You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટક : હિજાબ મામલે અલ્લાહ-હો-અકબર પોકારનાર વિદ્યાર્થિની કોણ છે?
કર્ણાટકમાં મંગળવારે એક વાઇરલ વીડિયોને કારણે હિજાબ પહેરવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને તેના પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આ વીડિયોમાં એક હિજાબ પહેરેલી વિદ્યાર્થીની પોતાનું સ્કૂટર પાર્ક કરીને માંડ્યા જિલ્લાની પ્રિ-યુનિવર્સિટી કૉલેજમાં ક્લાસ તરફ જાય છે અને એક ટોળું તેમની પાછળ જાય છે.
ભગવા મફલર પહેરીને જયશ્રી રામના ઉગ્ર નારા લગાવતું ટોળું વિદ્યાર્થીની તરફ આગળ વધે છે, ત્યાર બાદ વિદ્યાર્થિની પણ જવાબી પ્રતિક્રિયામાં ભીડ સામે થાય છે અને તેના બંને હાથ ઊંચા કરીને અલ્લાહ-હો-અકબરના નારા લગાવે છે.
એ છોકરી કોણ છે?
મીડિયા અહેવાલો અનુસાર, ભીડની સામે ઊભી રહીને ઉગ્ર સૂત્રોચ્ચારો કરતી આ વિદ્યાર્થીનું નામ મુસ્કાન છે અને તે મૈસુર-બેંગલુરુ હાઇવે પર પીઈએસ આર્ટસ, સાયન્સ અને કૉમર્સ કૉલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
મુસ્કાને બાદમાં કેટલીક મીડિયા સંસ્થાઓ સાથે વાત કરી અને સમગ્ર ઘટના વિશે પોતાનો પક્ષ જણાવ્યો.
મુસ્કાને કહ્યું કે તેમના જેવી અન્ય પાંચ વિદ્યાર્થિની સાથે પણ આવી જ ઘટના બની હતી.
આ ઘટના અંગે મુસ્કાને અખબાર ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, હું અસાઈનમેન્ટ સબમિટ કરવા જઈ રહી હતી, મેં જોયું તો મારી કૉલેજમાં પ્રવેશદ્વાર પહેલા જ કેટલીક વિદ્યાર્થિઓને હિજાબ પહેરવા બદલ હેરાન કરવામાં આવી રહી હતી, તે રડી રહી હતી. હું અહીં ભણવા આવું છું, મારી કૉલેજ મને આ કપડાં પહેરવાની પરવાનગી આપે છે. એ ભીડમાં માત્ર 10% વિદ્યાર્થીઓ મારી કૉલેજના હતા, બાકીના બહારના હતા. તેમની વર્તણૂક મને પરેશાન કરતી હતી અને મેં તેનો જવાબ આપ્યો હતો."
પરંતુ તેમણે કહ્યું કે તેમને કૉલેજના પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સહિત હિંદુ સહાધ્યાયીઓનો ટેકો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુસ્કાને કહ્યું, "મારા કૉલેજ પ્રશાસન અને પ્રિન્સિપાલે મને ક્યારેય બુરખો પહેરવાથી રોક્યા નથી. કેટલાક બહારના લોકો આવીને અમારા પર દબાણ કરી રહ્યા છે, આ લોકો અમને રોકવાવાળા કોણ? અમારે શા માટે તેમનું સાંભળવું જોઈએ?
મુસ્કાને ટીવી ચેનલ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "જ્યારે હું કૉલેજમાં જતી હતી ત્યારે તેઓ મને પ્રવેશવા દેતા ન હતા, કારણ કે મેં બુરખો પહેર્યો હતો.
હું જેમતેમ કરીને કૉલેજમાં અંદર આવી ગઈ, ત્યાર બાદ તેણે જયશ્રી રામના નારા લગાવવાનું શરૂ કર્યું. તો મેં પણ અલ્લાહ-હો-અકબરના નારા લગાવવાનું શરૂ કર્યું.
મુસ્કાને આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'ભીડમાં માત્ર 10 ટકા છોકરાઓ કૉલેજના હતા. બાકીના બહારના હતા.
પ્રતિભાવો
આ વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે.
કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ હિજાબ વિવાદ અંગે ટ્વીટ કર્યું, "બિકીની હોય, બુરખો હોય, જીન્સ હોય કે હિજાબ હોય, મહિલાઓ તેમની પસંદગીનાં કપડાં પહેરવા માટે સ્વતંત્ર છે."
પ્રિયંકાએ આગળ લખ્યું છે કે ભારતના બંધારણે મહિલાઓને આ અધિકાર આપ્યો છે. મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો.''
એઆઈએમએઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ મુસ્કાન અને તેમના પિતા સાથે વાત કરી અને ટ્વિટમાં લખ્યું - "માંડ્યા PES કૉલેજ કર્ણાટકની બહાદુર હિજાબી છોકરી 'બીબી મુસ્કાન' જેમણે હિંદુત્વ કટ્ટરપંથીઓનો મજબૂતીથી સામનો કર્યો. મેં મુસ્કાન અને તેના પિતા સાથે વાત કરી અને મુસ્કાનની નિડરતા અને હિંમતની પ્રશંસા કરી, પ્રોત્સાહિત કરી અને કહ્યું કે મુસ્કાનની નિડરતાએ અમને પણ પ્રોત્સાહિત કર્યા.''
ઓવૈસીએ મંગળવારે વાઇરલ વીડિયો શેર કરતા કહ્યું - "હું આ દીકરીની બહાદુરીને સલામ કરું છું, હું સલામ કરું છું આ દીકરીનાં માતા-પિતાને કે જેમણે આ દીકરીને આટલી બહાદુર બનાવી."
ભીમ આર્મીના વડા અને દલિત રાજકારણી ચંદ્રશેખર આઝાદે લખ્યું છે કે, "કર્ણાટકમાં બીબી મુસ્કાન નામની બહાદુર બહેન સાથે જે બન્યું છે તેનાથી ભાજપના 'સુશાસન'નો પર્દાફાશ થયો છે. ભાજપ સરકાર ગુંડાઓને સંરક્ષણ આપે છે. એ ગુંડાઓનો ઉપયોગ ભાજપ હિંસા માટે કરે છે. જાહેર ચિંતાના દરેક મુદ્દા પર નિષ્ફળ ભાજપ હવે આવા મુદ્દાઓને વેગ આપી રહ્યો છે."
ટીકા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજુ વર્માએ અલ્લાહ-હો-અકબરના નારા લગાવનારી વિદ્યાર્થિનીને કટ્ટરપંથી અને ગેરમાર્ગે દોરાયેલી છોકરી ગણાવી છે.
સંજુ વર્માએ ટ્વીટ કર્યું, "અલ્લાહ-હો-અકબરનો નારા લગાવનાર એ ગુમરાહ અને કટ્ટરપંથી છોકરીએ કોઈ બહાદુરીનું કામ નથી કર્યું. મોટા ભાગના ઇસ્લામિક દેશોએ પણ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો છે. જે લોકો #HijabisOurRight ટ્રેન્ડ કરાવી રહ્યાં છે તેમને જો 18મી સદીની માનસિકતામાં જીવવાનો શોખ હોય તો તેઓ મદરેસામાં ચાલ્યા જાય."
વિશ્વ હિન્દુ પરિષદે કર્ણાટકમાં હિજાબ મામલે ચાલી રહેલા વિવાદ પર ચેતવણી આપતા કહ્યું છે કે 'હિજાબની આડમાં જેહાદીઓ અને તેમની વકીલાત કરતા અરાજકતાએ બસ કરવું જોઈએ'.
વીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલો વિવાદ વાસ્તવમાં હિજાબની આડમાં જેહાદી અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર છે.
પાકિસ્તાનમાં પ્રતિક્રિયા
વીડિયોમાં અલ્લાહ-હો-અકબર કહેનાર વિદ્યાર્થિનીને પાકિસ્તાનમાં પણ ખૂબ સમર્થન મળી રહ્યું છે.
પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પીટીઆઈએ આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું - "બહાદુરીનું ઉદાહરણ! અલ્લાહ-હો-અકબર. મોદીના શાસનમાં ભારતમાં માત્ર વિનાશ જ છે. જીણા સાચા હતા."
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પણ ભારતના કર્ણાટક રાજ્યમાં હિજાબ પહેરવાને લઈને ચાલી રહેલા વિવાદ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે - "મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. કોઈને આ મૂળભૂત અધિકારથી વંચિત રાખવા અને તેમને હિજાબ પહેરવા બદલ આતંકિત કરવા સંપૂર્ણપણે દમનકારી છે. દુનિયાએ સમજવું જોઈએ કે આ મુસ્લિમોને વાડા (સમુદાયની ચુસ્ત વસાહતો)માં રહેવા દબાણ કરવાની ભારતની યોજનાનો એક ભાગ છે."
ઇમરાન ખાન સરકારના મંત્રી ચૌધરી ફવાદ હુસૈન લખે છે, "મોદીના ભારતમાં જે થઈ રહ્યું છે તે ભયાનક છે. ભારતીય સમાજનું અસ્થિર નેતૃત્વ હેઠળ ઝડપથી પતન થઈ રહ્યું છે. હિજાબ પહેરવો એ અન્ય કપડાંની જેમ જ વ્યક્તિગત પસંદગી છે જે વિકલ્પ દરેક નાગરિકને મળવો જોઈએ.''
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના રાજકીય સલાહકાર અને પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પ્રવક્તા હુસૈન હક્કાનીએ પણ આ વીડિયો શૅર કર્યો છે.
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા હક્કાનીએ એમ પણ લખ્યું છે કે, "જ્યારે 9/11ની ઘટના બાદ અમેરિકામાં હિજાબ પહેરેલી મુસ્લિમ છોકરીઓની છેડતી કરવામાં આવી ત્યારે રાષ્ટ્રપતિ બુશે કહ્યું હતું કે આ અમેરિકાની સંસ્કૃતિ નથી. સમગ્ર ભારતમાં બનતી આવી ઘટનાઓને રોકવા માટે કદાચ નરેન્દ્ર મોદીએ પણ ખૂલીને કંઈક આવું કહેવું જોઈએ. આ એકેય રીતે યોગ્ય નથી."
વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે એક ટ્વિટમાં લખ્યું - "માર્ટિન લ્યુથર કિંગે એક વાર કહ્યું હતું કે નફરતથી નફરતને ખતમ કરી શકાતી નથી, તે ફક્ત પ્રેમથી જ શક્ય છે." આ ઘટના જુઓ, એકલી મુસ્લિમ છોકરીનીને અંતિમવાદી હિંદુઓનું ટોળું પરેશાન કરી રહ્યુ છે. એકલી છોકરીને ઘેરીને નફરત ફેલાવશો નહીં."
પાકિસ્તાની પત્રકાર યાસિફ વાઇરલ વીડિયોને શૅર કરતા લખે છે, "તેમણે જે રીતે અલ્લાહ-હો-અકબર કહ્યું, તે દર્શાવે છે કે તે અસલી સિંહણ છે અને જે રીતે ભારતમાં ભારતીય મુસ્લિમો અને મુસ્લિમ છોકરીઓ સાથે વ્યવહાર કરવામાં આવે છે તે સાબિત કરે છે કે જીણા સાચા હતા."
ભારતમાં રહેતાં જાણીતાં બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને કર્ણાટકની કૉલેજમાં હિજાબ પહેરેલી છોકરીના વાઇરલ વીડિયોની તુલના ખતરનાક ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે કરી છે. તેમણે લખ્યું, "અલ્લાહ-હો-અકબરનો અવાજ મને આઈએસઆઈએસના શિરચ્છેદના વીડિયોની યાદ અપાવે છે."
હિજાબ વિવાદ: શું છે આખો મામલો?
કર્ણાટકના ઉડુપીમાં પ્રિ-યુનિવર્સિટી સરકારી કૉલેજની લગભગ અડધો ડઝન વિદ્યાર્થીઓ હિજાબ ઉતારવાનો ઇનકાર કર્યો ત્યારે હિજાબ પહેરવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો.
કૉલેજના બીજા વર્ષની આ વિદ્યાર્થિનીઓએ હિજાબ ઉતારીને વર્ગમાં બેસવાની અપીલને ફગાવી દીધી હતી. જ્યારે આ વિદ્યાર્થીઓની વાત ન સાંભળવામાં આવી તો તેમણે વિરોધ શરૂ કર્યો.
મામલો ત્યારે ઉગ્ર બન્યો કે જ્યારે ઉડુપી જિલ્લાની કૉલેજમાં છોકરીઓના હિજાબના જવાબમાં કેટલીક વિદ્યાર્થીઓ કેસરી શાલ પહેરીને આવ્યા.
આ પછી છોકરીઓએ સરઘસ કાઢીને કેસરી શાલ પહેરીને ખાનગી કૉલેજમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. મામલો જોર પકડતો ગયો અને રાજકીય પક્ષો પણ આ વિવાદમાં કૂદી પડ્યા.
વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરતા અટકાવવા સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેઓ કહે છે કે હિજાબ પહેરવો એ તેમનો બંધારણીય અધિકાર છે. આમ કરતા તેમને રોકી શકાય નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો