રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ લાંચના આરોપ બાદ મીડિયા સામે આવીને શું બોલ્યા?

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લાંચ-રુશ્વત સ્વીકાર્યા અંગેના ગંભીર આરોપો મૂક્યા છે. ગોવિંદ પટેલે આ અંગે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને 2 ફેબ્રુઆરીના રોજ એક સ્ફોટક પત્ર લખીને જાણ કરી હતી.

તો રાજકોટના પોલીસ કમિશનર પહેલી વાર મીડિયા સામે આવ્યા હતા અને તેમની સામેના આરોપો અંગે વાત કરી હતી.

ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, "રાજકોટ પોલીસ કમિશનર લેણી નીકળતી રકમ હોય એમ વસૂલી આપવાનાં કામ સ્વીકારી રહ્યાં છે, જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બનેલ છે."

બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર, રાજકોટ કમિશનર અને પોલીસ પર થયેલા લાંચ સ્વીકારી વસૂલી કરાવવાના આરોપની કડીમાં વધુ કથિત ફરિયાદીઓ સામે આવ્યા છે. જેમાં પોલીસની કામીગીરી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી વધુ બે ફરિયાદોમાં રાજકોટ પોલીસના કર્મચારીઓ દ્વારા ડરાવી ધમકાવીને પૈસા પડાવ્યા હોવાના આક્ષેપ કરાયા હતા.

પહેલાં માત્ર એક વ્યક્તિ સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદમાં લાંચનું ચક્ર જિલ્લાવ્યાપી હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે.

અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ ગોવિંદ પટેલને ટેકો આપવા આગળ આવ્યા છે.

સમાચારપત્ર પ્રમાણે, સાંસદે ફોન પર કહ્યું હતું, "મારું ગોવિદભાઈના આરોપોને સમર્થન છે. મને પણ રાજકોટ પોલીસ સામે આવી ફરિયાદો મળી છે. રાજકોટ પોલીસ કમિશનર જમીન ખાલી કરાવવાની પ્રવૃત્તિમાં સંકળાયેલા છે અને સામાન્ય લોકોની ફરિયાદો સાંભળતા નથી અને ઑફિસમાં ઉપલબ્ધ રહેતા નથી."

સાંસદે વધુમાં કહ્યું હતું, "તેઓ (કમિશનર) ગુનાખોરીનું પ્રમાણ ઓછું દેખાય એ માટે એફઆઈઆર દાખલ કરતા નથી, ફરિયાદી પાસેથી માત્ર અરજીઓ સ્વીકારે છે. તેઓ શહેરમાં પસંદગીના લોકોને છાવરે છે અને તેમને જઈને સલામ કરે છે."

સેવા આપવા બદલ નાણાની માગણીનો આરોપ

ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહરાજ્યમંત્રીને પત્રમાં લખ્યું છે, 'હવાલાના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બનેલ છે પરંતુ એક કિસ્સામાં રાજકોટના મહેશભાઈ સખિયાએ આપને લેખિત ફરિયાદ કરેલ છે. તેમની સાથે આઠેક મહિના પહેલાં 15 કરોડની છેતરપિંડી થયેલ જે અંગેની એફઈઆઈઆર નહિ નોંધીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્સો માગ્યો હતો અને તે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસૂલાત કરેલ જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના પીઆઈ મારફતે વસૂલ્યા હતા અને બાકીની 30 લાખની ઉઘરાણી જે તે પીઆઈ ફોનથી કરી રહ્યા હતા.'

પત્ર અનુસાર, 30 લાખની ઉઘરાણી બાદ મહેશભાઈ સખિયાએ ગૃહરાજ્યમંત્રીને ફરિયાદ કરી હતી, જેને પગલે એફઆઈઆર દાખલ થઈ હતી અને બે આરોપીને પકડવામાં આવ્યા હતા.

બીબીસીએ ગોવિંદ પટેલને ફોન કરીને તેમણે કરેલા આરોપો અંગે વાત કરવાની કોશિશ કરી હતી, જોકે તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

પત્રમાં લખવામાં આવ્યુ છે કે એક આરોપી નાસતો ફરે છે અને તેણે આ રકમમાંથી એક ફ્લૅટ ખરીદ્યો છે.

પત્રમાં આગળ ધારાસભ્ય લખે છે, 'પોલીસ કમિશનર આવાં ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે.'

વધુ એક વિગત ઉમેરતા પત્રમાં લખવામાં આવ્યુ છે કે ગૃહરાજ્યમંત્રીને ફરિયાદ અને એફઆઈઆર નોંધાયા પછી બાકીની 8 કરોડની વસૂલાત પૈકી એક પાઈ પણ આવી નથી. પત્રની આખરમાં કમિશનરે લીધેલી 75 લાખની રકમ પરત કરાવવાની અને કાનૂની કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

શું કહે છે ફરિયાદી?

સમગ્ર પ્રકરણની પ્રેસવાર્તામાં વિગતે વાત કરતાં ફરિયાદી મહેશ સખિયાના ભાઈ જગજીવન સખિયાએ કહ્યું, "અમે ચિટફંડના શિકાર બન્યા હતા. પહેલાં દસ લાખ આપ્યા તેની સામે 15 દિવસમાં 12 લાખ રૂપિયાનો ચેક આવી ગયો. એમ કરતા છેલ્લા અઢી વર્ષમાં મામલો 15 કરોડે પહોંચ્યો અને પછી તે નાણાં અટવાઈ ગયાં."

તેઓ પોતાને થયેલા અનુભવ અંગે વાત કરતાં આગળ જણાવે છે કે, "મેં અને મારા મિત્રે કમિશનરને મળીને રજૂઆત કરી. અમે ફરિયાદ દાખલ કરવા કહ્યું. કમિશનરે કહ્યું કે એફઆઈઆર થાય તેમ નથી. તમે પીઆઈને મળી લો. એમ કહીને કમિશનરે પીઆઈને બોલાવ્યા. પીઆઈ સાથે અમે ઉપરના માળે ગયા અને પછી તેઓ કમિશનરને મળવાનું કહીને નીચે ગયા."

જગજીવન સખિયાએ આરોપ મૂક્યો કે "પછી આવીને અમને કહ્યું કે હું તમારી અરજી લઈ લઉં છું પણ આમાંથી જે રિકવરી થશે તેના 30 ટકા આપવાનું સાહેબ કહે છે. છેલ્લે 15 ટકામાં નક્કી થયું."

જગજીવન સખિયા એવો પણ આરોપ મૂકે છે કે તેમની અરજીના અનુસંધાને કોઈ ખાસ પગલાં નથી લેવાયાં અને પોલીસે સામેની પાર્ટી (આરોપી) પાસેથી પણ નાણાં પડાવ્યાં છે.

જગજીવન સખિયાએ કહ્યું, "અમે મુખ્ય મંત્રી, હર્ષ સંઘવી અને સીઆર પાટીલને મળ્યા તે પછી એફઆઈઆર નોંધાઈ, તે પહેલાં તો બધી કાર્યવાહી અરજી ઉપર જ ચાલતી હતી. મારું 100 ટકા માનવું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ હવાલા બ્રાન્ચ છે."

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શું કહ્યું?

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોતાની ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, "હું સંપૂર્ણ આયોજન મુજબ હાઇકોર્ટના રાજકોટ પોલીસ વિભાગના કામસર ગયો હતો. પરંતુ કમનસીબે આ ઘટના એ દરમિયાન જ બની."

તેમણે આગળ કહ્યું કે, "રાજકોટ પોલીસ સામે જે આક્ષેપો છે તેમાં કોઈ પણ અધિકારીની સંડોવણી જણાશે તો કાયદાકીય રાહે પગલાં લેવામાં આવશે."

અગ્રવાલે પોતાની વિરુદ્ધ કરાયેલા આક્ષેપો અને તેની તપાસ અંગે જણાવ્યું હતું કે, "જે બાબતમાં મારું નામ સંડોવાયું છે તેમાં રાજ્ય સરકાર દ્વારા ગઠિત સમિતિને તમામ ખુલાસા અને જવાબો મોકલી આપવામાં આવશે."

પોલીસે શું કર્યો ખુલાસો

છેતરપિંડીના આક્ષેપો સામે રાજકોટ શહેર પોલીસ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું. જેમાં વાત જરા અલગ રીતે મૂકવામાં આવી છે.

પોલીસ નિવેદનમાં લખવામાં આવ્યું છે કે '16 માર્ચ 2021ના રોજ અરજદાર કિશન મહેશ સખિયાએ મુનીરાબેન પાનવાલા વિરુદ્ધ 16 કરોડ 63 લાખની રકમની છેતરપિંડીની અરજી કરી હતી. જેની તપાસમાં રિયાઝ મેમણની પણ સંડોવણી ખૂલી હતી.'

પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'તપાસ ચાલુ હતી તે દરમિયાન અરજદારનું મુનીરાબહેન અને રિયાઝ સાથે સમાધાન થઈ ગયું હતું. જેમાં સ્ટૅમ્પ-પેપર ઉપર વેરાવળ સોમનાથ ખાતેની મિલકતનો કબજો લખી આપ્યો હતો અને એક 1 કરોડ 69 લાખ બૅંક મારફતે ચૂકવી આપ્યા હતા. અને એવી રીતે 7 કરોડ 19 લાખની રકમ ચૂકવી આપતાં સમાધાન થયું હતું.'

પોલીસ નિવેદનમાં અન્ય કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તો આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆતમાં જેમની સામે આરોપો થયા છે તેવા રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોતાના પર આરોપ લાગ્યાના ત્રણ દિવસ બાદ પ્રેસ કૉન્ફરન્સ બોલાવી હતી.

તેમણે નિવેદન આપ્યું હતું કે, "કોરોનાના કપરા કાળમાં રાજકોટ માટે મેં ઘણું કામ કર્યું છે. મારા વિરુદ્ધ જે આક્ષેપ થયા છે તેની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે. તેમનો જે પણ નિર્ણય હશે એ માન્ય રહેશે. હાલ રાજકોટ પોલીસે શહેરમાં ગુનાખોરી કાબૂમાં રાખી છે. મારી વિરુદ્ધ થયેલા આક્ષેપ અંગે તપાસ ચાલી રહી હોવાથી હું મીડિયાને તે અંગે કોઈ નિવેદન નહીં આપી શકું."

સમગ્ર મામલો ગરમાયો પછી અને સખિયાની પ્રેસવાર્તા બાદ શનિવારે ધારાસભ્ય ગોવિંદ પટેલ નરમ પડતા જણાયા હતા.

તેમણે પત્રકારોને કહ્યું, "પત્રમાં જે મેં લખ્યુ છે કે ફરિયાદીની ફરિયાદના આધારે લખ્યું છે. ગૃહરાજ્યમંત્રી પાસે માગણી કરી છે કે આ અંગેની તપાસ થાય અને અસરકારક પગલાં લેવાય. રાજકોટમાં સારા અને કડક અધિકારીની માગણી કરવામાં આવી છે. સીઆર પાટીલે તપાસ કરીને અસરકારક પગલાં ભરવાની ખાતરી આપી છે."

રાજકોટના સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ અહમદે ગત શનિવારે સાંજે પત્રકારોને કહ્યું હતું, "ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે લખેલા પત્રમાં કમિશનર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે."

જેસીપીએ આક્ષેપોની પ્રાથમિક તપાસના આદેશો આપ્યા છે. તેમણે ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર ડીવી બસિયાને તપાસ સોંપી છે.

કમિશનર સામેની તપાસ એસીપી કરી શકે? રાજકોટ પોલીસ કમિશનર દ્વારા લાંચ-રુશ્વત લેવા સામેની તપાસ તેમની નીચેના અધિકારી કરી શકે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલમાં નામ નહીં આપવાની શરતે એક અધિકારીને ટાંકવામાં આવ્યા છે.

આ વાતચીતમાં તેમણે કહ્યું છે કે, "આમાં તપાસ માટે ડીજીપી ઑફિસ દ્વારા સિનિયર અધિકારીની નિમણૂક થવી જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો