બનાસકાંઠા : 'દલિત વરને ઘોડા પર ન બેસાડવા છતાં જાન પર પથ્થરમારા'નો આરોપ, સરપંચ સહિત સવર્ણો સામે ફરિયાદ

ગુજરાતમાં દલિતો પર અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના પાલનપુરના મોટા ગામમાં બની છે.

જ્યાં સરપંચ સહિત સવર્ણ સમાજના કેટલાક લોકોએ દલિત વરરાજાની જાન પર પથ્થરમારો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ પરેશ પઢિયાર સાથેની વાતચીતમાં વરરાજાના પિતા વીરાભાઈ શેખાલિયાએ જણાવ્યું હતું કે, "સોમવારે મારા પુત્ર અતુલની જાન લઈને અમે જવાના હતા. તેના માટે અમે વરને ઘોડી પર બેસાડવાનું આયોજન કર્યું હતું."

"પરંતુ ગામલોકોને આ વાતની ખબર પડતાં તેમણે વિરોધ કર્યો. તેથી ગામની શાંતિ જાળવવા અમે એ વિચાર માંડી વાળ્યો. ગામલોકોની બીકથી અમે પોલીસ પ્રૉટેક્શન માગ્યું."

"પરંતુ જાનના દિવસે અમે સાફા બાંધેલા છે, એ વાતના વિરોધથી પોલીસની હાજરીમાં મારા દીકરાની જાન પર પથ્થરમારો કરાયો. અને મારઝૂડ કરવા માટે ઘણા લોકોનું ટોળું ભેગું થઈ ગયું. અંતે પોલીસે અમને ત્યાંથી ભગાડી દીધા."

આ સમગ્ર ઘટના અંગે વધુ માહિતી એકત્રિત કરવા બીબીસી ગુજરાતીના પ્રતિનિધિએ અન્ય કેટલાક સંબંધિત લોકો સાથે પણ વાતચીત કરી હતી.

શું હતી સમગ્ર ઘટના?

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ફરિયાદી વીરાભાઈ શેખલિયાએ પોતાના દીકરા અતુલનાં લગ્ન નજીકના ગામની કન્યા સાથે નક્કી કર્યાં હતાં.

લગ્ન અવસરે જાનમાં વરને ઘોડી પર બેસાડવાનું આયોજન કરાયું હતું.

પરંતુ મોટા ગામના લોકોને આ વાતની ખબર પડતાં ગામના લોકોએ દલિત સમાજનો વર ઘોડી પર ન બેસી શકે તેવું જણાવી વિરોધ નોંધાવ્યો હતો.

અહેવાલ અનુસાર જ્યારે વરપક્ષ તરફથી આ બાબતે પોતાના નિર્ણય પર અડગ રહેવાના નિર્ધાર અંગેની જાણ થઈ ત્યારે મોટા ગામના સરપંચ ભરતસિંહ રાજપૂતે અને ગામના અન્ય કેટલાક લોકોએ વીરાભાઈને પોતાના પુત્રની જાન ઘોડી પર ન કાઢવા કહ્યું. જો તેવું ન કરે તો પરિણામો ભોગવવાં તૈયાર રહેવાની કથિત ધમકી પણ અપાઈ હતી.

તેમ છતાં પરિવારે કોઈ મચક ન આપતાં સરપંચે રવિવારે ગામલોકોની એક સભા બોલાવી જેમાં સરપંચ સાથે 27 અન્ય લોકોએ વરના પરિવારના લોકોને જણાવ્યું કે દલિત વરની જાન ઘોડી પર ન નીકળી શકે.

વરના પિતાનું કહેવુ છે કે, "કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ટાળવા અમે ઘોડી પર જાન કાઢવાનો વિચાર પડતો મૂક્યો. અને પોલીસ સુરક્ષા સાથે જાન કાઢી. તેમ છતાં જાનૈયાઓએ સાફા પહેર્યા હોઈ તેના વિરોધમાં ઘણા લોકોએ એકઠા થઈ જાન પર પથ્થરમારો કર્યો. અને જાતિસૂચક શબ્દો બોલવામાં આવ્યા."

વીરાભાઈ શેખલિયા અનુસાર આ બનાવ બાદ તેમણે સ્થાનિક પોલીસને આ બનાવ અંગે ફરિયાદ કરી હતી. જેમાં સરપંચ સહિત 27 અન્ય લોકો પર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

'દલિતો માટે ઘોડી નથી'

વરના ભાઈ સુરેશ શેખલિયાએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે, "ગામલોકોને મૂળ એ વાતનો વિરોધ હતો કે દલિત વરની જાન ઘોડી પર ન નીકળી શકે."

તેમણે કહ્યું હતું કે, "ગામના લોકોનું કહેવું હતું કે દલિત સમાજ માટે ઘોડી નથી. દલિત સમાજના લોકો ઘોડી પર જાન ન કાઢી શકે."

આ સિવાય તેઓ કહે છે કે, "ગામના લોકોએ ડીજે વગાડવા અને સાફા બાંધવા પર પણ વાંધો વ્યક્ત કર્યો હતો."

સુરેશ શેખલિયાનો આક્ષેપ છે કે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ઘણા લોકોને ઈજા થઈ છે.

તેમજ વરરાજા અતુલ શેખલિયાએ આ અંગે જણાવ્યું હતું કે, "ગામના લોકોએ અમને ધમકી આપતાં જણાવ્યું હતું કે તમને હકથી રહેવાનો અધિકાર નથી. તમને અમે જેમ કહીએ તેમજ રહેવાનું અને વર્તવાનું છે."

પોલીસનું શું કહેવું છે?

આ અંગે નિવેદન આપતાં પોલીસ અધિકારી ડીએસપી કૌશલ ઓઝાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "મોટા ગામ ગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. જ્યાં દલિત પરિવારના વરઘોડા પર પથ્થરમારાની ઘટના અંગેની ફરિયાદ મળી છે. જેમાં વરપક્ષની એક વ્યક્તિને નજીવી ઈજા થઈ છે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ અંગે કોઈ આરોપીની અટકાયત કરાઈ છે કે કેમ?

તો તેમણે કહ્યું હતું કે, "આ ઘટના અંગેની ફરિયાદ મોડી રાત્રે મળી છે. જેની તપાસ બનાસકાંઠા SC/ST સેલના ડીવાયએસપી કરી રહ્યા છે. આવનારા દિવસોમાં બનાવની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે."

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આ ઘટનામાં 28 આરોપીઓ સામે ગેરકાયદેસર સભા, ગુનાહિત ઉશ્કેરણી અને SC/ST (પ્રીવેન્શન ઑફ એટ્રોસિટી) ઍક્ટની કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.

કેમ વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે?

ગુજરાતમાં સામાજિક સમરસતાનો દાવો કરતી સરકારો હોવા છતાં કેમ હજુ પણ દલિતો પરના અત્યાચારોની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં થતી રહે છે, અને આવા મામલા અવારનવાર સામે આવતા રહે છે?

આ પ્રશ્ન અંગે સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની પોતાનાં અનુભવો અને અવલોકનો અંગે જણાવતાં કહે છે કે, "દલિતોની અસ્પૃશ્યતા નાબૂદી માટે વર્ષોથી કાયદો હોવા છતાં તેની અમલવારી એ કોઈ પણ સરકારની પ્રાથમિકતા રહી નથી. તેથી આટલાં વર્ષો બાદ પણ આપણે ત્યાં આવા ગુનાનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે."

આ સિવાય તેઓ સામાજિક માનસિકતાને પણ આવા બનાવો માટે કારણભૂત માને છે.

ડૉ. ગૌરાંગ જાની કહે છે કે, "હજુ પણ સમાજના ઉચ્ચ વર્ગના લોકોમાં એવી માનસિકતા પ્રબળ છે કે દલિતો તેમના પગની જૂતી છે. તેઓ વિકસિત ન થઈ શકે. અને સામે દલિતો પોતાની પ્રતિભાના જોરે સમાજમાં આગળ પડતાં થયા છે."

"પ્રતિકાર કરતા થયા છે. જે સમાજમાં ઉચ્ચ જ્ઞાતિના લોકોને નથી ગમતું અને અવારનવાર આવી ઘટનાઓ જોવા મળે છે."

આ સિવાય તેઓ વધુ કારણો જણાવતાં કહે છે કે, “ગાંધીયુગ બાદ ભારતીય સમાજમાં સામાજિક સુધારણાના કાર્યક્રમો માત્ર વક્તવ્યો સુધી જ સીમિત રહી ગયા. તેના પર કોઈએ કામ નથી કર્યું. આ સિવાય રાજકીય પક્ષોએ પણ આ બાબતને ગંભીરતાથી નથી લીધી. જેથી સમાજ વચ્ચેનું અંતર ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતું ગયું.”

તેઓ કહે છે કે, "અન્ય કારણોમાં પોતાની જ્ઞાતિ અંગેનું ગૌરવ જડતામાં ફેરવાઈ જવાના કારણે પણ આવી ઘટનાઓ બને છે. લોકો પોતાની જ્ઞાતિમાં જ બધા વ્યવહારો કરવાને પ્રાથમિકતા આપે છે. અને અન્ય જ્ઞાતિ વધુ સંબંધો રાખવામાં માનતા નથી જેથી આ દૂષણો હજુ પણ આપણી સામાજિક વ્યવસ્થામાં જોવા મળે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો