ભારત-નેપાળ સીમાવિવાદ : એ બજાર જે ભારત અને નેપાળના ઝઘડામાં પડી ભાંગ્યું

    • લેેખક, નીરજ પ્રિયદર્શી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બિહારના રક્સૌલ શહેરનું આ બજાર આજકાલ સૂમસામ પડ્યું છે. દુકાનો ખૂલે તો છે પરંતુ ગ્રાહક નથી, મોટાભાગના રસ્તાઓ ખાલી પડ્યા છે.

ભારત અને નેપાળની સરહદ પર વસેલું આ એકલું શહેર છે. સરહદની બીજી તરફ બીરગંજ શહેર છે, જે નેપાળના ઔદ્યોગિક પાટનગર તરીકે પણ ઓળખાય છે.

બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવની અસર આ બજાર પર સ્પષ્ટ દેખાય છે. સરહદ સીલ છે અને નેપાળથી આવનારા ગ્રાહકો ગાયબ છે.

રક્સૌલના સ્થાનિક પત્રકાર અમરદીપ કહે છે, “જો સરહદ સીલ ન થઈ હોત તો આ બજાર ખીચોખીચ ભરાયેલું હોત કારણકે લગ્નની સીઝન છે, બધા તહેવાર આવવાના છે. આ બજારમાં 70-80 ટકા ગ્રાહક નેપાળના હોય છે. એ લોકો અહીંથી કરિયાણું, વાસણ, કપડાં જેવી વસ્તુઓ ખરીદતા હોય છે.”

અમરદીપ અમને શહેરના મુખ્ય માર્ગ પર કપડાંના સૌથી મોટા થોક વેપારી પાસે લઈ ગયા. બે માળની તેમની દુકાનમાં 20થી વધારે લોકો કામ કરે છે, પરંતુ ગ્રાહક એક-બે જ છે.

નેપાળની સંસદે એક નવો નકશો બહાર પાડ્યો જેમાં ભારતના નિયંત્રણવાળા લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તાર પર પોતાનો દાવો દેખાડ્યો છે.

લોકો પલાયન વિશે વિચારતા થયા

દુકાનના માલિક બિમલકુમાર રુંગટા કહે છે, “અમારે અહીં 90 ટકા ગ્રાહક નેપાળથી આવે છે. લૉકડાઉન બાદ છેલ્લા 24 દિવસથી દુકાનથી ખોલી છે પરંતુ એટલો પણ માલ નથી વેચાતો કે સ્ટાફને પગાર આપી શકીએ."

"ઘરના પૈસા ખર્ચ થઈ રહ્યા છે. ત્રણ મહિનાથી દુકાન બંધ હતી, જેને કારણે અમારી પરિસ્થિતિ કથડી ગઈ છે. જો હજી ત્રણ મહિના આવું રહ્યું તો અમારે દુકાન બંધ કરવી પડશે.”

બીજા વેપારીઓની જેમ રક્સૌલના કારોબારીઓને પણ કોરોના મહામારીને કારણે નુકસાન ભોગવવું પડ્યું છે, પરંતુ નેપાળ સાથે તણાવને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

કપડાંના જથ્થાબંધ વેપારી દિનેશ ધનૌઠિયા કહે છે, "આશા હતી કે લૉકડાઉન પછી બધું બરાબર થઈ જશે. દુકાન ખોલવાની પરવાનગી મળી જશે પરંતુ નેપાળ બૉર્ડર પર તણાવ થઈ ગયો છે."

"લોકોની અવરજવર પણ બંધ છે. અમારા માટે દુકાનનું ભાળું કાઢવું મુશ્કેલ છે એટલે બીજી જગ્યાએ જઈને વેપાર કરવાનું વિચારીએ છીએ.”

'નો મૅન્સ લૅન્ડ'માં મુલાકાત માટે મજબૂર

ત્યાર બાદ અમે રક્સૌલની નજીક આવેલી નેપાળની સરહદ પર પહોંચ્યા, જ્યાં 'ગેટવે ઑફ નેપાળ' સ્થાપિત કરાયેલું છે, પરંતુ ગેટવે ઑફ નેપાળથી થોડે દૂર નેપાળની પોલીસે અમને રોકી દીધા.

જોકે ટ્રૅડ અને ટ્રાન્ઝિટ રૂટ હજી ચાલુ છે એટલે સડક માર્ગથી નેપાળ તરફ માલ લઈ જતાં ટ્રક અવરજવર કરી રહ્યા હતા.

તણાવ શરૂ થયો ત્યાર પહેલાં નેપાળના લોકો બૉર્ડર પર પરવાનગી લીધા વગર ભારતની સરહદમાં પ્રવેશ કરી શકતા હતા. લોકો એકબીજાને મળતા હતા અને સામાનની લે-વેચ કરે છે.

પરંતુ હવે આ મુલાકાત ‘નો મૅન્સ લૅન્ડ’માં થાય છે. સરહદ પર બંને દેશોની ચેકપોસ્ટ પર સામાનનું ચેકિંગ થતું હોય છે. સુરક્ષાકર્મીઓ લોકોને ‘નો મૅન્સ લૅન્ડ’ પર પણ વધારે રોકાવા નથી દેતા.

નેપાળના લોકોને પણ નુકસાન

નેપાળના નાગરિક જો ભારત આવીને કોઈ સામાન ખરીદે તો તેમને એટલી જ કિંમત ચૂકવવી પડશે જેટલી ભારતમાં હોય છે. પરંતુ એજ સામાન જો વેપાર ટ્રાન્ઝિટ મારફતે નેપાળ પહોંચે તો તેની કિંમત વધી જાય છે.

મહેશ અગ્રવાલ રક્સૌલ અને અન્ય સરહદી વિસ્તારોમાં કરિયાણાનો વેપાર કરે છે અને સીમા જાગરણ મંચ નામના એક સંગઠનના પ્રદેશ અધ્યક્ષ છે.

તેઓ કહે છે, "નુકસાન તો અમારું થઈ રહ્યું છે પરંતુ તેના કરતાં વધારે નેપાળના લોકોનું થઈ રહ્યું છે કારણકે તેમને ત્યાં મોંઘો સામાન ખરીદવો પડે છે."

"એ લોકોને અમારા કરતાં ચાર ગણું નુકસાન થઈ રહ્યું છે. આશા છે કે બૉર્ડર ફરી જલદીથી ખૂલશે કારણકે લાંબા સમય સુધી કોઈ નુકસાન નહીં સહન કરી શકે. નેપાળનું તંત્ર વધારે કડક થશે તો નેપાળી લોકો વિદ્રોહ કરી દેશે."

નેપાળમાં વેપાર કરતા ભારતીયોને પણ ખોટ

નેપાળની સરહદ સામાન્ય લોકો માટે બંધ હોવાને કારણે નેપાળમાં વેપાર કરતા ભારતીય લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે.

નેપાળના બીરગંજમાં મોટર પાર્ટ્સનો વેપાર કરનાર સુરેશકુમાર કહે છે, “અમારા જેવા હજારો લોકો છે. અત્યાર સુધી અમારા ગ્રાહકો બીજાના ગ્રાહક બની ગયા હશે."

"જો દુકાનો ખોલીશું તો પાછા ગ્રાહક બાંધવા મુશ્કેલ થશે. હાલની પરિસ્થિતિને જોતાં અમે પ્લાન કર્યો છે કે હવે અમે વેપારને નેપાળથી ભારત લઈ આવશું."

"પરંતુ તેના માટે અવરજવર શરૂ થાય એની રાહ જોવી પડશે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો