નેપાળની સીમામાં ઘૂસણખોરી કરી રહ્યું છે ચીન - રિપોર્ટ

    • લેેખક, માઇકલ બ્રિસ્ટો
    • પદ, બીબીસી ન્યૂઝ

નેપાળ સરકારે પહેલી વાર સત્તાવાર રીતે દાવો કર્યો છે કે ચીન તેના વિસ્તારમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે સરહદો જોડાયેલી છે.

બીબીસીને નેપાળ સરકારનો એક લીક થયેલો રિપોર્ટ મળ્યો છે, જેમાં ચીન પર ઘૂસણખોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ગત સપ્ટેમ્બર મહિનામાં આ રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નેપાળના છેવાડાના હુમલા જિલ્લામાં ચીન દ્વારા પેશકદમી કરવામાં આવી હતી.

નેપાળ ખાતે ચીનની ઍમ્બેસી દ્વારા દબાણના આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. બીબીસી દ્વારા નેપાળ સરકારને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ જવાબ નથી આપ્યો.

આ રિપોર્ટને હજુ સુધી શા માટે પ્રકાશિત કરવામાં નથી આવ્યો, તે હજુ સુધી અસ્પષ્ટ છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી નેપાળ લાંબા સમયના ભાગીદાર ભારતની સામે સંતુલન સાધવા માટે ચીન સાથે સંબંધ વધારી રહ્યું છે અને તેમાં કોઈ ખલેલ નથી ઇચ્છતું. રિપોર્ટ સાર્વજનિક થાય તો ચીન સાથેના વધતા જતાં સંબંધ પર તેની અસર પડી શકે છે.

સીમાનું નિર્ધારણ

હિમાલયની પર્વતશ્રેણીમાં નેપાળ અને ચીનની વચ્ચે લગભગ 1400 કિલોમીટર લાંબી સરહદ આવેલી છે. 1960ના દાયકામાં બંને દેશ વચ્ચે અનેક સંધિઓ કરવામાં આવી હતી અને તેના આધારે સરહદનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું.

નેપાળના છેવાડાના વિસ્તાર ખૂબ જ દૂર છે અને ત્યાં સુધી પહોંચવું ખૂબ જ કપરું છે. આ સરહદના નિર્ધારણ માટે એક-એક કિલોમીટરના અંતરે પીલર ઊભા કરવામાં આવ્યા છે. આને કારણે ઘણી વખત સરહદ ક્યાં આવેલી છે તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ બની રહેતું હોય છે.

ગત વર્ષે એવા અહેવાલ વહેતા થયા હતા કે ચીન દ્વારા હુમલામાં પેશકદમી કરવામાં આવી છે અને નેપાળના હદવિસ્તારમાં ઇમારતોનું બાંધકામ કર્યું છે, એ પછી નેપાળ સરકારે ટાસ્કફોર્સનં ગઠન કર્યું હતું, જેમાં પોલીસ તથા નેપાળ સરકારના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બીબીસી સુધી પહોંચાડવામાં આવેલા આ રિપોર્ટ મુજબ, તપાસમાં બહાર આવ્યું હતું કે ચીનનાં સુરક્ષાબળો દ્વારા નેપાળની હદમાં આવતા લાલુગજોંગમાં ચાલી રહેલી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અડચણ ઊભી કરી હતી.

આ વિસ્તાર કૈલાશ પર્વતથી નજીક આવેલો છે, જ્યાં મોટી સંખ્યામાં હિંદુ તથા બૌદ્ધ લોકો આવે છે. શ્રદ્ધાળુઓ આવે છે. આ સાથે નેપાળના ખેડૂતો ઢોરઢાંખર ચરાવવા જાય, ત્યારે તેમને ચીનનાં સુરક્ષાબળો દ્વારા અટકાવવામાં આવતાં હોવાનું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે.

આ વિસ્તારમાં જ ચીન દ્વારા સરહદને ચિહ્નિત કરતા પીલરની ફરતે ફેન્સ બાંધવામાં આવી રહી હોવાનું તથા નેપાળની બાજુએ કૅનાલ તથા માર્ગનું નિર્માણકાર્ય થઈ રહ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.

ટાસ્કફોર્સના નિષ્કર્ષ પ્રમાણે, જે ઇમારત નેપાળની બાજુએ બાંધવામાં આવી છે, તેના અહેવાલ વહેતા થયા હતા, તે વાસ્તવમાં સરહદની બીજી બાજુએ ચીન તરફ બાંધવામાં આવી હતી.

તપાસકર્તાઓને જાણવા મળ્યું હતું કે કેટલાક સ્થાનિક નેપાળીઓ આ મુદ્દે વાત કરતા ખચકાય છે, કારણ કે તેઓ ચીનના બજાર પર નિર્ભર છે.

રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે આ વિસ્તારની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અહીં નેપાળી સુરક્ષાબળોને તહેનાત કરવામાં આવે.

અગાઉ ચીન અને નેપાળની વચ્ચેના સરહદી વિવાદોને ઉકેલવા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જે હાલમાં ખોરંભે પડી ગઈ છે, તેને ફરીથી સક્રિય કરવાની ભલામણ પણ આ રિપોર્ટમાં કરવામાં આવી છે.

નેપાળના વિખ્યાત માનચિત્રકાર તથા નેપાળના સરવે વિભાગના પૂર્વ વડા બુદ્ધિ નારાયણ શ્રેષ્ઠના કહેવા પ્રમાણે, નેપાળની સીમાઓની સુરક્ષા માટે સરહદી વિસ્તારમાં નાગરિકોને સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે સરહદ ક્યાં સુધીની છે.

ચીન દ્વારા દબાણ કરવાની વાતને નકારવામાં આવી છે, આથી નેપાળ સાથેની સરહદ પર આધિપત્ય સ્થાપવા માટેનો હેતુ શું હોઈ શકે છે, તે સ્પષ્ટ નથી, છતાં સુરક્ષા પણ એક કારણ હોઈ શકે છે.

ઐતિહાસિક રીતે જોવામાં આવે તો બંને દેશો વચ્ચે બિનઅધિકૃત રીતે શ્રદ્ધાળુઓ અને વેપારીઓની અવરજવર થતી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચીન દ્વારા તેની ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.

કાઠમાંડુસ્થિત થિન્ક ટૅન્કના સભ્ય તથા નેપાળના પૂર્વ રાજદ્વારી વિજયકાંત કરનાના કહેવા પ્રમાણે, ચીન અને ભારતની વચ્ચે સરહદ મુદ્દે મતભેદ પ્રવર્તે છે, તેના અંગે ચીન ચિંતિત હોય તે શક્ય છે.

તેઓ કહે છે, "એવું લાગે છે કે ચીનને બહારના લોકો દ્વારા ઘૂસણખોરીની ચિંતા સતાવી રહી છે, આથી તે સરહદપારના સંબંધોનો વિચ્છેદ કરી રહ્યું છે."

ચીનમાંથી કોઈ નાસી ન છૂટે તેની પણ ચીનને ચિંતા હોઈ શકે છે, કારણ કે સરહદની આ પારનો વિસ્તાર તિબેટ છે. ચીનના અત્યાચારોથી ત્રાસી જઈને અનેક લોકો દેશ છોડી ગયા છે.

નેપાળમાં લગભગ 20 હજાર તિબેટિયન શરણાર્થી રહે છે અને તેમાંથી અનેક ભારત તથા વિશ્વના અન્ય દેશોમાં પહોંચી ગયા છે. તાજેતરનાં વર્ષોમાં ચીને નાસી છૂટવાના આ રસ્તાને બંધ કરવાના પ્રયાસ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં લગભગ બે વર્ષથી અહેવાલ આવી રહ્યા હતા કે ચીન દ્વારા નેપાળના સરહદવિસ્તારમાં દબાણ કરવામાં આવ્યું છે. જેના વિરોધમાં રાજધાની કાઠમાંડુ સહિત દેશના અનેક વિસ્તારોમાં વિરોધપ્રદર્શન થયાં હતાં.

તાજેતરમાં ગયા મહિને જ કાઠમાંડુમાં આ મુદ્દે વિરોધપ્રદર્શન થયાં હતાં.

જાન્યુઆરી મહિનામાં નેપાળ ખાતેની ચીનની ઍમ્બેસી દ્વારા નિવેદન આપીને જણાવવામાં આવ્યું હતું, "આ મુદ્દે કોઈ વિવાદ નથી અને આશા છે કે કેટલાક ખોટા રિપોર્ટથી નેપાળના લોકો ગેરમાર્ગે દોરવાઈ નહીં જાય."

જોકે, અપ્રકાશિત રિપોર્ટમાં મૂકવામાં આવેલા સ્પષ્ટ આરોપો અંગે ઍમ્બેસીએ કોઈ પ્રતિક્રિયા નથી આપી.

એવું માનવામાં આવે છે કે નેપાળની સરકાર દ્વારા ચીનની સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ ચીન દ્વારા આ મુદ્દે શું જવાબ આપવામાં આવ્યો છે, તેના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો