવાનો હુકમ છે. શરીરને ઢાંકવા બાબતેની સમજણ અંગે અલગ-અલગ મતો રહેલા છે.

વરિષ્ઠ પત્રકાર અને લેખક ઝીયા ઉસ સલામ સાથે બીબીસીની વાત થઈ તે પ્રમાણે, "મુસલમાન મહિલાઓનું બુરખો પહેરવા પાછળનું સૌથી મુખ્ય કારણ છે કે તે અનિચ્છનીય મેલ ગેઝથી પોતાને બચાવવા માગે છે, કુરાનમાં બુરખાનો ઉલ્લેખ ક્યાંય નથી, પરંતુ મહિલાના ફિગરને હાઇલાઇટ કરતા જો કપડાં હોય તો તેને શાલ કે ઢીલા કપડા વડે કવર કરવું, જેથી પુરુષો તેમને તાકીને ના જુએ. આ ઉલ્લેખ કરતા પહેલાં કુરાનમાં પુરુષોને તેમની નજર નીચે રાખીને ચાલવાનું ફરમાન છે."

તેમજ ઝીયા ઉસ સલામ કહે છે કે, "સૂર-એ-નૂર અને સૂર-એ-અહઝદમાં લખ્યું છે તે પ્રમાણે સત્ર ઢાંકવું તે પુરુષ અને મહિલા બંને માટે હતું, પરંતુ આજે મુસ્લિમ પુરુષો બિન્દાસ શૉર્ટ્સમાં સ્પૉર્ટ્સ રમતા દેખાય છે, કારણ કે કોઈ પણ ધર્મ એ પિતૃસત્તાક ધર્મ પહેલા છે."

" અને પુરુષો પોતાની મરજી પ્રમાણે તેને બદલતા આવ્યા છે. જો બુરખો પહેરવો મહિલાની સ્વતંત્ર ચોઇસ છે તો તેનો આદર કરવો જોઈએ."

ત્યારે કેરળ વિશ્વવિદ્યાલયના ઇસ્લામી ઇતિહાસના પ્રોફેસર અશરફ કદક્કલે બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું કે, "ઇસ્લામી વિધિશાસ્ત્રના બધા ચાર સ્કૂલ્સ- સફી, હનફી, હનબલી અને મલિકીમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે મહિલાઓ વાળને ખાસ કરીને મહેરમ સિવાયના પુરુષો સામે ઢાંકવા જોઈએ. આ રીતે આ ઇસ્લામનો અતૂટ ભાગ છે."

તેમણે કહ્યું કે, ''એટલે સુધી કે ઇસ્લામી કાયદાનો આધાર- કુરાન ( પવિત્ર પુસ્તક), હદીસ (પયગંબર મોહમ્મહની રવાયતો અને અમલ), ઇઝ્મા (સહમતી) અને કયાસ (કોઈના જેવું)- માં ઉલ્લેખ છે કે વાળ ઢાંકવા જોઈએ.''

પ્રોફેસર અશરફ કહે છે, "હદીસમાં આ અનિવાર્ય જણાવાયું છે. કુરાનમાં કેટલીક આયતો છે જે મહિલાઓ માટે આને અનિવાર્ય ગણાવે છે, ખાસ કરીને મોહમ્મદનાં પત્નીઓ અને પુત્રીઓ માટે, કે તેમણે પોતાની નજર નીચી રાખવી અને માથું સ્કાર્ફથી ઢાંકવું. સ્કાર્ફનો કુરાનમાં ઉલ્લેખ છે. કાયદાકીય બાબતોમાં ઇસ્લામી સોર્સ પણ આને ધર્મનો અતૂટ ભાગ ગણાવે છે."

પ્રોફેસર અશરફનું કહેવું છે કે આ નિર્દેશથી સ્પષ્ટ થાય છે કે "આ માત્ર સ્કાર્ફ છે. આ ચાદર કે નકાબ નથી. ચહેરો ઢાંકવાની વાત ચોક્કસપણે ન કહી શકાય પરંતુ વાળ ઢાંકવું એ ધર્મનો અગત્યનો ભાગ છે."

આ અંગે બીબીસી સાથે વાત કરતા જામિયા મિલ્લિયામાં ઇસ્લામિક સ્ટડીઝના પ્રોફેસર એમિરેટ્સ અખ્તરુલ વાસેએ કહ્યું કે, "આ હિંદુ ધર્મ કે શીખ ધર્મની મહિલાઓ પહેરે છે તેના કરતાં અલગ નથી, જ્યાં માથાને ઘૂંઘટ અથવા દુપટ્ટાથી ઢાંકવામાં આવે છે. ઇસ્લામી કાયદા હેઠળ સલવાર, કમીઝ (અથવા જંપર)ની સાથે દુપટ્ટો જરૂરી છે જે છાતી અને માથાને ઢાંકે."

તો ઇતિહાસકાર લેસ્લી હેઝલટનના પુસ્તક 'આફ્ટર ધ પ્રોફેટ-ધ એપિક સ્ટોરી ઑફ શિયા સુન્ની સ્પ્લિટ'માં લખ્યા પ્રમાણે, પણ જ્યારે મોહમ્મદનાં પત્નીઓ માટે પડદો ફરજિયાત કરી દેવાયો તો સમાજમાં તેને એક પ્રતીકરૂપે લોકોએ જોવાનું શરૂ કર્યું. અને ઉચ્ચ ખાનદાનનાં તથા સમૃદ્ધ મહિલાઓએ તેનો ઉપયોગ શરૂ કર્યો. જેમજેમ સમય વીતતો ગયો તેમ ઇસ્લામના પુરુષ રૂઢિવાદીઓ એ વાત પર સહમત થયા કે સર્વત્ર મહિલાઓ માટે પડદો અનિવાર્ય હોવો જોઈએ.

બુરખાની ઇસ્લામમાં શરૂઆત ક્યારે થઈ?

લેસ્લી હેઝલટનના પુસ્તક 'આફ્ટર ધ પ્રૉફેટ-ધ એપિક સ્ટોરી ઑફ શિયા સુન્ની સ્પ્લિટ'માં લખાયું છે તે પ્રમાણે, 'નકાબનો ઉદ્ભવ મોહમ્મદનાં ત્રીજા અને સૌથી યુવા પત્ની આયેશા સાથે અને મોહમ્મદે તેમને લગ્ન સમયે આપેલા એક હાર સાથે જોડાયેલો છે.

આ વાત છે સાતમી સદીની.

લેસ્લી હેઝલટન પ્રમાણે, "સાઉદી અરેબિયાના અસંખ્ય નાના કબીલાઓને ઇસ્લામના એક પરચમ હેઠળ લાવવા માટે મોહમ્મદ મદીનાના સમુદાયોમાં મુસાફરી કરતા હતા. તે વખતે રણપ્રદેશમાંથી પસાર થનારા તેમના કાફલા સાથે કોઈ એક પત્નીને જ સાથે લઈ જઈ શકાય તેમ હતું. આયેશા તેમનાં પ્રિય પત્ની પણ હતાં અને ટીનેજર આયેશાને મુસાફરી કરવાનો એક અલગ રોમાંચ હતો."

"તેઓ સાથે જવા તૈયાર થયાં. કાફલો રસ્તામાં કૅમ્પમાં રાતવાસો કરતો જતો હતો. તેમની મુસાફરીના છેલ્લા તબક્કામાં સવારે જ્યારે કાફલો નીકળવાનો હતો ત્યારે અમુક મીટર દૂર ઝાડીઓમાં આયેશા હાજતે ગયાં."

"પાછા ફરતી વખતે તેમનો હાથ ગળા પર ગયો અને જોયું તો મોહમ્મદનો ભેટમાં આપેલો તેમનો પ્રિય હાર ગાયબ હતો. તેઓ પાછાં પગલે ગયાં અને ખાસ્સો સમય લઈને પણ એક-એક મોતી તેમણે શોધીને કોઈ જંગનું મેદાન જીતીને આવતા હોય તેમ કાફલા પાસે પરત ફર્યાં, પરંતુ સૌ લોકો જતા રહ્યા હતા."

"આ કિસ્સા વિશે બહુ બધી માન્યતાઓ છે પર કે જો તેઓ કાફલાનાં પગલાંનાં નિશાન પર ચાલ્યાં હોત તો તેમનો ભેટો થઈ જાત. પણ તેમના જ શબ્દોમાં કહીએ તો તેઓ જ્યાં હતાં ત્યાં રણમાં એકલાં બેસી રહ્યાં, એમ વિચારીને કે કોઈ તપાસ કરશે અને ખબર પડશે કે આયેશા નથી તો તેમને લેવા આવશે."

"કાફલાને તો તેમની ભાળ ના લાગી, પરંતુ કાફલા પાછળ એક યુવાન મુસ્લિમ લડવૈયો જે પાછળ રહી ગયો હતો તે ત્યાંથી પસાર થયો.'

"તેમણે આયેશાને જોયાં અને પોતાના ઊંટ પર બેસાડી મદીના લઈ ગયાં. કલાકો બાદ જ્યારે ઊંટ પર સવાર આયેશા એક નવયુવાન લડવૈયા સાથે એકલાં આવ્યાં છે એ જોઈને ચર્ચાઓ થવા લાગી."

"સમગ્ર કબિલાઓમાં, મસ્જિદોમાં, ઘરોમાં, કલાકારો અને સામાન્ય લોકો આ બાબતને જોરશોરથી ફેલાવા લાગ્યા. હવે મોહમ્મદ માટે અઘરી ઘટના હતી."

"તેમના માટે પ્રશ્ન આયેશા નિખાલસ છે કે નહીં એ નહોતો, પણ લોકો સામે તે નિખાલસ રહેવાં જોઈતાં હતાં. પરંતુ એ ના થયું. તો હવે શું કરવું."

"તેમણે બે વિકલ્પો પર વિચાર કર્યો કે જો લોકોની વાતોમાં આવીને આયેશાને તલાક આપી દેવાશે તો લોકો પણ તેમનાં પત્નીઓને આ પ્રકારની ભૂલો થવા પર છોડવા માંડશે અથવા તેમને થશે કે પયગંબર ખુદ પત્નીથી છેતરાઈ ગયા છે."

"જો સમગ્ર મામલો જતો કરશે તો પણ લોકો વાતો કરશે કે જીવનના પાંચમા દાયકામાં રહેલી વૃદ્ધ વ્યક્તિ પત્નીથી હારી જ જાય ને. બીમારીનું બહાનું જાહેર કરીને આયેશાને તેમના પિતા અબુબકરના ઘરે મોકલી દેવામાં આવ્યાં."

પુસ્તકમાં લખવામાં આવ્યું કે "થોડાં વર્ષો બાદ તેઓ આયેશાને મળવા ગયા ત્યારે જેમ કુરાનની 24 સુરામાં લખેલું છે કે તેમને સાક્ષાત્કાર થયો અને જીવનની રીત તથા નીતિનિયમો દર્શાવતા કુરાનમાં લખવામાં આવ્યું કે કોઈ પણ ઍડલ્ટ્રી કે રેપ કે ગેરકાયદે સેક્સનો ગુનો હોય તો કમસે કમ ચાર સાક્ષીઓની હાજરી અનિવાર્ય છે, સાક્ષી હાજર ન કરી શકવાની સ્થિતિમાં ફરિયાદી સજાપાત્ર થશે."

"આ સાક્ષાત્કારે ના માત્ર આયેશાને નિર્દોષ જાહેર કર્યાં પરંતુ તેમના વિરુદ્ધ લખવાવાળા હવે ભાગતા ફરતા અને તેમના પક્ષમાં કવિતાઓ લખતા. કુરાનમાં જીવન જીવવાની જે જે રીત લખવામાં આવી છે તે મોહમ્મદના આ પ્રકારના જ સાક્ષાત્કાર દરમિયાન લખાઈ છે."

"આ જ સમયગાળામાં મોહમ્મદ પયગંબરને અન્ય એક સાક્ષાત્કાર થયો. જેમાં લખવામાં આવ્યું કે આજ પછીથી પયગંબરનાં પત્નીઓ તેમના સંબંધીઓ સિવાય કોઈ અજાણ્યા પુરુષની હાજરી ઘરમાં રહી પોતે પોતાને પડદા પાછળ રાખશે."

"અને પડદા બહાર નથી લઈ જઈ શકાતા એટલે તેમના પહેરવેશમાં નાની પડદીને સ્થાન આપવામાં આવશે. પરંતુ આ માત્ર મોહમ્મદની પત્નીઓ માટે હતું."

વિઝડમ ફાઉન્ડેશનનાં ઝીનત શૌકત અલીએ બીબીસી હિંદી સાથે વાત કરતાં કહ્યું હતું છે, ડ્રેસ કોડ એ સમયે આવ્યો જ્યારે પયગંબર મોહમ્મદ ઇસ્લામનો પ્રચાર કરી રહ્યા હતા.

ઝીનત કહે છે, "મહિલાઓની સાથે ક્યારેય સારું વર્તન થયું જ નથી. તેમની સાથે પશુઓ જેવું વર્તન થતું, કેટલીક મહિલાઓ ગુલામ હતી. મહિલાઓ રાતના શૌચ માટે જતી તો પુરુષો હુમલો કરતા. એવમાં પયગંબરે પોતાના શિષ્યોને કહ્યું કે તેમણે નજરો નીચી રાખવી જોઈએ અને પુરુષો તથા મહિલાઓ બંને મામલામાં નમ્રતાપૂર્વક વર્તવું જોઈએ. મહિલાઓની સુરક્ષા માટે ડ્રેસ કોડ આવ્યો. હિજાબ ટેક્નિકલ રૂપથી એ પડદો છે જે અન્યો સાથે દૂરી રાખવા માટે એક અડચણનું કામ કરે છે."

પડદાના પ્રકારો

એક હોય છે બુરખો, જેમાં સમગ્ર શરીર ઢંકાયેલું રહે છે, ચહેરો પણ અને આંખો પર નેટ કે જાળીદાર પટ્ટી હોય છે. નકાબ પણ એવી જ રીતે ઢંકાય છે સિવાય કે તેમાં આંખો ખુલ્લી રહે છે.

હિજાબ એટલે એક ચોરસ દુપટ્ટો, જેના વડે માથું અને ગળાને ઢાંકવામાં આવે છે, ચહેરો-આંખો ખુલ્લાં રહે છે.

ભારતમાં મુખ્યત્વે આ ત્રણ પ્રકાર પ્રચલિત છે. એ સિવાય ચાદોર, શાયલા, અલ-અમિરા અને ખિમર પણ તેના ભિન્ન-ભિન્ન પ્રકારો છે.

ઇસ્લામ સિવાય કયા ધર્મોમાં મહિલાઓ પડદો કરે છે?

મુસલમાન મહિલાઓ માટે પડદો હોય કે હિન્દુ ધર્મના રિવાજ પ્રમાણે ઘૂંઘટ, ક્રિશ્ચિયાનિટીમાં લગ્ન સમયે ખેંચાતી વેઇલ હોય કે યહૂદી મહિલાઓનાં લગ્ન પછી વાળ કાપી નાખી સ્કાર્ફ બાંધવાનો રિવાજ હોય.

રિસર્ચ સ્કૉલર રેનુ સિંઘ બીબીસી સાથે વાત કરતા કહે છે કે "પડદાની ચોઇસ મહિલા પર જ્યારે થોપવામાં આવે છે ત્યારે સમસ્યા ઊભી થાય છે. જો પડદો કરીને યુનિવર્સિટી જતી મહિલા પોતે ચોઇસ ક્રીએટ ના કરે કે સામાજિક અને પિતૃસત્તાક ચેતવણીઓને ના પડકારે ત્યાં સુધી તે તેના માટે દબાણ છે તે ના કહી શકાય. કેમ કે મૂવમૅન્ટ થોપવી શક્ય નથી. મહિલા સશક્તીકરણ જ એક માત્ર સમાધાન છે, જેના થકી તે જાતે પોતાની ચળવળ ઊભી કરી શકે."

રેનુ જણાવે છે કે, "રહ્યો સવાલ તાજેતરમાં હિજાબ વિવાદનો તો તે હિજાબ પર નહીં, બલકે એક લઘુમતી સમુદાયને વધુ હાંસિયામાં ધકેલવા માટેની મુહિમ છે."

લેખક અને વરિષ્ઠ પત્રકાર ઝીયા ઉસ સલામ પણ આ વિવાદને જમણેરી જૂથ દ્વારા ચલાવાતા પ્રચાર તરીકે જુએ છે.

તેમણે કહ્યું કે "એક બંધારણીય પોસ્ટ પર બેઠેલા યુપીના સીએમ ભગવો પહેરીને મુખ્ય મંત્રીનો રોલ નિભાવી શકે તો એક મહિલા હિજાબ પહેરીને અભ્યાસ અર્થે કેમ ના જઈ શકે. વડા પ્રધાનના 'બેટી બચાઓ બેટી પઢાવો'ના વર્ણનમાં આ બેટીઓ કેમ આઝાદ નથી."

કયા-કયા દેશોમાં બુરખા પર પ્રતિબંધ છે?

અમુક દેશોમાં બુરખો સંવૈધાનિક અધિકાર છે, તો અમુકમાં સરકારી નિયમ. કેટલાક દેશોમાં જાહેર સ્થળોએ તેને પહેરવા પર દંડ અથવા કોઈ સજાપાત્ર ગુનો પણ છે.

11 એપ્રિલ, 2011માં સમગ્ર ચહેરાને ઢાંકનારા નકાબ પર બૅન મૂકનારો ફ્રાંસ યુરોપનો પહેલો દેશ બન્યો. બેલ્જિયમમાં પણ ચહેરો ના દેખાય તે પ્રકારના પોશાક પર વર્ષ 2011માં જ પ્રતિબંધ લાગુ થયો હતો.

નવેમ્બર 2016માં શાળા-હૉસ્પિટલ કે જાહેર પરિવહન દરમિયાન ઇસ્લામિક નકાબો પરના પ્રતિબંધને નૅધરલૅન્ડ્સ સંસદનું સમર્થન મળ્યું હતું, જેના પર કાયદો જૂન 2018માં બન્યો અને પ્રતિબંધ લાગુ થયો.

એ જ રીતે ઈટાલી, જર્મની, ઑસ્ટ્રિયા, નૉર્વે, સ્પેન બુરખા પર પ્રતિબંધ છે.

તો બ્રિટનમાં ઇસ્લામિક પોશાક પર તો કોઈ રોક નથી પરંતુ ત્યાંની સ્કૂલોને બાળકોના યુનિફોર્મ નક્કી કરવાની સ્વતંત્રતા છે.

આફ્રિકામાં વર્ષ 2015માં ઘણાં બુરખાધારી મહિલાઓએ આત્મઘાતી હુમલાઓને અંજામ આપ્યો હતો. બાદમાં ચાડ, કેમરૂનના ઉત્તરી ભાગ, નીજેરનાં અમુક ક્ષેત્રો અને ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં આખો ચહેરો ઢાંકવા પર રોક લગાવી દેવામાં આવી હતી.

તુર્કીના સંસ્થાપક મુસ્તફા કમાલ અતાતુર્કે પછાત વિચારો સાથે બુરખાને સરખાવીને સત્તાવાર ભવન અને અમુક જાહેર જગ્યા પર બુરખો પહેરવા પ્રતિબંધ મૂક્યો હતો.

ડેનમાર્કની સંસદે 2018માં ના માત્ર ચહેરો ઢાંકનારા આ ઇસ્લામિક પરિવેશ પર રોક લગાવી છે, બલકે જો બીજી વખત ચહેરો ઢાંકેલા પકડાયા તો પહેલી વખત કરતાં દસ ગણો વધુ દંડ અને છ મહિના સુધી જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

તો રશિયાના સ્વાતરોપોલ ક્ષેત્રમાં આ પ્રકારનો પ્રતિબંધ છે. જુલાઈ 2013માં રશિયાની સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને અકબંધ જ રહેવા દીધો હતો.

પોતાની 80 લાખની વસતી સામે 3 લાખ 50 હજાર મુસલમાનો વસતી ધરાવતા સ્વિટ્ઝર્લૅન્ડ દેશમાં 2013માં નકાબ પ્રતિબંધો મામલે મતદાન થયું હતું અને 65 લોકોએ તેના પક્ષમાં મત આપ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો